સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-1
September 7, 2020
સાંખ્ય  એટલે આંતરચક્ષુ. 
  સદ્.  ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૨ની ૨૭૯મી વાતમાં કહ્યું છે કે, 
  “સાંખ્ય છે તે તો આંખ છે. તે આંખે કરીને સર્વે દેખાય.”
  સાંખ્યજ્ઞાનરૂપી  આંતરચક્ષુ દ્વારા... 
      જોઈ શકાય છે સંસારના અસલ સ્વરૂપને. 
      ભેદ પારખી શકાય છે સાચા સુખ અને દુ:ખનો. 
      પરિમાણ કરી શકાય છે સુખ અને દુ:ખનું. 
      વિવેક સમજાય છે સાર-અસારનો. 
      સ્થિતપ્રજ્ઞ રહી શકાય છે પરિસ્થિતિની ચડતી-પડતીમાં. 
      સમતુલન જાળવી શકાય છે જીવનની તડકી-છાંયડીમાં. 
      બંધન તૂટે છે માયિક સુખ અને સંબંધીનાં. 
      વિજય મેળવી શકાય છે અંત:શત્રુ પર. 
      ખ્યાલ આવે છે લૌકિક સુખની તુચ્છતાનો અને અલૌકિક સુખના અહોભાવનો. 
  આધ્યાત્મિક  માર્ગનો પાયો સાંખ્યના પાયા પર રચાયેલો છે. ચાહે સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે કોઈ  ઇતર સંપ્રદાય હોય પરંતુ સાંખ્યની દૃઢતાવાળા જ મુમુક્ષુ બની શકે છે. તે જ સંસારને  અંદરથી સળગાવી મોક્ષપ્રાપ્તિની ઝંખના કરી શકે છે. 
  અધ્યાત્મ  માર્ગ મુખ્ય યોગસાધના માટે જ છે. પરંતુ યોગ પૂર્વે સાંખ્ય દૃઢ કરવું ફરજિયાત છે.  જીવનપ્રાણ બાપાશ્રીએ સાંખ્ય અને યોગની સ્પષ્ટતા કરતાં ભાગ-૨ની ૧૧૭મી વાતમાં કહ્યું  છે કે, “સાંખ્ય ને  યોગ તે શું ? તો  શ્રીજીમહારાજ વિના સર્વે ખોટું જાણવું તે સાંખ્ય અને મહારાજની મૂર્તિમાં રસબસ  રહેવું તે યોગ.”
  યોગસાધનાએ  કરીને ભગવાનમાં પ્રીતિ કરી સાક્ષાત્કાર કરવાનો છે. પરંતુ તે પૂર્વે જો સાંખ્યની દૃઢતા  ન થઈ હોય તો ભગવાનમાં પ્રીતિ કરતાં કરતાં અન્ય પદાર્થમાં કે વ્યક્તિમાં પણ પ્રીતિ  થઈ જાય છે. મૂળ ધ્યેય, લક્ષ્ય ચુકાઈ જાય છે. ભરતજીએ સંસારનો ત્યાગ કર્યો હતો  પરંતુ સાંખ્યજ્ઞાનની યથાર્થ દૃઢતા થઈ નહોતી તો ભગવાનમાં પ્રીતિ કરતાં કરતાં  મૃગલાનાં બચ્ચાંને વિષે પણ પ્રીતિ થઈ ગઈ. મોક્ષ પામવાને બદલે ત્રણ જન્મ ધરવા પડ્યા.  તેથી જ શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૧૭મા વચનામૃતમાં તેમનું આખ્યાન ચમત્કારી કહ્યું  છે. 
  શ્રીજીમહારાજે  પંચાળાના ૨જા વચનામૃતમાં યોગ પહેલાં સાંખ્યની દૃઢતા કરવાનો આગ્રહ દર્શાવતાં કહ્યું  છે કે, “એવો જે  સાંખ્યવાળો તેને યોગમાર્ગે કરીને ભગવાનની જે ઉપાસના-ધ્યાન-ભક્તિ તે કરવાં.” અર્થાત્  સાંખ્ય દૃઢ કર્યા પહેલાં યોગ માર્ગે ચાલવું નહીં.