નિખાલસતાનો અનુભવ

  July 8, 2017

દંભ ? કપટ ? યુક્તિ-પ્રયુક્તિ ? અરે ! ના, ભાઈ ના ! કેવી નિખાલસતા ! ઊડીને આંખે ચોંટે. નહિ કોઈ શરમ કે સંકોચ ! નહિ પોતાની પદવીનો ખ્યાલ ! નહિ કોઈ પોતાપણાનો ભાર ! હા... મુક્તો, ગુરુવર્ય પ.પૂ. બાપજીની નિખાલસતા આગળ આપણે સૌ કોઈ ઝાંખા પડી જઈએ. જેવા એ દિવ્યપુરુષ બે-પાંચ જણની આગળ નિખાલસ હોય એવા ને એવા જ હજારો ને લાખોની મેદની વચ્ચે પણ હોય !

     તા. 5, 6 અને 7 નવેમ્બર-2013ના રોજ વાસણા ખાતે ઊજવાયેલ જ્ઞાનસત્ર-7નો આ પ્રસંગ છે. અંતિમ દિનના રોજ પ્રાત: સેશનનો સાત વાગ્યાનો સમય હતો. મૂર્તિધામ હૉલમાં હરિભક્ત સમાજની હકડેઠઠ મેદની જામી હતી. ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનું મૂર્તિધામ હૉલમાં આગમન થયું. સૌએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. એટલામાં સ્ટેજ ઉપરથી જાહેરાત થઈ, “હવે ગુરુવર્ય પ.પૂ. બાપજી આપણને સૌને ધ્યાનનો લાભ આપી, મૂર્તિસુખમાં રમમાણ કરશે.” ત્યાં તો ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલી ઊઠ્યા, “જો મને સ્વામી (પ.પૂ. સ્વામીશ્રી) જેવું ધ્યાન કરાવતા નથી આવડતું. માટે બધા અમારી ઉપર રાજી રહેજો.”

     વળી, એ જ દિવસે બપોરના સેશનમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા. એમાં વચ્ચે કોઈક અંગ્રેજી શબ્દ બોલવાનો થયો. ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “મને અંગ્રેજી બોલતા નથી આવડતું. હું ભણેલો-ગણેલો નથી. મને અંગ્રેજીમાં વાત કરતાંય ન આવડે. મારા કરતાંય સ્વામી સારી વાતો કરે છે. એની આગળ આપણે કશું નહીં !”

     તા. 18-2-14ના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી સમર્પિત તાલીમ કેન્દ્રમાં તાલીમાર્થી મુક્તોને લાભ આપવા માટે ગાંધીનગર ખાતે પધાર્યા હતા. સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી પધાર્યા ત્યારે મુક્તો કીર્તન ગાઈ રહ્યા હતા : ‘ખાવું, પીવું, બેસવું, સૂવું...’ કીર્તન પૂરું થયા બાદ મુક્તોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “બાપા, આ કીર્તન સમજાવો ને !” ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “તમને કીર્તન સમજાવીએ પણ તમે બધા અમારી પર રાજી રહેજો. અમને કીર્તન ગાતાં નથી આવડતું. તમારા જેવું અમે ગાઈ ન શકીએ.”

     તા. 15-9-08 ને સોમવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી યુ.એસ.એ. વિચરણ બાદ સૌપ્રથમ વાસણા ખાતે પૂનમની સભામાં દર્શન-આશીર્વાદનો લાભ આપવા પધાર્યા હતા. સમૈયાની કથામાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ લાભ આપતાં કહ્યું કે, “પ્રકૃતિના સુખમાંથી જીવને પ્રીતિ છૂટતી જ નથી. માત્ર ભારતમાં રહેનારાને જ નથી છૂટતી એવું નથી. યુ.એસ.એ.માં પણ એ જ પરિસ્થિતિ છે. બધેય કાગડા કાળા જ છે.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલી ઊઠ્યા કે, “સ્વામી, એવું નહિ, મેં અમેરિકામાં એક ધોળું કબૂતર જોયું હતું હોં !!!” કેવી નિખાલસતા !!