નાના-મોટાની મર્યાદા રાખો - 3

  January 28, 2015

આદર્શ વ્યક્તિત્વનું પ્રતીક:

આદર્શ વ્યક્તિના જીવનમાં માન-મર્યાદા, આદરભાવ, આજ્ઞા ઝીલ્યાના ગુણો સહેજે ઝરતા હોય છે. વડીલો પ્રત્યેની મર્યાદા અને આદરભાવ કેવાં રાખવાં એ એક આદર્શ વ્યક્તિત્વ દ્વારા નિહાળીએ.ભારતની ભૂમિ ઉપર અંગ્રેજ સલ્તનતનો સૂરજ તખત પર તપતો હતો ત્યારની આ વાત છે. એક પ્રમાણિક, મહાબુદ્ધિશાળી અને તર્કશક્તિ ધરાવનાર ન્યાયાધીશ કલકત્તાની હાઈકોર્ટમાં હતા. તેમની બુદ્ધિપ્રતિભાના કારણે, તેમના કેટલાક મિત્રો તેમને વિલાયત જવા વારંવાર પ્રેરણા કરતા. તેમને પોતાને પણ વિલાયત જવાની અદમ્ય ઇચ્છા હતી. તેથી એક વખત તેમણે તેમનાં માતુશ્રી આગળ વિલાયત જવા માટેની ઇચ્છા રજૂ કરી. તેમની વિલાયત જવાની ઇચ્છા સાથે તેમનાં માતુશ્રી સહમતન થયાં અને ના પાડી દીધી . પોતાની માતાની ઇચ્છા ન હોવાથી તેમણે વિલાયત જવાનો વિચાર માંડી વાળ્યો.

આ સમયે ભારતના ગવર્નરલોર્ડકર્ઝન કોઈ કારણોસર કલકત્તા આવ્યા હતા. રાજ્યના કોઈ કાર્ય માટે તેમને આ કલકત્તાના ન્યાયાધીશ સાથે મુલાકાત થઈ. મુલાકાત દરમ્યાન તેમની ઉચ્ચ બુદ્ધિપ્રતિભા અને તર્કશક્તિથી તેઓ પ્રભાવિત થઈ ગયા અને તેમને વિલાયત જવા માટે પ્રેરણા કરી. ત્યારે ન્યાયાધીશસાહેબે વિનમ્ર ભાવે કહ્યું કે,“સાહેબ, મારાં માતાની ઇચ્છા નથી એટલે હું વિલાયત જવાની ના પાડું છુ.”

ન્યાયાધીશનો આવો જવાબ સંભાળતાં લોર્ડ કર્ઝને કડક શબ્દોમાં ફરમાન કરતાં કહ્યું કે,“જાવ, તમારી માતાને કહી દેજો કે ગવર્નર જનરલે તમને વિલાયત જવા માટે હુકમ કર્યો છે, આજ્ઞા કરી છે.” ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સ્પષ્ટપણે છતાં આદરપૂર્વક જવાબ આપતાં ન્યાયાધીશસાહેબે કહ્યું કે,“સાહેબ માફ કરજો. પણ હું મારા વડીલની મર્યાદાને ક્યારેય લોપતો નથી. આ દુનિયામાં મારા માટે સૌથીપહેલી અને સૌથી વધારે અગત્યની આજ્ઞા જો હોય તોતે છે મારાં માતાની, મારાવડીલની. ગવર્નર જનરલ કે પછી કોઈ પણ ઉચ્ચ અધિકારી હોય પરંતુ મારાં માતાની આજ્ઞા કરતાં બીજાની આજ્ઞા નીચી છે, માટે મારાથી આ શક્ય નહિ બને.”

ગવર્નર લોર્ડ કર્ઝન તોન્યાયાધીશનીવડીલ પ્રત્યેની મર્યાદા અને આદરભાવ જોઈ અચંબામાં પડી ગયા. આ ન્યાયાધીશ હતા બંગાલ વિશ્વ વિદ્યાલયના વાઇસ ચાન્સેલર શ્રી આશુતોષ મુકરજી.

આપણે ભલેઅવરભાવમાંઆશુતોષ મુકરજી ને મળ્યા નથી, પરંતુ એમના જીવનમાં એમના પરિવારના સભ્યો વચ્ચે મર્યાદાના અભાવે ક્યારેય મન જુદાં પડ્યાં હશે કે આત્મીયાતાનું ભંગાણ થયું હોય એવો કોઈ પ્રસંગ બન્યો હશે? ના... કારણ કે જ્યાં વડીલોની બોલ ઝીલવાની આટઆટલી મર્યાદા સચવાતી હોય ત્યાં આત્મીયતા તો હોય જ.

મર્યાદાનું મૂલ્ય :

મર્યાદાનું મૂલ્ય અમૂલ્ય છે. મોટાની મર્યાદાનું મૂલ્ય સમજાવતાં શ્રીજીમહારાજે સારંગપુરના ૨જા વચનામૃતમાં કહ્યું છે કે,

“પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન-ઉત્તર કરતા હોઇએ અને તેમાં પરસ્પર વાદ-વિવાદ થાતો હોય ને તેમાં પોતે જીતીએ એમ જણાય તોપણ જે મોટા થી નાનો હોય તેને મોટાને સમીપેનમી દેવું અને આપણા કરતાં મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન-ઉત્તરે કરીને ભૂંઠા પડેએમ કરવું નહિ; મોટા સંત આગે ને પરમેશ્વર આગે તો જરૂર હારી જાવું અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવાઅયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનવું. તેમાંયોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહિ પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય ને તેમાંઆશંકા થાય એવું હોય તોપણ તે સમાને વિષે ના પડવી નહીં.”

મોટાની મર્યાદા રાખવાની અનોખી રીત મહારાજે ફક્ત પોતાના આશ્રિતગણને સમજાવી જ નથી, પરંતુ પોતાના જીવનમાં અનેક વાર તેનાં દર્શન પણ કરાવ્યાં છે.નીલકંઠવર્ણી વેષે મહારાજે લોજપુરમાં વનવિચરણનો અંત આણ્યો. પોતે અક્ષરધામના અધિપતિ પુરુષોતમનારાયણ હોવા છતાં,સદગુરુ રામાનંદ સ્વામી કરતાં નાના પરંતુ આશ્રમમાં મોટેરા એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં વર્ત્યા. ક્યારેય સ્વામીની મર્યાદા ચૂક્યા નહિ, જે આજ્ઞા કરે તેને સહર્ષ સ્વીકારી લેતા.

એટલું જ નહિ, સ્વામિનારાયણ સંપ્રદાયની પોતે સ્થાપના કર્યા પછી, ત્રણ હજારસંતોનાઅને વીસ લાખ હરિભક્તોનાભગવાન હોવા છતાં, સદગુરુ મુક્તાનંદ સ્વામીની મર્યાદા પોતે રાખી અને પોતાના સમગ્ર શિષ્યવૃંદ પાસે રખાવી છે. મહારાજ પોતે સ્વયં રોજ સવારે સદગુરુ મુક્તાનંદ સ્વામીના આસને દર્શન માટે જતા અને સૌ સંતો-હરિભક્તોને પણ આજ્ઞા કરી હતી કે,“સદગુરુ મુક્તાનંદ સ્વામીના આસને દર્શન કરીને પછી અમારાં દર્શન કરવા આવવું.”

ક્યારેક અતિ મહત્વના મોટા નિર્ણય લેવાના હોય ત્યારે પોતે સ્વયં ધણી હોવા છતાં શ્રીજીમહારાજ સદગુરુમુક્તાનંદ સ્વામીને અચૂક પૂછતા, અભિપ્રાય માંગતા. મહારાજની આ રીતને આપણા સ્વજીવનમાં દ્રઢ કરીએ.

મોટાના આદરનો ખ્યાલ, મર્યાદાનો ખ્યાલ એ જ આપણા સંસ્કારનો ખ્યાલ છે અને નાનાની મર્યાદા એ આપણા વિશાળ હૃદયનો ખ્યાલ છે. આપણાથી નાનાની મર્યાદા રાખવાની અદભુત રોતનો દિવ્ય સંદેશ પ.પૂ.સ્વામીશ્રીના જીવંત પ્રસંગ દ્વારા મળે છે.

એક વખત પ.પૂ.સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત:સભામાં લાભ આપી રહ્યા હતા. સભાપૂર્ણાહુતિના આરે હતી. અન્ય સેન્ટરમાંથી પધારેલા પૂ.સંતો ઉતાવળ હોવાથી, દૂરથી જ પ.પૂ.સ્વામીશ્રીનાં દર્શન કરી સભા પૂર્ણ થતાંની સાથે નીકળી રહ્યા હતા. અનંતને દિવ્યજીવનના પ્રેરણામૂર્તિ એવા વહાલા પ.પૂ.સ્વામીશ્રીએ પૂ. સંતોને કહ્યું,“સંતો બે મિનિટ ઊભા રહેજો.મારે તામારાં દર્શન કરવાનાં બાકી છે.” એમ કહી આસન પરથી ઊભા થઈ સંતો પાસે પહોંચી ગયા. એસ.અમ.વી.એસ. સંસ્થાના સંચાલનની સંપૂર્ણ જવાબદારી ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીના શિરે સોંપી છે, છતાં એક નાનામાં નાના સંતની પણ કેટલી મર્યાદા !

પૂ.સંતો વિચરણમાંથી પધારે ત્યારે કે પ.પૂ.સ્વામીશ્રી અન્ય સેન્ટરમાં વિચરણ માટે પધારે ત્યારે પણ નાનામાં નાના સંતને, નીચે બેસી જય સ્વામિનારાયણ કરે. કેવી અદભુત રીત! નાનામાં નાના પણ મર્યાદા સાચવવાની!

આપણા ઘરમાં હજુ આપણે આપણા વડીલને પણ, ચરણસ્પર્શ કરીને જય સ્વામિનારાયણ કહેવામાં શરમ કે સંકોચ અનુભવીએ છીએ. તો પછી આપણાથી નાનાને તો કેવી રીતે નમીને જય સ્વામિનારાયણકહેવાય?

માટે હવે જયારે મહારાજ અને મોટાપુરુષનો એમના સંકલ્પસમા પાત્ર કરવાનો સંકલ્પ અતિ પ્રબળ બન્યો છે ત્યારે, પોતાના અસ્તિત્વને મિટાવી સરળ થઈ, એમના સંકલ્પમાં ભેગા ભળી જઈએ એ જ આપણી શિષ્ય તરીકેની ફરજ છે. એકમના થઈને રેહવા માટે સૌમાં મહારાજનાં દર્શન કરી, એકબીજાની મર્યાદા આપણા જીવનમાં સુદ્રઢ કરીએ અને નિર્માની ગીતની આ પંક્તિ જીવનમાં ચરીતાર્થ કરીએ:

“મોટાની આગળ ઠરાવો છોડી, સરળ થઈને રાજી કરો;

નાનાની આગળ પાવર છોડી, પ્રેમે કરીને રાજી કરો.

દર્શન શ્રીજીનાં સૌમાંકરો, મુક્ત ભાવે સૌમાં પ્રીતિ કરો.”

નિર્માની થઇને પ્રભુને ગમો.....

વિશેષ દૃઢતા માટે:

આ વિષયને આનુસંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-DVD)પ્રકાશનો:

1.  ભલે દયાળુ ભાગ-1,2

2.  નિર્માની થઈએ