સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-6

  October 12, 2020

સાંખ્ય દૃઢ કર્યા વિના સીધો યોગ સિદ્ધ કરવામાં ઘણાં વિઘ્ન રહેલાં છે.
સાંખ્ય દૃઢ થયા વિના નિર્વાસનિક ન થવાય કે પંચવિષયનો અભાવ ન થાય :
સાંખ્યજ્ઞાન દૃઢ ન થાય તો દેહના સંબંધીમાંથી વાસના કદી ન ટળે. પંચવિષયના ભોગમાંથી પાછી વૃત્તિ વળી જ ન શકે. પરંતુ જ્યારે સાંખ્યજ્ઞાનનો સંચાર થાય ત્યારે આપમેળે નિર્વાસનિક જીવન જીવવા તરફ પાછા વળાય, પંચવિષયનો અભાવ થાય અને ભગવાનના સુખમાં ભાવ થાય.
એક વખત કવિ તુલસીદાસજીનાં પત્ની તેમના પિયર ગયાં હતાં. તુલસીદાસજીને તેમનાં પત્નીને વિષે ખૂબ આસક્તિ હતી. ૧૫ દિવસ વિતી ગયા છતાં તેઓ આવ્યાં નહોતાં. તેથી તુલસીદાસજીને તેમને મળવાની તલપ જાગી. રાત્રિનો સમય હતો. ચારેબાજુ ચોમાસાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. તેમ છતાં ઘરેથી તેઓ નીકળી ગયા. કેડ સમા પાણીમાં દોડતાં દોડતાં આગળ જતા હતા.
રસ્તામાં નદી આવી. નદીમાં ખૂબ પૂર આવેલું. નદી તરીને પાર થાય તેમ નહોતી. એટલામાં તેમણે પાણીમાં એક મડદું તણાતું આવતું જોયું. તેઓએ મડદા પર બેસી નદી પાર કરી. સસરાના ઘરે પહોંચ્યા. ઘર ઉપર હતું અને નીચે ચારેબાજુ પાણી હતું. એટલામાં એક મરેલો સાપ લટકતો હતો. તે સાપને પકડી તેઓ ઉપર ચડી ગયા.
ઘરનો દરવાજો ખટખટાવ્યો. તેમનાં પત્નીએ દરવાજો ખોલ્યો. વરસતા વરસાદમાં પતિદેવને આવેલા જોઈ તેઓ પરિસ્થિતિ પામી ગયાં. તરત જ તેમણે કહ્યું, “પતિદેવ, તમે હાડ-ચામ-રુધિરથી ભરેલા દેહમાં આટલા આસક્ત થયા છો ! તેમાં તમને એટલો બધો માલ મનાયો કે આટલાં દુ:ખો વેઠીને તમે છેક અહીં
આવ્યા ! ખરો માલ અને સુખ તો એક ભગવાનમાં છે. તો તમે અહીં શા માટે દોડી આવ્યા ?”
તુલસીદાસજીને પત્નીના સાંખ્ય દૃઢ કરાવતા શબ્દોની ચોટ લાગી ગઈ. તેઓ પાછા વળી ગયા. એ જ દિવસથી તેમને સંસાર અસાર થઈ ગયો અને ભગવાનમાં માલ માની તેમાં મન લાગી ગયું. તુલસીદાસજી ભગવાનની ભક્તિ તો કરતા જ હતા પરંતુ સાંખ્ય દૃઢ થયું નહોતું તો નિર્વાસનિક ન થઈ શક્યા. સાંખ્યજ્ઞાન દૃઢ થઈ ગયું તો એ જ મિનિટે સંસાર અસાર થઈ ગયો. માટે મૂર્તિસુખરૂપી લક્ષ્ય પામવા સાંખ્ય ફરજિયાત છે.

અવરભાવમાંથી પ્રીતિ તો જ તૂટે :
અવરભાવમાં જે કાંઈ સારું લાગે છે તે બધું પ્રકૃતિપુરુષ થકી જ ઉત્પન્ન થયેલું છે, ખોટું અને નાશવંત છે. અવરભાવવાળાને એમાં જ પ્રીતિ થાય, બંધન થાય. તેમ છતાં જો અવરભાવમાં રહ્યા થકા સાંખ્યજ્ઞાનની દૃઢતા થાય તો તેમાંથી પ્રીતિ તૂટી જાય. શ્રીજીમહારાજે અવરભાવમાં રાખ્યા છે ત્યારે નિર્વિઘ્ને પરભાવ સુધી પહોંચવા માટે સાંખ્ય દૃઢ કરવું ફરજિયાત છે. નહિ તો અવરભાવના માયિક પદાર્થમાં રહેલી પ્રીતિ આપણું લક્ષ્ય ચુકાવી દે.

 

હું કોણ છું ?’, ‘શા માટે આવ્યો છું ?’ વિચારની દૃઢતા જ ન થાય :
હું હવે જગતના જીવ જેવો નથી પરંતુ અવરભાવમાં સંત કે હરિભક્ત છું. જગતના જીવ હોય તે જગતના સુખમાં આસક્ત થાય, મારે ન થવાય. મારે તો ભગવાનમાં જ આસક્ત થવાય. સાંખ્ય વિચાર થાય તો જ જગતનાં સુખ ખોટાં થાય અને ‘હું કોણ છું ?’ ને ‘મારે શું કરવાનું છે ?’ તે વિચાર દૃઢ થાય.

તેથી આપણા મૂર્તિસુખરૂપી લક્ષ્યને પામવા દેહ, દેહ સંબંધિત સુખોથી પાછા વળી સાંખ્યજ્ઞાનની દૃઢતા તરફ આગળ વધીએ.