સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-12

  November 23, 2020

મૃત્યુનો વિચાર :
‘Death is uncertainly certain.’ અર્થાત્ મૃત્યુ અનિશ્ચિત હોવા છતાં નિશ્ચિત છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે પરંતુ મૃત્યુ ક્યારે આવશે તે નિશ્ચિત નથી. સૃષ્ટિના જન્મ-મૃત્યુના આ ક્રમિક ચાલ્યા આવતા ક્રમથી કોઈ પર થઈ શકતું નથી. ગમે તેટલા મોટા વિદ્વાન, જ્ઞાની, ડિગ્રી ધરાવતા હોય કે ડૉક્ટર હોય... દરેકનું મૃત્યુ તો થાય જ છે.
કવિ નારાયણદાસજીએ તેથી જ મૃત્યુના વિચારથી સાંખ્ય દૃઢ કરાવતાં કહ્યું છે...
“જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથે જી;
આવ્યા ત્યારે શું લાવ્યા ને, શું લઈ જાવું સાથે જી.
એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવા જી;
મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવા જી.”
મૃત્યુનો વિચાર સતત રહે તો સંસાર-વ્યવહારની પ્રવૃત્તિથી પાછા વળાય અને જે કરવાનું છે તે તરફ લક્ષ્ય મંડાય. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૫ની ૭૯મી વાતમાં કહ્યું છે કે, “આ દેહે ભગવાનને ભજી લેવા, ને દેહ તો હમણાં પડશે માટે આ તો વીજળીના ઝબકારે મોતી પરોવી લેવું. તેમ થોડાકમાં કામ કાઢી લેવું.”
એક નગરશેઠ મોટા બંગલામાં રહે. અઢળક ધન-સંપત્તિ, પુત્ર-પરિવાર બધી વાતનું સુખ હોવા છતાં શેઠને અંતરમાં કોઈ આનંદ થતો ન હતો. સતત વગર કામની કોઈ ને કોઈ વ્યર્થ ચિંતામાં જીવન પસાર થતું હતું.
એક દિવસ તેઓ નદીકિનારે ફરવા માટે ગયા. નદીના કિનારે એક મહાત્મા પર્ણકુટિર બાંધીને રહેતા હતા. તેમના મુખારવિંદ ઉપર અતિશે આનંદ છલકાતો હતો. તેઓ માંડ પેટ પૂરતું ભિક્ષા માગીને જમતા હતા, પર્ણકુટિરમાં રહેતા હતા છતાં અતિશે ખુશ દેખાતા હતા. મોં પર કોઈ વિષાદ કે ચિંતાના ભાવ ન હતા.
નગરશેઠ મહાત્માની પાસે ગયા અને તેમની ખુશી-આનંદનું રહસ્ય પૂછ્યું અને તેને પામવાનો ઉપાય માગ્યો. તેઓ બે મિનિટ શેઠની સામે જોઈ રહ્યા અને ચિંતિત વદને થોડી વાર રહી બોલ્યા કે, “હું તમને કહું, પણ...” “પણ શું ? જલદી બોલો.” “શેઠ, આજથી સાત દિવસ પછી આપનું મૃત્યુ છે તે મને તમારી આંખમાં દેખાય છે માટે હવે તમારે જે કાંઈ કરવું હોય તે સાત દિવસમાં કરી લો. સત્તા, સંપત્તિ કાંઈ સાથે નહિ આવે.”
‘સાત દિવસમાં મૃત્યુ છે’ આ સાંભળતાં જ શેઠની તમામ વૃત્તિઓ સંસાર તરફથી પાછી વળી ગઈ કે, મારી આખી જિંદગીમાં મેં ભગવાનનું નામેય નથી લીધું માટે હવે મારે સાત દિવસ ભજન-ભક્તિ કરી લેવી છે. દીકરાઓને મિલકત વહેંચી દીધી. સગાંસંબંધીઓને કહી દીધું કે મને હવે કોઈ વ્યવહારિક વાત કરશો નહીં. પેઢી, ધંધા બધું બંધ. આખો દિવસ ભજન-ભક્તિમાં વિતાવે. તમામ દુ:ખ-ચિંતા ટળવા માંડ્યાં. આનંદ આનંદ વર્તતો હતો.
આઠમા દિવસે તેઓ મહાત્માજી પાસે ગયા. મહાત્માજીએ કહ્યું, “શેઠ, કેવું લાગે છે ?” ત્યારે તેમણે કહ્યું, “આનંદ આનંદ લાગે છે. મને તો સાત દિવસથી જ આનંદ છે પણ તમને તો આવો આનંદ કાયમ રહે છે તેનું શું કારણ ?” ત્યારે મહાત્માજીએ શેઠને કહ્યું કે, “મને કાયમ એવું લાગે છે કે આવતી કાલે જ મારું મૃત્યુ છે તેથી હું ક્યાંય મારા મનને બંધાવા દેતો નથી, કોઈ પ્રકારની આસક્તિ રહેવા દેતો નથી. અખંડ ભજન-ભક્તિમય જ જીવન વિતાવું છું તેથી મને કાયમ આનંદ જ વર્તે છે.”
શ્રીજીમહારાજે પણ પોતાના મિષે મૃત્યુનો વિચાર અખંડ રાખવાની રીત શીખવતાં ગઢડા છેલ્લાના ૩૦મા વચનામૃતમાં કહ્યું છે કે, “આપણે આ દેહને મૂકીને જરૂર મરી જાવું છે ને તેનો વિલંબ નથી જણાતો, એ તો એમ જ નિશ્ચે જણાય છે જે આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે ને સુખ-દુ:ખ, રાજીપો-કુરાજીપો સર્વે ક્રિયામાં એવી રીતે વર્તે છે.” મહારાજ પોતાના મિષે આપણને શીખવે છે કે, તમારે પણ અખંડ આવું અનુસંધાન રાખી પાછા વળેલા રહેવું.
એક દિવસ જનક રાજા દરબાર ભરીને બેઠા હતા. એ વખતે નવ યોગેશ્વરો એકસાથે દરબારમાં પ્રવેશ્યા. જનક રાજા એકદમ સિંહાસન પરથી ઊભા થઈ સામા દોડ્યા અને નવ યોગેશ્વરને એકસાથે ભેટી પડ્યા.
રાજાની આવી આશ્ચર્યકારી ક્રિયા જોઈ કોઈએ પૂછ્યું, “રાજન્ ! તમે એક એકને ન ભેટ્યા ને એકસાથે બધાને કેમ ભેટ્યા ?” ત્યારે જેમને સતત મૃત્યુનો વિચાર રહેતો હતો તેવા જનક રાજાએ કહ્યું, “મારો દેહ નાશવંત અને ક્ષણભંગુર છે. ક્યારે પડી જાય તે નક્કી નથી. જો હું એકને ભેટ્યો હોય ને મારો દેહ પડી જાય તો મારે બીજાને ભેટવાનો લાભ રહી જાય માટે એકસાથે ભેટ્યો.”
જનક રાજાને સતત મૃત્યુ સામે નજર રહેતી તેથી સાંખ્ય વધુ ને વધુ દૃઢ થતું હતું. તે રાજ્યમાં રહેવા છતાં નિર્બંધ અને વિદેહી રહી શકતા હતા.
જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ ભાગ-૧ની ૨૦૩મી વાતમાં તેથી જ કહ્યું છે કે, “દેહ તો નક્કી પડી જાશે માટે મૃત્યુ સામે નજર કરી રાખવી.”

આપણું આયુષ્ય પણ ક્યારે પૂરું થઈ જવાનું છે તેની ખબર નથી તો ‘કાલે જ દેહ પડી જશે તો મારે મૂર્તિસુખના માર્ગે ચાલવાનું છે તે રહી જશે’ એ વિચારથી સાંખ્યની દૃઢતા કરવી.