નાના-મોટાની મર્યાદા રાખો - 2

  January 19, 2015

(2) નોકરી-ધંધામાં:

નોકરીમાં-ધંધામાં તથા અભ્યાસના કે કોઈ પણ ક્ષેત્રમાં જેટલી આપણે અન્યની મર્યાદા રાખીશું, એટલી જ આપણી મર્યાદા સચવાશે. નોકર શેઠની મર્યાદા રાખવાનું જો ક્યારેય ન ચૂકે, તો શેઠ પણ નોકરની ફક્ત મર્યાદા જ નહિ, એના પ્રત્યેની ફરજને પણ ચૂકતા નથી.

એક શેઠને ત્યાં 40 વર્ષના એક અભણ નોકર હતા. તેઓ લગભગ છેલ્લાં 20 વર્ષથી નોકરી કરે. નોકરના શેઠ પ્રત્યે તેમજ અન્ય વ્યક્તિઓ સાથેના મર્યાદી અંગને કારણે સૌના માનીતા બની ગયા હતા. શેઠને પોતાની કંપનીના મૅનેજર કરતાં પણ, છેલ્લી પોસ્ટ પર નોકરી કરતા એક નોકર પ્રત્યે, વિશેષ આદરભાવ હતો.

એક દિવસ શેઠે નોકરના વિનયી, વિવેકી અને સંયમી જીવનથી પ્રભાવિત થઈ એક મોટી મિજબાનીનું આયોજન કર્યું. કંપનીની તમામ વ્યક્તિઓની વચ્ચે એમનું બહુમાન કરી એક“આદર્શ વ્યક્તિ” તરીકે બિરદાવ્યા. અને બધાની વચ્ચે આ નોકરનો હાથ પકડીને કહ્યું કે, કદાચ જો તમે થોડું પણ ભણેલા હોત તો હું તમને મૅનેજરની પોસ્ટ સુધી લઈ જાત. પરંતુ આજે હું તમારા જીવનથી પ્રભાવિત થઈ, તમારા સંપૂર્ણ જીવનની અને તમારા પરિવારના સભ્યોના જીવનની જવાબદારી લઈ લઉં છું. આ પ્રભાવ છે મર્યાદી જીવનનો.

(3) ઘરમાં-વ્યવહારમાં:

પરિવારના સભ્યો વચ્ચે સુહૃદભાવનો સેતુ બાંઘવા માટે નાનામોટાની મર્યાદા અનિવાર્ય છે. નાનામોટા પરિવારના સભ્યો વચ્ચે મર્યાદા હોય તો જ ઘરમાં અરસપરસ પ્રેમ, લાગણી, ભ્રાતૃભાવ રહે છે. આપણા પહેરવેશમાં, રહેણીકરણીમાં, જરૂરિયાતોમાં, હરવા-ફરવામાં, જોવામાં, બેસવામાં, ઊઠવામાં, સૂવામાં દરેક ક્રિયામાં ઘરના વડીલની મર્યાદા સચવાવી જોઈએ. ઘરના વડીલે પણ અન્ય સભ્યોની મર્યાદા રાખવી જોઈએ. આવી મર્યાદા ન સચવાય તો સાથે રહેવા છતાં, ક્યાંક અંદરથી એકબીજા પ્રત્યે આદરની ભાવના શૂન્ય થઈ જાય છે. પછી કોઈના બે શબ્દ સહન કરી શકાય નહીં. કોઈના માટે સહેજ પણ નમી, ખમી દેવાની ભાવના જ ન રહે અને મન નોખાં પડી જાય છે.

(4) બોલવામાં(વાણીમાં) મર્યાદા:

વ્યક્તિનું વર્તન એની વાણી ઉપરથી પરખાઈ જાય છે. સત્સંગમાં, નોકરી-ધંધામાં કે પછી ઘરમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો પરસ્પર વ્યવહાર,મોટે ભાગે વાણી દ્વારા જ થતો હોય છે. જેટલી વાણી મધુર અને મર્યાદી એટલા જઆપણે રાજી રહી શકાય અને અન્યને પણરાજી કરી શકાય. હંમેશાં કટુ વાણી ત્યજીને મધુર વાણી જ બોલતાં શીખીએ,કારણ કે કટુ વાણી એ ક્લેશ અને કંકાસનું મૂળ છે. મન નોખાં કરવાનો ખતરાભર્યો અખતરો છે.સૌને માનથી બોલાવવાં.તેમના વિષે ક્યારેયતોછડાઈ ન વાપરવી.

એક વખત શ્રીજીમહારાજ ભૂજ પધારતા હતા ત્યારે કેટલાક હરિભક્તો મહારાજની સાથે આવવા તૈયાર થયા. મહારાજે તેમને રસ્તામાં વાત કરી કે,“હરિભક્તો નાત-જાતના, નાનામોટાના ભેદ ભૂલી પરસ્પર એકબીજાના સેવક બનવું. એકબીજાને ‘તું’કારે બોલાવવા નહિ, કોઈને પારકા માનવા નહીં. આ પ્રમાણે અમારું વચન માનીને વર્તે તે જ બુદ્ધિવાળો છે. બુદ્ધિવાળાને સાચી વાત તરત સમજાય છે.” માનકૂવા પહોંચ્યા પછી શ્રીહરિ ફરી ઉપદેશ આપતાં કહે છે કે,“એકબીજાની મર્યાદા રાખવી, કટુ વચન બોલવું નહિ, કટુ વચન બોલે તે કુસંગી કેહવાય.”

(શ્રી હરિચરિત્રામૃતસાગર : પુર-5, તરંગ-39)

એક વખત પ.પૂ.સ્વામીશ્રી પ્રાત:સભામાં લાભ આપી રહ્યા હતા. તે વખતે કોઈ મુક્તરાજે સભાનું પુનરાવર્તનકરાવતાં કહ્યું કે,“એક રાજા હતો.” ત્યારે પ.પૂ.સ્વામીશ્રીએ તરત શીખવાડ્યું કે, “આપણી વાણીમાં ક્યાંય તોછડાય કે‘તું’કાર ન આવવો જોઈએ. રાજા હતો એમ નહિ, રાજા હતા એમ બોલવું.” આમ મહારાજ અને મોટાપુરુષે અપણા જીવનમાં વાણીની મર્યાદા શીખવીછે.

આપણા સમાજમાં એટલે જ અરસપરસ નાનામોટાનો મયિકભાવ છોડી ‘દયાળુ’ અને‘મહારાજ’ તરીકે જોવા, સમજવા ને સંબોધવાની રીત મોટાપુરુષે આપણને શીખવી છે. તેને ખાસ અનુસરવુ તો મહારાજ ખૂબ રાજી થાય.

ક્યારેક નાના તો ક્યારેક મોટા:

“બીજાને નાના સમજવા સેહેલું છે પરંતુ પોતાને નાના સમજવું મુશ્કેલ છે.” પીટર બોરોના આ મત મુજબ દરેક વ્યક્તિને હંમેશાં મોટા થવું જ ગમે છે. સામેની વ્યક્તિને આપણાથી નાના સમજવું ગમે છે. પરંતુ પોતાને બીજાથી નાના સમજવાનું થાય ત્યારે પોતાનો અહમ, પોતાનું સ્ટેટસ, પોતાનું અસ્તિત્વ ઝાંખાં પડી જાય છે, એટલે એ કોઈને ગમતું નથી. પરંતુ એ નક્કર વાસ્તવિકતા છે કે દરેક વ્યક્તિ કોઈકની આગળ મોટી તો કોઈકની આગળ નાની જરૂર હોય છે. ભારત દેશના વડાપ્રધાન દેશના તમામ નાગરિકો કરતાં મોટા પરંતુ તેમનાં માતાપિતા આગળ તો તેઓ નાના જ છે.એટલે કે દરેક વ્યક્તિએ જીવનમાં એકસાથે બે પાત્ર ભજવવાના હોય છે. ક્યાંકઆપણા ઘરમાં જ, આપણે પરિવારના સભ્યોમાં ધર્મપત્ની, દીકરાદીકરી કે નાનાં ભાઈબેહેન કરતાં મોટા છીએ, પરંતુ માતાપિતા આગળ તો ગમે તેટલું ભણ્યા હોય તોપણ નાના જ છીએ.

વ્યક્તિમાત્રના જીવનમાં એકસાથે નાના અને મોટા બંને તરીકેની ફરજ બજાવવા માટે, આદરરૂપી આભૂષણ પહેરવું ફરજિયાત છે. એક વડીલ તરીકે સૌની સાથે એકમના થઈને રેહવા પરિવારના સભ્યોમાં રસ દાખવવો, એમના માટે સમય ફાળવી એમની વાતોને સંભાળવી, એમના દર્દોના હમદર્દી બનવું, એમને પ્રોત્સાહનના બે શબ્દો કેહવા, એમની ભૂલોના નિંદક કે વ્યંગકાર બનવાને બદલે તેમને માફ કરી ભૂલને સુધારવાની તક આપવી– આવા આદરભર્યા વર્તનથી પરિવારની આત્મીયતા ઘનિષ્ઠ બને છે. એક મત અને એક મન સાથે પરિવાર માં સુમેળની સરવાણી વહે છે.

એટલુ જ નહિ, આપણા ઘેર સમાચારપત્ર કે મેગેઝીન આપવા આવનાર ફેરિયો કે ટપાલી, દૂધ આપનાર ભરવાડ કે શાકભાજી આપનાર કે સોસાયટીના ઝાડુવાળા કે પછી ઘરના કામવાળા નોકર હોય પણ સૌની સાથે આદરથી આત્મીયાતાભર્યા શબ્દો બોલાય તો તેમનો આપણા પ્રત્યેનો વર્તાવ બદલાઈ જાય છે. કારણ કે દરેક વ્યક્તિને કોઈના લાગણીભર્યા બે શબ્દોની ભૂખ હોય છે.

ઘરના વડીલ પ્રત્યે પણ આદરભર્યા વર્તાવથી તેમના હૃદયને હાશકારો અપાવી શકાય છે.કદાચ આપણે ઘરમાં કે સત્સંગમાં નાના હોઈએ અને કોઈ વડીલ વ્યક્તિ આપણને આપણી ભૂલ ઓળખાવે કે બે શબ્દો કહે ત્યારે અવળે પાટે ગાડી ન ચડાવતાં તરત જ વિચારવું કે હશે, ગમે તેમ તોય તે મારા કરતાં મોટા છે. એ નહિ કહે તોમને કોણ કહેવા આવશે? કોણ મને સાચા રસ્તે વાળશે? મને રોક-ટોક કરી મારી ભૂલ સુધારી મારું હિત કરવાની એમની ફરજ બજાવી રહ્યા છે, માટે, ક્યારેય એમની આમાન્યા ચૂકવી નહીં.