સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-9
November 2, 2020
સાંખ્યજ્ઞાનની દૃઢતા ન થઈ હોય તેને કેવું અજ્ઞાન વર્તતું હોય ? તો... 
  સતત  મૃત્યુનો ભય વર્તે.
  અંત:શત્રુઓની  પજવણી ચાલુ જ રહે. 
  દેહનાં  સુખ-દુ:ખમાં, સ્થિતિ-પરિસ્થિતિમાં  ગ્લાનિ પામી જાય. 
  સગાંસંબંધીમાં  અતિશે હેત રહી જાય. 
  માયિક  વસ્તુ-પદાર્થમાંથી મોહ ન છૂટે. 
  દેહભાવમાં  જ રચ્યાપચ્યા રહેવાય, તેની જ પુષ્ટિ થાય. 
  રસાસ્વાદમાંથી  આસક્તિ ન ટળે કે તેના કજિયા ન મટે. 
  સાંખ્યજ્ઞાનની  જ્યારે દૃઢતા થાય ત્યારે આ બધાં ભાવો તથા વિઘ્નોથી પર થઈ શકાય છે. ખંભાતના સદાશિવ  શેઠે આખા પંથકમાં ન મળે તેવી સાત માળની સુંદર હવેલી બનાવડાવી હતી. હવેલીમાં  આસક્તિને કારણે તેઓ રોજ તેની પ્રદક્ષિણા કરતા અને હરખાતા. 
  તેઓ  એક દિવસ સદ્. ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા ગયા. સદ્. ગોપાળાનંદ સ્વામી સભામાં  રોજ વાતો કરી સાંખ્યની દૃઢતા કરાવતા. સદાશિવ શેઠના જીવમાં પેસી ગયેલી હવેલીને  સાંખ્યજ્ઞાને કરીને બળાવતા કે આ લોકનું બધું નાશવંત છે. એક દિવસ ધૂળ ભેગું ધૂળ જ  થઈ જવાનું છે. 
  થોડા  દિવસ બાદ ખંભાતથી એક ખેપિયો સમાચાર લઈને આવ્યો કે, ‘શેઠની હવેલી બળી ગઈ.’ ત્યારે સ્વામીએ આ સમાચાર આપતા પહેલાં સદાશિવ શેઠને  પૂછ્યું કે, “શેઠ, તમારી  હવેલી બળી જાય તો તમને કંઈ થાય ?” શેઠે કહ્યું, “સ્વામી, કંઈ નહીં. હવેલી તો નાશવંત જ છે. તમે માંહીથી બાળી નાખી  છે. પણ જો પંદર દિવસ પહેલાં બળી જાત તો હુંય હવેલી ભેળો બળી જાત.” સ્વામીએ કહ્યું, “શેઠ, તમારી  હવેલી ખરેખર બળી ગઈ છે.” શેઠે કહ્યું, “નિરાંત થઈ... મને કાંઈ દુ:ખ નથી. સુખેથી તમારો સમાગમ  કરીશું.”
  સદાશિવ  શેઠને સાંખ્ય દૃઢ ન થયું હોત તો હવેલી ભેળા પોતે બળી જાત તેવી આસક્તિ હતી, પણ જ્યારે  સાંખ્યજ્ઞાનની યથાર્થ દૃઢતા થઈ તો હવેલી બળી જવા છતાં તેનું કાંઈ દુ:ખ ન થયું.  આપણે પણ સદાશિવ શેઠની જેમ અવરભાવની વસ્તુ-પદાર્થની આસક્તિમાંથી પાછા વળીએ અને  સાંખ્યની દૃઢતા કરવા તરફ આગળ વધીએ. 
  સાંખ્યજ્ઞાનની  દૃઢતા જીવનમાં એક ચમત્કારનું સર્જન કરે છે. કલ્પનાતીત સંજોગ-પરિસ્થિતિનું સર્જન  થાય છે. સંવત ૧૮૬૩માં મેથાણ ગામે કલ્યાણદાસનાં લગ્ન લેવાયાં હતાં. લગ્ન પૂરાં થયાં  હતાં એ દિવસોમાં શ્રીજીમહારાજે ૧૮ ભક્તોને પત્ર લખી તાત્કાલિક સાધુ થવા બોલાવ્યા  હતા. કલ્યાણદાસના મામા અજા પટેલની ઉપર પણ ખેપિયો પત્ર લઈ આવ્યો હતો. અજા પટેલ તત્કાળ  સંસાર ત્યાગી નીકળવા તૈયાર થયા હતા. ભાણા કલ્યાણદાસનાં લગ્નનું મીંઢળ પણ છૂટ્યું  નહોતું. છતાં ‘આદિક’માં પોતાને  ગણાવી મામા સાથે તેઓ પણ ચાલતા થયા. લોકોએ ઘણા સમજાવ્યા છતાં કલ્યાણદાસને સંસાર  અસાર થઈ ગયો હતો તેથી તેની સામું પાછું વળીને જોવા ઊભા ન રહ્યા. 
  કલ્યાણદાસ  સંસારને ક્ષણ વારમાં સળગાવવાનું અદ્ભુત કાર્ય કરીને આવ્યા હતા. તેથી શ્રીજીમહારાજે  તેમનું નામ ‘અદ્ભુતાનંદ  સ્વામી’ પાડ્યું  હતું. તેમના વૈરાગ્યની સાચી દૃઢતા જોઈ શ્રીહરિએ ૧૮ને પાછા મોકલી તેમને એકને  રાખ્યા. શ્રીહરિએ અદ્ભુતાનંદ સ્વામીના સાંખ્ય સોતા વૈરાગ્યની કસોટી કરવા કલ્પનાતીત  આજ્ઞા કરતાં કહ્યું કે, “અદ્ભુતાનંદ સ્વામી, તમે મેથાણ જાવ અને તમારા પૂર્વાશ્રમના સસરાના ઘરેથી તે  બાઈના હસ્તે જ ભિક્ષા લઈ આવો.” સભામાં સાંભળનારા બીજાનાં મન હચમચી ગયાં. પરંતુ સદ્.  અદ્ભુતાનંદ સ્વામીના મોં પર કોઈ રેખા ન બદલાઈ. 
  જ્યાંથી  સંસારને સળગતો મૂકી ત્યાગી થવા નીકળ્યા હતા એ જ મેથાણ ગામે પૂર્વાશ્રમના સસરાના  ઘરે સદ્. અદ્ભુતાનંદ સ્વામીએ આવી ભિક્ષા માટે આહ્ લેક લગાવી - “સ્વામિનારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો...!” આહ્ લેક સાંભળી ઘરમાંથી બધા બહાર આવ્યા. જમાઈરાજને સાધુના  વેશમાં જોતાં બધા આશ્ચર્ય પામી ગયા. જેમની સાથે તેમનાં પૂર્વાશ્રમમાં લગ્ન થયાં  હતાં તે બાઈ દૂરથી જ ખોળો પાથરી પગે લાગ્યાં. બધાં સગાંસંબંધીઓ ભેગાં થઈ ગયાં અને  તેમને સંસારમાં પાછા આવવા સમજાવવા લાગ્યા. 
  એક  વાર વમન થયેલા અન્નને ફરી ખાવાનું મન ન થાય તેમ સદ્. અદ્ભુતાનંદ સ્વામીએ સંસારને  સાંખ્ય વિચારે વમન કરી નાખ્યો હતો. તેથી ભેગા થયેલા બધાને સંબોધતાં તેમણે કહ્યું, “અનંતકોટિ  બ્રહ્માંડના રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ આજે પ્રગટ-પ્રત્યક્ષ બિરાજે છે. તેમના  માટે એક જન્મ તો શું અનંત જન્મ કુરબાન કરીએ તોય ઓછું જ છે. અનંત જન્મ દેહ અને  દેહના સંબંધી માટે ધર્યા છે ને મર્યા છીએ. છતાંય આ ધૂળ જેવા સંસારમાં બધું નાશ  પામી ધૂળ જેવું જ થઈ જાય છે. આ દેહ પણ નાશવંત છે. તે વડે કરીને અવિનાશી વરને  પામવાનો અવસર મળ્યો છે. તો શા વાસ્તે સંસારમાં ફસાવું ? આ સંસાર-વ્યવહાર તો એક સ્વપ્ન જેવો છે, એ સ્વપ્ન  જેમ સાચું નથી તેમ આમાં પણ કાંઈ સાચું નથી. માટે મને કોઈ રોકશો નહિ, તમે પણ આ  માર્ગે આગળ વધો.”
  સદ્.  અદ્ભુતાનંદ સ્વામીની સાંખ્ય સમજણની ખુમારીથી સૌ દંગ રહી ગયા. તેમના પૂર્વાશ્રમનાં  પત્ની ઘરમાંથી પાકું સીધું લઈ આવ્યાં અને ઝોળીમાં સીધા સાથે સંમતિ પણ ભિક્ષામાં  આપી. એટલું જ નહિ, સદ્. અદ્ભુતાનંદ સ્વામીના સાંખ્ય સમજણના પડછંદાએ આ  બહેનને પણ વીંધી નાખ્યાં. તેમણે પણ તે જ ક્ષણે સંસારનો ત્યાગ કરી આજીવન બ્રહ્મચર્ય  પાળી પ્રભુભક્તિમાં જીવન વિતાવવાની પ્રતિજ્ઞા કરી. 
  એટલું  જ નહિ, વડતાલમાં  સદ્. અદ્ભુતાનંદ સ્વામીને સમજાવી સંસારમાં પાછા લઈ જવા આવેલ વજુભાઈ અને વિઠ્ઠલભાઈ  બંને ભાઈઓને પણ સાંખ્ય દૃઢ કરાવ્યું, શ્રીહરિ પાસે ત્યાગી કર્યા ને નિષ્કામાનંદ સ્વામી ને  નાના ચૈતન્યાનંદ સ્વામી નામ ધરાવી ત્યાગીવૃંદમાં ભેળવી દીધા. 
  સદ્.  અદ્ભુતાનંદ સ્વામીને ગૃહસ્થાશ્રમમાં જ સાંખ્યજ્ઞાન દૃઢ થઈ ગયું હતું તેથી ક્ષણની  પણ વાર સંસાર છોડતાં ન લાગી. એટલું જ નહિ, તેમના જોગમાં આવનાર પૂર્વાશ્રમનાં ધર્મપત્ની અને બે  ભાઈઓને પણ સંસાર અસાર કરાવી દીધો હતો.