સાધુતાના શણગાર

  March 8, 2017

ગુરુવર્ય પ.પૂ. બાપજીને હૃદયની બાયપાસ સર્જરી કરવી જરૂરી હતી. પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોની પ્રાર્થના-વિનંતીથી તેઓએ સંમતિ આપી. એટલે બાયપાસ સર્જરી ક્યાં કરવી ? કોની પાસે કરાવવી ? તેની તજવીજ પ.પૂ. સ્વામીશ્રી તથા સંતો-હરિભક્તો કરતા હતા. દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજી થોડી મૂંઝવણ જણાવતા હતા. ઑપરેશન કેવું થશે... કેવું રહેશે... એવી તો મૂંઝવણ એમને પજવે શાની ? હજારો હરિભક્તોના બાયપાસ સર્જરીના ઑપરેશન એમના આશીર્વાદથી હેમખેમ પાર પડી ગયા હોય તો પછી એમને શાની ચિંતા...??

એમને ચિંતા હતી મહારાજની અણીશુદ્ધ આજ્ઞામાં ફેર ન પડી જાય તેની ! એમની સાધુતામાં રતીમાત્ર આંચ ન આવે તેની !! સામાન્ય રીતે હૉસ્પિટલમાં દર્દીને ઑપરેશન વખતે ડૉક્ટર્સ સાથે મદદમાં નર્સની ડ્યુટી હોય. એટલે એમને ચિંતા હતી કે, “ઑપરેશન સમયે બેભાન હોઈએ ત્યારે ઑપરેશન થિયેટરમાં કોણ કોણ હોય ખબર કોને પડે ? ડૉક્ટર્સના નિયમ મુજબ નર્સો સાથે રાખવી જરૂર પડે તો...! મહારાજની આજ્ઞા લોપાઈ જાય. સાધુની સાધુતામાં ફેર પડ્યો કહેવાય.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને બોલાવ્યા. પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મૂંઝવણ રજૂ કરી, “સ્વામી ! ઑપરેશન આપણે કરવું નથી.” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “કેમ ?” “સ્વામી, મહારાજની આજ્ઞા એટલે આજ્ઞા. એ લોપીને કશું કરવું નથી.” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “બાપા ! પણ કોઈ આજ્ઞા લોપાવાની જ નથી.” “પણ ઑપરેશન વખતે ડૉક્ટર્સ સાથે નર્સ (સ્ત્રીઓ) તો હશે જ ને ? એટલે ઑપરેશન માંડી વાળીએ. મહારાજની મરજી હશે એમ થશે.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું.

પ.પૂ. સ્વામીશ્રી પરિસ્થિતિ પામી ગયા. તેઓએ કહ્યું, “બાપજી ! ઑપરેશન વખતે ફક્ત ડૉક્ટર્સ જ હાજર રહેશે. એમની સાથે કોઈ જ નર્સોની જરૂર ન પડે કે ન તેઓ આવે એવી જ વ્યવસ્થા ને એવી જ હૉસ્પિટલમાં નક્કી કર્યું છે.” આટલું સાંભળતાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજીને હાશ થઈ. તેઓ હળવા થયા.

અણીશુદ્ધ સાધુતા ને અણીશુદ્ધ આજ્ઞામાં રહેવાની-વર્તવાની નેમવાળા; વિકટ સ્થિતિમાં પણ ઝીણામાં ઝીણી આજ્ઞામાં વર્તવાવાળા – જે ગુરુવર્ય પ.પૂ. બાપજી જેવા તો કો’ક જ અસાધારણ સત્પુરુષો હોય છે.

 બાયપાસ સર્જરી વખતે ઑપરેશન થિયેટરમાં ફરજિયાતપણે હૉસ્પિટલનો ડ્રેસ પહેરવો પડે. ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજની આજ્ઞાને લઈ મૂંઝાયા. સાધુને ભગવું કપડું ને એ પણ રામપુર ગામની માટીથી રંગેલું કપડું જ શરીર પર ધારણ કરાય. એટલે તેમણે મહારાજની આજ્ઞા ન લોપાય તે માટે પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું, “ડૉક્ટરને કહો; જે સેટિંગ કરવું પડે તે કરે પણ અમારા શરીરે ભગવું કપડું તો રહેશે જ. હૉસ્પિટલનો ડ્રેસ નહીં.” આ વાત હૉસ્પિટલના ડૉક્ટરોને કહી. નિયમ-ધર્મની બાબતો સમજાવી. ડૉક્ટરો ગુરુવર્ય પ.પૂ. બાપજીની ધર્મની દૃઢતા તથા એમની સાધુતા જોઈ અચંબિત થયા : “અમે તો ઘણા સંતોના ઑપરેશન કર્યા છે, એમાં કોઈનામાં આવા નિયમ જોયા નથી.” આથી તેમને ખૂબ ગુણ આવ્યો. શ્રીજીમહારાજ એમાં ભેગા ભળ્યા અને ડૉક્ટરો એ બાબતે સહકારરૂપ બન્યા. ભગવા કપડાને સ્ટીમ-સ્ટરીલાઇઝ કરાવીને ભગવા લૂગડે જ ઑપરેશન કર્યું.

વળી, નવી મૂંઝવણ ઊભી થઈ. ઑપરેશન વખતે ગળામાં કંઠી તથા જનોઈ કાઢવાનું ડૉક્ટરોએ કહ્યું. ત્યારે પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજની આજ્ઞા પાળવામાં અડગ રહ્યા. મક્કમ થઈ કહ્યું, “શ્રીજીમહારાજની આજ્ઞાના ભોગે કશું જ કરવું નથી.” ઑપરેશન થઈ ગયા પછી તેઓએ જ્યારે નેત્રો ખોલ્યા ત્યારે પ્રથમ પૂછ્યું કે કંઠી ક્યાં ? મારી જનોઈ ક્યાં ?

આવી છે એમની મક્કમ સાધુતા...!

અને આ છે એમની આજ્ઞાપાલનની દૃઢતા...!

અને આવી અદભુત સાધુતા જ એમની શોભા છે – એમનો શણગાર છે...!