સદ્. બ્રહ્માનંદસ્વામી દર્શન ભાગ - 1

  September 16, 2013

વ્હાલામુકતો,

જય સ્વામિનારાયણ

          પૂર્ણપુરુષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના ભવ્ય અને પ્રચંડ સંકલ્પો સાથે, અનંત જીવોને સુખિયા કરવાના શુભ હેતુથી આં બ્રહ્માંડોને વિષે મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા. તો વળી, સાથે પોતાના સંકલ્પોને પુષ્ટ કરવા તથા અનંતાનંત જીવોને એ સંકલ્પોમાં ભેળવવા સદ્.ગોપાળાનંદ સ્વામી, સદ્.મુક્તાનંદ સ્વામી, સદ્.નિત્યાનંદ સ્વામી, સદ્.નિષ્કુળાનંદ સ્વામી, સદ્.ગુણાતીતાનંદ સ્વામી તથા સદ્.બ્રહ્માનંદ સ્વામી જેવા દિવ્યસત્પુરુષોને પોતાની સાથે લાવ્યા. વર્તમાનકાળે એજ શ્રીજીમહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રગટ છે. અને એમના સંકલ્પો પણ પ્રગટ છે. અને એ દિવ્ય સત્પુરુષોની પરંપરા પણ ચાલતી જ આવી છે. કારણ કે મહાપ્રભુએ કેવળ કૃપા કરી અનંત જીવોને સુખિયા કરવા, વડતાલના ૧૯મ વચનામૃતમાં કોલ આપ્યો છે.

         “આં જીવને જયારે ભરતખંડને વિષે મનુષ્યદેહ આવે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે.”

         શ્રીજીમહારાજના આપેલા આશીર્વાદ મુજબ વર્તમાનકાળે પણ એવા દિવ્ય સત્પુરુષ પ્રગટ બિરાજે છે. પરંતુ જરૂર છે તેમને ઓળખવાની, તેમના માહાત્મ્યને દ્રઢ કરવાની. કારણ એ દિવ્ય સત્પુરુષ નિરંત મૂર્તિમાં રહે છે. અને જે એમની સાથે જોડાય તેને માટે પોતે જે સુખમાં રહ્યા છે, એ સુખમાં પહોંચાડવાની લાલશા રહે છે. (વચનામૃત ગ.પ્ર.૬૭) શ્રીજીમહારાજની આપણા ઉપર અનહદ કૃપા છે કે આપણે એવા દિવ્ય સત્પુરુષને શોધવા જવાની જરૂર નથી.  કહેવાય છે કે, “માંગ્યા વગર તો સગી માં પણ જમવાનું ના આપે.” પણ આ તો કરુણા સાગર શ્રીહરિ. વિના માંગ્યે મહાપ્રભુએ આપણને એવા દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજી આપ્યા છે. આં અનમોલ ભેટનું જો મૂલ્ય સમજાય તો અનંત સદ્ગુરુઓના દર્શન આપણને વર્તમાનકાળે મળેલા એ દિવ્ય સત્પુરુષમાં થાય.

         શું આપણે સદ્. ગોપાળાનંદ સ્વામીને જોયા છે ? શું આપણે સદ્.મુક્તાનંદ સ્વામીને જોયા છે ? શું આપણે સદ્.ગુણાતીતાનંદ સ્વામીને જોયા છે ? આપણા સૌનો એક જ ઉત્તર હશે કે આ ચર્મચક્ષુએ કરીને તો નથી જોયા. તો શું વર્તમાનકાળે એ દિવ્ય સત્પુરુષના દર્શન થાય ? હા... આપણને મળેલા દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજીમાં સર્વ સદ્ગુરુઓના દિવ્ય કલ્યાણકરી ગુણોના દર્શન થાય છે. ત્યારે ચાલો, આ અમૃતપર્વના દિવ્ય પ્રસંગે પ.પૂ.બાપજીમાં થતા દિવ્ય સત્પુરુષોના દર્શનની અનુભૂતિ કરી માહાત્મ્ય આકારે થઈએ...

         સદ્.બ્રહ્માનંદ સ્વામી એટલે દાસત્વભાવ-નિર્માનીપણું, દ્રઢ નિષ્કામીપણું (યતિ), ૨૪ કળાઓમાં પારંગત, શીઘ્ર કવી, મહારાજની સાથે દ્રઢ સખાભાવ, દિવ્યભાવ, નિર્દોષબુદ્ધિ અને વ્યવહાર કુશળતા જેવા અનંત કલ્યાણકારી ગુણોથી દેદિપ્યમાન એ દિવ્ય સ્વરૂપ. આ બ્રહ્માનંદ સ્વામીના અનંત કલ્યાણકારી ગુણોના દર્શન વર્તમાનકાળે બિરાજતા પ.પૂ.બાપજીમાં થાય છે. આવો ત્યારે સદ્.બ્રહ્માનંદસ્વામીના દિવ્યગુણો અને જીવનનું દર્શન કરીએ.

ગુરુમહારાજ પ્રગટકી બાત સુનાઈએ :-

         સદ્.રામાનંદ સ્વામી ખાણ ગામે ભગવત્ વાતો કરી ભક્તજનોને સુખીયા કરવા પધાર્યા હતા. ગામોગામથી ભક્તો ગુરુશ્રીનો લાભ લેવા આવી પહોંચ્યા હતા. સદ્.રામાનંદ સ્વામીએ પ્રભુસ્મૃતી સહીત ભગવત્ વાતો શરૂ કરી. થોડીવાર થઇ ત્યારે રાજ કવિ શંભુદાનજી ગઢવીના ઘર તરફ પ્રકાશનો પુંજ ક્ષણિકવાર દેખાતા ગુરુશ્રી તથા સૌ ભક્તજનો તે બાજુ તાકી રહ્યા... ત્યારે “નાદ બ્રહ્મ” જેવા ઘેરા અને સુમધુર અવાજે શબ્દો સંભળાયા “ગુરૂમહારાજ પ્રગટકી બાત સુનાઈયે” (આ શબ્દો લાડુદાનજીએ (સદ્.બ્રહ્માનંદ સ્વામી) માતાના ઉદરમાં રહ્યા થકા ઉચ્ચાર્યા હતા. ત્યારે સદ્.રામાનંદ સ્વામી પ્રતિ ઉત્તર આપતા બોલ્યા, “પ્રગટકી બાત મૈં ક્યા સૂનાઉં ? વો તો આપ સૂનાયેંગે.”

         આ પ્રમાણે અદભુત પ્રકાશ અને અદભુત બ્રહ્માનંદ સુણી વિશાલ ભક્ત સમાજ સ્તબ્ધ બની, રામાનંદ સ્વામીને આ વાણીનું રહસ્ય સમજાવવા પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે રામાનંદ સ્વામીએ પળવાર નેત્રબંધ કરીને પછી રહસ્ય સ્પષ્ટ કરતા કહ્યું, “સર્વાવતારી પૂર્ણપુરુષોતમ સનાતન ભગવાન આં બ્રહ્માંડમાં પ્રગટ થઇ શુધ્ધ સંપ્રદાયનું સ્થાપન કરશે અને પોતાના અનંત મુક્તોને સાથે લાવશે. તેમાંના આ એક મુક્ત ટૂંક સમયમાં આપને ત્યાં પ્રગટ થશે. માટે તેમને વિષે કોઈ બાળકપણાનો ભાવ ન લાવતા. એ તો અનંતને પ્રગટ ભગવાનની વાતો સમજાવી સુખિયા કરશે.”

         સદ્.રામાનંદ સ્વામીએ આપેલી અગમવાણી અનુસાર સદ્.બ્રહ્માનંદ સ્વામીએ પ્રગટ ભગવાન સ્વામિનારાયણના જ ગુણો ગાયા છે. શ્રીજીમહારાજના મહિમાના કીર્તન, સંપ્રદાયમાં જો કોઈએ સૌથી વધુ બનાવ્યા હોય તો એ સદ્.બ્રહ્માનંદ સ્વામીએ. સદ્.રામાનંદ સ્વામી પરોક્ષના ગુણ ગાય એ વાત સદ્.બ્રહ્માનંદ સ્વામીને માતાના ઉદરમાં રહેવા છતાં પણ પસંદ નહોતી. વર્તમાનકાળે પણ એ જ ગુણોનો તાદ્રશ્ય અનુભવ આપણને મળેલા ગુરુવર્ય પ.પૂ.બાપજીમાં થાય છે. પ.પૂ.બાપજીના મુખે પણ એક માત્ર પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણના જ મહિમાની વાત હોય. એમની જ ઉપાસનાની વાત હોય.

         પ.પૂ.બાપજીએ એક અને માત્ર એક પ્રગટ સ્વામિનારાયણ ભગવાનની જ ઉપાસના પ્રવર્તાવી છે. એમનું જ ધ્યાન કરાવ્યું છે. અને એમનું જ ભજન કરાવ્યું છે અને વર્તમાનકાળે કરાવી રહ્યા છે. એમાં ક્યાંય નમતું મૂક્યું નથી. એક હરિભક્ત પ.પૂ.બાપજી પાસે આવ્યા અને કહ્યું કે “બાપજી ! આ વાસણા મંદિરના મુખ્ય શિખરમાં ઘનશ્યામ મહારાજને બદલે અન્ય અવતારની મૂર્તિ પધરાવો તો એની મોટી સેવા હું કરી આપું.” ત્યારે પ.પૂ.બાપજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “મેં સ્વામિનારાયણ સારું મૂંડાવ્યું છે. બીજા માટે નહિ.” કેવી અદભુત દ્રઢતા !!

વધુ આવતાં અંકે