પહેલાનું ભૂલી જવું - 3

  June 19, 2014

અતૂટ આત્મીયતા, સંપ અને સત્સંગને ક્ષણવારમાં છેદી નાખવાનું દુષ્કર્મ કરનાર છે આપણા ને અન્યને વિષે પડેલા પૂર્વાગ્રહના ડાઘ. આ પૂર્વાગ્રહના ડાઘથી રહિત થવાના ઉપાય આ લેખમાંથી ગ્રાહ્ય કરી સુખમાં ગરકાવ થઈએ.

શરીરમાં કેટલાક રોગ એવા હોય છે કે જે આપણને દુ:ખ આપતા હોય છતાં કળી ના શકાય. પણ એનો દુ:ખાવો એટલો બધો અસહ્ય થતો હોય કે જેનો ન તો કોઈ ઇલાજ કરી શકાય અને ન તો દુ:ખાવો સહન થાય. તેમ આ પૂર્વાગ્રહનો રોગ એવો છે કે જેને કળવો બહુ અઘરો છે. વળી એનો દુ:ખાવો સહન કરવો પણ અતિ કઠણ છે. જેમ પથરીનો દુ:ખાવો ક્યારે ઊપડે અને કેવો ઊપડે એ કાંઈ જ નિશ્ચિત નથી. તેમ પૂર્વાગ્રહરૂપી દુ:ખાવો ક્યારે ઊપડે અને કેવો ઊપડે એ પણ નિશ્ચિત હોતું નથી. પરંતુ પૂર્વાગ્રહની બળતરાને સહન કરવી બહુ કઠણ છે. સત્સંગમાં રહેવા છતાં પૂર્વાગ્રહ એવો છે કે જે આપણને સુખનો ઘૂંટડો પણ પીવા દેતો નથી. અને એટલે શ્રીજીમહારાજ ગઢડા મધ્યના 60મા વચનામૃતમાં પોતાનો અંતર્ગત અભિપ્રાય જણાવતાં કહે છે...

“જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસમું લાગે, અને તેની વેરભાવે આંટી પડી જાય તે જીવે ત્યાં સુધી ટળે નહિ એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મે યુક્ત હોય, ત્યાગે યુક્ત હોય, તપે યુક્ત હોય તે સર્વે વૃથા છે અને બીજાં પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં.”

“જેવો પોતાનાં સગાં-વહાલાં હોય અથવા માબાપ હોય તેનો પક્ષ રહે છે તેવો ભગવાનના ભક્તનો દૃઢ પક્ષ રાખવો, અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય પણ આંટી રાખે નહિ તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય.”

“અમારો દયાવાળો સ્વભાવ છે તોપણ જો કોઈક ભગવાનના ભક્તને ક્રૂર દૃષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગો-વહાલો હોય તોપણ જાણીએ જે તેની આંખ્ય ફોડી નાંખીએ અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુભે તો તે હાથને કાપી નાખીએ, એવો તેનો અભાવ આવે છે, પણ ત્યાં દયા નથી રહેતી. અને એવો જેને ભગવાનનો ને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય.

શાંત અને નિર્મળ જળની અંદર પથ્થર મારી જળને ડહોળવાનું કામ જો કોઈ કરતું હોય તો એ છે પૂર્વાગ્રહ. આપણા સત્સંગને, આપણી અતૂટ આત્મીયતાને, આપણા સંગઠનને, સંપને ક્ષણવારમાં છેદી નાંખવાનું દુષ્કાર્ય જો કોઈ કરતું હોય તો એ છે પૂર્વાગ્રહ. આપણે સૌએ જ્યારે કારણ સત્સંગના પ્રવર્તકો બની કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાના પ્રચંડ સંકલ્પ માટેની જહેમત ઉઠાવવાની છે, ત્યારે આપણી સ્લેટમાં જો આપણે સૌના દોષ જ નોંધ્યા કરશું તો એ ભરાયેલી સ્લેટમાં, મહારાજ અને મોટાના સંકલ્પો અને સિદ્વાંતો કેવી રીતે કંડારીશું ? માટે કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાની જહેમત ઉઠાવતાં પહેલાં આપણી સ્લેટને એકદમ કોરી કરી નાખીએ. પૂર્વાગ્રહથી રહિત થવાની જહેમત ઉઠાવીએ. આ કાર્ય થઈ જશે તો મહારાજ અને મોટાના સંકલ્પો આંખના પલકારામાં સાકાર થઈ જશે.

સ્લેટમાં કે બોર્ડમાં લખેલું ભૂંસવા માટે ડસ્ટર હોય છે તેમ આપણા મનરૂપી સ્લેટમાં અન્યને વિષે જે પૂર્વાગ્રહના ડાઘ લાગી ગયા છે તેને ભૂંસવા માટે કોઈ ડસ્ટર છે ખરું ? શું પૂર્વાગ્રહથી રહિત થવાનો કોઈ કીમિયો છે ખરો ? શું પૂર્વાગ્રહથી રહિત થવાના કોઈ સફળ ઉપાયો ખરા ? હા...

• પૂર્વાગ્રહના ડાઘથી રહિત થવા માટે છ ‘સ’ નાં સમીકરણો :

(1)   સત્યતા તપાસો : પૂર્વાગ્રહથી રહિત થવા માટેનો તથા પૂર્વાગ્રહ ન બંધાવવા દેવાનો સૌપ્રથમ અને ફરજિયાત ઉપાય છે કે, કોઈ પણ વાતમાં સત્યતાની તપાસ કરવી. આપણે આંખે કરીને કંઈક જોયું, અન્યના બે શબ્દો-વચનો એ અંગે સાંભળ્યાં. પાંચ-છ સભ્યો દ્વારા એકની એક વાત પુષ્ટ થઈ. આ બધાં પરિબળોને લઈને મોટે ભાગે પૂર્વાગ્રહનું સર્જન થતું હોય છે, જે આપણને પહેલાંનું ભૂલવામાં વિધ્નરૂપ બને છે. પરંતુ આવા સંજોગોમાં સૌપ્રથમ તો સત્યતાની તપાસ કરવી બહુ જરૂરી છે. આપણે જે જોયું એ શું ખરેખર સાચું છે ? આપણે સાંભળ્યું એ શું ખરેખર સાચું છે ? કોઈનાં બે વચનને સીધાં સ્વીકારી કોઈનાય માટે પૂર્વાગ્રહ ન બાંધી દો. ઘણી વાર સગી આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે. માટે આપણે જે જોયું અને જે સાંભળ્યું એમાં સત્યતા કેટલી છે એ તપાસો.

(2)   સંબંધનો વિચાર : સત્યતા તપાસતાં કદાચ જો એ વાત સાચી હોય તોપણ એ મુક્તને વિષે પૂર્વાગ્રહ ન બાંધો, આંટી ન બાંધો. એ વખતે એના સંબંધનો, પરભાવનો, મળેલી પ્રાપ્તિનો વિચાર કરો. આ કારણ સત્સંગમાં આવેલા સૌ કોઈ મહારાજના અનાદિમુક્તો છે, મહારાજના વ્યતિરેક સંબંધવાળા છે, સૌના દ્વારા કર્તા મહારાજ છે. એમના પરભાવનો વિચાર કરવો પરંતુ એમની સામાન્ય ભૂલ કે દોષ કે સ્વભાવને લીધે એમને વિષે આંટી ન પાડવી. અને એમાંય જ્યારે આપણે તો સૌની સાથે સંપ અને આત્મીયતાનું નિર્માણ કરવું છે ત્યારે કદાચ કોઈ મુક્ત આપણી સાથે એવું વર્તન કરે તો એક ભ્રાતૃભાવના નાતે, આ કારણ સત્સંગના તમામ મુક્તો આપણા ભાઈઓ છે એ નાતે પણ એની ભૂલોને ભૂલતાં શીખો.

(3)   સંકલ્પની મક્કમતા, દૃઢતા : કોઈ એમ કહેતું હોય કે મને કોઈને વિષે પૂર્વાગ્રહ છે જ નહિ તો એ વાત મહદ્ અંશે ખોટી છે. આપણને કોઈકને વિષે તો ઊંડે ઊંડે પૂર્વાગ્રહ રહી જ જતો હોય છે. ભલે આપણી અંતરદૃષ્ટિના અભાવે ક્યાંક આપણે કોની સાથે મને પૂર્વાગ્રહ છે એ પકડી શકતા ન હોઈએ, પરંતુ પૂર્વાગ્રહ હોવો એ વાસ્તવિકતા છે. માટે સૌપ્રથમ તો હજુ જો આપણે અંતરદૃષ્ટિ કરી એ તપાસ્યું ન હોય કે મને કોને વિષે પૂર્વાગ્રહ છે ? તો આજે જ તપાસો. પૂર્વાગ્રહને પકડવાનો ઉપાય સાવ સરળ છે. આપણને કોઈકે કહેલાં બે વેણ અને વર્તન આપણને વારંવાર યાદ આવે છે ? અરે ! આણે મારી સાથે આમ કર્યું. હજુ એ ભાવ પણ રહી ગયો હોય તો સમજવું કે એ સભ્યને વિષે મને પૂર્વાગ્રહ છે. બસ, એ પૂર્વાગ્રહને પકડો અને મહારાજને રાજી કરવા માટે મારે કોઈનાય માટે પૂર્વાગ્રહ નથી જ રાખવો એવો સંકલ્પ દૃઢ કરો. સંકલ્પ મક્કમ હશે તો એ દોષ ટાળ્યાની ભૂખ અને ગરજ જાગશે.

(4)   સત્પુરુષના રાજીપા તરફ દૃષ્ટિ : મળેલા સત્પુરુષના રાજીપા તરફ નિરંતર દૃષ્ટિ હશે, એમના રાજીપા-કુરાજીપાનું દુ:ખ હશે તો જ આપણે આપણા દોષોને ઓળખી શકીશું અને એને ટાળવાની ભૂખ જાગશે. આપણને કોઈને વિષે પૂર્વાગ્રહ છે એ ઓળખાયું અને એ ટાળવા માટેનો મક્કમ નિર્ધાર, દૃઢ સંકલ્પ કર્યો હશે પરંતુ એમાંય જો સત્પુરુષના રાજીપા તરફ દૃષ્ટિ નહિ હોય તો એ સંકલ્પની દૃઢતામાં પણ ચઢ-ઊતર થયા કરશે અને દોષ ટાળવાનો, પૂર્વાગ્રહ છોડવાનો આવેગ મંદ પડી જશે. માટે સત્પુરુષના રાજીપા તરફ નિરંતર દૃષ્ટિ જોઈએ. એ રાજીપા તરફની દૃષ્ટિ જ આપણને પૂર્વાગ્રહ ટાળવાનું, પહેલાંનું ભૂલી જવાની હિંમત, શક્તિ અને બળ આપશે.

(5)   સવળો વિચાર : સદ્.નિષ્કુળાનંદ સ્વામી ‘ભક્ત ચિંતામણિ’ ગ્રંથમાં કહે છે,

“અવળી સમજણ અળગી કરી, સવળું સમજાય તો સારું રે ;

નિષ્કુળાનંદ કહે વિચારી, આટલું માની લે મારું રે.”

જેટલો આપણને સવળો વિચાર રહેશે એટલો જ આપણો પૂર્વાગ્રહ છૂટશે, પહેલાંનું ભુલાશે. સવળો વિચાર શો કરવો ? તો હું જેને વિષે પૂર્વાગ્રહ બાંધીને બેઠો છું એ મહારાજના મુક્ત છે. એમને વિષે એવા કોઈ દોષ કે સ્વભાવ છે જ નહિ. એ જે મને દેખાય છે એ મારી દૃષ્ટિનો ભ્રમ છે, મારી અવળી વિચારધારા છે જે મને સુખ લેવા દેતી નથી. અને કદાચ એવા કોઈક સ્વભાવ દેખાય, ભૂલો દેખાય તોપણ એક જ વિચાર કરવો કે મારામાં કેટલી બધી ભૂલો છે, દોષો છે પરંતુ મોટાપુરુષે ક્યાં મારા દોષ જોયા છે ? જો એમણે મારા દોષને જોઈ મારે વિષે પૂર્વાગ્રહ બાંધ્યો હોત તો ! માટે મારે કોઈને વિષે પૂર્વાગ્રહ નથી બાંધવો.

(6)   સરળ થઈ ક્ષમાયાચના : જેને વિષે આપણને પૂર્વાગ્રહ હશે એનાથી આપણું મન જરૂર છેટું થઈ ગયું હશે, આપણને એની જોડે જવામાં ભાર ભાર લાગશે, એની સામે આંખ મિલાવીને વાત પણ નહિ કરી શકીએ. હસીને બે શબ્દ બોલી પણ નહિ શકીએ. આ બધાંનું કારણ આપણો અહમ્ છે અને એ અહમ્ આપણને પૂર્વાગ્રહનું વિલીનીકરણ કરવું હોવા છતાં કરવા દેતો નથી. માટે આપણા અહમને છોડી દીન ભાવે સરળ થઈ, જેને વિષે પૂર્વાગ્રહ હોય અને એનો અપરાધ મન-કર્મ-વચને થયો હોય તો એ માટે ક્ષમા માંગી લો. આટલું કરવાથી સામેની વ્યક્તિને આપણા માટે જરૂર લાગણીનો સેતુ બંધાશે અને પૂર્વાગ્રહથી રહિત થઈ મહિમાસભર થવાશે.

• વિશેષ દૃઢતા માટે :

આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :

દુ:ખકર સંસારનો સુખકર ઉકેલ