પરભાવની દૃષ્ટિ - 1

  June 12, 2015

અવરભાવના શૂન્યવકાશમાંથી જ પરભાવનું સર્જન થાય છે. ત્યારપછી જ પરભાવની દૃષ્ટિ અને આત્માની એકતા થાય છે. પંચભૂતાત્મક ચર્મચક્ષુએ અનુભવાય, દેખાય અને સમજાય છે તેનું વાસ્તવિક સમ્યકદર્શન (સાચુંયોગ્ય જ્ઞાન) એટલે જ પરભાવની દૃષ્ટિ.

આંખ તો અવરભાવની એની એ જ રહે, વ્યક્તિ કે વસ્તુ પણ એની એ જ રહે પરંતુ સમજણ બદલાઈ જાય. એ સમજણ બદલીને જોવું એનું નામ પરભાવની દૃષ્ટિ.

કારણ સત્સંગના યોગમાં આવનાર સૌ અનાદિમુક્તો જ છે છતાં દરેકને જુદા જુદા અનુભવ થાય છે કારણ કે દૃષ્ટિનો ભેદ છે. જેમ કે, વનવગડાનાં ઘટાદાર વૃક્ષ જોતાં કવિ પ્રકૃતિના સૌંદર્યની કવિતાઓ રચી નાંખે છે. કઠિયારાને તેમાં રોજી-રોટીની લાકડાની ભારી દેખાય છે. સુથારને તેમાં ખુરશી-ટેબલ ને ફર્નિચર દેખાય છે. ખેડૂતને તેમાં ચૂલાનું બળતણ લાગે છે.

ઘટાદાર વૃક્ષ તો એનાં એ જ હતાં પરંતુ તેને જોનારની દૃષ્ટિના ભેદ પડતાં તેનાં સ્વરૂપો પણ બદલાઈ ગયાં. એમ, સત્સંગમાં જો સૌને વિષે પરભાવની દૃષ્ટિ થઈ જાય એટલે કે મહારાજનાં દર્શન થાય તો અનાદિમુક્ત સિવાય કશું જ ન રહે.

કારણ સત્સંગનો આગવો દૃષ્ટિકોણ :

 આત્માની એકતા કેળવવા માટે વ્યક્તિ, વિચાર અને સ્થળને વિષેથી અવરભાવની સમજણ ટાળી પરભાવની દૃષ્ટિ કરવી.

(1) વ્યક્તિ :

કારણ સત્સંગ એટલે શુદ્ધ પરભાવ જ્યાં મહારાજ અને મુક્ત આ બે જ રહે છે. વર્તમાનકાળે મહારાજ આપણને પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે. મહારાજ સંવત 1837માં પ્રગટ થયા અને સંવત 1886માં ગયા. હવે અક્ષરધામમાં દિવ્ય તેજોમય રૂપે જ છે અને અત્યારે પ્રતિમા સ્વરૂપે છે. આવો અવરભાવ ટાળી મહારાજ સદાય દિવ્ય તેજોમય સ્વરૂપ જ છે. એમને વિષે આવવા-જવાનો કે મનુષ્યપણાનો તથા પ્રતિમાપણાનો એવો કોઈ ભાવ છે જ નહીં. માટે સૌપ્રથમ મહારાજને વિષેથી અવરભાવ ટાળી પરભાવની દૃષ્ટિ કરવી, મોટાપુરુષ, સંતો-ભક્તો અને પોતાને વિષેથી અવરભાવ ટાળી પરભાવ પ્રસ્થાપિત કરવો.

મોટાપુરુષ અવરભાવમાં દેખાય છે મનુષ્ય જેવા, પરંતુ એ દેખાતો અવરભાવ તેમનું વાસ્તવિક સ્વરૂપ નથી. મોટાપુરુષ તો અખંડ મહારાજની મૂર્તિમાં રહે છે. તેમના સંપૂર્ણ કર્તા મહારાજ જ છે. માટે પરભાવની દૃષ્ટિ કેળવી મોટાપુરુષમાં મહારાજનાં દર્શન કરવાં, તો જ મોટાપુરુષ સાથે પરભાવની એકતા એટલે કે આત્મબુદ્ધિ થાય, એમને વિષે કદી તર્ક-કુતર્ક કે સંશય ન થાય, ક્યારેય મોટાપુરુષ થકી મન નોખું ન પડે. એમને વિષે સદાય દિવ્યભાવ રહે.

સંતો-ભક્તો સૌ મહારાજના અનાદિમુક્તો છે. શ્રીજીમહારાજનો નંબર પહેલો અને અનાદિમુક્તોનો નંબર બીજો છે એટલે કે મહારાજથી બીજા નંબરના છે. અવરભાવમાં દેખાય છે અન્ય જગતના જીવ જેવા જ, પરંતુ તેમના ચૈતન્યને શ્રીજીમહારાજે અનાદિમુક્ત કર્યા છે, જેનું પ્રમાણ શ્રીજીમહારાજે છેલ્લાના 2જા વચનામૃતમાં સમ ખાઈને કહ્યું છે કે, “જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક-વૈકુંઠ લોકને વિષે સભા છે ને જેવી બદ્રિકાશ્રમને વિષે સભા છે તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વ હરિભક્તને અતિશે પ્રકાશેયુક્ત દેખું છું. એમાં લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંતસભાના સમ છે.”

એટલે કે સમગ્ર અનાદિમુક્તોનો જ સમાજ છે એવું માત્ર બોલીએ છીએ પરંતુ વાસ્તવિકતાએ સમજાતું નથી એટલે તેમને વિષે દોષબુદ્ધિ રહે છે. કોઈને દેખીને આનંદ થાય છે તો કોઈને દેખીને શોક થાય છે. ક્યાંક રાગ થાય છે તો ક્યાંક દ્વેષ થાય છે. પરંતુ જો તેમનું પરભાવનું મહાત્મ્ય સમજાય અને સૌમાં મહારાજનાં દર્શન થાય તો તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે. જ્યાં પરભાવના મહાત્મ્યનું પ્રગટીકરણ થાય છે ત્યાં પોતાની ન્યૂનતા સ્હેજે સ્વીકારાઈ જાય છે.

આઝાદી માટે સત્યાગ્રહની ચળવળ ઉપાડવા ગાંધીજી દેશભરમાં ફરતા હતા. એક વખત ગાંધીજી ટ્રેનમાં જઈ રહ્યા હતા. ટ્રેનનો ડબો થોડી વારમાં ભરાઈ ગયો અને ટ્રેન ઊપડી. રસ્તામાં બીજા સ્ટેશનેથી એક મુસાફર ગાંધીજીને મળવા જવા માટે ટ્રેનમાં ચઢ્યા. ડબામાં બધા મુસાફરો પોતાની સીટ પર બેઠા હતા જ્યારે ગાંધીજી એકલા સૂતા હતા. અજાણ્યા મુસાફરે ગાંધીજીને હલબલાવીને જગાડ્યા અને કહ્યું,“ભલા માણસ, મેં પણ ટિકિટ લીધી છે. માટે મને બેસવા જગ્યા આપો.” ગાંધીજી કશું બોલ્યા વગર બેઠા થઈ ગયા અને તેને જગ્યા કરી આપી.

આગળના સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યારે રેલવે સ્ટેશન પર હજારોની જનમેદની ગાંધીજીને આવકારવા આવી હતી. તેમણે ગાંધીજીનું ખૂબ ભાવભર્યું સ્વાગત કર્યું. આ બધું જોતાં પેલો મુસાફર તો ડઘાઈ જ ગયો. એકદમ દોડીને તેણે ગાંધીજીના પગ પકડી લીધા અને પોતાની અક્ષમ્ય ભૂલને માફ કરવા ખૂબ આજીજી કરી.

ટ્રેનમાં ચડેલા મુસાફરને એ વખતે જે ગાંધીજી મળ્યા હતા એ જ ઊતર્યા પછી હતા, છતાંય તેનો તેમના માટેનો ભાવ બદલાઈ ગયો. કારણ આ જ કે એમને એવું સમજાયું કે એ દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી છે. એવી જ રીતે સૌ સંતો-ભક્તો આપણને દેખાય મનુષ્ય જેવા જ, પરંતુ મહારાજના અનાદિમુક્તો જ છે એવો તેમના પરભાવનો વાસ્તવિક ખ્યાલ આવશે ત્યારે આપણો અહમ્ ઓગળી જશે અને પરભાવ તરફ પ્રગતિ થશે.

સંતો-ભક્તોને વિષે પરભાવની દૃષ્ટિ કેળવવાની અદભુત રીત દર્શાવતાં પ.પૂ. સ્વામીશ્રી ઘણી વાર કહે છે કે, “અમે તમને કોઈને દેહધારી નથી દેખતા કે અમને અવરભાવની કોઈની આકૃતિ દેખાતી નથી. કોઈનાં સફેદ કે ભગવાં કપડાં પણ દેખાતાં નથી. બસ, તમે પણ બધા મહારાજના અનાદિમુક્તો છો અને તમારા સૌમાં મહારાજનાં દર્શન કરું છું.” આ વાતમાં વિશ્વાસ અપાવવા સમ પણ ખાય છે. કેવી સૌને પરભાવની દૃષ્ટિએ નિહાળવાની તેમની દિવ્ય દૃષ્ટિ છે !!