સભ્યતા-1

  November 5, 2018

સભ્યતા એટલે શું ? ખરેખર જૂની-પુરાણી લાગતી સભ્યતા જ ખરી આધુનિકતા છે...

સભ્યતા એ સરકાર, સંસ્થા કે કોઈ પણ વ્યવસાયિક કે વ્યવહારિક ક્ષેત્ર દ્વારા લાદવામાં આવેલા નિયમો નથી પણ સમૂહજીવનમાં પારસ્પરિક વ્યવહાર અને સંબંધો વિકસાવવા માનવીએ પોતે સ્વજીવનમાં નક્કી કરેલું યોગ્ય વર્તન છે.

સભ્યતા એટલે સમૂહની વચ્ચે રહી, સમૂહની સાથે કે કોઈ વ્યક્તિ સાથેનો સુયોગ્ય વિવેકપૂર્ણ વ્યવહાર.

સભ્યતા એટલે મૅનર્સ (Manners). સ્વયં શિસ્તનો જ એક ભાગ એટલે સભ્યતા. સભ્યતા એટલે વિવેક. એક વ્યક્તિનો બીજી વ્યક્તિ તરફનો આદરભાવ (Respect).

સભ્યતા માનવીય લાગણીનો ઝિલાતો પડઘો છે. સભ્યતાયુક્ત વ્યક્તિ વિનમ્ર, વિવેકી અને સંસ્કારી જરૂર હોવાની...!!!

ટૂંકમાં, સમૂહમાં સૌની વચ્ચે આદર્શ વ્યક્તિ તરીકે શોભે એવું જીવન એટલે જ સભ્યતા.

વ્યક્તિ ભણતરની ડિગ્રીથી સુશિક્ષિત અને સંસ્કારી નથી બનતો પરંતુ સભ્યતાથી સંસ્કારી અને સુશિક્ષિત બને છે. સભ્યતા એ જીવનના સાચા ગણતર સાથેનું ભણતર છે.

જેમ ગણિતના શિક્ષકને ગણિત આવડવું ફરજિયાત છે.

જેમ માતાને બાળકનો ઉછેર કરતા આવડવો ફરજિયાત છે.

જેમ સિપાહીને હૈયામાં પોતાના દેશ પરત્વે દેશદાઝ હોવી ફરજિયાત છે.

એ રીતે સુશિક્ષિત અને સંસ્કારી બનવા માટે સભ્યતા હોવી એટલી જ ફરજિયાત છે.

મનુષ્યજીવન પરિવર્તનશીલ છે. સમય-સંજોગ-પરિસ્થિતિ પ્રમાણે દરેકના જીવનમાં ઘણાબધા ફેરફારો નોંધાય છે પણ એક બાબતમાં ફેરફાર શક્ય નથી તે છે વ્યક્તિની પોતાની ઓળખ (Identity). કોઈ પણ સંજોગ-પરિસ્થિતિમાં વ્યક્તિ એક જ નામથી ઓળખાય છે. તેમ કોઈ પણ સંજોગોમાં વ્યક્તિની સાચી ઓળખ તેની સભ્યતાથી થાય છે.

આપણાં સવારથી લઈને રાત્રિ સુધીનાં દરેક કાર્યોમાં જેટલી સભ્યતા વધારે એટલી જ કાર્યોમાં સરળતા અને સફળતા વધુ મળે. માતા બાળકને તૈયાર કરતાં શરીર પર વિધ વિધ અલંકારો ધારણ કરાવે પણ વસ્ત્ર-પરિધાન જ ન કરાવે તો ? શું બાળક શોભશે ? અલંકારો શોભારૂપ બનવાને બદલે કલંકરૂપ બને છે. તેમ માનવીમાં રહેલા અન્ય ગુણો એ અલંકારને સ્થાને છે જ્યારે સભ્યતા એ વસ્ત્ર-પરિધાનને સ્થાને છે.

આપણા જીવનમાં એક-બે ગુણ ઓછા હશે તો કદાચ ચાલશે. જેના અભાવે આપણને કોઈ માણસના દરજ્જામાંથી બહાર નહિ કાઢે પણ આપણા અસભ્યતાભર્યા વ્યવહારથી કોઈ જરૂર કહેશે : “આ તે કાંઈ માણસ છે ?”

સભ્યતા એ બાહ્ય આડંબર કે દંભ નથી પણ આપણા સંસ્કારોનું દર્પણ છે. સમાજની વચ્ચે રહેનાર તમામ વ્યક્તિએ સભ્યતા શીખવી અને સભ્યતાપૂર્ણ રહેવું એ આદર્શ છે. અવરભાવમાં જેમ ઉંમર, સત્તા, ભણતર, નામના વધે તેમ તેમ સભ્યતા પણ વધવી જોઈએ.

એક વખત એક મહાનગરમાં મોટા ચક્રવર્તી રાજાની સવારી નીકળી. સવારીની શરૂઆતમાં જ ઢોલ-નગારાં અને તાસાં વાગતાં હતાં તો બીજી બાજુ રાજાના જયકારના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. નગર રહેવાસીઓ કોઈ ઘરની અગાશીથી તો કોઈ ઘરના બારી-બારણે ઊભા રહી રાજાની સવારી નિહાળતા હતા.

તેવામાં એક આંખે અંધ એવા સુરદાસ રસ્તાની વચ્ચોવચ્ચ બેઠા હતા. રાજાની સવારી નજીક આવતાં એક સિપાહી સુરદાસ પાસે જઈ કહેવા લાગ્યા,

“એય આંધળા, ઊભો થા. જોતો નથી અહીંથી રાજાની સવારી પસાર થવાની છે ? ચાલ ઊભો થા.”

સુરદાસ સાંભળ્યું, ન સાંભળ્યું કરી ત્યાં જ બેસી રહ્યા.

“અરે ઓય, સાંભળતો નથી ? બહેરો લાગે છે. જલદી ઊભો થા.”

“સિપાહીજી, હું બહેરો નથી, આંખે અંધ છું.”

આ બંનેનો વાર્તાલાપ ચાલતો હતો, ત્યાં રાજાની સવારી ખૂબ નજીક પહોંચી ગઈ. સિપાહી થોડે આગળ ગયા ને વળી પાછા ઊભા કરવા આવ્યા પરંતુ તે પહેલાં દીવાનજી આવ્યા. તેમણે કહ્યું, “ઓ ભાઈ, અહીંથી રાજાની સવારી પસાર થાય છે; તો મહેરબાની કરીને રસ્તા પરથી ઊભા થાવ.”

“પણ દીવાનજી હું અંધ છું...”

હજુ તેમની વાત પૂરી ન થતાં હાથીની અંબાડી ઉપરથી રાજાએ નીચે ઊતરીને કહ્યું, “અરે સુરદાસ, અહીંથી સવારી નીકળી રહી છે માટે આપ ઊભા થશો ? ચાલો, હું તમને રસ્તો પસાર કરાવી દઉં.”

“રાજાજી, મને રસ્તો દોરાવી દો. હું જતો રહીશ.”

ત્યારે સિપાહીએ આશ્ચર્ય સાથે સુરદાસને પૂછ્યું કે, “ભાઈ, તું તો અંધ છે. તને કેવી રીતે ખબર પડી કે હું સિપાહી છું ? બીજા આવ્યા એ દીવાનજી હતા ને આ રાજાજી છે ?”

ત્યારે સુરદાસે માત્ર એક જ વાક્યમાં ઉત્તર કર્યો પણ બહુ નક્કરતાભર્યો હતો. તેમણે કહ્યું, “તમારા બધાના મારી સાથેના વ્યવહારથી.”

સુરદાસ ભિક્ષુકે તે ત્રણેય પાત્રોને તેઓની વિનમ્ર અને સભ્યતાભરી વાણીથી ઓળખી લીધાં-માપી લીધાં. તેમ આપણા સંસ્કાર અને મોટપનું દર્પણ એટલે જ આપણા અન્ય સાથેના સભ્યતાપૂર્ણ વ્યવહાર.

આજે સમાજમાં આધુનિકીકરણ વધ્યું છે. પરંતુ સભ્યતારૂપી સંસ્કારોનાં મૂલ્યો દિન-પ્રતિદિન ઘટી રહ્યાં છે. તેનાં મુખ્ય કારણો : આજના કુટુંબનું ક્લેશભર્યું અસભ્ય વાતાવરણ, શાળા-કૉલેજનું વાતાવરણ, કુસંગનો સંગ, યુવાનોમાં વધી રહેલી સ્વચ્છંદિતા અને સ્વતંત્રતા, ભણતર અને આવડતથી વધતા અહંકારથી અસભ્ય વર્તન બને છે. આ બધાં જ કારણોથી સભ્યતા આજે નેવે મુકાઈ રહી છે. આજની યુવાપેઢીમાં વડીલોની માન-મર્યાદા રાખવી, સ્વજીવનમાં વસ્ત્ર-પરિધાનમાં વિવેક રાખવો, રહેવા-જમવામાં, વાતચીતમાં સભ્યતા રાખવી તે વાત કોઈ કરે તો અઢારમી સદી જેવી જૂની-પુરાણી લાગે છે. પરંતુ સભ્યતાપૂર્ણ વ્યવહાર એ જ સાચી અને ખરી આધુનિકતા છે.

આજે વૈશ્વિક દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજો ભણતર, આવડત-બુદ્ધિ આંક, મૅનેજમૅન્ટમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ બધી બાબતોની સાથે તેઓની સભ્યતા પણ મોખરે છે. ‘થેન્ક યૂ’, ‘સોરી’, ‘ઍક્સક્યુઝમી’ જેવા ભાષાકીય પ્રયોગોથી આરંભી ગમે તેવા અણગમતા ભાષણને પણ અંત સુધી ચૂપચાપ સાંભળી લેવાની એમની સભ્યતા આદરણીય છે.