સકામ મટી નિષ્કામ થઈએ - 12

  March 29, 2021

આવો, મુમુક્ષુ બનવા પાછા વળીએ...
મહારાજ કહે છે કે, સકામ ભક્ત એ ભક્ત જ નથી કારણ તે સત્સંગ મનોચ્છિત અપેક્ષાઓ પૂરી કરવાના હેતુથી જ કરે છે ને જો અપેક્ષા ન સંતોષાય તો તે સત્સંગ છોડી દે. આવા સકામ ભક્તનું નામ મહારાજના લિસ્ટમાં રહેતું નથી.
અહીં મહારાજે સકામ ભક્તની વાત કરી એવું જ મારું જીવન છે. હું તો જે કાંઈ સત્સંગ કરું છું તે દેહ, દેહનાં સુખ, સંપત્તિ, દ્રવ્ય મેળવવા માટે જ કરું છું. એની જ એકમાત્ર અપેક્ષા રહે છે. ક્યાંક અપેક્ષા ન સંતોષાય તો મને સંકલ્પ-વિકલ્પ થવા માંડે છે. સત્સંગ પણ ઢીલો પડી જાય છે. ક્યાં સુધી આવો મૂળ વગરનો સત્સંગ કરીશ ? મારો આવો સત્સંગ ક્યાં સુધી ટકશે ? ખરેખર હું તો સત્સંગ કરવાનો મૂળ હેતુ જ ભૂલી ગયો છું તેથી સત્સંગ કરવા છતાં આગળ વધવાને બદલે પાછો પડી જઉં છું.
ગઢડા પ્રથમના ૭૦મા વચનામૃતમાં મહારાજે આત્માના કલ્યાણ માટે સત્સંગ કરવાનો કહ્યો છે પરંતુ હું તો દેહના કલ્યાણ માટે કહેતાં તેના સુખ માટે મનની ઇચ્છાઓ પૂરી કરવા જ સત્સંગ કરું છું.
હવે મારે મારા મનની ઇચ્છાઓ-અપેક્ષાઓ પૂરી કરવા સત્સંગ નથી કરવો, પરંતુ મહારાજ અને મોટપુરુષની ઇચ્છા, અરમાનો પૂરા કરવા જ સત્સંગ કરવો છે. સકામભાવ ટાળી મારો સત્સંગ મજબૂત કરવો છે.
વળી મહારાજ કહે છે કે, નિષ્કામ ભક્ત જ ખરા ભક્ત છે. તેની ઉપર વગરમાગ્યે રાજીપો થાય છે અને એ જ આ લોકની વાસનાનો ત્યાગ કરી મૂર્તિના સુખને પામે છે.
કડવા ભક્ત જેવા જે સંપૂર્ણ નિષ્કામ થાય એની ઉપર જ મહારાજનો રાજીપો થાય અને એ જ મૂર્તિના સુખને પામી શકે છે અને ખરા ભક્ત બને છે. તેના માટે આ લોકની વાસનાનો, દેહના સુખનો ત્યાગ કરવો ફરજિયાત છે. જ્યારે હું તો આ લોકની વાસનાનો ત્યાગ કરવાને બદલે દિવસે દિવસે વધારતો જાઉં છું. તે શું કરું તો વધુ મળે તેવા જ પ્રયત્ન કરું છું. દેહના લાલનપાલન અને સુખ માટેના જ વિચારમાં તથા પ્રયત્નમાં ડૂબેલો રહું છું. તેના માટે જ મહારાજ અને મોટાપુરુષ આગળ માગણી કરું છું. ખરેખર તો તેઓ મૂર્તિનું સુખ આપવા જ આવ્યા છે અને મારે પણ એ જ પામવાનું છે. સત્સંગમાં આવીને મેં જાણ્યું પણ છે કે સકામ ન થવું; નિષ્કામ થવું. એકમાત્ર મૂર્તિના સુખની જ માગણી કરવી. તેમ છતાં એ જાણેલું જ્ઞાન મારા જીવનમાં ક્યાંય ઉપયોગમાં આવતું નથી. પણ હવે તો મારે ખરા નિષ્કામ બનવું જ છે.
માટે હવે મારા જીવનમાં પરિવર્તન લાવવું જ છે. તે માટે દૃઢ સંકલ્પ કરું છું કે,
૧. દેહ, દેહના સુખ કે દેહના સંબંધી માટે થઈ સકામ થવું નથી.
૨. મોટાપુરુષ આગળ લૌકિક સુખની માગણી નહિ કરું.
૩. મહારાજ-મોટાપુરુષ જ્યારે જે પરિસ્થિતિમાં રાખે ત્યાં સહર્ષ રહેવું છે.
૪. એક મૂર્તિના સુખની જ ઇચ્છા રાખીશ.
૫. મહારાજ રાખે એમ રહીશ અને દેખાડે તે જોઈશ.
હે મહારાજ, હે બાપા, હે બાપજી, હે સ્વામીશ્રી ! દયાળુ, આપ મૂર્તિના સુખનું જ દાન આપવા પધાર્યા છો. એ સુખનો મને અધિકારી કરજો. તેમ છતાં અવરભાવના યોગે કરી જો હું મૂર્તિ સિવાય બીજા આ લોકના સુખની માગણી કરું તો તેને કદી પૂરી ન કરશો. દિન-પ્રતિદિન મને મૂર્તિના સુખનો આગ્રહ વધે તેવી દયા કરો, દયા કરો, દયા કરો...