સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-15

  December 14, 2020

બહિર્મુખી મટી આંતરમુખી બનવું :
અનાદિકાળથી જીવાત્મા ઇન્દ્રિયો-અંત:કરણને આધીન થઈ બહિર્મુખીપણે જ વર્ત્યો છે. તેથી અવરભાવમાં જ આનંદ માની તેમાં જ વધુ ને વધુ ખૂંચાતો જાય છે. જેના પરિણામે વૃત્તિઓ ડહોળાતી જાય છે. તેમાંથી પાછા વળાય અને આંતર સન્મુખ દૃષ્ટિ થાય તો જ સાંખ્ય દૃઢ કરી શકાય. શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૩૯મા વચનામૃતમાં કાચબાનું દૃષ્ટાંત આપી પોતાને મિષે આપણને વૃત્તિઓનો સંકેલો કરવાનો આદેશ કર્યો કે, કાચબાની અંગો સંકેલવાની વૃત્તિને ‘કૂર્મવૃત્તિ’ કહેવાય. કાચબો કૂર્મવૃત્તિથી ચાહે ત્યારે પોતાના ચાર પગ, મોં, પૂંછડી એ છયે અંગનો સંકેલો કરી શકે છે તેમ આપણે પણ ઇન્દ્રિયોની વૃત્તિનો સંકેલો કરીએ ત્યારે આંતરમુખી જીવન થાય. તે માટે સંસાર-વ્યવહારમાં ‘નછૂટકે...’ આ સૂત્રને અનુસરીને રહેતા શીખવું તો સાંખ્ય જલદી દૃઢ થાય.

નછૂટકે જોવું પડે અને જાણવું પડે એટલું જ જોવું અને જાણવું :
જન્મની સાથે જ દરેક વ્યક્તિમાં જિજ્ઞાસાવૃત્તિનું આપમેળે પ્રગટીકરણ થતું હોય છે. નાના બાળકને નવું જોવા-જાણવાની જિજ્ઞાસાવૃત્તિ સતેજ હોય છે જે દેહ વૃદ્ધ થવા છતાં ક્ષીણ થતી નથી. આ જાણવાની જિજ્ઞાસાવૃત્તિ એ બહારવૃત્તિનું મૂળ છે. જિજ્ઞાસાવૃત્તિથી જ આંખની, કાનની, ઇન્દ્રિયો-અંત:કરણની ધારા સજાય છે. વધુ ને વધુ તીક્ષણ બને છે. જરૂર ન હોય તેવું વધુ પડતું રસપૂર્વક જાણવાથી વધુ ને વધુ કચરો અંદર પેસે છે. માટે ખરેખર જેની જેટલી જરૂર હોય તેટલું જ જાણવું.
આંખ એ કૅમેરો છે. ઇન્દ્રિયો-અંત:કરણમાં કચરો પેસવાનું મુખ્ય પ્રવેશદ્વાર આંખ છે. આપણી નેત્ર ઇન્દ્રિય રૂપ કે પદાર્થ જોયા વિના રહી શકતી નથી. કેટલીક વાર ખ્યાલ આવે કે આ યોગ્ય નથી, ન જોવાય. એનાથી નુકસાન થશે તોપણ આપણી આંખની વૃત્તિ એ જોયા વિના રહી શકતી નથી. નેત્ર ઇન્દ્રિયોના અસંયમને કારણે આપણી દૃષ્ટિ જ્યાં ત્યાં પડતી હોય છે. તેમ છતાંય બે પ્રકારે જોવાતું હોય છે : એક, જોવા ખાતર જોવાતું હોય. બીજું, ન જોવાનું રસપૂર્વક જોવાય, ઇરાદાપૂર્વક જોવાય તે દૃષ્ટિનો ખૂબ મોટો અસંયમ છે. તેના ઇન્દ્રિયો-અંત:કરણ પર પાસ લાગી જાય છે. શ્રીજીમહારાજે સારંગપુરના ૨જા વચનામૃતમાં એટલે જ કહ્યું છે કે, “ફાટેલ નેત્રની વૃત્તિએ કરીને જે જે રૂપ જોયું હોય તે સર્વે ભજન કરતાં સાંભરી આવે છે.”
રસપૂર્વક જોયેલું આપણી મૂર્તિ સિવાયની વાસનાઓ અને કામનાઓને તીવ્ર બનાવે છે, જેના પરિણામે ઘણુંબધું સહન કરવું પડે.
દીવ બંદરે એક ફિરંગી સાહેબ રહેતા હતા. એક સુથારને તેમના ઘરે ફર્નિચર બનાવવાનું કામ મળ્યું. સુથાર ફિરંગી સાહેબના ઘરમાં બેસી લાકડું ઘડે. એક દિવસ ફિરંગી સાહેબ તેમનાં મઢમ (મૅડમ, ધર્મપત્ની) સાથે પરસાળમાં બેઠા હતા. મઢમ ખૂબ રૂપાળાં હતાં. સુથારથી એક વાર લાકડાં ઘડતાં ઘડતાં મઢમ સામું જોવાઈ ગયું હતું. પછી બીજી વાર રસપૂર્વક વારે વારે જોવા માંડ્યું. ફિરંગી સાહેબની નજર ચુકાવી છાનુંમાનું મઢમની સામે જોયા કરે.
ફિરંગી સાહેબે સુથારનું આ બધું કરતૂત જોયું તેથી તેમનાથી ન રહેવાયું અને કહ્યું, “મત જો.” તેમ છતાં સુથારે જોવાનું ચાલુ રાખ્યું. ફિરંગી સાહેબે સુથારને ધાકધમકી આપી છતાંય સુથારથી રૂપ જોયા વગર રહેવાયું નહીં. ત્રણ વાર ના પાડી છતાંય ચોથી વાર જોયું તો ફિરંગીએ ફરસીથી સુથારની બેય આંખો ફોડી નાખી. રૂપ જોવાની લાલચમાં કાયમી અંધાપો આવ્યો.
દૃષ્ટિનો અસંયમ એ બહુ મોટું પાપ છે. તેણે કરીને મનસાપાતક લાગે. દૃષ્ટિના અસંયમથી આત્મા દાણા વગરની કુશકી જેવો સત્ત્વહીન બની જાય છે. અસંયમની દૃષ્ટિ આત્માની નિર્બળતાનું દર્શન કરાવે છે. માટે કદી દૃષ્ટિનો અસંયમ ન થવા દેવો.
નથી જોવું છતાંય બીજા પદાર્થ કે રૂપ જોવાઈ જાય છે તેનાં ત્રણ કારણ છે : (૧) બહારવૃત્તિ, (૨) જિજ્ઞાસાવૃત્તિ, (૩) વિષય-વાસના-આસક્તિ. જે આંખે કરીને મહારાજની દિવ્યાતિદિવ્ય મૂર્તિનાં દર્શન કરવાનાં છે, મૂર્તિનું સુખ લેવાનું છે તે આંખને માયિક રૂપ-પદાર્થ જોઈને શા માટે અભડાવવી ? કોઈ ગમે તેટલી સારી બિલ્ડિંગ જોઈએ તો એમાં શું ? લોખંડ, પથરા, કાચ ને લાકડું આ ચારેયને ગોઠવીને જ મૂક્યાં છે. તેમ ગમે તેવું રૂપ સારું દેખાતું હોય તોય અંદર શું છે ? હાડ, ચામ, રુધિર ને વિષ્ટા જ ભરેલાં છે. નવ દ્વારે ગંધ ઊઠે છે. એમાં શું જોવાનું ? શું આસક્તિ થાય ? માટે એવાં રૂપ, પદાર્થ વગેરે જોવામાં દૃષ્ટિનો સંયમ કેળવવો.
આપણા જીવનની આંતરિક શક્તિનો બહુ મોટો દુર્વ્યય આંખ દ્વારા જોવાથી થતો હોય છે. કોઈ પણ વ્યક્તિ કે પદાર્થને જોતી વખતે તો સમય-શક્તિ બગડે છે પરંતુ પાછળથી પણ તેના વિચારો કરવામાં, મનન કરવામાં ઘણીખરી શક્તિ ખર્ચાઈ જાય છે. માટે આપણા જીવનમાં જરૂર ન હોય તેવી વસ્તુને જોવા-જાણવાનો આગ્રહ ન રાખવો.

અનાદિકાળથી જીવાત્મા પર દૃષ્ટિના અસંયમે કરીને અનેક છાપો પડી ગઈ છે, અને હજુ નવી પડતી જાય છે. માટે આંતરમુખી જીવન કરવા ભજન-પ્રાર્થનાએ કરી જૂની છાપોને ભૂંસીએ અને નવી છાપો ન પડે તે માટે નછૂટકે જાણવું પડે એટલું જાણીએ અને જોવું પડે એટલું જ જોઈએ.