સભ્યતા-3

  November 19, 2018

સત્સંગમાં આવીને આપણે કેવું વર્તન કરવું ? કેવી રીતે રહેવું ? તેનું આપણને જ્ઞાન તો છે. પરંતુ જ્ઞાન એ માત્ર જાણકારી છે જ્યારે સભ્યતા એ તેનું ફળ છે.

દર્શન અદબમાં રહીને કરવાં જોઈએ; તે શીખવતાં શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૨૫મા વચનામૃતમાં કહ્યું છે કે, “અમારાં દર્શન કરતા હોય ને કોઈક બાઈ-ભાઈ આવે કે કૂતરું નીસરે કે કાંઈ ખડખડે તેની સામું વારંવાર દર્શન મૂકીને જુએ, પણ એક દૃષ્ટિએ દર્શન ન કરે તેની ઉપર તો એવી રીસ ચડે જે, શું કરીએ સાધુ થયા, નહિ તો એનું કાંઈક તાડન કરીએ ?”

અર્થાત્ એકાગ્ર દૃષ્ટિએ દર્શન કરવાં એ અદબ આપણે જાળવવાની છે પરંતુ દર્શન કરતી વખતે મંદિરમાં કોઈ ઠાકોરજી આગળ બેઠા હોય તેને તકલીફ ન પડે કે આપણા હાથ-પગ તેમને અડી ન જાય તેનો ખ્યાલ રાખવો. કોઈ બેઠા હોય તેમની આગળ ઊભા રહી દર્શન કરવાં, મંદિરમાં મોબાઇલ પર વાત કરવી, દર્શન કરતાં વાતો કે ઠઠ્ઠા-મશ્કરી કરવી એ અસભ્યતા છે. અન્ય કોઈને તકલીફ ન પડે તે રીતે અદબમાં રહીને દર્શન કરવાં, તે દર્શનની સભ્યતા છે.

એ જ રીતે મોટાપુરુષનાં કે સંતોના આસને દર્શને જઈએ ત્યારે બે દંડવત કરવા જોઈએ. સત્સંગ વિકાસ હોય કે અન્ય કોઈ પ્રશ્નો અંગે મોટાપુરુષ કે સંતો-ભક્તો સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે દલીલ કરવી, સામે બોલવું, કૉમેન્ટ્સ કરવી, વચ્ચે બોલવું, કોઈને છોભીલા પાડવા, ઊંચા અવાજે બોલવું, આક્ષેપો મૂકવા એ અસભ્યતા છે.

પારસ્પરિક વાણી-વર્તનમાં સભ્યતા રાખવાની રીત શીખવતાં શ્રીજીમહારાજે સારંગપુરના રજા વચનામૃતમાં કહ્યું છે કે, “વચને કરીને કોઈ જીવ-પ્રાણીમાત્રને દુખવવાં નહિ અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન-ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદવિવાદ થાતો હોય ને તેમાં પોતે જીતીએ એમ જણાય તોપણ જો મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું અને આપણા કરતાં મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન-ઉત્તરે કરીને ભૂંઠા પડે એમ કરવું નહિ; મોટા સંત આગે ને પરમેશ્વર આગે તો જરૂર હારી જાવું અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનવું.” તેમના વેણ ઉપર વેણ ન લાવવું.

મોટાપુરુષે અવરભાવમાં મંદવાડલીલા ગ્રહણ કરી હોય કે સંતો સાજા-માંદા હોય ત્યારે રૂબરૂ જઈને, ફોન કરીને કે પત્ર દ્વારા તેમના ખબર-અંતર પૂછવા એ આપણી શિષ્ય તરીકેની સભ્યતા છે. વળી આપણે જ્યારે કોઈ સંબંધીને ઘેર જઈએ ત્યારે અગાઉથી જાણ કરીને જઈએ છીએ તેમ જ્યારે મોટાપુરુષને મળવા જવું હોય તો અગાઉથી સમય લઈને જવું; જેથી આપણા કારણે એમના દૈનિક કાર્યક્રમમાં ફેરફાર ન કરવો પડે.

સંતો સાથે કેવું સભ્યતાસભર વર્તન દાખવવું ? તો, આ લોકની દૃષ્ટિએ કોઈ મોટી ડિગ્રી ધરાવનાર ડૉક્ટર કે વકીલ વયે કરીને નાના હોય કે મોટા પણ તેમના નામની આગળ ‘Doctor’, ‘Lawyer’ એવા સંબોધનથી જ તેમને બોલાવીએ છીએ તેમ સંતો વયે કરીને નાના હોય કે મોટા પણ આશ્રમની દષ્ટિએ તો મોટા જ છે માટે એમના નામની આગળ ‘પૂજ્ય’ એવું સંબોધન વાપરી તેમના આશ્રમની ગરિમા જાળવવી. રાજાની સમકક્ષ તો કદી ન બેસાય પરંતુ રાજાના દીકરા (કુંવર)ની આગળ ઊંચા કે તેની સમકક્ષ આસન પર ન બેસાય તેમ સંતો એ મહારાજના કુંવરને ઠેકાણે છે તેથી તેમના આસનની સમકક્ષ ન બેસતાં તેમની સામે નીચા આસને બેસવું. સંતો સાથે સખાભાવે ન વર્તતાં પૂજ્યભાવે, મર્યાદાથી વર્તવું. દાસભાવે સંતોની સેવા કરવી.

હરિભક્તો પણ મહારાજના સંબંધવાળા છે. તેમને કદી તોછડાઈભરી વાણીથી ન બોલાવવા, પરંતુ ‘મહારાજ’, ‘દયાળુ’ એવા દિવ્ય સંબોધનથી બોલાવવા. પ.પૂ. સ્વામીશ્રી કાયમ આપણને શીખવવા કહેતા હોય છે કે, “મારા સંતોને તો મને ‘તું’ કારે બોલાવવાનો અધિકાર છે પરંતુ મેં ક્યારેય મારા સંતોને ‘તું’કારો કરી બોલાવ્યા નથી.” એમ સત્સંગમાં કે પરિવારના સભ્યોમાં નાના હોય કે મોટા કોઈને ‘તું’કારો ન કરવો.

સદ્. મુક્તાનંદ સ્વામી સમગ્ર સત્સંગ સમાજની ‘મા’ કહેવાતા તેમ છતાં પોતાના દીકરા સમાન નાનામાં નાના સંતને માનથી બોલાવતા. જેનો ઉલ્લેખ બાપાશ્રીએ ભાગ-૧ની ૯૮મી વાતમાં કર્યો છે, “જુઓને ! શ્રી મુક્તાનંદ સ્વામી નાના સાધુને પણ કેવી રીતે માન દઈને બોલાવતા ! એવું દાસપણું રાખવું.”

શિક્ષાપત્રી શ્લોક નં. ૬૯માં શ્રીજીમહારાજે સભ્યતાની રીત શીખવતાં કહ્યું છે કે, “અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિ વૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ છ જણા આવે ત્યારે સન્મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું.”

સંતો-હરિભક્તો સાથે મંદિરની સેવામાં ક્યાંક મતભેદ થાય તેમ છતાં સભ્યતાપૂર્ણ વ્યવહારથી તેમને સમજાવવા પ્રયત્ન કરવો. મનનું ધાર્યું મૂકવું પડે તો મૂકી દેવું પણ તેમની આગળ સભ્યતા ન મૂકવી. તેમની આગળ ઊંચા અવાજે બોલી તેમની મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. જો સૌની સાથે સભ્યતાપૂર્ણ વ્યવહાર કરીશું તો જ સત્સંગમાં દિવ્યભાવના તાંતણે જોડાયેલા રહેવાશે. કારણ કે દિવ્યતાસભર વાતાવરણ સર્જવાનો પ્રારંભ સભ્યતાસભર વર્તનથી થાય છે.

સભામાં જવાની બાબતમાં પણ સભ્યતા જાળવવી તેનો ખ્યાલ હોવા છતાં આપણે આંખ આડા કાન કરી નાખતા હોઈએ છીએ. સભામાં સમયસર પહોંચવું, લાઇનમાં બેસવું, લાઇનમાં દર્શન કરવા જવું, લાઇનમાં પ્રસાદ લેવા જવું, એ વખતે કોઈ વડીલ કે અશક્તને ધક્કો ન લાગી જાય તેનો ખ્યાલ રાખવો, તેમને આગળ જવાની જગ્યા આપવી. ચાલુ સભામાં વાતો ન કરવી, કૉમેન્ટ્સ ન કરવી, વચ્ચે બોલવું નહિ, મોબાઇલની સ્વિચ બંધ રાખવી, ઝોકાં ન ખાવાં, પગ ઉપર પગ ચડાવીને કે વસ્ત્ર કરીને ઢીંચણને બાંધીને ન બેસવું એ સભા દરમ્યાનની સભ્યતા છે.

સભ્યતા એ જ મહાનતાની નિશાની છે. તેને ખરા અર્થમાં અમારા જીવનમાં ચરિતાર્થ કરી શકીએ એ જ પ્રાર્થના.