સકામ મટી નિષ્કામ થઈએ - 5

  February 8, 2021

સકામ કેમ થવાય છે ? તેનાં કારણો : 
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ સકામ થવાની કારણરૂપ બાબતોને પ્રકરણ-૧ની ૪૩મી વાતમાં સરળ રીતે સમજાવતાં કહ્યું છે કે, “તપાસીને જોયું તો આ જીવ કોઈ દિવસ ભગવાનના માર્ગે ચાલ્યો નથી, સાવ નવો જ આદર છે. જીવમાત્રને ખાવું, સ્ત્રી ને ધન એ ત્રણનું જ ચિંતવન છે ને એનું મનન, એની જ કથા ને એનું જ કીર્તન ને એની જ વાતું ને એનું જ ધ્યાન છે. તેમાં દ્રવ્યનું તો એક મનુષ્યજાતિમાં જ છે. બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવ-પ્રાણીમાત્રને ચિંતવન છે. કેમ જે ભગવાને માયાનો ફેર ચડાવી મૂક્યો છે.”
પરભાવના સુખનો ખ્યાલ નથી અને ભૌતિક સુખમાં જ માલ મનાયો છે તેથી જેમ બાળકના હાથમાં કોડી ને ચિંતામણિ બે આપીએ તો ચિંતામણિ ફેંકી દઈને કોડીએ રમે છે તેમ આપણને કોડી જેવા ભૌતિક સુખમાં માલ મનાવાથી, ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણિને મૂકી ભૌતિક સુખ માટે સકામ થઈએ છીએ. મૂર્તિસુખની કોરે આગળ વધવાને બદલે ભૌતિક સુખો મેળવવા બમણા વેગથી દોટ મૂકીએ છીએ. તેમાં વિશેષ કેવા કારણોસર દોડીએ છીએ ? તો...
૧. દેહનાં સુખ-દુ:ખ માટે થઈને :
આ જીવને જેવી દેહને વિષે પ્રીતિ છે તેવી બીજા કોઈને વિષે પ્રીતિ નથી. તેથી દેહને કાંઈક દુ:ખ પડે, કોઈ રોગાદિક પીડા થાય કે અપમાન થાય તો તેને ખમી શકાતું નથી. શ્રીજીમહારાજે પણ છેલ્લાના ૩૩મા વચનામૃતમાં કહ્યું છે કે, “દેહાધ્યાસ હોય તો જ્યારે દેહમાં રોગાદિક કષ્ટ પ્રાપ્ત થાય તથા અન્ન-વસ્ત્રાદિક ન મળે અથવા કોઈક કઠણ વર્તમાન પાળવાની આજ્ઞા થાય ત્યારે પણ તેને ભક્તિમાં ભંગ થાય ને વિકળ થઈ જાય ને કાંઈ વિચાર ન રહે ને ચાળા ચૂંથવા લાગે.” અર્થાત દેહનું સુખ-દુ:ખ આવે ત્યારે કરેલો સત્સંગ પણ કાંઈ કામમાં ન આવે અને સકામ થઈ જવાય. ડૉક્ટરનો તથા દવાનો આશરો આવી જાય, કોઈ સત્તાનો અને પૈસાનો આશરો લેવાઈ જાય.
૨. સંબંધીમાં પ્રીતિના કારણે :
જીવને જેમ દેહને વિષે જેવી અહંબુદ્ધિ છે તેમ સંબંધીને વિષે મમત્વબુદ્ધિ છે. સંબંધીને વિષે મારાપણાના હેતને કારણે તેમનું સુખ-દુ:ખ પોતાનું મનાઈ જાય છે. સંબંધીનો વિયોગ અસહ્ય લાગે છે. પુત્રકલત્રાદિકની ઇચ્છા મટતી નથી; તે માટે થઈને સકામ થવાય છે.
વડોદરાના પ્રભુદાસ પટેલને નાથ ભક્તના યોગે સત્સંગ થયો. સત્સંગ થતા તેમના એકના એક સોળ વર્ષના દીકરાનો અંત સમો આવ્યો. શ્રીજીમહારાજ ધોળા હાથી પર પાલખીમાં બિરાજેલા એવાં દર્શન આપી તેને ધામમાં લઈ ગયા. પ્રભુદાસ અને તેમનાં ધર્મપત્નીને દીકરામાં અતિ આસક્તિ હતી તેથી તેઓ રડવા માંડયાં. તેજોદ્વેષીઓએ ચડામણી કરી કે તમને સ્વામિનારાયણનો સત્સંગ સદયો નહીં. દીકરાના અગ્નિસંસ્કાર વખતે બંનેએ કંઠી તોડી ચિતામાં ફેંકી દીધી. ત્યારબાદ ગયાજી આદિક તીર્થોમાં જઈ દાન-પુણ્ય કર્યા.
નાથ ભક્તે ફરી વાર પ્રભુદાસને ઘણું સમજાવ્યા, સત્સંગમાં પાછા લાવવા પ્રયત્ન કર્યા. શ્રીજીમહારાજનાં દર્શને ગઢપુર જવા કહ્યું ત્યારે તેમણે શરત કરી કે જો શ્રીજીમહારાજ મને મારા દીકરાનાં દર્શન કરાવે તો હું ગઢપુર આવું. ત્યારે નાથ ભક્તે હા પાડી, દર્શન કરાવવા જોડે લીધા.
ગઢપુર તેઓ શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગયા. ત્યારે મહારાજે કહ્યું, “પ્રભુદાસ, અમે સાંભળ્યું છે કે તમારો દીકરો ધામમાં ગયો છે એ બહુ ખોટું થયું.” હજુ મહારાજ કંઈ બોલે તે પહેલાં પ્રભુદાસ વચ્ચે જ તાડુક્યા કે, “આખા વડોદરામાં તમને બીજા કોઈનો દીકરો નહોતો મળતો તો તમે મારા દીકરાને જ લઈ ગયા ? મને મારો દીકરો પાછો આપો. તમે મારા દીકરાને દેખાડશો તેવો ઠરાવ કરી નાથ ભક્ત મને અહીં લાવ્યા છે.”
શ્રીજીમહારાજે કહ્યું, “પ્રભુદાસ, જાવ ઘેલાના ખળખળિયામાં તમને તમારા દીકરાનાં દર્શન થશે.” પ્રભુદાસે ઘેલાના કાંઠે જઈ દાન-પુણ્ય કર્યા ત્યાં તો તેમનો દીકરો ખળખળિયાના પાણીમાં ઊભેલો જોયો. પ્રભુદાસ અને તેમનાં પત્ની બંને દીકરાને વળગી પડયાં. સત્સંગી બ્રાહ્મણોએ પાછા બોલાવ્યાં છતાં તેઓ આવતા નહોતા. થોડી વારે દીકરો દેખાતો અદ્રશ્ય થઈ ગયો એટલે વીલા મોઢે દરબારમાં આવવા નીકળ્યા. દીકરામાં અતિ આસક્તિના કારણે તેઓ શ્રીજીમહારાજ આગળ સકામ થયા અને જેમ તેમ બોલી અપરાધ પણ કરી નાખ્યો.
શ્રીજીમહારાજ દરબારમાં સભા ભરીને બેઠા હતા. એ વખતે પ્રભુદાસને આવતા જોઈ પૂછ્યું કે, “કેમ, તમારો દીકરો દેખાયો ને ?” પણ હજુ તેમની દીકરામાં આસક્તિને કારણે સકામવૃત્તિ ટળતી નહોતી તેથી કહ્યું, “મહારાજ, દીકરો દેખાયો તો ખરો પણ મારી સાથે બોલ્યો નહીં. બોલે તેવું કંઈક કરો.” મહારાજે કહ્યું, “જાવ, રાત્રે મંદિરમાં આવજો; ત્યાં તમારો દીકરો તમારી સાથે બોલશે.”
રાત્રે બંને માણસો મંદિરમાં આવ્યાં. મહારાજની ઇચ્છાથી તેમના દીકરાએ દિવ્ય દેહે દર્શન આપ્યાં અને તેમની સાથે વાતો કરવા માંડી. વાત કરતાં તેણે પોતાનાં માતાપિતાને ઉપદેશ આપવા માંડયો કે, “તમે બેય જણા ઠાલા હાયવોય શું કરો છો ? ૧૬ વર્ષ પહેલાં હું ક્યાં તમારો દીકરો હતો ? આ જીવાત્મા અનેક યોનિમાં અનંત વાર જન્મ લે છે અને મરે છે, કેટલી વાર તમે મારા દીકરા થયા છો ત્યારે હું આ વખતે તમારો દીકરો થયો છું. એમાં તમે માગીને લાવેલાં ઘરેણાંને પોતાનાં માની દુ:ખી શા માટે થાવ છો ? સત્સંગ થયો ને મહારાજની ઓળખાણ થઈ એ જ મોટી કૃપા છે. પૂર્વે ઋષિમુનિઓ હજારો વર્ષ પર્યંત તપ કરતા તોય ભગવાન તેડવા આવતા નહિ ને આપણા થોડાક સત્સંગમાં મહારાજ મને ધામમાં તેડી જાય એ કાંઈ સાધારણ વાત નથી. માટે જો તમારે મારે વિષે ખરેખર હેત હોય તો હું જ્યાં મહારાજના ધામમાં છું ત્યાં તમે પણ ભક્તિ કરી અંતે આવો. ત્યાં આપણે અખંડ સાથે રહીશું.”
પ્રભુદાસને સમજણ નહોતી તો દીકરામાં આસક્તિના કારણે વારંવાર મહારાજ પાસે સકામ થયા. ઘેલા જેવા થઈ ગયા. છેવટે મહારાજને તેમના દીકરા દ્વારા ઉપદેશ આપી પાછા વાળવા પડ્યા ત્યારે કંઈક સત્સંગમાં મેળ બેઠો.
દેહનાં સગાંસંબંધીને કોઈ રોગાદિક આપદા આવી પડે તોપણ અભિષેકની માનતા રાખીએ, મોટાપુરુષ પાસે પ્રસાદીનું જળ લેવા જઈએ એ પણ સકામભાવ જ છે. એવા સમયે કેવળ મહારાજનું કર્તાપણું માની પ્રાર્થના કરવી :  “હે  મહારાજ ! અભિષેક કરીએ કે પ્રસાદીનું જળ લઈએ પરંતુ તેમાં આપની જેમ મરજી હોય તેમ જ કરજો. અમારો કોઈ ઠરાવ નથી.”
અવરભાવના સુખ તરફથી દૃષ્ટિ ખસી મૂર્તિસુખના માર્ગે આગળ વધવાની જ એકમાત્ર આલોચનાથી જ સંપૂર્ણ નિષ્કામભાવ પ્રગટશે.