સંતાનો માટે જાગ્રત બનો - 1

  April 19, 2014

સંતાનો માટે જાગ્રત બનો :

જાગૃતિ એટલે સાવધાની. જાગૃતિ એટલે awareness.

સ્વજીવન કે પરજીવનના શ્રેષ્ઠ પરિવર્તનનો આધાર જાગ્રતતા ઉપર છે. જીવનમાં જેટલી જાગૃતિ વિશેષ તેટલી સફળતાની અને સુખની સીડી નજીક આવતી જાય છે. શેરીએ શેરીએ ફરનારો સરાણિયો છરી કે કાતરની ધાર કાઢતી વેળાએ ચરખો ફેરવી વારે વારે તેની ધારની તીક્ષ્ણતાને ચકાસતો રહે છે. ધારની તીક્ષ્ણતા ચકાસવા તેને પોતાના અંગૂઠાને અડાડે છે અને તેનું સાવધાનીપૂર્વક બારીક અવલોકન કરતો રહે છે. પરિણામ સ્વરૂપે છરી કે કાતરની યોગ્ય ધાર સજી શકે છે. ત્યારે એક સફળ વાલી તરીકે બાળકના આદર્શજીવનના ઘડતર માટે આપણા જીવનમાં કેટલી જાગ્રતતા જોઈએ ?!!

       એક રૂપિયાના સિક્કાની બે બાજુની માફક માતાપિતા તથા સંતાનો અભિન્નપણે જોડાયેલાં છે. માતાપિતા અને સંતાનનો ત્રિવેણીસંગમ એ પ્રભુની માનવસમાજને આપેલી ઉત્તમ બક્ષિસ છે અને એમાંય માતાપિતાથી ભગવાન દ્વારા સર્જન પામેલ સંતાન એ તો અમૂલ્ય મૂડી છે. અંગ્રેજીમાં પણ એક સુંદર સુભાષિતમાં કહ્યું છે :

“A child is the father of the nation.”

અર્થાત્ બ્રહ્માંડોના કેન્દ્રસ્થાને જેમ ભગવાન છે તેમ સમાજના કેન્દ્રસ્થાને બાળક છે.

       સમાજમાં દાંપત્યજીવન જીવતા સભ્યોમાં બહુધા એવું જ જોવા મળતું હોય છે કે દરેકને સંતાનપ્રાપ્તિની ઇચ્છા હોય છે. પરંતુ સંતાન પ્રાપ્ત કરવાનો હેતુ શું ? માત્ર માબાપનું ટાઇટલ મેળવવા માટે ? સંતાનની પ્રાપ્તિ થવાથી આપણે  માબાપ તો બની જઈશું પરંતુ સંતાનના વાલી નહિ બની શકીએ. માબાપ બનવું અને વાલી બનવું આ બેમાં આભ ને ધરતીનો તફાવત છે. માબાપની જવાબદારી માત્ર બાળકને જન્મ આપવાની અને ખવડાવી-પિવડાવી મોટો કરવાની છે; જ્યારે એક વાલી તરીકેની જવાબદારી સંતાનને કેળવવાની અને ઘડવાની છે. જન્મ પામેલ દરેક સંતાનો મોટાં તો થાય જ છે, પણ તેમને કેળવીને મોટા કરનાર માબાપ, વાલી બની શકે છે. સમાજમાં એવા વાલીની બાળકોને જરૂર પણ છે.

માતાપિતાનું કાર્યક્ષેત્ર શું ?

       જેમ કોઈ પણ કંપની હોય કે ધંધો હોય તે દરેકમાં જે કોઈ વ્યક્તિનું સિલેક્શન થાય (પસંદગી પામે) તેને જે-તે વિભાગની ઓળખ, પરિચય તથા કાર્યક્ષેત્રની જાણકારી આપવી જરૂરી છે. તે જ રીતે પી.ટી.સી. કે બી.એડ.ના તાલીમાર્થી શિક્ષકોને શાની તાલીમ આપવામાં આવે છે ? તેઓને તેમની નોકરીમાં કેન્દ્રસ્થાને રહેલા બાળકને કેવી રીતે ભણાવવું તે અંગેની પ્રાયોગિક તાલીમ પૂરી પાડવામાં આવે છે. અને તેને લીધે તેઓ પોતાના શૈક્ષણિક ક્ષેત્રમાં, પોતાની નોકરીમાં યોગ્ય ન્યાય આપી શકે છે.

       જ્યારે શોકનીય વાત તો એ છે કે, બાળકને જન્મ આપનાર વાલી કહેતાં માતાપિતાને પોતાના સંતાનને કેળવવા માટેનું કાર્યક્ષેત્ર કોઈ શાળા કે મહાશાળામાં ઘડાયું નથી, ત્યારે તેની તાલીમ હજુ શરૂ જ ક્યાંથી થઈ હોય !! માતાપિતાને આદર્શ વાલી તરીકે ઘડનાર આદર્શ કાર્યક્ષેત્ર એ આજના ભૌતિકતાગ્રસ્ત માનવસમાજની અત્યંત જરૂરી ને મહત્વની બાબત છે જે માનવજીવનમાં ખૂબ જ અમૂલ્ય બાબત છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો 84લાખ યોનિને અંતે જે માનવજન્મ પ્રભુકૃપાથી મળે છે તેની કોઈ ગંભીરતા જ નહીં ? અને એ પણ આજના એકવીસમી સદીના હજારો-લાખો શોધોથી સમૃદ્ધ વૈજ્ઞાનિક યુગમાં ?? કેવી કરૂણ બાબત ગણાય ? ખેર, પણ આ સચોટ વાસ્તવિકતા છે.

       સરકસમાં કેટકેટલાં પ્રાણીઓને વિવિધ પ્રકારની તાલીમ આપીને હેરતભર્યા પ્રયોગો કરાવીને માનવીને મનોરંજન પૂરું પાડનાર મૂંગાં પ્રાણીઓ ક્યારેક કહેતાં પણ હશે કે હે માનવી, તું ભલે અમને વશ કરીને અમારી પાસે અદભુત કાર્યો કરાવે છે, પરંતુ વાસ્તવિક તાલીમની જરૂરિયાત તો તને છે, અમને નહીં. તું તાલીમ પામેલો નથી, કેળવાયેલો નથી એથી તો અમારી આ દશા છે !!

       એ માનવીને માતાપિતા થવા માટેના સર્ટિફિકેટ કોર્સની તાતી જરુરિયાતનો સમય પાકી ગયો છે. ફક્ત લગ્ન કરવામાત્રથી માતાપિતા બનવાની સંપૂર્ણ લાયકાત આવી જાય તે પણ અત્યારના આધુનિક યુગમાં એક પ્રકારની અંધશ્રદ્ધા જેવી બીના ગણાય. માનવ દ્વારા માનવીનું થતું સર્જન એ જીવ-પ્રાણીમાત્રની પવિત્ર ઘટના છે, અસાધારણ ઘટના છે.

       ‘એક ભણેલી માતા સો શિક્ષકોની ગરજ સારે છે’ એવી પ્રાચીન કહેવત છે. પરંતુ ફક્ત ભણવું એટલે શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવી તે. તો પછી ભણતર એ આદર્શજીવન જીવવા માટેનો માપદંડ ગણી શકાય ખરો ? અને એટલે જ આપણે તેમાં સુધારો કરવો જરૂરી છે કે ભણેલી માતા નહિ પરંતુ ‘કેળવાયેલ માતાપિતા સો શિક્ષકોની ગરજ સારે છે.’ અને દુઃખની બાબત તો એ છે કે આ માટે નથી કોઈ અભ્યાસક્રમ, નથી સ્કૂલ કે નથી કોલેજ કે નથી ખાનગી સંસ્થાઓ. બધું જ પ્રભુના ભરોસે કરવાનું અને પ્રભુ સૌ સારાં વાનાં કરશે તેવી નિરાધાર ને નિર્બળ વાણીથી મનને મનાવી લેવાનું !!

       જેમ રસ્તા ઉપર ગાડી લઈને નીકળીએ ત્યારે અમુક અમુક ચેતવણીઓ આવે છે. ખતરાની નિશાની આવે, ‘એક્સિડન્ટ ઝોન’ એવાં ગંભીરતાસૂચક વાક્ય આવે. હવે કોઈ ડ્રાઇવર આ આદેશોને ગણકાર્યા વિના ગાડી પુરપાટ હાંકે રાખે તો શી પરિસ્થિતિ આવે ? મૃત્યુને ભેટવાનો વારો આવે અને બીજાને પણ એમાર્ગે લઈ જાય. મોટું નુકસાન થાય. આ તો તાલીમ પામેલા ડ્રાઇવરની કહાની તમે સાંભળી. અહીં તો જીવનના વિશાળ કાર્યક્ષેત્રમાં તાલીમ વગરનાં માબાપ કેટકેટલા અકસ્માતોની હારમાળા સર્જી શકે તેનો અંદાજ આપણે કાઢી શકીશું ?

       જે બાળક આવતીકાલનો ઊગતો સૂરજ છે, જેના હાથમાં સમગ્ર દેશની ધુરા સંભાળવાની જવાબદારી આવવાની છે, જે આવતીકાલનો નેતા છે, કલેક્ટર છે, રાજા છે, વડાપ્રધાન છે, વૈજ્ઞાનિક છે, સંસ્થાનો વડો છે, સાધુ છે તેવાં ચુનંદા પાત્રો માટે તેમના સર્જનમાં, ઘડતરમાં ક્ષતિ-ત્રુટી રહી જાય તો તેની કેટલી ભારે હોનારત સર્જાય તેની કલ્પના કરી શકો છો !!! જેમ મોટી ઇમારત હોય અને તેનો પાયો કાચો હોય, નબળો હોય, તો તે ઇમારત તોફાનો સામે ઝીંક ઝીલી શકશે ખરી ? કંઈક એવી જ પરિસ્થિતિ, અણઘડ દંપતીના હાથમાં બાળઘડતરનું મહામોટું જવાબદારીરૂપી સુકાન સોંપવાથી થઈ શકે છે.

       આ તો જીવનનો ક્રમ છે. ‘આગે સે ચલી આઈ હૈ’– જેવી બાબત ક્યારેક સમાજની માનીનતા ગણાય છે. બાળકને જન્મ આપીને મોટું સર્ટિફિકેટ માતાપિતા તરીકે મળી ગયું છે એમાં રાચવું એ ઠીક નથી. હવે બાળકોને મોટાં કરવાની બાબત આવી. બાળકો તો મોટાં થશે જ, થવાનાં જ છે. એ તો જીવનના ક્રમ પ્રમાણે પણ થવાનાં છે. લોકવાયકા છે ને કે ‘દિવસે ન વધે એટલો રાત્રે વધે’ એમ બાળક, કિશોર, યુવાન, વડીલ, વૃદ્ધ એવા લેબલ સાથે વૃદ્ધાવસ્થા તો આવવાની. પણ સુસંસ્કારી, ચારિત્ર્યવાન, સદાચારી, સંયમી અને જીવનનો સર્વાંગી વિકાસ પામેલ કેળવાયેલ બાળક તૈયાર કરવાની જવાબદારી કોની ? વાલીની. તો આ જવાબદારી અદા કરવા માટે કોઈ શાળા, કોલેજ, બજાર, મેગામોલ, યુનિવર્સિટી પણ ક્યાં છે ?