સકામ મટી નિષ્કામ થઈએ - 8

  March 1, 2021

શ્રીજીમહારાજે વચનામૃતમાં સકામ ન થવા અંગેના અભિપ્રાય દર્શાવ્યા છે :
શ્રીજીમહારાજે ચોરનું દૃષ્ટાંત આપી કહ્યું કે, જે સત્સંગ કરે છે તેનું શૂળીનું દુ:ખ હોય તે કાંટે મટે છે. કારણ કે અમે રામાનંદ સ્વામી પાસે અમારા સત્સંગીને રામપત્તર ન આવે ને અન્ન-વસ્ત્રનું દુ:ખ ન આવે તેવું માગ્યું છે. આટલી વાત કરી સકામ ન થવા અંગે કહ્યું કે, “માટે જે સત્સંગ કરે છે તેને વ્યવહારે દુ:ખ થાવાનું લખ્યું હશે તે થાય નહિ તોય પણ પદાર્થ નાશવંત છે માટે એ પદાર્થની ઇચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહિ માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો તો અડગ નિશ્ચય થાય.”              - ગઢડા પ્રથમનું ૭૦મું વચનામૃત
શ્રીજીમહારાજે પોતાના મિષે ગમે તેવા દેશકાળમાં પણ સકામ ન થવું ને અમે રાજી થઈએ તેમ વર્તવું તેવો અભિપ્રાય દર્શાવતાં શ્રીમુખે કહ્યું છે કે, “કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે, હે મહારાજ ! આ મારું દુ:ખ છે તેને ટાળો, શા માટે જે આપણે તો પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવવો છે. તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણે ગમે છે. પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશમાત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઇચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી, માટે ભગવાનની ઇચ્છાએ કરીને ગમે તેવું સુખ-દુ:ખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જાવું નહિ, ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું.”          - ગઢડા છેલ્લાનું ૧૩મું વચનામૃત
“ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે પ્રકારનાં દુ:ખ આવે છે તે દુ:ખના દેનારાં કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી; એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુ:ખને પ્રેરે છે. અને પછી જેમ કોઈક પુરુષ પડદામાં રહીને જુએ તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે, પણ કાળ, કર્મ, માયાનો શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે ? એ તો ભગવાનની જ ઇચ્છા છે, એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગ્ન રહેવું.”      - ગઢડા મધ્યનું ૬૨મું વચનામૃત
“ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય તો પોતાના દેહમાં દીર્ઘ રોગ આવી પડે, તથા અન્ન ખાવા ન મળે વસ્ત્ર ન મળે ઇત્યાદિક ગમે એટલું દુ:ખ અથવા સુખ તે આવી પડે તોપણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચમાત્ર પણ મોળો ન પડે, રતિવા સરસ થાય તેને ખરો ભક્ત કહીએ.”                                                                - ગઢડા છેલ્લાનું ૨૫મું વચનામૃત
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પ્રકરણ-૧ની ૧૩૦મી વાતમાં કહ્યું છે કે, “દુ:ખ કોઈ માનશો નહિ ને જે જોઈએ તે આપણને મળ્યું છે ને ઝાઝા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહિ તે સારુ આપતા નથી.”
જીવનપ્રાણ બાપાશ્રીનો એકમાત્ર સંકલ્પ કે સૌને મૂર્તિસુખના અધિકારી કરવા તેથી સકામ ન બનવા અંગે વારંવાર વાતો કરતા જેમાંથી  કિંચિત  આચમન  કરીએ :
“એક ગામમાં એક જણને છોકરાં જીવે નહીં. પછી પુરુષે ઠીકરામાં ખાવું એવી માતાની બાધા રાખી; તે પણ ઊભા ઊભા ખાવું. તેની સ્ત્રીએ છોકરાંનું મળમૂત્ર બાર મહિના સુધી ભોય પડવા દેવું નહિ ને બધું લૂગડામાં રાખવું ને બાર મહિને બધું માતા પાસે લઈ જવું; ને પગે લગાડીને પછી લૂગડાં ધોવે ત્યારે બાધા છૂટે. પછી બાર મહિને લૂગડાંનો મોટો ગાંસડો બાઈએ માથે ઉપાડ્યો ને પુરુષે છોકરાને તેડેલો ને માથે ઠીબડી; એવી રીતે ચાલ્યાં. તેને માર્ગમાં એક હરિજન મળ્યા. તેમણે પૂછ્યું જે, આ ગાંસડો ને ઠીબ ને આ બધું શું છે ? ને ક્યાં જાઓ છો ? પછી તેણે બધી વાત કરી. આટલો બધો દીકરા સારુ દાખડો કર્યો, તે કેવો દીકરાનો મહિમા ! અજ્ઞાની જીવને એવો મહિમા નાશવંત પદાર્થનો છે. આટલો દાખડો ભગવાન ને સંતને અર્થે કરે તો કલ્યાણમાં કાંઈ વાંધો જ ન રહે.
        - શ્રી અબજીબાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૧૦૮
“ભગવાનનો ભક્ત હોય તેને વિષે શ્રીજીમહારાજ અનંત મુક્તે સહિત રહ્યા છે પણ તેની ખબર નથી, તેથી દીકરો ન હોય તો શોક કરે જે મારે દીકરો નથી પણ પોતાના આત્માને વિષે અનંત મુક્ત ને મહારાજ રહ્યા છે, એમ સમજીને સ્ત્રી, પુત્ર, ધનાદિક, માયિક પદાર્થની ઇચ્છા ન રાખવી ને એકલા છીએ એમ ન જાણવું. શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત મારા આત્માને વિષે વિરાજમાન છે એમ જાણીને સદા આનંદમાં રહેવું.”                                    - શ્રી અબજીબાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૧૫૧
“સમાધિમાં તેજ, ઐશ્વર્ય, સામર્થી, ધામ એ આદિકને જોવા ઇચ્છે તે સકામ માર્ગ છે ને તેમાં વિઘ્ન છે. કેમ જે એને કાંઈક ધક્કો લાગે ખરો. જે મૂર્તિમાં જોડાય ને બીજું કાંઈ ન ઇચ્છે તે નિષ્કામ છે.”
 - શ્રી અબજીબાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૨૯
“ધનબાઈ ડોસીએ અમને વાત કરી જે, હું જે જે વચન આપું છું તે સત્ય થાય છે. કોઈકને દીકરો કે દ્રવ્ય કે જે જે માગે તે આપું છું, પણ મારું વચન એકેય ખાલી ગયું નથી. પછી અમે કહ્યું જે, એ તો બ્રહ્માનું કામ કરો છો, તેમાં શું કરો છો ? પછી તે સમજી ગયાં જે, બાપાશ્રીની મરજી તો એક કલ્યાણ કરવું એવી છે. માટે અમારી દ્રષ્ટિ તો જીવોનો ઉદ્ધાર કરી જન્મમરણથી રહિત કરવા, ને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આપવું એ જ છે, અને તમારે પણ કલ્યાણ કરવું તેમાં અમે તમારા ભેગા છીએ. પણ જો માયિક વસ્તુ કોઈક માગે તો કહેવું જે, કલ્યાણ ખપતું હોય તો અમારી પાસે છે, બાકી માયિક વસ્તુ જે કાળી વસ્તુ તે અમારી ઝોળીમાં નથી.”     
- શ્રી અબજીબાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૨૦૪
વળી, સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ ‘ધીરજાખ્યાન’ તથા ‘સારસિદ્ધિ’માં કહ્યું છે કે,
“મારે તો નથી કાંઈ માગવું, પણ એવું કહેશો મા કોઈને;
પંચવિષયમાં પ્રીત જીવને, માગશે રહ્યા છે જેમાં મોઈને,
થોડીક સેવા કરી તમારી, માગે છે મોટા સુખને;
એવા વેપારીને ઓળખી, વિષયસુખ દેશો મા વિમુખને,
ભક્ત કહેવાય આ ભવમાં, અભક્તપણું અળગું કરો;
શુદ્ધ સેવક થઈ ઘનશ્યામના, અમળ ભક્તિ આદરો,
ભક્તિમાં ભેગ ભૂંડાઈનો, વળી રતી પણ નવ રાખીએ;
દોરી બાંધી અંગે દામની, વિશવાસી પાશે નવ નાખીએ,
ભક્ત છે બહુ ભાતના, દામ વામ ખૂબ ખાન પાનના;
એવું ન થાવું આપણે, થાવું ભક્ત ખરા ભગવાનના,
સેવક થઈ ઘનશ્યામના, ઇચ્છયવાં સુખ સંસારનાં;
નિષ્કુળાનંદ એ ભક્ત નહિ, એ તો લક્ષણ છે ચોરા જારનાં.”
- ધીરજાખ્યાન : કડવું-૧૨
“સકામ ભક્તની શ્રીહરિ, પૂજા પરહરે દૂર,
જાણે માયિક સુખ માગશે, જડબુદ્ધિ જરૂર.”
- સારસિદ્ધિ : પદ-૨
આમ, મહારાજ અને મોટાપુરુષની નિષ્કામભક્તિ માટેની મરજી જાણી ખરા નિષ્કામ બનીએ.