નિયમિતતા-1
July 5, 2018
સામાન્ય જીવનને અસામાન્ય જીવન તરફ લઈ જવા આપણા સૌના જીવનમાં જરૂર છે એક સામાન્ય ગુણની એટલે કે નિયમિતતાની...
અનાયાસે જ કોઈ પણ વસ્તુ, પદાર્થ કે ક્રિયા દ્વારા આપણા જીવન માટે કોઈ ને કોઈ અતિ મહત્ત્વનો સંદેશ મળતો હોય છે. જે ક્યારેક વાચાળ તો ક્યારેક મૂક પણ હોય છે. જેમ કે, સૃષ્ટિનું ચક્ર નિયમિતપણે ચાલે છે. તેમાં સૂર્ય અને ચંદ્ર નિયમિત ઉદય પામે છે અને અસ્ત થાય છે. તેઓ કદી ઉદય-અસ્તપણાની નિયમિતતા ચૂકતા નથી. ઋતુઓ પણ સમયાનુસાર બદલાય છે. ફળ-ફૂલ પણ ઋતુને અનુસાર ફળે છે. આવી કુદરતી અનેક ઘટનાઓ યુગોયુગથી કોઈ ચોક્કસ નિયમિતતાથી ઘટ્યા જ કરે છે... ઘટ્યા જ કરે છે. જેના આપણે રોજબરોજના સાક્ષી છીએ. કુદરતની આવી સાહજિક નિયમિતતા માનવજાત માટે પ્રેરણાત્મક બાબતો બની રહી છે.
આપણામાં નિયમિતતા જો સ્વભાવ બની જાય તો સફળતા તેના કદમો જરૂર ચૂમે છે.
નિયમિતતા એટલે કોઈ પણ ક્રિયા, કાર્ય કે પ્રવૃત્તિનું યોગ્ય દિશામાં સાતત્ય.
સ્વયં શ્રીજીમહારાજ મનુષ્યોને મનુષ્ય જેવાં દર્શન આપતા ત્યારે ૩,૦૦૦ જેટલા નંદસંતો હતા. મહારાજે કોઈને ગઢપુરમાં બેસાડી રાખ્યા નહોતા, પરંતુ ૫-૧૦-૨૫-૫૦ જેટલા સંતોનાં મંડળો કરી ગામોગામ અને દેશોદેશમાં વિચરણ અર્થે મોકલ્યાં હતાં. સંતોએ એક-બે દિવસ વિચરણ ન કર્યું, સતત વિચરણ ચાલુ રાખ્યું. “દીવો ત્યાં દાતણ નહિ અને દાતણ ત્યાં દીવો નહીં.” એવું સતત વિચરણ શ્રીજીમહારાજે પોતે કર્યું અને સંતો પાસે કરાવ્યું હતું અને અદ્યાપિ સૌ સંતો વિચરી રહ્યા છે. મહારાજ અને મોટાપુરુષની કૃપાની સાથે સાથે સંતોના નિયમિત થતા વિચરણની ફલશ્રુતિ રૂપે આજે સ્વામિનારાયણ સંપ્રદાય સંવત ૧૮૫૮માં સ્થપાયો ત્યારથી ૨૧૫ વર્ષના ટૂંકા સમયગાળામાં વિશ્વના ફલક પર વિસ્તર્યો છે. તેના આજે દિગંતમાં ડંકા વાગી રહ્યા છે.
વર્તમાનકાળે પણ એ જ આગ્રહ મોટાપુરુષના જીવનમાં પણ તાદૃશ્ય થાય છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું જીવન એટલે નિયમિતતાનો સાક્ષાત્ સંદેશ. ગમે તેટલા મોટા ઉત્સવ, સમૈયા, મહોત્સવ હોય પરંતુ કથાવાર્તા કરવાની હોય, આરતી-દર્શન કરવાનાં હોય, વચનામૃત-બાપાશ્રીની વાતોનું વાંચન કરવાનું હોય કે પ્રાર્થના કરવાની હોય પરંતુ તેમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની કદી સરતચૂક ન થાય. એટલું જ નહિ, આજે ૮૬ વર્ષની જૈફ વયે પણ વિચરણમાં એક દિવસ પણ રજા રાખી નથી. તેઓ કદી કોઈ સભામાં મોડા પહોંચ્યા જ નથી. દૈનિક જીવનની જાગવાની, પોઢવાની, જમવાની, નાહવાની કે પછી કોઈ પણ બાબત હોય તેમાં કદી ગુરુવર્ય પ.પૂ. બાપજીના સમયમાં ફેરફાર જોવા જ ન મળે.
આવાં જ નિયમિતતાનાં દર્શન પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાં પણ થાય છે. ઈ.સ. ૨૦૧૫ની તા. ૧૧થી ૧૩ ડિસેમ્બર દરમ્યાન પ.પૂ. સ્વામીશ્રી વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે મુંબઈ વિચરણમાં પધાર્યા હતા. ઘણા સમયે પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા હોવાથી હરિભક્તોને પણ વધુમાં વધુ લાભ લેવાનો આગ્રહ રહેતો હતો. તા. ૧૩-૧૨-૨૦૧૫ના રોજ વિચરણનો અંતિમ દિવસ હોવાથી સવારથી જ સભા, પધરામણી અને હરિભક્તો સાથેની મુલાકાતો શરૂ થઈ ગઈ હતી.
પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ પર બિરાજતા હોય કે વિચરણમાં વ્યસ્ત હોય તોપણ આપણને મહારાજમાં જોડાવાની રીત શીખવવા ઠાકોરજી સાથે એકાંત કરવા માટેનો સમય નિયમિતપણે અચૂક ફાળવે જ. તા. ૧૩-૧૨-૨૦૧૫ના રોજ મુંબઈમાં સભા, પધરામણી અને મુલાકાતની વ્યસ્તતામાં પ.પૂ. સ્વામીશ્રીને એકાંત માટેનો કોઈ સમય મળ્યો જ નહીં. તેનું તેમને અંતરમાં ભારોભાર દુઃખ અને હૈયામાં રંજ હતો તેથી વિચરણની સતત વ્યસ્તતામાં પણ રાત સુધી દૃષ્ટિ એકાંત માટે સમય ફાળવવા તરફ જ હતી છતાં કાંઈ મેળ ન પડ્યો.
બીજું, પ.પૂ. સ્વામીશ્રી નિયમિતપણે જે તે દિવસે રાત્રે પોઢે તે પહેલાં બીજા દિવસે કરવાની સેવાની તથા મહત્ત્વનાં કાર્યોની અચૂકપણે નોંધ કરી લે; પછી જ પોઢે. તે દિવસે રાત્રે બાર વાગ્યે ટ્રેનમાં બેઠા ત્યાં સુધી એકાંત માટેનો સમય નહોતો મળ્યો તો સેવાકાર્યની નોંધ તો થઈ જ કેવી રીતે હોય ?
વિચરણની સતત વ્યસ્તતાના કારણે પ.પૂ. સ્વામીશ્રી અવરભાવમાં ખૂબ થાકી ગયા હતા. બીજા દિવસનું સેવા આયોજન બાકી હતું તે કરતાં પણ એકાંત બાકી હતું તે તેમને વધુ ખટકતું હતું. તેમ છતાં થાકને કારણે પોઢી ગયા પરંતુ ટ્રેન સવારે ૬:૦૦ વાગ્યે મણિનગર સ્ટેશને પહોંચવાની હોવાથી ૪:૪૫નું એલાર્મ મૂકી દીધું અને ગાર્ડને પણ જગાડવાની સૂચના આપી રાખી હતી.
સાથેના સંતોને ખલેલ ન પહોંચે તે માટે વગર એલાર્મે જાગી ગયા અને સ્વિચ બંધ કરી. ૫:૩૦ સુધી એકાંત કરી થોડી વાર માળા કરી અને ત્યારબાદ દિવસ દરમ્યાન કરવાનાં સેવાકાર્યોનું આયોજન કર્યું ત્યારે તેમને હાશ થઈ. સવારે ૬:૦૦ વાગ્યે ટ્રેનમાંથી ઊતરી ગાડીમાં બિરાજ્યા ત્યારે પણ બાકી રહેલાં કાર્યો પૂરાં કર્યાં. સ્વામિનારાયણ ધામ પર પહોંચી સ્નાન-પૂજા કરી વિચરણમાં થાકેલા હોવા છતાં એસ.ટી.કે.ની પ્રાતઃ સભામાં લાભ આપવા પધાર્યા. દેહના થાકને પણ અવગણીને નિયમિત પ્રાતઃ સભા કરવાનો તેમનો નિયમ પણ ન ચૂક્યા.
પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાં માળા-પ્રદક્ષિણા કે ચેષ્ટા હોય કે કોઈ પણ વ્યવહારિક કે યોગા-પ્રાણાયામ જેવી શારીરિક બાબતમાં પણ નિયમિતતાનાં દર્શન થતાં હોય છે.
મોટાપુરુષના આવા જીવંત પ્રસંગો પરથી આપણા જીવનમાં પણ ધ્યેયને પૂર્ણ કરવા, સફળતા વહેલી પ્રાપ્ત કરવા, કાર્યની આદર્શતા માટે તથા યોગ્ય પરિણામની પ્રાપ્તિ મેળવવા નિયમિતતાનો ગુણ કેળવીએ. પ્રથમ આપણા વ્યવહારિક અને શારીરિક જીવનમાં આ ગુણ દૃઢ કરીએ તો આધ્યાત્મિક જીવનમાં પણ કરી શકીશું. સામાન્યપણે જોઈએ તો કાર્યની અનિયમિતતા નહિ પરંતુ આપણી અનિયમિતપણે કાર્ય કરવાની વૃત્તિ જ ધારી સફળતા પ્રાપ્ત થવા દેતી નથી. માટે પહેલા નિયમિતપણે નક્કી કરેલું કરવું જ છે તેવો દૃઢ સંકલ્પ કરવો.
અને દૃઢ સંકલ્પ કર્યા પછી એ પ્રમાણે કરવા મંડી પડવું તો ધારેલી સફળતા જરૂર પ્રાપ્ત થશે.