સકામ મટી નિષ્કામ થઈએ - 11

  March 22, 2021

સંપૂર્ણ નિષ્કામ બનવા હવે શું કરવું ?
સંપૂર્ણ અને ખરા નિષ્કામ તો એકમાત્ર અનાદિમુક્તો જ છે. જેમને એક મૂર્તિના સુખ સિવાય બીજી કોઈ આશા-અભરખા કે વાંછનાઓ રહેતી નથી. અવરભાવના લૌકિક સુખ અને ઐશ્વર્યથી તેઓ વિરક્ત વર્તતા હોય છે. આવા ખરા નિષ્કામ બનવું એ જ કારણ સત્સંગનો હાર્દ છે.
જેમ કોઈ દેશ, સંસ્થા, સંપ્રદાય કે કંપનીની રચના થાય ત્યારે તેના હેતુને અનુરૂપ બંધારણ નક્કી થતું હોય છે. પછી એ દેશ, સંસ્થા, સંપ્રદાય કે કંપનીને સંલગ્ન તમામ વ્યક્તિએ એ બંધારણને અનુસરીને જ વર્તવું ફરજિયાત છે. એ બંધારણનો જેટલો ભંગ થાય એટલી પ્રશ્નોની પરંપરા સર્જાય અને દુ:ખ આવે.
શ્રીજીમહારાજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાયની સ્થાપના મુમુક્ષુ જીવોને પોતાની સર્વોપરી ઉપાસના સમજાવી અને પોતાની મૂર્તિમાં રાખવાના મૂળભૂત હેતુસર કરી હતી. આ હેતુને પૂર્ણ કરવા જ પોતે દિવ્યાતિદિવ્ય સ્વરૂપ હોવા છતાં અવરભાવમાં મનુષ્યોને મનુષ્ય જેવાં દર્શન આપ્યાં. પોતાના આ મૂળભૂત હેતુને પૂર્ણ કરવા ઓરડાનાં પદમાં ત્યાગી-ગૃહી સમસ્ત સત્સંગી માટે આધ્યાત્મિક બંધારણ રચ્યું અને સૌને કહ્યું, “જેને અમારા ધામની પ્રાપ્તિ કરવી હોય, અમારી પાસે રહેવું હોય કહેતાં અમારી મૂર્તિનું સુખ લેવું હોય તેમણે આ બંધારણ પ્રમાણે ફરજિયાત રહેવું જ પડશે.” આપણે પણ બધેથી પાછા વળી, મુમુક્ષુ થવા અને મૂર્તિસુખની યાત્રામાં આગળ વધવા આ પ્રમાણે વર્તવું જ પડે.
આ બંધારણમાં શ્રીજીમહારાજે ઓરડાનાં ચોથા પદમાં સૌપ્રથમ મૂર્તિનું સુખ પામવા નિષ્કામભાવે મહારાજને સેવવા એવો આદેશ આપ્યો છે :
“સહુ હરિભક્તને રે, જાવું હોયે મારે ધામ;
તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ.”
મારા ધામમાં જવું હોય કહેતાં મૂર્તિનું સુખ લેવું હોય તો નિષ્કામભાવ કેળવવો એ પાયો છે. તેના માટે શુદ્ધભાવ રાખવો કહેતાં એક મૂર્તિસુખની ઇચ્છા રાખવી પણ માયિક કોઈ સુખની ગોબરી ઇચ્છા ન રાખવી. જો મોક્ષના માર્ગમાં શુદ્ધ નિષ્કામભાવ ન હોય તો કદાચ ગમે તેટલા સ્થિતિના માર્ગે આગળ ચાલ્યા હોય તોય માયિક પદાર્થમાં બંધન થતા વાર ન લાગે.
શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૩૪મા વચનામૃતમાં તેની ગંભીરતા દર્શાવતાં કહ્યું છે કે, “સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. તેટલા માટે ભગવાનની મૂર્તિ મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય તે સારુ પરમેશ્વરના ભક્તે પરમેશ્વર વિના બીજા કોઈ ઠેકાણે પ્રીતિ રાખવી નહીં.”
સ્થિતિના માર્ગે આગળ વધતા હોય તેવા સિદ્ધ મુક્તને પણ જો માયિક પદાર્થમાં વૃત્તિ તણાઈ જાય તો સાધનકાળમાં રહેલા સાધનિક જે મુમુક્ષુતા કેળવવાના માર્ગે આગળ ચાલ્યા હોય તેનું તો ઠેકાણું જ ક્યાંથી રહે ? માટે આપણે મુમુક્ષુતા કેળવવાના માર્ગે આગળ ચાલ્યા છીએ ત્યારે મહારાજ સિવાય બીજે ક્યાંય પ્રીતિ ન રહે તેની સાવધાની રાખવી.
ઓરડાનાં પદમાં આગળ શ્રીજીમહારાજ ખરા નિષ્કામ બનવા શું શું કરવું તેની રીત શીખવે છે કે,
“સહુ હરિભક્તને રે, રહેવું હોયે મારે પાસ,
તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ.”
મારી પાસે એટલે મૂર્તિના સુખમાં રહેવું હોય તો દેહ જે મિથ્યા છે તેના પંચવિષયના ભોગની આશા છોડવી પડશે. મિથ્યા માયિક પંચવિષયની અને મૂર્તિના સુખને પામવાની બેય ઇચ્છા એકસાથે શક્ય જ નથી. એક મ્યાનમાં બે તલવાર ન આવે તેમ બેય સાથે મળે જ નહીં. તેથી જ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ ‘ધીરજાખ્યાન’માં કહ્યું છે કે,
“જેહને થાવું હોય હરિભક્ત જી, તેહને ન થાવું આ દેહમાં આસક્ત જી,
વળી વિષયસુખથી રહેવું વિરક્ત જી, જેહ સુખ સારુ આ જળે છે જક્ત જી.”
(કડવું - ૫)
“ભક્ત થાવું ભગવાનનું, રાખી વિષયસુખની આશ,
બેઉ કામ ન બગાડીએ,  થઈએ ખરા હરિના દાસ.”
(કડવું - ૧૦)
માટે જે ઉપાયે કરીને પંચવિષયમાંથી પ્રીતિ તૂટે તે ઉપાય સાવધાન થઈને નિરંતર કરવા તો માયિક સુખની ઇચ્છાઓથી પાછા વળાય અને ભગવાનના સુખને પામવાની તત્પરતા જાગે.
બીજું શ્રીજીમહારાજે સાંખ્ય વિચાર દૃઢ કરાવવાનો આગ્રહ સેવતાં કહ્યું છે કે,
“મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર,
પ્રીતિ તોડજો રે, જૂઠાં જાણી કુટુંબ પરિવાર.”
નિષ્કામભાવ કેળવવા એકમાત્ર રાજીપાની જ ઇચ્છા અને રાજીપામાં વર્તવાની તત્પરતા હોય તે જ ખરા નિષ્કામ બની શકે.
“રાજી હોય હરિ એ જ કરે, રાજી ન હોય તે ન કરે રે;
રાજીપા સાટે બીજું કશું નહિ, એક મૂર્તિ તણી આશ દાખે રે.”
કોઈ પણ પ્રકારના ઠરાવ વગર જેમાં શ્રીજીમહારાજ અને મોટાપુરુષ રાજી હોય તે કરવા માટે તત્પર થવું. જે કાંઈ સાધન ભક્તિ કરવાં તે પણ એક રાજીપા સિવાયની કોઈ પણ પ્રકારની ઇચ્છા વગર કરવાં. સકામભાવે કરેલાં સાધનનું કોઈ જ મૂલ્ય નથી. નિષ્કામભાવે કરેલાં સાધન જ ખજીને પડે છે. સદ્. ગોપાળાનંદ સ્વામીએ પણ નિષ્કામભાવે કરેલાં સાધનનું મૂલ્ય દર્શાવતાં ૪૮૮મી વાતમાં કહ્યું છે કે, “ભક્તિ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, સ્વધર્મ અને વ્રતાદિક એમાં કોણ શ્રેષ્ઠ છે ? ઉત્તર જે, નિષ્કામભાવે કરીને સાધન કરે તો સર્વે શ્રેષ્ઠ છે, નહિ તો સર્વ સમાન છે.”
માટે કોઈ પણ સાધન કરીએ, ભજન-ભક્તિ કરીએ કે સેવા કરીએ તો કોઈ માયિક અવરભાવનું સુખ મેળવવાની ઇચ્છા ન રાખવી. એકમાત્ર રાજીપાની જ ઇચ્છા રાખવી તેવો આગ્રહ દર્શાવતાં ગઢડા છેલ્લાના ૨૫મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, “ભગવાનસંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઇચ્છા ન રાખવી પણ એટલી તો ઇચ્છા રાખવી જે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય.”
સાધન-ભક્તિમાં રાજીપા સિવાય માયિક સુખની તો ઇચ્છા ન રાખવી પરંતુ માન-સન્માન, મોટપ મળે એવી ઇચ્છા પણ ન રાખવી. હું આટલી સેવા કરું તો મને હાર પહેરાવે, નામ બોલાય, વખાણ થાય, તેવી ઇચ્છા પણ ન ઊઠવા દેવી. એટલું જ નહિ, સેવા કરી તેના બદલામાં રાજીપાદર્શનની પણ ઇચ્છા ન રાખવી. બધું જ કરીએ, એના બદલામાં કેવળ રાજીપાની જ ઇચ્છા અને રાજીપાના બદલામાં એકમાત્ર મૂર્તિસુખની જ આશા રાખી રાજી કરવા મંડ્યા રહેવું. એ માટે અપેક્ષા રહિત જીવન જીવવું. જેટલી માયિક પદાર્થ કે વ્યવહારિક મોટપ મેળવવાની ઇચ્છા રહે એટલા સકામ થવાય. માટે કોઈ પ્રકારની અપેક્ષા ન રાખવી.
રાજીપાના બદલામાં આત્મદર્શનની પણ ઇચ્છા ન રાખવી. હું આટલું ધ્યાન કરું છું, આટલું તપ કરું છું તો આત્મા કેવો છે ? તેનું સુખ કેવું છે ? તે જાણવાની પણ જો ઇચ્છા રહે તો એટલો સકામભાવ કહેવાય. કારણ, આત્મદર્શનની ઇચ્છા કરવાથી આત્મભૂમિકાએ અટકી જવાય, આગળ પ્રગતિ ન કરી શકાય.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ આત્મદર્શીને ખાટી છાશ જેવા વર્ણવતાં કહ્યું છે કે, “આત્મદર્શી છે તે ખાટી છાશના ભોગી છે ને જે મૂર્તિ છે તે ઘી છે. આપણે તો મૂર્તિ વડે જ રહેવું; ખાટી છાશમાં શું માલ છે ?”
છાશ અને ઘીમાં કેટલો મોટો તફાવત છે ! છાશ બાવીસ રૂપિયાની લિટર આવે જ્યારે ઘી પાંચસો રૂપિયાનું કિલો આવે. બેયનું સુખ પણ જુદું આવે, શક્તિ પણ જુદી આવે. તેમ આત્મદર્શનનું સ્થિતિના માર્ગમાં કોઈ મૂલ્ય નથી. મૂર્તિરૂપી ઘીમાં જોડાયેલા રહેવું.
આ ઉપાયોમાં જાણપણારૂપી પુરુષપ્રયત્નની સાથે મોટાપુરુષનો જોગ-સમાગમ પણ કરીએ તો સંપૂર્ણ નિષ્કામ થવાય.
આમ, અહીં દર્શાવેલ ઉપાયો દ્વારા સંપૂર્ણ નિષ્કામ બનીએ.