સકારાત્મક દૃષ્ટિકોણ - 1

  August 19, 2019

અંગ્રેજીમાં એક કહેવત છે કે, 'I am convinced that life is 10 % what actually happens to us and 90 % how we react it.' અર્થાત્ ‘આપણા જીવનનો ૧૦% આધાર આપણી સાથે શું બને છે તેના પર છે પરંતુ ૯૦% આધાર આપણી સાથે જે બને છે તેને આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ એટલે કે કેવા વિચારોથી સ્વીકારીએ છીએ તેના ઉપર છે.’ દરેક વ્યક્તિને જીવનમાં ઉત્તમ વસ્તુઓ જ મળે છે એ શક્ય નથી હોતું. જીવનમાં ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરવી તે અગત્યનું નથી પરંતુ પ્રાપ્ત કરેલી વસ્તુથી ઉત્તમ રીતે કાર્ય કરવું તે અતિ મહત્ત્વનું પાસું છે. દરેક વ્યક્તિના જીવનમાં સુખ-દુ:ખ, હર્ષ-શોક, હતાશા-નિરાશા, અગવડતા-સગવડતા, સાનુકૂળતા-પ્રતિકૂળતા આ તમામ પરિસ્થિતિઓનું સર્જન થતું જ હોય છે. જીવનની આ તમામ પરિસ્થિતિઓમાં આપણી ભૂમિકા સૌથી મહત્ત્વની છે કે આપણે એમાં કઈ રીતે પસાર થઈએ છીએ. અર્થાત્ કેવા વિચારોને આધીન થઈ, કેવી સમજણથી આગળ વધીએ છીએ.
પ્રખર વૈજ્ઞાનિક થોમસ એડિસનના જીવનની સંધ્યા સમયે (૬૭મા વર્ષે) તેમની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. તેમાં તેમની જીવનપર્યંતની અબજો ડૉલરની માલ-મિલકત બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં ફૅક્ટરીનો વીમો માત્ર આંશિક નુકસાન ભરપાઈ કરી શકે તેટલો જ હતો. પોતાની નજર સમક્ષ જ તેઓ પોતાની આખી જિંદગીની મહેનત અને કમાણીને આગમાં ભસ્મીભૂત થતી જોઈ રહ્યા હતા. છતાં એ સમયે તેમણે માત્ર એટલું જ કહ્યું કે, “વિનાશ પણ ખરેખર તો મૂલ્યવાન હોય છે, કારણ કે એમાં આપણે કરેલી તમામ ભૂલો બળીને ખાખ થઈ જાય છે. એ માટે આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ. કારણ કે હવે આપણે નવેસરથી શરૂઆત કરીશું.”
જીવનમાં આટલો મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવા છતાં તેઓ ડગમગ્યા વગર સતત પ્રગતિ માટેના સકારાત્મક વિચારો કરતા જ રહ્યા અને અકસ્માતના ત્રીજા જ અઠવાડિયે તેમણે પોતાના સકારાત્મક વિચારોના બળે સમગ્ર વિશ્વને ફોનોગ્રાફની ભેટ ધરી. દરેક વ્યક્તિના જીવનમાં પ્રગતિ અને અધોગતિનું મૂળ તેના આગવા વિચારો જ છે.
વિચારોના બે પ્રકાર છે : (૧) સકારાત્મક વિચારો જેને અધ્યાત્મની ભાષામાં કહેવાય છે સવળો તથા ગુણ લેવાનો વિચાર અર્થાત્ ગુણગ્રાહક દૃષ્ટિ; અને (૨) નકારાત્મક વિચારો જેને અધ્યાત્મની પરિભાષામાં કહેવાય છે અવળો તથા અભાવ, અવગુણ અને અમહિમાનો વિચાર. આ બે વિચારોના આધારે જ આપણું જીવન ઘાટ પામે છે. એક બાબત સનાતન સત્ય છે કે, ‘આપણે જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ.’ ઘઉં વાવીએ છીએ તો ઘઉં જ મળે છે, બાજરો વાવીએ તો બાજરો જ મળે છે. એમ આપણે જેવું વિચારીએ છીએ તેવું જ આપણને ફળ મળે છે. આપણા સૂક્ષ્મ દેહના વિચારો જ સ્થૂળ દેહ દ્વારા સાકાર સ્વરૂપને ધારણ કરે છે. સકારાત્મક વિચારોનું ફળ સકારાત્મક મળે છે અને નકારાત્મક વિચારોનું ફળ નકારાત્મક મળે છે.
સવારે ઘરેથી ઑફિસે જવા નીકળીએ અને રસ્તા વચ્ચેથી બિલાડી નીકળે ત્યારે જો એવું વિચારીશું કે, ‘આજે અકસ્માત થશે’ તો એ દિવસે અકસ્માત થાય જ. પરંતુ જો એ સમયે એવો વિચાર કર્યો હશે કે, ‘બિલાડી નીકળે એમાં શું ? અપશુકન જેવું કશું હોતું જ નથી !' તો કાંઈ જ નહિ થાય. જો પરીક્ષા આપવા જતા હોઈએ અને વાચન ઓછું થયું હોય ત્યારે વિચાર કરીએ કે, ‘આજે પેપર સારું નહિ જાય’ તો એવું જ થશે, પરંતુ જો સકારાત્મક વિચારોમાં રાચતા હોઈશું તો જરૂરથી પેપર સારું જ જશે. સવારે ઊઠીએ ત્યારે સહેજ કળતર જેવું જણાય ત્યારે જો વિચારીએ કે, ‘આજે તાવ આવશે’ તો એ દિવસે જરૂરથી તાવ આવશે. પરંતુ ‘મને કશું જ થયું નથી; મારી તબિયત સારી જ છે.’ આવા સકારાત્મક વિચારોથી દૈનિક પ્રવૃત્તિઓમાં કાર્યરત થઈ જઈશું તો કંઈ જ નહિ થાય.
જીવનની કોઈ પણ બાબત હોય અથવા કોઈ પણ ક્ષેત્ર હોય એમાં સફળતા-નિષ્ફળતાનો આધાર આપણા વિચારો ઉપર છે. એ વિચારોના આધારે જ વિચાર મુજબનો સકારાત્મક કે નકારાત્મક અભિગમ બંધાય છે. જેથી એવું પણ કહી શકાય કે, આપણા સકારાત્મક અને નકારાત્મક અભિગમો ઉપર પણ આપણા જીવનની સફળતા-નિષ્ફળતાનો આધાર રહેલો છે. જીવનમાં સુખી થવાનો ઉપાય આ જ છે કે સકારાત્મક અભિગમોને અપનાવવા અર્થાત્ ગુણગ્રાહક થવું. સદ્. ગુણાતીતાનંદ સ્વામીને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે, “સ્વામી, સત્સંગમાં આવીને રાજીપો કમાવવાની જ ઇચ્છા હોવા છતાં કેટલાક ખોટ કરે છે, કેટલાક ઠેરના ઠેર રહે છે ને કેટલાક ખૂબ રાજી કરી શકે છે, તેનું કારણ તે શું ?” ત્યારે સદ્. ગુણાતીતાનંદ સ્વામી એના ઉત્તરમાં કહે છે કે, “(૧) દોષબુદ્ધિ, (૨) ગુણબુદ્ધિ અને (૩) મહિમાબુદ્ધિ.”
ત્યારે ગુણબુદ્ધિ અર્થાત્ ગુણગ્રાહક થવું એટલે શું ? તો, પોતાની આસપાસનાં વ્યક્તિ, વસ્તુ કે પદાર્થમાંથી ગુણો જોવા અને ગુણો લેવા. સરળ ભાષામાં કહીએ તો, ગુણોના વિચાર કર્યા કરવા. બે મિત્રો ફરતાં ફરતાં દરિયાકિનારે પહોંચ્યા. દરિયાકિનારે જઈ એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે, “આ દરિયો કેટલો વિશાળ છે ! એના પેટાળમાં મોતીના ઢગલા છે. પરંતુ તેનું પાણી કેટલું ખારું છે ! જો દરિયામાં ખારાશ જ ન હોય તો !? દરિયો તેની ખારાશ છોડી દે તો તેનું પાણી પિવાય તો ખરું !” ત્યાંથી બંને મિત્રો બગીચામાં આવ્યા. બગીચાની સુંદરતા નિહાળતાં એક તાજું ખીલેલું ગુલાબી રંગનું ગુલાબ દેખાયું. બંને મિત્રો ગુલાબ પાસે પહોંચ્યા. ત્યારે પેલા મિત્રએ બીજા મિત્રને કહ્યું, “આ ગુલાબ કેટલું સુંદર છે ! પણ કેવા કાંટાળા છોડ પર ઊગે છે ! કાંટા જ ન હોય તો તેનું સોના જેટલું મૂલ્ય થાત.” બગીચામાં ફરીને સાંજે ઘરે આવ્યા. બંને મિત્રો રાત્રે બહાર આંગણામાં બેઠા હતા. પૂનમના ચંદ્રની શીતળતા ચારે તરફ છવાયેલી હતી. એવામાં પેલો મિત્ર બોલ્યો કે, “ચંદ્રમા પર કેવા ડાઘ છે ! ડાઘ ન હોય તો ચંદ્ર કેવો ધોળો દૂધ જેવો લાગે !”
મિત્રની વાત સાંભળતાં છેવટે પેલા મિત્રએ કહ્યું કે, “ભાઈ, તને દરિયાની વિશાળતા ન દેખાઈ પણ તેની ખારાશ દેખાઈ; ગુલાબની સુંદરતા અને સુગંધ ન દેખાઈ પણ નાના કાંટા તને ખૂંચ્યા અને હવે તું ચાંદનીની શીતળતા માણવાને બદલે ચંદ્રના પણ ડાઘ જુએ છે ! એનાથી ફાયદો શું ? એના કરતાં એનામાં જે સારું છે એટલે કે એનામાં જે ગુણ છે તે લઈશ તો તારું જીવન પણ દરિયા જેવું વિશાળ, ગુલાબ જેવું સુગંધથી મઘમઘતું અને ચંદ્રની ચાંદની જેવું શીતળ બનશે.”
હે મહાપ્રભુ, અમ સૌ પણ જીવનમાં આવતી સર્વે પરિસ્થિતિઓમાંથી ગુણ ગ્રહણ કરી સદાનંદમાં રહીએ તેવી અભ્યર્થના.