સકામ મટી નિષ્કામ થઈએ - 2

  January 18, 2021

સમજણના અભાવે સત્સંગ અર્થહીન બને છે.
જાણેલું જ્ઞાન, વાંચેલાં શાસ્ત્રો, સાંભળેલી કથા સમયે જીવનલક્ષી બને અને વર્તનમાં આવે એનું નામ સમજણ. સત્સંગની સ્થિરતાનો આધાર સમજણ પર રહેલો છે. જેટલી સમજણની દૃઢતા વિશેષ એટલા સત્સંગમાં સદાય સુખિયા રહેવાય. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૩ની ૧૬૪મી વાતમાં સમજણનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે કે, “જ્ઞાન વિના તો સુખ ન થાય ને ભક્તિ કરે તેને મોટા હોય તે હાર આપે કે થાળ આપે પણ તેણે કરીને સંકલ્પ ઓછા ન થાય, માટે સમજણ તો જોઈએ ખરી.”
અર્થાત માત્ર જ્ઞાન અને ભક્તિથી ઘાટ-સંકલ્પ ન ટળે ને સત્સંગમાં આગળ ન વધી શકાય. તેના માટે સમજણ ફરજિયાત છે.
સત્સંગ કેવળ આત્માના મોક્ષ માટે. પરંતુ માત્ર આવું જાણવાથી જ આત્માનો મોક્ષ ન થઈ જાય. આ તો માત્ર જ્ઞાનની જાણકારી થઈ. જ્ઞાનના લક્ષ્યાર્થપણા માટે તેનું મનન કરવું જોઈએ. તેનાથી જ સમજણનો દૃઢાવ થાય. સંત સમાગમ, વાંચન-શ્રવણ દ્વારા આપણે જાણીએ તો છીએ જ કે સત્સંગ જગતની કોરેથી પાછા વળી મૂર્તિના સુખ તરફ આગળ વધવા છે તેમ છતાં મનનના અભાવે અને સમજણની અપરિપક્વતાના કારણે આપણો સત્સંગ કરવાનો ધ્યેય-ઇશક બદલાઈ જાય છે. પરિણામે આપણે શાને સત્સંગ માનીએ છીએ ? તેની પાછળ કેવી ઇચ્છા-અપેક્ષા રહે છે ? તે મંથન કરીએ તો ખ્યાલ આવે.
કંઠી ધારણ કરવી, પૂજા-તિલક-ચાંદલો કરવાં, મંદિરે દર્શન કરવાં તથા સભામાં જવું, સમૈયા-પ્રસંગોમાં તન-મન-ધનથી સેવા કરવી, સંતો સાથે વિચરણમાં જવું તથા ચુસ્તપણે નિયમ-ધર્મ પાળવા તેને જ આપણે સત્સંગ માની લઈએ છીએ. પરંતુ વાસ્તવિકતાએ એ જ સંપૂર્ણ સત્સંગ નથી. આ સર્વે સત્સંગને પૂરક છે. બધેથી પાછા વળી મહારાજ સાથેની ઐક્યતા સાધવા માટેની પ્રાથમિક બાબતો છે. ઔપચારિક સત્સંગ છે.
સત્સંગ કરવા પાછળ આપણો અવરભાવનો ધ્યેય મહારાજ અને મોટાપુરુષને રાજી કરવાનો અને પરભાવનો ધ્યેય મૂર્તિસુખ માટેનો જ છે. પરંતુ આ ધ્યેયને ભૂલી જઈએ ત્યારે ઔપચારિક સત્સંગ કરીએ છીએ અને એ પણ શાના માટે થાય છે ? માયિક પદાર્થો મેળવવા, લૌકિક કામનાઓને પૂર્ણ કરવા, અવરભાવમાં સર્વે રીતે સુખ મળે તે માટે સત્સંગ કરીએ છીએ અને તેની જ અંદરથી ઇચ્છા રહેતી હોય છે. અને તે પૂર્ણ કરવા માટે જ સત્સંગમાં બધું કરીએ છીએ અને પ્રભુ પાસે માગીએ છીએ.
એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સભામાં કહ્યું કે, “અત્યારે સભામાં એવી જાહેરાત કરવામાં આવે કે શ્રીજીમહારાજ અહીં બેઠેલા તમામની કોઈ એક ઇચ્છા તુરત જ પૂરી કરવાના છે માટે પાછળ ટેબલ પર બેઠેલ વ્યક્તિને એ ઇચ્છા આપના નામ સાથે નોંધાવી દેવી. તો આ સભામાંથી કોઈ રૂપિયા માગશે, કોઈ દીકરા માગશે, કોઈ ગાડી-બંગલા માગશે, કોઈ દૈહિક સ્વાસ્થ્ય માગશે આવી રીતે ભૌતિક સુખ જે નાશવંત છે તેની માગણીનું જ લિસ્ટ લાંબું બને પરંતુ કોઈક જ હરિનો લાલ એવો નીકળે ને ન પણ નીકળે કે જે એવું માગે કે, ‘હે મહારાજ ! મારે એક આપની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સુખ જોઈએ છે.’ આવા મૂર્તિસુખના પ્યાસી અને ભૂખ્યા મુમુક્ષુ ગોત્યા ન જડે. તેથી અમને અંતરમાં ખૂબ વસવસો થાય છે કે જે સાચું છે એવું મૂર્તિનું સુખ માગનાર કોઈ નથી. માટે સત્સંગ કરવો તે અવરભાવના સુખ માટે થઈને ન કરવો.”
તેથી સત્સંગ કર્યાના વાસ્તવિક હેતુની સ્પષ્ટતા થાય ત્યારે જ સુખ ઊપજે. માટે મહારાજ અને મોટાપુરુષના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કે અમને સમજણની દૃઢતા કરાવો.