સહનશીલતા - 6 (સહનશીલતા એ તો પાયો છે)

  June 20, 2013

સહનશીલતા એ તો પાયો છે:

આધ્યાત્મિકમાર્ગ હોય કે પછી વ્યવહારિક માર્ગ હોય કે પછી દેશની-સમાજની ઉન્નતિનો માર્ગ હોય પરંતુ એ દરેક માર્ગમાં, ક્ષેત્રમાં જે જે મહાન બન્યા છે, અનંતના મોક્ષદાતા બન્યા છે તેમની સફળતાના મૂળમાં કે તેમની મોટપ અને મહાનતાના મૂળમાં સહનશીલતાનો પાયો અતૂટ અને અવિચળ રહ્યો છે. તેનું ઉદાહરણ પણ આપણે પ્રત્યક્ષ જોયું છે અને સાંભળ્યું છે. આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં પિસાતો હતો. ત્યારે ભારત દેશને આઝાદ કરવા માટે ગાંધીજીએ પણ ‘સહનશીલતા’રૂપી ઉત્તમ શસ્ત્રનો જ સહારો લીધો હતો.

          ગાંધીજી ધારત તો “ઇંટ કા જવાબ ઇંટ સે ઔર પથ્થર કા જવાબ પથ્થર સે”, “જેવા સાથે તેવા” આ નીતિ અપનાવી શક્યા હોત; પરંતુ ગાંધીજીએ એ નીતિ અપનાવી નહોતી. દેશની આઝાદી માટે ઘણી બધી ચળવળો કરી, ઘણાં બધાં માન-અપમાન સહ્યાં; પરંતુ સહનશીલતાનો ત્યાગ ન કર્યો તો દેશ આઝાદ બની ગયો. અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા માટે પણ જો સહનશીલતા જ પાયારૂપ હોય ત્યારે આપણે તો અતિ જોખમકારક, ભયંકર અને અતિશે વિઘ્નરૂપ એવા કુસંપને આપણા ઘરમાંથી, પરિવારમાંથી હાંકી કાઢવો છે અને સંપનું સર્જન કરવું છે. ત્યારે આપણા માટે પણ સહનશીલતા એ તો પાયો જ છે. આપણા ઘરમાં સંપ રાખવો હશે તો દરેકે વ્યક્તિગત સહનશીલતાનો ગુણ કેળવવો જ પડશે.

          સહનશીલતા કેળવવા માટે જો કોઇ ફરજિયાત બાબત હોય તો એ છે હશે હશેની ભાવના સહનશીલતા માટેનો મુખ્ય પાયો જ આ છે. સહનશીલતા કેળવવી હશે તો કંઇક ભૂલવાની, કંઇક છોડવાની, કંઇક ખમવાની, કંઇક હશે હશેની ભાવના તો કેળવવી જ પડશે. હશે હશેની ભાવના એટલે શું? તો ‘Let go’ કરવું એટલે કે જતું કરતાં શીખો.  કોઇનાથી કંઇક ભૂલ થઇ, કોઇકે આપણને બે શબ્દો કહ્યા, કોઇક આપણું કાર્ય કરવાનું રહી ગયું તો તેમાં “હશે, ભૂલ થઇ જાય, એમાં શું ?” “બે શબ્દો કહ્યા એમાં શું ?” એમ કોઇ પણ વાતને કે કોઇક બાબતને મોટું સ્વરૂપ ન આપતાં કંઇક જતું કરવાની ભાવનાથી એ વાતને ગળી જવી, સમાવી લેવી તેનું નામ જ ‘હશે હશેની ભાવના’. બસ, જાણે કશું બન્યું જ નથી.

          હશે હશેની ભાવના એટલે સહનશીલતા કેળવવું ઉત્કૃષ્ટ આચરણ.

         હશે હશેની ભાવના એટલે ઉદાર મનની, વિશાળતાની નિશાની.

          હશે હશેની ભાવના એટલે મોટાની મોટપની નિશાની.

          હશે હશેની ભાવના એટલે નિર્માનીપણું દૃઢ કરવાનો સર્વસામાન્ય અને સરળ ઉપાય.

માત્ર બદલવાની છે આપણી ભાવનાઓને, આપણી વિચારસરણીને; અને પછી એનું ફળ તો જુઓ. આપણા ઘરના સભ્યો વચ્ચેના ઘણા બધા પ્રશ્નો ઘટી જશે. કારણ, કોઇ પણ પ્રશ્ન હોય કે બાબત હોય પરંતુ એ સીધું જ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી નથી. એની શરૂઆત તો નાની વાતથી જ થતી હોય છે. પરંતુ એ નાની વાતની શરૂઆતમાં ‘હશે હશેની ભાવના’ કેળવાતી નથી અને એટલે એ પ્રશ્ન કે નાની વાત ઝઘડાનું વિરાટ સ્વરૂપ ધારણ કરી લે છે જેના લીધે ઘરમાં કુસંપ સર્જાય છે.

          એક દંપતીનું નાનું કુટુંબ. ઘરમાં પતિ-પત્ની બે જ રહેતાં. એક દિવસની વાત છે. પુરુષસભ્યને કામકાજ માટે બહાર જવાનું હતું અને જમવાનો સમય થઇ ગયેલો. તેથી તેમણે પોતાની ધર્મપત્નીને જમવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. બન્યું એવું કે તેમનાં ધર્મપત્ની પોતાની બહેનપણી સાથે બેસી વાતો કરી રહ્યાં હતાં. આ ભાઇને જવાનું મોડું થતું હતું તેથી બે-ત્રણ વાર રસોઇ બનાવવાનું કહ્યું. પરંતુ તેમનાં ધર્મપત્ની તો પોતાની બહેનપણીઓ સાથે વાતો કરવામાં મશગૂલ હતાં. આ જોઇ પેલા ભાઇ થોડા અકળાયા અને પોતાનાં ધર્મપત્નીને બાવડું ઝાલી ઊભા કર્યાં અને કડવાં વેણ કહી હડધૂત કરી દીધાં અને જમ્યા વગર ચાલ્યા ગયા.

          બસ આટલી જ નાની વાતમાં બંને સભ્યો વચ્ચે કંકાસ ચાલુ થઈ ગયો. માત્ર 20 જ દિવસમાં બંને વચ્ચે કુસંપની દીવાલ ઊભી થઇ ગઇ. બેમાંથી એકેય જણાં સાથે રહેવા તૈયાર નહોતાં અને એક મહિનામાં તો છૂટાછેડા લઇ લીધા. આ છે સંસારનું ચિત્ર. વાત સામાન્ય હતી પરંતુ બેમાંથી એકેય પક્ષે ‘હશે હશેની ભાવના’ જ જોવા ન મળી. જો બેમાંથી એકે પણ હશે હશેની ભાવના રાખી હોત તો એ પ્રશ્ન કંકાસમાં ન પરિણમ્યો હોત. અને એ કંકાસ છૂટાછેડા સુધી ન લઇ જાત. માટે આપણે જ્યારે ઘરમાં, સત્સંગમાં સૌની સાથે સંપીને રહેવું છે ત્યારે આપણામાં તો હશે હશેની ભાવના કેળવવી જ રહી.

          નાનાથી કંઇક ભૂલ થાય તો મોટાએ એક જ ભાવના રાખવાની કે હશે, નાનો છે ને ? ભૂલ તો મારાથી પણ થતી હોય છે એમ એનાથી ભૂલ થઇ ગઇ એમાં શું ? એમ જાણી એની ભૂલને ભૂલી જવી. અને એ જ રીતે મોટા (વડીલ)બે શબ્દ રોકે-ટોકે, આપણી કાંઇક ભૂલ દેખાડે ત્યારે નાનાએ પણ એવી જ ભાવના રાખવાની કે હશે, એ મોટા છે ને ! એ મને નહિ કહે તો કોને કહેશે ? મારી ભૂલ છે તો મને કહે જ ને ! એવો સવળો જ વિચાર કરવો. પરંતુ હશે હશેની ભાવનાને મૂકી આપણે મોટાની, વડીલની માન-મોટપ-મર્યાદાને મૂકી દઇએ તો મહારાજ આપણા ઉપર રાજી ન થાય.

          આપણા રોજીંદા જીવનની કેટલીક બાબતો આપણે જોવી છે કે જેમાં આપણે હશે હશેની ભાવના રાખીને જ આગળ વધવું જોઇએ; તો આપણા ઘરમાં તથા સૌ સભ્યોની વચ્ચે સંપ રહેશે.

  1. ઘરમાં બે ભાઇઓની વચ્ચે કોઇ વસ્તુની કે મિલકતની વહેંચણી કરવાની હોય ત્યારે ઘણી વાર આપણે એક આનો પણ જતો કરતા નથી. જેના લીધે અંદરોઅંદર ઘર્ષણ થાય છે. પરંતુ એવા સંજોગોમાં પણ આ જ ભાવના કેળવો કે ‘હશે, ગમે તેમ તોય એ મારો ભાઇ જ છે ને ! બે પૈસા વધુ જશે તો મારી એટલી સેવા થશે.’
  2. ઘરમાં રહેનારા દરેક સભ્યનાં સ્વભાવ-પ્રકૃતિ જુદાં રહેવાનાં જ છે. એમાં ક્યાંય કોઇનો જિદ્દી, ઠરાવી સ્વભાવ હોય અને એમના ધાર્યા પ્રમાણે જ કરાવે તો ત્યાં પણ આ જ ભાવના કેળવો. હશે, એવું કરીને એ રાજી થાય છે ને ? આપણે તો બીજું કાર્ય પહેલાં કરીને એમને સંતોષ થાય છે તો એવી રીતે કરીએ.
  3. પ્રસંગોપાત્ત કોઇની સાથે બે શબ્દો બોલવાના થયા અને ઝઘડો થઇ ગયો તો તેને લીધે એકબીજા વચ્ચે આંટી ન બાંધી દેવી. પાણીમાં લીટો કરીએ તેમ એ વાતને ભૂલી જાવ. હશે, હવે ભૂલ થઇ ગઇ. અને વારંવાર વાગોળીને શું ફાયદો છે ?
  4. નાનાં બાળકો તોફાન-મસ્તી કરતાં હોય ત્યારે તેમને મારઝૂડ ન કરવી; તેમને પ્રેમથી સમજાવી-પટાવીને કામ લેવું; અકળાઇ ન જવું. ‘હશે, બાળકો છે, તોફાન કરે. વડીલો થોડા કાંઇ તોફાન કરવાના છે ?’ એવી ભાવના રાખવી.
  5. ઘરમાં વડીલ, માતાપિતા કોઇ બાબતમાં રોકે-ટોકે, સલાહ આપે, બોલ્બોલ કરતાં હોય તોપણ ક્યારેય એમન પ્રત્યે કટુ વેણ ન બોલવાં. હશે, મારાં માતાપિતા જ છે ને; મારા સારા માટે બે શબ્દો કહેતાં હશે; એમને મારા કરતાં વધુ અનુભવ છે. ભલે એમનો ગમે તેવો સ્વભાવ હોય, પરંતુ મારા માટે કેટલું વેઠીને મને મોટો કર્યો છે !
  6. પરિવારના સભ્યો આપણા કહ્યા પ્રમાણે ન કરે ત્યારે તરત જ ‘હશે હશેની ભાવના’ કેળવવી કે દરેકના વિચાર કંઇ થોડા એકસરખા હોય ? કદાચ એનું પણ સાચું હોય અને હું કહું એમ જ થાય એવું કંઇ જરૂરી થોડું છે ? જે થાય છે તેમાં મહારાજ સારું જ કરતા હશે.

          આવી ઘણી બધી બાબતો આપણા રોજબરોજના જીવનમાં બનતી હોય છે કે જેમાં ‘હશે હશેની ભાવના’ સાંસારિક પ્રશ્નોના ઉકેલ માટે ઔષધિરૂપ બની રહે છે.

વધુ આવતા અંકે...