સકામ મટી નિષ્કામ થઈએ - 3

  January 25, 2021

શ્રીજીમહારાજે પણ ગઢડા પ્રથમના ૭૦મા વચનામૃતમાં કહ્યું છે કે, “સત્સંગ કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો પણ કોઈક પદાર્થની ઇચ્છાએ કરીને ન કરવો જે, હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય અથવા વાંઝિયો છું તે દીકરો આવે કે દીકરા મરી જાય છે તે જીવતા રહે કે નિર્ધન છું તે ધનવાન થાઉં કે ગામગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે એવી જાતની પદાર્થની ઇચ્છા રાખીને સત્સંગ ન કરવો અને જો એવી જાતની ઇચ્છા રાખીને સત્સંગ કરે ને એ પદાર્થની ઇચ્છા પૂરી થાય તો અતિશે પાકો સત્સંગી થઈ જાય અને જો ઇચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય, માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો પણ કોઈ પદાર્થની ઇચ્છા તો રાખવી જ નહીં.”
અહીં શ્રીજીમહારાજ સમજાવે છે કે, સત્સંગ એકમાત્ર જીવના કલ્યાણ અર્થે કરવો પણ કોઈ પદાર્થ, દીકરા, દૈહિક સુખ કે સંપત્તિની લાલચે ન કરવો, એટલે કે ખરેખર સત્સંગ પોતાનું ધાર્યું કરાવવા, પોતાનું ગમતું કરાવવા, પોતાની ઇચ્છા-મનોરથોને ભગવાન પાસે પૂરાં કરાવવા માટે નથી, પરંતુ ત્યજવા માટે જ છે. જો એના માટે જ સત્સંગ કરીએ અને એ મળી જાય તો આગળ વધાય ને જો મહારાજ એ પ્રમાણે ન થવા દે તો સત્સંગમાંથી પડી જવાય. આવો મૂળ વગરનો કે હેતુ વગરનો સત્સંગ કરવો નહિ એવો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય દર્શાવ્યો છે.
વસોના વાઘજીભાઈ ખૂબ સારા સત્સંગી હતા. તેઓ સમાગમ કરતા અને સેવા પણ કરતા. એક વખત તેઓ બીમાર પડ્યા. મંદવાડ એક વર્ષ સુધી લાંબો ચાલ્યો. શરીરમાં અસહ્ના પીડા થાય, જમાય નહિ, પીવાય નહિ, સરખું બેસાય પણ નહિ તેથી તેઓને સત્સંગમાં ઢીલાશ આવી ગઈ. મનમાં સંકલ્પ થવા માંડયા કે સંતોએ વર્તમાન ધરાવ્યા ત્યારે કહ્યું હતું કે, “જા તારું તન, મન, ધન ને અનેક જન્મનાં કર્મ સ્વામિનારાયણને શરણે. હવે તારું પ્રારબ્ધ સ્વામિનારાયણ ભગવાન થયા.” મારું બધું ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યું, એ પ્રારબ્ધ થયા છતાં મને આવું દુ:ખ શાથી આવ્યું ? આ મંદવાડ મટશે કે નહીં ? જો મહારાજ ધામમાં લઈ જવાના હોય તો દર્શન કેમ નથી દેતા ? ને શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન હોય તો પ્રારબ્ધે કરીને કેમ આવું દુ:ખ આવ્યું હશે ? વાઘજીભાઈએ સત્સંગ કર્યો હતો પરંતુ સમજણની પરિપક્વતા કરવામાં કચાશ રહી હતી. તેથી આવા સંકલ્પો કરતાં કરતાં પોઢી ગયા.
રાત્રે શ્રીજીમહારાજે વાઘજીભાઈને દર્શન આપ્યાં અને પોતાનું સર્વોપરીપણું સમજાવ્યું અને કહ્યું, “આ તમને પ્રારબ્ધનું દુ:ખ નથી, આ તો દેહ રહે ત્યાં સુધી અમારી ઇચ્છાથી નાનું-મોટું દુ:ખ કસર ટાળવા આવે. અમે પ્રારબ્ધ થયા તોય  મૂર્તિસુખના પાત્ર થવા દેહનાં નાનાં-મોટાં દુ:ખ ભોગવવાં તો પડે પરંતુ અંતે કોઈ કર્મ નહિ રહેવા દઈએ ને અમારા ધામમાં લઈ જઈશું. આ તો અમે શૂળીનું દુ:ખ કાંટે સાર્યું છે માટે જાવ, આજથી તમારું દુ:ખ ગયું. કાલે સવારથી સાજા થઈ જશો.” આવી રીતે સમજણની દૃઢતા કરાવી શ્રીજીમહારાજ અદ્રશ્ય થઈ ગયા.
વાઘજીભાઈની જેમ સમજણની અપરિપક્વતાને કારણે આપણને પણ ક્યારેક આવી રીતે સત્સંગમાં ઢીલાશ આવી જતી હોય છે. સત્સંગની દૃઢતા ડગી જતી હોય છે. સત્સંગ શાના માટે કરીએ છીએ તે ભૂલી જતા હોઈએ છીએ. તેથી જ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ ‘ભક્તિનિધિ’ના કડવા-૯માં કહ્યું છે કે,
“સકામ ભક્તિ સહુ કરે છે, નથી કરતા નિષ્કામ કોય;
તેમાં નવનીત નથી નીસરતું, નિત્ય વલોવતાં તોય (જળ).”
આજે ખૂબ વરસાદ આવ્યો તોય મારો દીકરો કેમ નાપાસ થયો ?
મંદિરમાં ધામધૂમથી સમૈયો થયો છતાં શૅરના ભાવ કેમ ઘટયા ?
ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થયું છતાં કેમ ગરમી પડે છે ?
ઉપરોક્ત વાક્યો વાંચતાં જે તે પરિસ્થિતિ માટે તેનું કારણ શું ખરેખર જવાબદાર છે ? એકબીજા વચ્ચેનો સંબંધ કેટલો સ્પર્શે છે ? બિલકુલ નહીં. એકબીજા સાથે તેને કોઈ લેવા-દેવા નથી. આવું જ કંઈ સમજણના અભાવે આપણે સત્સંગમાં કરતા હોઈએ છીએ.
મેં આટલી ભજન-ભક્તિ કરી તોય મને કેમ દેહનું દુ:ખ આવ્યું ?
મેં આટલાં દાન કર્યા, સેવા કરી તોય મારે કેમ દીકરો નહીં ?
મેં આટલાં જપ-તપ કર્યા, ઉપવાસ કર્યા તોય હું કેમ ગરીબ રહ્યો ?
મેં ૧૦૦ અભિષેક કર્યા તોય કેમ ચૂંટણીમાં જીત્યો નહીં ?
હું રોજ સભામાં જઉં છું તોય કેમ ધંધામાં નુકસાન આવ્યું ? પરીક્ષામાં કેમ નાપાસ થયો ?
આગળ જોયેલાં વાક્યોમાં જેમ બંને વાક્યને એકબીજા સાથે કોઈ સંબંધ નથી તેમ આ વાક્યોમાં પણ બેય પરિસ્થિતિને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. કારણ ભજન-ભક્તિ, દાન, સેવા, તપ, જપ, માળા કે સભામાં જવું આ બધું માયિક સુખથી પાછા વળી આત્મિક સુખ પામવા માટે છે. શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૧૧મા વચનામૃતમાં કહ્યું છે કે, “ધર્મ, અર્થ ને કામસંબંધી જે ફળની ઇચ્છા તેનો ત્યાગ કરીને તેનાં તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કૈવલ્ય મોક્ષને અર્થે થાય છે.”
જેમ વરસાદને રિઝલ્ટ સાથે કોઈ લેવા-દેવા નથી તેમ સત્સંગને અને દૈહિક સુખને કોઈ લેવા-દેવા નથી. તેમ છતાં આપણે સત્સંગના બદલામાં દૈહિક-માયિક સુખની, પદાર્થની કે વ્યક્તિની ઇચ્છા રાખીએ છીએ તે શું સાચી છે ? વાસ્તવિક છે ? ના, હરગિજ નહીં. માટે સત્સંગમાં આવ્યા પછી હું સત્સંગ શા માટે કરું છું ? તો બધેથી પાછા વળી મૂર્તિના સુખને પામવા માટે જ કરું છું. સકામ મટી નિષ્કામ બનવા પ્રથમ આવી સમજણની દૃઢતા કરીએ.
આમ, સમજણની દૃઢતાથી સત્સંગ કર્યાનો હેતુ સરે અને મહારાજ તથા મોટાપુરુષનો રાજીપો મળે.