સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-7

  October 19, 2020

સાંખ્ય એટલે શું ?
જોવા, જાણવા, દેખવા છતાં લૌકિક વસ્તુ કે વ્યક્તિની વાસ્તવિકતા પ્રત્યેનો અભિગમ તથા સમજણને બદલવી દરેકને અશક્ય લાગે છે. અજ્ઞાન અવસ્થામાં રાચવામાં જ સુખ મનાય છે. શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૨જા વચનામૃતમાં આ વાતની સ્પષ્ટતા અને કારણ દર્શાવતાં કહ્યું છે કે, “જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે, તેને પણ દેખે છે તોપણ આ જીવને જગતનું પ્રધાનપણું હૈયામાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તોપણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોટતું નથી, તેમ સત્સંગ પણ એના હ્દયમાં મુખ્ય થાતો નથી, અને ધન, સ્ત્રી આદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી તેનું શું કારણ હશે ?” આ પ્રશ્નના ઉત્તરમાં સદ્. મુક્તાનંદ સ્વામીએ તેનું કારણ વૈરાગ્ય નથી તે કહ્યું અને વૈરાગ્યનો ઉદ્ભવ સાંખ્યમાંથી જ થાય છે.
સાંખ્ય એટલે જ સમજણ સોતો ત્યાગ. એમાંથી જ વૈરાગ્ય દ્રઢ થાય.
સાંખ્ય એટલે વિષયસુખની, વાસનાઓની સમજણ સોતી અનાસક્તિ. કોઈનું રૂપ, ગુણ કે અવસ્થા જોઈ તેને વિષે વિકારવાન ભાવ ઊપજે જ એ દેહનો ગુણ છે. પરંતુ એ વખતે નાશવંતપણાના વિચારે તે ભાવોને તોડવાનો પ્રયત્ન થાય તે સાંખ્ય વિચાર કહેવાય.
બે મિત્રો એક ધર્મશાળામાં રાત્રિનિવાસ માટે ગયા. રૂમમાં હવા ભરેલું એક જ ઓશીકું જોવાથી બંને ઝપાઝપી કરવા લાગ્યા. એ દરમ્યાન ઓશીકાનું બટન ખૂલી ગયું. અંદરથી લોહી, માંસ, મટન આદિક અશુદ્ધિઓ નીકળવા માંડી તેથી બેમાંથી એકેય અડવા તૈયાર ન થયા. તેમ કોઈને વિષે વિકારવાન સંકલ્પ થાય ત્યારે આવો વિચાર કરવો કે, ‘આ હાડ, ચામ, રુધિર, માંસ, મજ્જાથી ભરેલું ઓશીકું જ છે. ઉપર માત્ર ચામડાનું કવર મઢેલું છે; ગમે ત્યારે નાશ થઈ જશે.’ તો તરત જ વૃત્તિ પાછી વળી જાય. જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૨ની ૪૩મી વાતમાં દેહને વિષે સાંખ્ય દૃઢ કરાવતાં કહ્યું છે કે, “આ લોકમાંથી ને આ દેહમાંથી લૂખા થાવું. પંચભૂતનો દેહ તો હાડકાંની મેડી છે,  તેને માંસનું લીંપણ કર્યું છે, ચર્મનો કળીચૂનો દીધો છે, માંહી પરું, પાચ, રુધિર, વિષ્ટા આદિ મળ ભર્યા છે અને કામ, ક્રોધ, લોભ, માન, મોહ, રસાસ્વાદ, ઈર્ષ્યા, અહંકાર આદિક દોષરૂપી જાળું છે. જીવ તેવા દેહને મોહે કરીને સારો માને છે, પણ તેમાં સારું શું છે ?”
સાંખ્ય એટલે ભૌતિક સુખ-સગવડો, વસ્તુ-પદાર્થને કે વ્યક્તિને વિષે નાશવંતપણાનો, તુચ્છપણાનો વિચાર. સૃષ્ટિમાં જેનું સર્જન છે તેનું વિસર્જન થાય છે. કોઈ વસ્તુ, પદાર્થ કે તેને બનાવનાર વ્યક્તિ કોઈ કાયમી રહેતાં નથી. જે કાંઈ છે તે પંચભૂતમાંથી ઉત્પન્ન થાય છે અને પંચભૂતમાં મળી જાય છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણી વ્હાલામાં વ્હાલી હોય, ગમે તેટલી સાચવવા છતાં એક દિવસ વહેલી કે મોડી તે નાશ પામે જ છે. તેને જો જમીનમાં દાટી દેવામાં આવે અને પછી બે-ત્રણ વર્ષે ફરી ત્યાં ખોદીએ તો માટી સિવાય કશું દેખાતું નથી અર્થાત્ માયિક જે કાંઈ દેખાય છે તે માટી જ છે, નાશવંત જ છે, કશું કાયમી નથી એવો નાશવંતપણાનો વિચાર એટલે સાંખ્ય વિચાર.
સાંખ્ય એટલે અવરભાવની પ્રવૃત્તિમાત્રને વિસારી દેવી. બધું સળગાવી દેવું. આ કર્યું છે ને આ કરવાનું છે તેવા તમામ વિચારોથી પર થવું તેને સાંખ્ય કહેવાય.
સાંખ્ય એટલે ખોટાને ખોટું કરવું તે. ઉપરની સમજૂતીમાં દેહ-દેહસંબંધી તમામ ખોટું છે તે જોયા જાણ્યા પછી તે ખોટાને ખોટું કરી નાખવું કહેતાં અંદરથી અભાવ કરવો તેને સાંખ્ય વિચાર કહેવાય.
સાંખ્ય એટલે શ્રીજીમહારાજની મૂર્તિ સિવાય બધું ખોટું કરવું તે. જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૨ની ૧૦૫મી વાતમાં કહ્યું છે કે, “આપણે પણ મૂર્તિ રાખવી, એ સાચી વસ્તુ છે. ‘રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુ:ખદાયક જાણું.’ એવું કરવું. ખોટામાં ખોટી થઈએ એટલા બાળકિયા સ્વભાવ કહેવાય. ખોટી વસ્તુ સાચી થાય તેમ નથી. માયા જગ ઠગણી.” આ આપણી કારણ સત્સંગની આગવી સમજણ છે જેને આપણા જીવનમાં દૃઢ કરીએ. સમયે એ પ્રમાણે વર્તાય ત્યારે ખરું સાંખ્ય દૃઢ થયું કહેવાય.
પ.પૂ. સ્વામીશ્રી ખોટાને ખોટું કરવું એ સાંખ્યની સ્પષ્ટતા કરાવતાં પ્રસંગ કહેતા હોય છે. તા. ૨૮-૪-૨૦૧૨ના દિવસે મહેસાણા મૂર્તિપ્રતિષ્ઠા અન્વયે પ્રવેશદ્વારના ઉદ્ઘાટન વિધિનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. ચારેબાજુ જયજયકારના નાદ થઈ રહ્યા હતા. અચાનક એક ભાઈએ ૧,૦૦૦ રૂપિયાની નોટોની આખી થોકડી ઉપર હવામાં ઉછાળી. પ.પૂ. સ્વામીશ્રી તથા સંતો દૂર ખસવા માંડ્યા કે રખે ને જો પૈસા આપણી ઉપર પડશે તો મહારાજની આજ્ઞા લોપાશે અને ઉપવાસ કરવો પડશે. પરંતુ પ.પૂ. સ્વામીશ્રીને બધાને જોતાં આશ્ચર્ય થયું કે આ બધા ખરા વૈરાગ્યવાળા છે. પ્રોગ્રામમાં સામેલ હજારો હરિભક્તો હતા પરંતુ કોઈ જ નોટ લેવા માટે પડાપડી કરતા ન હતા. અરે એટલું જ નહિ, જમીન પર પડી ગયેલી નોટને પણ તેઓ નીચા વળી લેતા ન હતા.
એક હરિભક્તે પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું, “સ્વામી, પૈસાથી દૂર ન ભાગો. આ ૧,૦૦૦ રૂપિયાની નકલી, ખોટી નોટો છે; સાચી નથી. માત્ર છાપેલાં કાગળિયાં જ છે.” પ.પૂ. સ્વામીશ્રી તેનો સિદ્ધાંત સમજાવે છે કે, “હજાર રૂપિયાની નોટ માટે તો બધા દોડાદોડ કરે પરંતુ ખબર પડી કે આ નોટો ખોટી છે તો પછી તેના માટે કોઈ પ્રયત્ન થતો નથી. જીવમાંથી નોટ ખોટી થઈ જાય છે. એવી રીતે સંસારનાં સુખ બધાં ખોટી હજારની નોટ જેવાં છે. જો એ ખોટાં મનાઈ જાય તો તેના માટે કોઈ પ્રયત્ન ન થાય અને ખોટાં માટે મથે તેને મૂરખ કહેવાય. સંસારનું બધું ખોટું છે તે જીવમાંથી ખોટું થાય, તેથી પાછા વળાય ત્યારે સાંખ્ય દૃઢ થયું કહેવાય.”
સંસારનાં સુખ અને વ્યવહાર પ્રત્યે સાંખ્ય દૃઢ કરાવતાં સદ્. ગુણાતીતાનંદ સ્વામી વાત કરતા : અમે જ્યારે નાના હતા ત્યારે સૌ છોકરાઓ ભેગા થઈ ભક્તિસભર રમત રમતા. બધા છોકરાઓમાંથી એકને બ્રાહ્મણ બનાવીએ પછી બધા તેમને પૂછીએ કે, “મહારાજ, આજે શું તિથિ થઈ ?” ત્યારે બ્રાહ્મણ કહેતા, “આજે અગિયારસ છે.” ત્યારે અમે બધા ઉપવાસ કરીએ ને રાત્રિએ જાગરણ કરીએ. જાગરણ વખતે ઠીકરાનાં ઢોલકાં, ઝાંઝ વગાડી ઓચ્છવ કરીએ. થોડી વાર પછી પરોઢના ચાર વાગ્યા; ચાલો સ્નાન કરવા જઈએ એમ બોલી ધૂડ્ય આઘીપાછી કરી બોલીએ : લ્યો નાહ્યા. હવે બારસનાં પારણાં કરીએ. બ્રાહ્મણને પારણાંના સીધામાં ધૂળનો લોટ, ગૉળ, ઘી, દાળ, ચોખા આપીએ પછી ઠીકરું લઈ ગાયનું દાન કરીએ. તેમ અમારી દૃષ્ટિએ અત્યારે આ લોકનો વ્યવહાર છોકરાની ધૂળની રમત જેવો છે. અર્થાત્ છોકરાની ધૂળની રમત થોડી વારમાં પતી જાય ને જીવનની રમત થોડી વધારે ચાલે પણ એમાં કાંઈ સાચું નથી.” આવો વિચાર કરી પાછા વળવું. સંસારનાં વ્યવહાર અને સુખ પ્રત્યે અભાવ થાય તેટલું સાંખ્ય દૃઢ થયું કહેવાય.

આમ, આપણે પણ સાંખ્યની દૃઢતા કરી સંસારને અસાર કરીએ.