સભ્યતા-2

  November 12, 2018

સ્વયં શ્રીજીમહારાજ અને મોટાપુરુષો પરભાવના શિષ્ટાચારની સાથે સાથે અવરભાવમાં પણ સભ્યતાપૂર્ણ વર્તાવ કરવાની અનોખી કળા શીખવે છે.

સ્વયં મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ કે જેઓ સંપૂર્ણ પરભાવનું વ્યક્તિત્વ હોવા છતાં અવરભાવના જીવનમાં સભ્યતાનાં દર્શન કરાવતા હતા. પોતાનું અવરભાવનું વર્તન સંપૂર્ણ સભ્યતાપૂર્ણ હતું. પોતાના સંતોને પણ ક્ષમા અને સહનશીલતારૂપી સભ્યતાના પાઠ શીખવતા.

શ્રીહરિએ સ્વયંલિખિત શિક્ષાપત્રી ગ્રંથના ૨૦૧મા શ્લોકમાં સંતોને ઉપદેશ રૂપે આજ્ઞા કરી છે કે, “અને તે સાધુ અને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય અને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવી અને મારવો નહિ અને તેનું જેમ હિત થાય તેમ જ ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.”

એક વખત ચાતુર્માસ નિમિત્તે દેશ-વિદેશના હરિભક્તો મહારાજનાં દર્શન-સમાગમ અર્થે ગઢપુર ભણી આવી રહ્યા હતા. તેવામાં વસ્તાખાચરના દીકરા જોઈતાખાચરે ભૂલથી જૈન ઉપાશ્રયના ઓટલા પર થૂંક્યું. એ દૃશ્ય જૈનના સાધુ જોઈ ગયા. તેમને પોતાના ધર્મનું અપમાન લાગતાં રજ જેવી વાતને ગજ જેટલું સ્વરૂપ આપ્યું.

ગઢપુરમાં હાહાકાર મચાવી દીધો, “સ્વામિનારાયણનો છોકરો આપણા ઉપાશ્રયના ઓટલા પર થૂંક્યો. કાલે આપણા ઉપર થૂંકશે ! માટે આ તો ન જ ચલાવી લેવાય.” આથી જૈન સાધુએ ગઢડામાં પોતાના વેપારી શિષ્યોને બોલાવી વાત કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરતાં સભા ભરી. આ બધી જ વાત વાયુવેગે ગામમાં ફેલાઈ ગઈ. શ્રીહરિને વાતની જાણ થતાં પોતે એકલા જ જૈન સાધુની માફી માગવા ઊપડ્યા.

મહાપ્રભુ જૈન ઉપાશ્રયમાં પહોંચ્યા. ત્યાં સાધુઓ મહારાજને જોઈ નવાઈ પામ્યા. મહારાજે જૈન સાધુ પાસે જઈ બે હાથ જોડી ક્ષમા માગી કે, “રાજી રહેજો, અમારા સત્સંગીના દીકરાથી અજાણતા ભૂલ થઈ છે. આપનું અપમાન થયું એ બદલ અમારી ઉપર ખાસ રાજી રહેજો.”

મહારાજનો આવો સભ્યતાપૂર્ણ વ્યવહાર જોઈ જૈન સાધુ તથા તેમના શિષ્યો આભા જ બની ગયા અને બોલ્યા, “તમારાથી માફી ન મગાય. આપ તો ભગવાન છો માટે અમને માફ કરજો.”

સમયોચિત માફી માગવી એ પણ એક સભ્યતા છે. મહારાજના આવા સભ્યતાપૂર્ણ વ્યવહારથી વણસેલી વાત થાળે પડી. મોટાપુરુષ પણ પરભાવનું સ્વરૂપ હોવા છતાં અવરભાવના તમામ વ્યવહાર સભ્યતાપૂર્ણ કરતા હોય છે.

એક વખત ૫.પૂ. સ્વામીશ્રી સત્સંગ વિચરણાર્થે વડોદરા જતા હતા. રસ્તામાં ટોલટેક્સનું બૂથ આવ્યું. ડ્રાઇવરમુક્તે ગાડીનો ગ્લાસ (કાચ) ખોલી ટોલટેક્સના પૈસા આપ્યા. ટોલટેક્સવાળા ભાઈએ સામેથી છૂટા પૈસા માગ્યા. ડ્રાઇવરમુક્તે ના પાડી. ટોલટેક્સવાળા ભાઈએ ગમે ત્યાંથી સેટિંગ કરી છૂટા પૈસા આપ્યા.

પ.પૂ. સ્વામીશ્રી બાજુમાં બેઠા બેઠા આ બધી જ પરિસ્થિતિને જોઈ રહ્યા હતા. પ.પૂ. સ્વામીશ્રીએ ડ્રાઇવરમુક્તને કહ્યું, “ટેક્સ લેનાર ભાઈએ તમને ગમે ત્યાંથી સેટિંગ કરી છૂટા પૈસા આપ્યા તો તેઓને ‘Thank you’ કહીને આભાર વ્યક્ત કરો.”

“અરે સ્વામી, એમણે એમની ફરજ પૂરી કરી તેમાં Thank you કહેવાનું ?”

સભ્યતાના આગ્રહી પ.પૂ. સ્વામીશ્રીએ ડ્રાઇવરમુક્તને કહ્યું, “ટોલટેક્સવાળા ભાઈએ તેમની ફરજ જ પૂરી કરી છે તે નિઃશંક વાત છે, પરંતુ એમની સાથે સભ્યતાપૂર્ણ વ્યવહાર કરવો તે આપણી પવિત્ર ફરજ છે. માટે કાચ નીચે ઉતારી ‘Thank you’ કહો.” પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞા થતાં ડ્રાઇવરમુક્તે ‘Thank you’ કહી ટોલટેક્સવાળા ભાઈનો આભાર વ્યક્ત કર્યો.

એક વખત પ.પૂ. સ્વામીશ્રીએ સમર્પિત તાલીમ કેન્દ્રમાં તાલીમ લેનાર મુક્તોને સભ્યતાના પાઠ શીખવતાં કહ્યું, “તમો જ્યારે તમારા પૂર્વાશ્રમના પિતાશ્રીને મળો કે તમારે ઘરે જવાનું થાય ત્યારે તેમને અવશ્ય કહેવું કે, ‘સ્વામીએ અને સંતોએ આપને જય સ્વામિનારાયણ પાઠવ્યા છે અને તમારા કુશળ સમાચાર પૂછ્યા છે’ અને અહીં આવો ત્યારે પૂ. સંતોના આસને જઈ જય સ્વામિનારાયણ કરવા અને કહેવું કે મારા પિતાજીએ આપને જય સ્વામિનારાયણ પાઠવ્યા છે. આ બધો શિષ્ટાચાર છે જે અવશ્ય શીખવો.”

મહારાજ અને મોટાપુરુષ તો આપણને સૌને પરભાવનો શિષ્ટાચાર કહેતાં પરભાવમાં રહેવાની કળા શિખવાડે છે સાથે સાથે અવરભાવમાં પણ એકબીજા સાથે સભ્યતાપૂર્ણ વર્તાવ કરી આપણને સભ્યતાના ગુણ શીખવાની અનોખી પ્રેરણા પૂરી પાડે છે. ત્યારે આપણા દૈનિક જીવનમાં આધ્યાત્મિક અને વ્યવહારિક ક્ષેત્રે ક્યાં ક્યાં અને કેવો કેવો સભ્યતાપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ ? તો,

અધ્યાત્મ માર્ગ હોય કે વ્યવહાર માર્ગ હોય તેમાં સભ્યતાસભર જીવન જ સૌના આદરને પાત્ર બને છે. મંદિરમાં દર્શન, સેવા-સમાગમનો લાભ લેવા ઘણાબધા સત્સંગી બંધુઓ પધારે છે પરંતુ કોઈક જ સૌના આદરને પાત્ર બનતા હોય છે. કારણ, તેમનું સભ્યતાસભર વાણી-વર્તન હોય છે.

મહારાજ અને મોટાપુરુષના જીવનમાંથી પ્રેરણા લઈ સભ્યતાસભર વાણી-વર્તન દ્વારા સૌને રાજી કરી શકીએ એ જ પ્રાર્થના.