પરભાવની દૃષ્ટિ - 2

  June 19, 2015

આ ઉપરાંત પ.પૂ. સ્વામીશ્રી કહેતા હોય છે કે, “અમારી પાસે હજારો મુમુક્ષુઓ આવી પોતાના આંતરિક દોષની કબૂલાત કરતા હોય છે. કચરો ઠાલવતા હોય છે. ભૂલોનો એકરાર કરી નિષ્કપટ થતા હોય છે. બધાનું બધું જ જાણતા હોવા છતાં તેમને વિષે અમને કદી દોષબુદ્ધિ થતી નથી. તેઓ મહારાજના અનાદિમુક્તો જ છે. આ ભાવ કદી નથી ભુલાતો. દોષ દેખાય છે તે તો દેહના છે. પણ હકીકતે તો તેઓ મહારાજના મુક્તો જ છે આ ભાવ રહ્યા કરે છે. એવી સમજણ રહ્યાનું એક જ કારણ છે કે અમારી દૃષ્ટિ એમના દેહ તરફ નથી, એમના આત્મા તરફ છે ને એમના આત્માને મહારાજે અનાદિમુક્ત કર્યો જ છે તે વાત અમે નિશ્ચે માનીએ છીએ.”

પ.પૂ. સ્વામીશ્રીની આવી પરભાવની દૃષ્ટિ કેળવવાની રીતને આપણી કરવી. પરિવારમાં અને સત્સંગ સમાજમાં સૌને મહારાજના ભાવથી નિહાળીએ તો સદાય સુખ.

મહારાજ અને મોટાપુરુષે કૃપા કરીને આપણને કારણ સત્સંગમાં જન્મ ધરાવી અનાદિમુક્ત કર્યા જ છે. છતાં મૂર્તિનું સુખ અનુભવાતું નથી કે દેહના દોષ ટળતા નથી. તેનું મુખ્ય કારણ એક અને માત્ર એક જ છે. શ્રીજીમહારાજેગઢપુરમાં એભલખાચરનાં દરબારમાં જણાવ્યું હતું કે, “અમારું ધામ સર્વોપરી છે તેના નિવાસી આ સર્વે હરિજન છે (અનાદિમુક્તો છે). આવી બુદ્ધિ જેને સદા હોય તેને માન આવતું નથી. હરિજનોને આ લોકના સમજે છે (અવરભાવ પરઠે છે) તેના હૃદયમાં કામ, ક્રોધ, લોભના પૂર આવ્યા કરે છે. તેમાં તે તણાયા કરે છે ને અધર્મ વંશથી દુઃખી થાય છે. હરિજનોને પરસ્પર અભાવ આવે છે તેનું કારણ લૌકિકભાવ છે. સંતો બાઈ-ભાઈ, બ્રહ્મચારી, પાળાઓ સર્વેને એકબીજામાં જ્યાં સુધી પ્રાકૃતભાવ હશે ત્યાં સુધી સત્સંગ કરવા છતાં સુખ નહિ આવે.

સત્સંગરૂપી સર્વોપરી ધામમાં દિવ્યમુક્તો સાથે નિવાસ થયો એટલે સંત, વર્ણી, હરિજન બધા જ એક ઘરના પરિવાર જન થયા. એમ સમજી એક મન રાખીને સર્વે વર્તે તો ક્લેશનું નામ ન રહે.”

                                                     (શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-11, તરંગ-87)

જેમ મીઠાના અગરમાં મીઠું જ પાકે;ત્યાં અનાજ ન જ પાકે. સોનાની ખાણમાં સોનું જ પાકે; ત્યાં હીરા ન જડે. એમ કારણ સત્સંગમાં સુખનાં ખેતર છે. જ્યાં અનંત અનાદિમુક્તો શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ જ લે છે ત્યાં કોઈ દેહધારી હોઈ જ ના શકે.

એક વખત સદ્. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સદ્. બાલમુકુંદદાસજી સ્વામી વિચરણ કરતા કરતા મેંદરડા ગામમાંપધાર્યા હતા. સંતો સાથે તેઓ મંદિરે ઠાકોરજીનાં દર્શન કરવા પધાર્યા.એ વખતે ગામના એક બાપાએ સદ્. બાલમુકુંદદાસજી સ્વામીને પ્રાર્થના કરી કે, “સ્વામી મારે તમને એકલા મળવું છે.” સ્વામી બાજુના રૂમમાં બાપા સાથે એકલા ગયા. બાપા સ્વામીની આગળ રડી પડ્યા. સ્વામીને પ્રાર્થના કરી કે, “દયાળુ, મારે 70-75 વર્ષ થયાં પરંતુ મને કામવાસના ખૂબ નડે છે. માટે કંઈક દયા કરી વાસના ટળે એવો ઉપાય બતાવો.” સ્વામી બાપાની સામું જોઈ રહ્યા. થોડી વાર બાપાની સામું જોયા બાદ સદ્. બાલમુકુંદદાસજી સ્વામી કહે, “ભગત, અમે કહીએ એમ કરશો ?”“હા સ્વામી, આપ જેમ કહેશો તેમ કરીશ.”“તો આવતી કાલથી આ જુવાનિયા હરિભક્તો જે મંદિરમાં ભજનભક્તિ કરતા હોય તેમની ફરતે મહારાજના મુક્તો છે એવા ભાવથી પ્રદક્ષિણા કરવાની. જાવ તમારી વાસના બળી જશે.”

બાપા તો સ્વામીના શબ્દો સાંભળી એકદમ અવાક થઈ ગયા અને કહે, “સ્વામી, આ મુનિયો ને ટિનિયો ને કાનિયો બધાં છોકરાઓ તો મારા ખોળામાં રમીને મોટાં થયાં છે અને એમની હું પ્રદક્ષિણા કરું ? ના...ના... સ્વામી, એ નહિ બને.” બાપાનો ઉત્તર સાંભળી સ્વામી રાજી ન થયા. સ્વામીએ કહ્યું કે, “બાપા, જ્યાં સુધી સૌને વિષે દેહદ્રષ્ટી છે ત્યાં સુધી તૂટીને મરી જાવ તોય વાસના નહિ ટળે. પહેલા સૌને વિષેથી અવરભાવની દ્રષ્ટી ટાળી પરભાવની દ્રષ્ટી કરો. તેમને વિષેથી છોકરાપણાનો ભાવ ટાળીને મુક્તભાવ દ્રઢ કરો.”

સદ. બાલમુકુન્દદાસજી સ્વામીએ બાપાને પ્રદક્ષિણા કરવાની આજ્ઞા કરી તો શું માત્ર પ્રદક્ષિણા કરવાથી વાસના ટાળી જાય ? ના....ના....ના....હરગિઝ ના ટળે. મહારાજના અનાદિમુકતો છે. એમના કર્તા સ્વયં મહારાજ છે એમ તેમને વિષે મહારાજના સંબંધનો ભાવ પરઠીને જો પ્રદક્ષિણા થાય તો જ વાસના ટળે.

જેમ ભિખારી શબ્દ બોલતાં-બોલતાં આપણી આંખ સામે ભિખારીનું દ્રશ્ય ખડું થાય છે. પોલીસમેન શબ્દ બોલતાં પોલીસની આકૃતિ નજર સમક્ષ ખડી થઇ જાય છે. કેરી શબ્દ બોલતાં આંખ સામે કેરી દ્રશ્યમાન થઈ જાય છે. એવી રીતે ‘અનાદિમુક્ત’ શબ્દ બોલતાંની સાથે મહારાજનીમૂર્તિ વિઝ્યુલાઇઝ કરવાની ટેવ પાડી દઈએ તો આ પરભાવની દૃષ્ટી કરવી સરળ બની જાય.

આપણા પરિવારના સભ્યો કે સત્સંગ સમુદાયમાં કાલે સવારે નવા આવનાર હરિભક્તો સૌ શ્રીજીમહારાજના અનાદિમુકતો જ છે. જો એમનામાં મહારાજનાં દર્શન થાય તો એમની સર્વે ક્રિયામાં આનંદ વર્તે. કોઈની સાથે આંટી ન બંધાય કે કોઈનો પણ અભાવ ન આવે.

જેમ રાજાનો કુંવર હોય એ ગમે તેવાં ચરિત્ર કરે, કોઈને મારે કે પછી અનીતિ કરે તોપણ તેના વિષેથી રાજાનો કુંવર છે એવો ભાવ મટતો નથી કે આંટી પણ બંધાતી નથી. ઉપરથી કુંવરને જોઈબધા રાજી થાય છે કારણ કે તે રાજાનો દીકરો છે એટલે કે આવતીકાલનો રાજા છે. એમ, અનાદિમુકતો એ શ્રીજીમહારાજના દીકરા જ છે. માટે એમને વિષે મહારાજના ભાવથી દર્શન કરીએ તો જેવી ભાવના રાજાના કુંવરને વિષે વર્તે છે તેવી ભાવના મહારાજના અનાદિમુક્તોને વિષે વર્તે.

જેતલપુર મધ્યે શ્રીજીમહારાજે સંતો-હરિભક્તોની સભામાં આ જ વાત પોતાના અંતરનું રહસ્ય કહી સમજાવી છે કે ,

“પછી પ્રભુજી બોલ્યા, તમે સાંભળો હરીજન સહુ;

અતિ રહસ્ય એકાંતની, એક વાલપની વાત કહું;

આ સભામાં આપણ સૌના, તેજોમય ભાઈ તન છે;

છટા છુટે છે તેજની , જાણે પ્રગટિયા કોટિ ઇન્દુ છે”

મહારાજના વચનમાં વિશ્વાસ રાખી સૌમાં મહારાજનાં દર્શન કરવાનો દ્રઢ સંકલ્પ કરીએ.

પોતાને વિષેથી પણ દેહના ભાવ ભૂલવા અને મને પણ અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે આ ભાવ કેળવીએ તો જ સત્સંગની પૂર્ણાહુતિ થાય. જો મોટાપુરુષને વિષેથી તથા સંતો-ભક્તોને વિષેથી અવરભાવ ટળી જાય અને મહારાજનાં દર્શન થાય તો પોતાને વિષેથી અવરભાવ ઍાટોમેટિકટળતો જાય છે. એ વિના એકલો પોતાને વિષેથી અવરભાવ ક્યારેય ન ટળે.