પ્રતિકૂળતાની પસંદગી - પારાવાર પ્રતિકૂળતા

  March 2, 2017

કષ્ટોની કાંટાળી કેડી અને પારાવાર પ્રતિકૂળતાઓની વચ્ચે જ જેમનું સમગ્ર સંતજીવન પસાર થયું છે તેવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જીવનમાં સાનુકૂળતાના સંજોગોમાં પણ નિરંતર પ્રતિકૂળતાને જ પસંદ કરી છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીના એક વચને આજે હજારો-લાખો હરિભક્તો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તત્પર હોવા છતાં તેઓ પ્રતિકૂળતાને જ પસંદ કરે છે. રજોગુણી કીમતી વસ્તુ-પદાર્થ, ગાડી-બંગલા કે સ્થાનને ગુરુવર્ય પ.પૂ. બાપજી ક્યારેય પસંદ ન કરે. હરિભક્તો અતિશે આગ્રહ કરે તો કોઈ ને કોઈ રીતે સમજાવી લે પરંતુ તેમના સિદ્ધાંતવાદી જીવનમાં અલ્પ ફેર પડવા દે નહીં.

માગશર-પોષ મહિનાની ગમે તેવી કાતિલ ઠંડી હોય તોપણ ગુરુવર્ય પ.પૂ. બાપજી ભાગ્યે ક્યારેક જ સાજે-માંદે શાલ ગ્રહણ કરે. એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે પ્રાતઃ સભામાં બધા જ હરિભક્તો બે-ત્રણ ગરમ વસ્ત્રો પહેરીને આવ્યા હતા. પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી માત્ર ગાતડિયાભર કથાવાર્તામાં લાભ આપી રહ્યા હતા. સભામાં કોઈ ખિસ્સામાંથી કે સાલમાંથી પણ હાથ બહાર કાઢતું નહોતું એવી ઠંડીમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી આજાનબાહુ લંબાવી આગવી અદબથી સૌને લાભ આપી રહ્યા હતા. તીવ્ર ઠંડીમાં બધા કાંપતા હતા છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કશું ઓઢેલું નહીં. તેથી ચાલુ સભાએ એક હરિભક્તથી ના રહેવાયું અને ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી પૂછી લીધું કે, “દયાળુ ! આપ આવી કડકડતી ઠંડીમાં પણ કેમ શાલ ઓઢતા નથી ? શું આપને ઠંડી નથી લાગતી ? કહો તો અમે આપને ફાવે તેવી શાલ લાવી આપીએ. શા માટે જાણીજોઈને ટાઢ સહન કરો છો ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સહજભાવે હસતા હસતા ઉત્તર કર્યો કે, “સહન કરે એ જ સાધુ. અમે અત્યારે શિયાળામાં ઠંડી સહન કરીએ તો ઉનાળામાં ગરમી સહન કરી શકાય.” એમ કહી વાત વાળી લીધી ને કથાવાર્તા ચાલુ કરી દીધી. સંતોએ શાલ આપી છતાં ગ્રહણ ન જ કરી. સગવડ હોવા છતાં પ્રતિકૂળતામાં રહેવું એ જ દિવ્યપુરુષની મહાનતા છે.

પ્રતિકૂળ સંજોગોને જ પસંદ કરવા એ ગુરુવર્ય પ.પૂ. બાપજીની આગવી જીવનશૈલીનું દર્શન કરાવે છે. ઈ.સ. ૧૯૯૫ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી વાસણા મંદિરથી ૭૫૬ નંબર પ્લેટવાળી જૂની ખખડી ગયેલી બંધ બોડીની મેટાડોર લઈ સૌરાષ્ટ્રમાં તુરખા ગામે એક હરિભક્તના ઘેર મહાપૂજાના પ્રસંગે પધાર્યા હતા. વૈશાખ મહિનાનો ધોમધખતો તાપ હતો. આખો દિવસ મહાપૂજા, સત્સંગ સભા અને પધરામણીનો પ્રોગ્રામ સતત ચાલુ રહ્યો. બીજા દિવસે પણ ત્યાંથી આગળ વિચરણમાં પધારવાનું હતું. તેથી ત્યાં જ રાત્રિ ઉતારો કરવો પડે તેમ હતો. રાત્રે મોડે સુધી સભા થઈ પછી હરિભક્તોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી કે, જેમનો પ્રોગ્રામ છે તેમના ઘરે ઉતારો કરવાનો છે; માટે એમના ઘરે જઈએ. તરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તો છે તો શા માટે કોઈ ગૃહસ્થ હરિભક્તના ઘરે ઉતારો કરવો ?” હરિભક્તોએ પ્રાર્થના કરી કે, “દયાળુ, મંદિર કાયમ માટે વપરાતું નથી તેથી ત્યાં બાથરૂમની કે બીજી અન્ય કોઈ વ્યવસ્થા બરાબર નથી. બધું વર્ષોથી બંધ હાલતમાં પડ્યું છે. વળી, ખૂબ ગરમી છે ને પૂરતા પંખા પણ નથી માટે આપ ઘરે પધારો.” જેઓ પ્રતિકૂળતાને જ સદાય પસંદ કરતા હોય તેવા ગુરુવર્ય પ.પૂ. બાપજી એમની વાત સાથે સહમત કેવી રીતે થાય ? હરિભક્તોએ ગમે તેટલો આગ્રહ કર્યો છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મંદિરમાં જ ઉતારો કર્યો.

વર્તમાનકાળે ૮૧ વર્ષની જૈફ વયે પણ સ્વસુખ તરફ કોઈ લક્ષ્ય જ નહીં. રોજે રોજનું દૂરદૂરનાં સેન્ટરોમાં અવિરત વિચરણ, જમવાનું-સૂવાનું બધું જ અનિશ્ચિત. અવરભાવમાં ડાયાબિટીસની તકલીફ. વારે વારે લઘુ કરવા જવું પડે. જમવાનું પચે નહિ, અનુકૂળ ન આવે. હસ્ત પકડીને લઈ જવા પડે. તેથી પ.પૂ. સ્વામીશ્રીએ સંતોની શિબિરમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી કે, “દયાળુ, આપને અવરભાવમાં અવસ્થાના ભાવને લીધે ખૂબ તકલીફ પડે છે માટે બે સંતને આપની સેવામાં, વિચરણમાં સાથે મૂકીએ.” ત્યારે તરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ચોખ્ખી ના પાડતાં કહ્યું, “મારે કોઈ વધારાના સંત નથી જોઈતા. એક છે એ બહુ થઈ ગયા. બીજા સંતને તું મારી જોડે મૂકે તો બીજા સેન્ટરમાં અને સત્સંગના વિકાસમાં કાપ મૂકવો પડે. તમે મારી કોઈ ચિંતા ન કરશો. હું ચલાવી લઈશ. અગવડ-સગવડ તો અમારે કોઠે પડી ગઈ છે માટે મારી કોઈ ચિંતા ન કરીશ.” ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ વિનંતી કરી કે, “બાપા, આપની અવરભાવની અવસ્થા થઈ; એક શિષ્ય તરીકે અમારે આપનું અવરભાવનું જતન કરવું એ અમારી ફરજ છે, કર્તવ્ય છે. આપનાથી અધિક બીજું શું હોઈ શકે ? માટે બીજા સંતને સેવામાં રાખવા અનુમતિ આપો.” પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજી એકના બે ન જ થયા. પોતાના સ્વસુખ માટે કોઈ સાનુકૂળતા જ નહીં. નરી પ્રતિકૂળતાની જ પસંદગી એ તેમના સાધુતાસભર જીવનનો આગવો ગુણ છે.