સભ્યતા-4

  November 28, 2018

સત્સંગ અને પારિવારિક જીવનમાં પ્રેમભર્યો વ્યવહાર કરવા સભ્યતા અતિ આવશ્યક છે.

સત્સંગની જેમ પારિવારિક જીવનમાં પણ પરિવારના સભ્યો સાથે સભ્યતાભર્યો વ્યવહાર કરીએ તો જ સૌના વ્હાલા બની શકાય. સુગમતાથી પારિવારિક સંબંધો જળવાઈ રહે. માતાપિતા, વડીલો સાથે આદરભર્યો; સમોવડિયા સાથે મિત્રતાભર્યો અને સંતાનો સાથે પ્રેમભર્યો વ્યવહાર કરવો તે સભ્યતા છે.

એક વખત ૫.પૂ. સ્વામીશ્રી કોઈ હરિભક્તને ઘેર પધરામણી માટે પધારેલા. ઘેર પહોંચી મહારાજની આરતી કરી પરિવારના બધા સભ્યો સાથે બેઠા. પરંતુ ઘરના વડીલ ક્યાંય ન દેખાયા એટલે પ.પૂ. સ્વામીશ્રીએ તે હરિભક્તને કહ્યું, “દાદા ક્યાં છે ? એમને બોલાવોને !” ત્યારે પેલા હરિભક્તે બાજુના રૂમમાં બેઠેલા દાદાને હાકોટો મારતાં કહ્યું, “એય બાપા ! તમને સ્વામી બોલાવે છે; અહીં આવો.” પ.પૂ. સ્વામીશ્રી તેમના વડીલ સાથેના અસભ્યતાપૂર્ણ વર્તનથી રાજી ન થયા.

એ પછી બીજા ઘરે પ.પૂ. સ્વામીશ્રી પધરામણી અર્થે પધાર્યા ત્યારે આરતી સમયે એ હરિભક્તે પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું, “સ્વામી, એક મિનિટ; પિતાશ્રીને બોલાવી લાવું.” ત્યારે જોડે ઊભેલા તેમના દીકરાએ કહ્યું, “પપ્પા, તમે રહેવા દો; હું દાદાને લઈ આવું.” તે કિશોરમુક્તને વડીલનો હાથ પકડી લાવતા જોઈ પ.પૂ. સ્વામીશ્રી અતિશે રાજી થઈ ગયા. પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “બેય પરિવારની છાપ અમારા માનસમાં પડી. એકની સારી, એકની નરસી. તેનું કારણ સભ્યતા.”

માતાપિતા અને વડીલોના આપણા પર અનેક ઉપકારો છે. આપણે ગમે તેટલા ભણતરથી કે વ્યવહારે કરીને મોટા થઈએ તોપણ માતાપિતાને આદર આપવો, એમની સામે ઊંચા અવાજે ન બોલવું, ‘તું’કારો ન કરવો, એમની આજ્ઞાનું પાલન કરવું, તેમની સેવા કરવી, રોજ નમીને ચરણસ્પર્શ કરવા તો તેમની પ્રસન્નતા થાય ને સ્વજીવનમાં ખૂબ પ્રગતિ થાય.

મહેમાનને મીઠો આવકાર આપવો, નાસ્તા-પાણીનું પૂછવું, આરામ માટે યોગ્ય રૂમની વ્યવસ્થા કરવી, આત્મીયતાભર્યું વર્તન રાખવું. આપણું આત્મીયતાસભર વર્તન મહેમાનને રાજી કરે છે.

સભ્યતાસભર વર્તનથી જ મહારાજ, મોટાપુરુષ, સંતો-ભક્તો સૌ રાજી થઈ અંતરના આશિષ વહાવે છે.

સંવત ૧૮૭૪માં શ્રીજીમહારાજ અમદાવાદ મંદિરની જગ્યાનો દસ્તાવેજ કરાવવા સૌપ્રથમ વખત અંગ્રેજ અમલદાર મિ. એરણસાહેબને મળવા તેમના બંગલે પધાર્યા હતા. ‘શ્રીજીમહારાજ તેમના બંગલે પધારે છે’ આ સમાચાર મળતાં મિ. એરણસાહેબે બૅન્ડ ટીમ આવકારવા મોકલી. સવારી બજારમાં થઈને ભદ્રમાં પહોંચી ત્યારે મિ. એરણસાહેબ તથા તેમના અમલદારો શ્રીજીમહારાજને આવકારવા ઊભા હતા. દર્શન થતાં તેમણે પોતાની ટોપી હાથમાં લઈ મહારાજનું સ્વાગત કર્યું. મહારાજ માણકી ઉપરથી નીચે ઊતર્યા કે તરત જ ભાવપૂર્વક નીચા વળી મહારાજને નમન કર્યું. મહારાજ પણ તેમનો સભ્યતાભર્યો વર્તાવ જોઈ મર્માળું હસ્યા. મિ. એરણસાહેબ મહારાજનો હસ્ત પકડી પોતાના આવાસમાં લઈ ગયા. ખાસ શણગારેલી ખુરશીમાં મહારાજને બિરાજમાન કર્યા. ત્યારપછી જ મિ. એરણસાહેબ તથા સાથેના અમલદારો ખુરશી ઉપર બેઠા. સૌપ્રથમ શ્રીહરિની સાથે બેસી તેમણે મહારાજના કુશળ સમાચાર પૂછ્યા.

મિ. એરણસાહેબનું આવું સભ્યતાભર્યું વર્તન જોઈ મહારાજ ખૂબ પ્રસન્ન થયા હતા. ત્યારપછી જ્યારે પણ એરણસાહેબ શ્રીહરિને પ્રાર્થના કરે કે તુરત તેનો સ્વીકાર કરી પધારતા. એ વખતે પણ તેઓ પ્રથમની રીતે જ સ્વાગત કરતા. તેઓ કદી મહારાજના સમકક્ષ આસને બેસતા નહીં. શ્રીજીમહારાજની સાથે પધારેલા સંતો-ભક્તોનું પણ એટલી જ સભ્યતાથી સ્વાગત કરતા. તેમની આ પ્રમાણેની સભ્યતા જ તેમના ઉચ્ચ વ્યક્તિત્વનું દર્શન કરાવતી હતી.

આજે પણ વિદેશમાં કોઈ મહેમાન આવે તો તેમને મીઠો આવકાર આપવો, કોઈ સમયોચિત મદદરૂપ થાય તો Thank you કહેવું, કંઈક ભૂલ થઈ જાય તો માફી માગવા Sorry કહેવું, કોઈને મદદરૂપ બનવું વગેરે જેવી સભ્યતા વિશેષ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ તો એથીય વિશેષ સભ્યતાથી વણાયેલી છે. મહેમાનને જમાડ્યા વિના પાછા ન મોકલવા, કોઈ મળે તો બે હાથ જોડી નમસ્કાર કરવા, વડીલોને ચરણસ્પર્શ કરવા, માતાપિતાની જીવનપર્યત સેવા કરવી. પરંતુ આજે સમાજમાં ભારતીય સંસ્કૃતિનાં આ સભ્યતાનાં મૂલ્યો ભૂંસાઈ રહ્યાં છે જેને આપણા જીવનમાં યથાવત્ જાળવી રાખી સભ્યતાસભર જીવન કરવું.

જાહેર સ્થળોએ કે ટ્રેન કે બસમાં મુસાફરી કરતાં બીભત્સ સંગીતો-ગીતો વગાડવાં, સૂચના લખી હોય કે અહીં કચરો ન નાખવો ત્યાં જ ગંદકી કરવી, બારીઓમાંથી સામાન નાખી બેસવાની સીટ પચાવી પાડવી, બસની સીટ પાછળ પેનથી ચિતરામણ કરી સીટો ગંદી કરવી આ અસભ્યતા આપણા વ્યક્તિત્વને લાંછન લગાડે છે. મુસાફરી દરમ્યાન વડીલ કે અશક્ત વ્યક્તિ બસમાં આવે તો તેમને યોગ્ય જગ્યા કરી બેસાડવા, બસમાં કોઈ પ્રકારનું વ્યસન ન કરવું, મોટે મોટેથી વાતો ન કરવી કે સંગીત ન વગાડવું, કોઈ અજાણી વ્યક્તિ સાથે બેઠા હોય તો તેના અંગત જીવનની વાતો ન પૂછ્યા કરવી એ સભ્યતા છે.

“અને લોક ને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વજર્ય એવાં સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી-તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી-બગીચા, એ આદિક જે સ્થાનક તેમને વિષે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહીં.”

- શિક્ષાપત્રી શ્લોક : ૩૨

એ જ રીતે બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે આપણું વાહન યોગ્ય જગ્યાએ મૂકવું. ખરીદી કરવાની ઇચ્છા ન હોય તો દુકાનદારને વ્યર્થ પ્રશ્નો પૂછીને તેનો અને આપણી પાછળ લાઇનમાં ઊભેલા લોકોનો બિનજરૂરી સમય ન બગાડવો એ સભ્યતા છે.

દરેક ક્ષેત્રે જો આવી સભ્યતાને વળગી રહીએ તો આપણા વ્યવહારો સુગમ અને સરળ થઈ જાય. દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય. સૌના અંતરમાં આદર્શ વ્યક્તિત્વ તરીકેનું સ્થાન પામી શકાય. મહારાજ અને મોટાપુરુષના રાજીપાનું પાત્ર બની શકાય.

માટે મહારાજ અને મોટાપુરુષના જીવનમાંથી પ્રેરણા પામી ‘સભ્યતા’ના સદ્ગુણને સ્વજીવનમાં ચરિતાર્થ કરી મહારાજ અને મોટાપુરુષને શોભાડે એવું જીવન જીવવા પ્રયત્નશીલ બનીએ એ જ અભ્યર્થના.