નીચી ટેલની સેવાનો આગ્રહ

  February 28, 2017

“નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો...”

વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી એટલે સેવાની મૂર્તિ. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની જોડે રહેનારા સંતો-હરિભક્તોને નિરંતર તેઓના જીવનમાંથી નીચી ટેલની સેવાનો અતિશે આગ્રહ જોવા મળે. એ દિવ્યપુરુષ સતત સંતો-હરિભક્તોની નીચી ટેલની સેવા કરવા ઝંખતા હોય છે. જેથી તક મળતાં જ આવી સેવાનો લાભ લઈ લે છે.

તા. ૨૧થી ૨૭ ડિસેમ્બર, ૨૦૧૨ દરમ્યાન સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે SMVS સંસ્થાને ૨૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાત-દિવસીય રજત જયંતી મહોત્સવ ચાલી રહ્યો હતો. શિયાળાના દિવસો હતા. ખૂબ કડકડતી ઠંડી હતી. એટલે સ્વાભાવિક છે કે ગરમ પાણીથી ન્હાવું પડે. મહોત્સવ દરમ્યાન રોજ સવારે કૅમ્પસનાં તમામ બિલ્ડિંગોમાં ગરમ પાણી આવતું હતું. પરંતુ ઝાઝો માસ (સંખ્યા) હોવાથી એક દિવસ સવારે સંત આશ્રમમાં ગરમ પાણી આવવાનું બંધ થઈ ગયું. બહુધા સંતોને સ્નાનાદિક ક્રિયા પૂરી થઈ ગઈ હતી. પરંતુ, બે સંતોને સ્નાન કરવાનું બાકી હતું એટલે જોડે રહેલા અન્ય સંતો ગરમ પાણીની વ્યવસ્થા કરવા માટે ગયા. આ બાજુ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને આ વાત ધ્યાનમાં આવી. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તરત જ આસનેથી ગરમ પાણીની બે ડોલ ભરીને પોતે સ્વહસ્તે ઉપાડી તે સંતોને બાથરૂમમાં ગરમ પાણી આપવા માટે પધાર્યા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને ગરમ પાણી લાવતા જોઈને બંને સંતો મૂંઝવણ અનુભવવા લાગ્યા. એમને સંકોચ થયો. આ જોતાં માતૃવત્સલ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તરત જ બોલી ઊઠ્યા, “કોઈ ચિંતા ન કરશો, મૂંઝાશો નહિ, તમને ગરમ પાણીથી સ્નાન કરાવવાની સેવાનો લાભ અમને મળે ક્યાંથી ??! હજુ જરૂર હોય તો બીજું ગરમ પાણી લઈ આવું ?!! તમે બધાય ન્હાવ... ભેળા મહારાજ ન્હાય. આ સેવા મને ક્યારે મળે ??! આહાહા !!”

જ્યારે સ્વયં શ્રીજીમહારાજ નીલકંઠવર્ણી રૂપે લોજમાં સંતોની નીચી ટેલની તમામ સેવાઓ કરતા; એવી જ રીતનાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીમાં પણ દર્શન થાય. નીચી ટેલની સેવા કરવામાં એ દિવ્યપુરુષને અંતરે સહેજ પણ સંકોચ-અણગમો કે શરમ જોવા ન મળે. નીચી ટેલની સેવા મળે તો એ દિવ્યપુરુષ રાજીના રેડ થઈ જાય અને પોતાની અન્ય તમામ વ્યવહારિક સેવાઓ છોડીને બેવડા ઉત્સાહથી નીચી ટેલની સેવા કરતા દર્શન થાય.

એક વખત બપોરના સમયે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે સંતો ઠાકોરજી જમાડતા હતા. ઠાકોરજી જમાડ્યા બાદ સંતો પત્તર ઘસવા માટે આવ્યા. સંતો પત્તર ઘસતા હતા ત્યાં તો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સંતો જમાડવા બેઠા હતા ત્યાં ઘૂંટણિયા થઈ પોતું કરવા લાગ્યા. પૂ. સંતોએ પત્તર ઘસતાં ઘસતાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને પોતું કરતા જોયા. તરત જ બે સંતો દોડીને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના હસ્તમાંથી પોતું લેવા લાગ્યા ને સંતોએ કહ્યું, “દયાળુ, આ સેવા આપને ન કરવાની હોય.” ત્યાં જ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી બોલી ઊઠ્યા, “કેમ આ સેવા મારે નહિ કરવાની ?? તમે બધા અમારી સેવા કરો તો અમારે તમારી સેવા ના કરાય ? મને પણ આ સેવાનો અધિકાર છે, હું કાંઈ મોટો નથી. હું તો બધાય સંતોનો સેવક છું. અને સેવકનો ધર્મ છે નીચી ટેલની સેવા કરવાનો. માટે મને આ સેવા કરવા દો.”

આહાહા !!! નીચી ટેલની સેવા કરવાનો આગ્રહ એ દિવ્યપુરુષના જીવનમાં કેવો સતત દર્શન થયા કરે છે ! પધરામણીમાં સાથે ગયા હોઈએ ત્યારે એ દિવ્યપુરુષ જાતે નીચે વળીને સંતોનાં ચંપલ વ્યવસ્થિત મૂકી આપે, સંતોને બેસવા માટે ગાડીનો દરવાજો ખોલી આપે, સંતોને ઠાકોરજી જમાડવા બેસવાનું હોય તો કોઈને ખબર ન પડે એ રીતે પત્તર મૂકી દે, સંતો ન્હાવા પધારે ત્યારે બાથરૂમમાં ધોતિયાં મૂકી આવે, બહારથી સંતો પધારે ત્યારે પોતાના સ્વહસ્તે સંતોના હાથમાંથી સામાન લઈ પોતે ઉપાડી લે. આવી તો નીચી ટેલની સેવાના આગ્રહનું એ દિવ્યપુરુષના જીવનમાં સતત દર્શન થયા કરે છે. ત્યારે આપણે પણ એ દિવ્યપુરુષને સેવેલા શિષ્યો છીએ. ત્યારે આપણા જીવનમાં પણ એવી નીચી ટેલની સેવાનો આગ્રહ કેળવાય એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના...