સકામ મટી નિષ્કામ થઈએ : 7

  January 6, 2020

સકામભાવ એ મહારાજ અને મોટાપુરુષના રાજીપાના માર્ગે વિઘ્નકર્તા છે. કેમ ? તે જાણીએ તેઓના જ અભિપ્રાય રૂપે
સકામ બનવા અંગે મહારાજ અને મોટાના અભિપ્રાય
સકામ ભક્તને મૂર્તિના સુખ સિવાય પંચવિષયમાં તથા પંચભૂતાત્મક પદાર્થમાં જ પ્રીતિ રહે છે અને તેને મેળવવાની જ લગન જાગે છે; જ્યારે શ્રીજીમહારાજનો અવરભાવમાં મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપવાનો હેતુ જીવોને ખરા નિષ્કામ કરી આત્યંતિક કલ્યાણ કરવાનો હતો.
            “મનુષ્ય જેવો થઈ વિચરું, કરવા આત્યંતિક કલ્યાણ રે,
                                                       કહે છે વ્હાલો કરી કૃપા રે.”
જીવની દોટ સકામ માર્ગે વળેલી છે જ્યારે શ્રીજીમહારાજનો સંકલ્પ સકામભાવથી પાછા વાળી સંપૂર્ણ નિષ્કામ માર્ગે આગળ વધારવાનો છે. તેથી જો કોઈ મહારાજ પાસે સકામ થાય ને અવરભાવના સુખની માગણી કરે તો નારાજ થઈ જતા અને મૂર્તિના સુખની માગણી કરે તો રાજી થઈ જતા. પોતાનો આ અંતર્ગત અભિપ્રાય ગઢડા પ્રથમના ૮મા વચનામૃતમાં જણાવતાં કહ્યું છે કે, “કોઈને દીકરો દેવો, કે કોઈને દ્રવ્ય દેવું, કે કોઈ મૂઆને જીવતો કરવો, કે કોઈને મારવો એ તો અમને નથી આવડતું, પણ જીવનું જે રીતે કરીને કલ્યાણ થાય અને જીવને ભગવાનના ધામમાં પહોંચાડવો તે તો અમને આવડે છે.”
અહીં મહારાજ પોતાનો એવો અભિપ્રાય બતાવે છે કે, અમારી પાસે કોઈ આ લોકની માગણી કરે તો અમે રાજી થતા નથી. પરંતુ અમારા ધામની કહેતાં મૂર્તિના સુખની માગણી કરે તો અમે તેને રાજી થઈને આપીએ છીએ. શ્રીજીમહારાજ જ્યારે કોઈ સકામ થઈ તેમની પાસે આવે ત્યારે નિષ્કામ થવાનો ઉપદેશ આપી, તે નિષ્કામ થાય ત્યારે રાજી થતા.
ઉનાના ગણેશજી શેઠ જૂનાગઢ રાજ્યના મહેસૂલ ખાતાના મોટા વહીવટદાર હતા. તેમને સદ્‌. રાઘવાનંદ સ્વામીના યોગે સત્સંગ થયેલો. તેમનામાં સત્સંગના ગુણો પણ ઘણા અને બધી રીતે સુખી હતા. પરંતુ તેમને એકેય દીકરો નહોતો તેનું મનમાં દુઃખ રહ્યા કરતું.
એક વખત ગણેશજી શેઠ શ્રીજીમહારાજનાં દર્શન-સમાગમ માટે ગઢપુર ગયા. સભામાં બેઠા બેઠા મનમાં સંકલ્પ થયો કે જો શ્રીજીમહારાજ રાજી થાય તો મને દીકરો આપે.
શ્રીજીમહારાજ અંતર્યામીપણે તેમના સંકલ્પને જાણી ગયા. સભામાં સદ્‌. મુક્તાનંદ સ્વામીને ઉદ્દેશીને કહ્યું કે, “સ્વામી, લોકોને એમ ઇચ્છા રહ્યા કરે છે કે દીકરો હોય તો ઠીક. તે દીકરો શું કરી દે ? માથું દુઃખતું હોય અગર તાવ આવતો હોય તો દીકરો મટાડી દે ?” સદ્‌. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે, “મહારાજ, એ તો ભોગવવું જ પડે.”
શ્રીજીમહારાજે સભા સામું જોઈ કહ્યું, “ગરીબ માણસ હોય તો એને એમ થાય કે દીકરો હોય તો વૃદ્ધાવસ્થામાં પાળે, પોષે ને સેવા કરે પણ શાહુકાર માણસ હોય તેને તો સેવાના કરનારા નોકર-ચાકર હોય તે જેટલા જોઈએ તેટલા નોકર રાખીને સેવા કરાવી શકે તો પછી દીકરાનો મોહ શા માટે રાખવો જોઈએ ? કેમ ગણેશજી શેઠ મનમાં દીકરાનો સંકલ્પ થાય છે ને !”
ગણેશજી શેઠે બે હાથ જોડી મહારાજને કહ્યું, “હા મહારાજ, સંસારી છીએ એટલે દીકરાનો સંકલ્પ રહે છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “તમને મરી જાય તેવો દીકરો આપીએ કે ન મરે તેવો દીકરો આપીએ ?” ત્યારે શેઠે કહ્યું, “મહારાજ, જેમ આપની મરજી હોય તેમ કરો.” શ્રીજીમહારાજે પૂજામાંથી મૂર્તિ મગાવી અને શેઠને આપી કહ્યું, “લો આ તમારો દીકરો, તમારો વારસો આમને સોંપજો. અમારા ભાવથી સેવા કરજો.”
ગણેશજી શેઠ વિવેકી અને કુશાગ્ર બુદ્ધિવાળા હતા. તેથી તેઓ મહારાજની કહેવાની મરજી તત્કાળ સમજીને પાછા વળ્યા કે હું દીકરા માટે થઈ સકામ થયો તે મહારાજને ગમ્યું નહિ તેથી તેમણે મૂર્તિ લઈ લીધી ને દીકરાની ઇચ્છા મૂકી દીધી. બીજી કોઈ પ્રકારની માગણી પણ ન કરી.
ઉના જઈ ધામધૂમથી મહારાજે આપેલી પ્રસાદીની મૂર્તિની નવા મકાનમાં પ્રતિષ્ઠા કરી; રોજ ખૂબ ભક્તિભાવ સહિત મહારાજના ભાવથી પૂજા કરતા અને પોતાનો સમગ્ર વારસો-સંપત્તિ, વહીવટ મહારાજના નામનો કરી દીધાં. બધું જ અર્પણ કરી દીધું. અને પોતે આજીવન બ્રહ્મચર્ય પાળી એકમાત્ર મહારાજના રાજીપા સામે દૃષ્ટિ રાખી નવધા ભક્તિમાં મગ્ન રહેવા મંડ્યા હતા. શ્રીજીમહારાજની ટકોરને સવળી લઈ તેઓ પાછા વળ્યા તો પુત્રપ્રાપ્તિની ઝંખના ટાળી મહારાજની મરજીમાં જ જીવન જીવવાના માર્ગે આગળ વધ્યા. તેમના નિષ્કામભાવને જોઈ શ્રીજીમહારાજ અંત અવસ્થાએ દસ દિવસ અગાઉ દર્શન આપી વચન આપ્યા અનુસાર ગઢપુરમાં ધામમાં તેડી ગયા હતા. આવી રીતે ગણેશજી શેઠ પ્રતિષ્ઠિત અને શ્રીમંત હતા છતાં તેમનો સકામભાવ મહારાજે ટાળી નિષ્કામ કર્યા.

મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા સકામ મટી નિષ્કામ થઈએ.