પરભાવની અલૌકિક સ્થિતિ

  July 9, 2017

જેમ મહારાજને વિષે માયિકભાવ નથી તેમ એમની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તોને વિષે પણ માયિકભાવ નથી. તેમનાં ચરિત્રો પણ અનંતના કલ્યાણને અર્થે જ હોય છે. એટલે કે જેમનું પ્રાગટ્ય અનંત મુમુક્ષુઓને કાળ, કર્મ, માયાના બંધનથી છોડાવી મૂર્તિના સુખ સુધી બાયપાસ કરાવવા માટે છે એવા વિરલ પુરુષે આજે કંઈક નવીનતમ ચેષ્ટા કરી હતી.

આ ચેષ્ટા એટલે બાયપાસ સર્જરીનું ઑપરેશન. આ દિવસ હતો, તા. 29-11-2007 ને ગુરુવારનો. વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને બાયપાસ સર્જરી માટે અમદાવાદની ક્રિષ્ના હૉસ્પિટલમાં એડમિટ કર્યા હતા. ત્યાંના નિષ્ણાત ડૉ. રાજેશભાઈ દેસાઈને આ દિવ્યપુરુષની અણમોલ સેવાનો લાભ મળ્યો. બપોરે 2:30થી 5:30 સુધી ત્રણ કલાક ઑપરેશન ચાલ્યું. ઑપરેશન દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજીને ક્લોરોફોર્મ આપી બેભાન કરી દીધા હતા. ઑપરેશન દરમ્યાન ગુરુમહિમાથી અતિશય ભીના એવા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શનની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. સાથે મહાપ્રભુને દિલગીર થઈ પ્રાર્થના પણ કરી રહ્યા હતા. જોડે વ્હાલા પૂ. સંતો પણ પ્રાર્થનામાં સૂર પુરાવતા હતા.

આ બાજુ ઑપરેશન પૂરું થયાના સમાચાર મળ્યા ત્યારે પ.પૂ. સ્વામીશ્રી નાનું બાળક માની જોડે જઈ બેસી જાય એમ નીચે બિરાજી ગયા. હજુ તો ગુરુવર્ય પ.પૂ. બાપજી ઑપરેશન કર્યા બાદ પ્રથમ જ ભાનમાં આવ્યા ત્યારે પ.પૂ. સ્વામીશ્રીને કહેવા લાગ્યા કે, “સ્વામી, આજે તો કથા અધૂરી રહી !” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું કે, “બાપજી ! ક્યાં કથા ચાલતી હતી ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “સ્વામી, નરોડામાં કથા ચાલતી હતી.” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાપા ! શું લાભ આપ્યો ?” ઉત્તરમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત વંચાતું હતું અને એમાં પ્રકૃતિપુરુષ શબ્દ આવ્યો ત્યારે પ્રશ્ન પૂછ્યો કે પ્રકૃતિપુરુષ એટલે કોણ ? આનો જવાબ આપતો હતો ત્યાં જાગી ગયો એટલે મારી કથા અધૂરી રહી.” આ પ્રસંગે સહેજે જ દૃશ્યમાન થાય છે કે આ દિવ્યપુરુષને નથી દવાખાનું, નથી મંદિર કે નથી અવરભાવ. એ તો અખંડ પરભાવમાં જ છે. તેથી જ કીર્તનમાં કહ્યું છે કે,

“પોતે અખંડ મૂર્તિમાં રહે છે. સંકલ્પે શ્રીજી દેખાય રે.”

વાહ ! દયાળુ, વાહ... ! આ જ આપની અલૌકિક સ્થિતિ !