સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-13

  November 30, 2020

દેહ-આત્માની વિક્તિનો વિચાર :
સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણ દેહથી આત્માને નોખો સમજવો એ સાંખ્ય શીખ્યાની બારાક્ષરી છે. એક વખત સદ્. ગુણાતીતાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું જે, ત્રણ દેહથી જીવને નોખો કેમ પાડવો ? ત્યારે કહ્યું, “પ્રથમ તેની બારાક્ષરી શીખવી જે દસ ઇન્દ્રિયોના દોર્યા દોરાવું નહિ ત્યારપછી આત્માની પરબ્રહ્મ સાથે એકતા કરવી ને દૃઢ ઉપાસના કરવી તેમ કરતાં કારણ શરીરથી નોખા પડાય.” ગુજરાતીમાં બારાક્ષરી આવડે તો વાંચતાં-લખતાં આવડે. તેમ ત્રણ દેહથી આત્મા જુદો જ છે - આ વિક્તિ જેટલી સ્પષ્ટ થાય તેટલી સાંખ્યની દૃઢતા થાય.
દેહ અને દેહ સંબંધિત પદાર્થમાત્ર નાશવંત છે એ વિચારથી અવરભાવમાત્રને વિષેથી રાગ ટળી જાય. એ જ રીતે દેહથી આત્મા નોખો સમજવો પણ અતિ મહત્ત્વનો છે. કારણ, આત્મા દેહથી નોખો પડે પછી જ તે પરમાત્માના સુખને પામવા માટેનો લાયક બને છે.
આત્મા જ્યારે દેહરૂપી વસ્ત્ર ઉતારી પુરુષોત્તમરૂપનું વસ્ત્ર ધારણ કરે છે કહેતાં પોતાને દેહરૂપ ન માનતાં પુરુષોત્તમરૂપ માનવાની અનાદિમુક્તની લટકે વર્તે છે ત્યારે જ તે મૂર્તિસુખનો અધિકારી બને છે. માટે નિરંતર દેહ તે હું નથી, દેહ જડ ને નાશવંત છે, આત્મા અવિનાશી છે. એ આત્માને મહારાજ અને મોટાપુરુષે કૃપા કરીને અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખી લીધો છે. માટે હવે હું અનાદિમુક્ત જ છું. આ લટકનું હાલતાં-ચાલતાં સર્વે ક્રિયામાં મનન કરવું. સતત પ્રૅક્ટિસે જેમ દેહભાવ દૃઢ થઈ ગયો છે તેમ પ્રૅક્ટિસથી જ દેહથી નોખા પડી પુરુષોત્તમરૂપ છું એ ભાવનો દ્રઢાવ કરવો.
દેહથી નોખી વિક્તિ ન સમજાય ત્યાં સુધી માથે વિઘ્ન છે તે દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૨૩મા વચનામૃતમાં કહ્યું છે કે, “જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તેથી પર ને ચૈતન્યરૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિષે ભગવાનની મૂર્તિ ધારીને ભગવાનનું ભજન કરે. પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશે પ્રકાશમાન ભાળે... એવી સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે તોપણ તેને માથે વિઘ્ન છે.” કારણ, જ્યાં સુધી દેહથી વિરક્ત થઈને ન વર્તાય ત્યાં સુધી દેહના દોષ, ગુણ, અવરભાવનું બધું જ મોક્ષના માર્ગમાં વિઘ્ન કરે. દેહ-દેહના સંબંધીમાં પ્રીતિ રહી જાય. માટે મુમુક્ષુતા દૃઢ કરવા દેહથી આત્મા નોખો છે તે સાંખ્યની દૃઢતા કરવી ફરજિયાત છે.
સદ્. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં બિરાજતા એ વખતે મોટા મોટા શેઠિયાઓને, ૪૦૦ સંતોને તથા શ્રી રઘુવીરજી મહારાજ આદિક આચાર્યોને શિક્ષાપત્રી શ્લોક-૧૧૬ “निजात्मानं ब्रह्मरूपं देहत्रय विलक्षणम्”ની વારંવાર વાત કરી સાંખ્ય દૃઢ કરાવતા, દેહથી વિરક્ત અવસ્થામાં વર્તવા માટે આગ્રહ રાખતા અને બીજા પાસે રખાવતા. તેથી જ દેહ-આત્માની વિક્તિની સ્પષ્ટતાએ અનેક મુમુક્ષુઓ મુમુક્ષુતા પ્રગટાવી નિર્વિઘ્ને મહારાજના સુખને પામ્યા હતા.

વર્તમાનકાળે પણ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સંપ્રદાયના તમામ ગ્રંથોના સારરૂપ કહ્યું છે :
“દેહ નહિ હું મુક્ત અનાદિ, અખંડ મનન રખાવજો,
રસબસ કરીને મૂર્તિમાં રાખ્યા, મહારાજ જ ઠસાવજો.”

આ વાતને વારંવાર દૃઢ કરાવે છે. અવનવાં આયોજનો-સંકલ્પો આપીને આપણને સાંખ્યની દૃઢતા કરાવી મૂર્તિસુખને પાત્ર કરી રહ્યા છે ત્યારે આપણે પણ દેહના ભાવોથી પાછા વળી સાંખ્યનિષ્ઠા દૃઢ કરવા તરફ આગળ વધીએ.