સંયમ - 2

  March 19, 2018

મોબાઇલ ફોને માઝા મૂકી :

ગ્રેહામ બેલે વ્યવહારની સુગમતા માટે શોધ કરેલ ટેલિફોન આજે વિશ્વની પ્રગતિનું કારણ બન્યું છે. ઝડપી સંદેશાવ્યવહારનું અદ્‌ભુત સાધન છે. તે ટેલિફોન આજે મોબાઇલ ફોનમાં પરિવર્તિત થયો છે. સેલફોન પણ આજના યુગનું ઉપયોગી સાધન છે પરંતુ તેમાં ઇન્ટરનેટ ભળતાં અનેક સોશિયલ સાઇટ્‌સનો દુરુપયોગ કરવાથી અધોગતિનું કારણ બની રહ્યો છે. આજના ટી.વી. અને ઇન્ટરનેટ બંનેનો જેમાં સમાવેશ થઈ જાય છે તેવું અધિક પતનને નોતરતું આધુનિક ઉપકરણ એટલે મોબાઇલ ફોન. આજના સ્માર્ટફોનમાં ઇન્ટરનેટના કનેક્શન કરી ખરાબ દૃશ્યો, વીડિયો, એસ.એમ.એસ., વૉટ્‌સ ઍપ તથા અન્ય મેસેજિંગ સર્વિસ દ્વારા તેનો ખૂબ વધારે પ્રમાણમાં અસંયમી ઉપયોગ થઈ રહ્યો છે. જેની પાછળ કલાકોના કલાકોનો સમય વેડફાઈ રહ્યો છે. વિકૃતિ ઉપજાવે તેવું જોયા-સાંભળ્યા પછી પણ તેના વિચારમાં કેટકેટલોય સમય વીતી જાય છે.

બાળકોથી માંડી વડીલો સુધી બધાયનો કેટલોય સમય મોબાઇલ પર ગેમ રમવામાં વ્યય થતો હોય છે. આ ઉપરાંત લાંબી લાંબી વાતો કરવામાં સમય વેડફાતો હોય છે. મોબાઇલના અસંયમી ઉપયોગથી આપણા સમયની સાથે સંસ્કારો નષ્ટ થાય છે, મન બગડે છે અને વિકારવાન વિચારો આવે છે. આ ઉપરાંત મોબાઇલ ફોન સામે આપણી કલ્પના પણ ટૂંકી પડે તેવાં વિપરીત પરિણામો આવતાં હોય છે.

મોબાઇલની ખરાબ અસરો બાળકોના માનસ અને અભ્યાસ પર પણ પડતી હોય છે. માટે જો બાળકોને અભ્યાસ દરમ્યાન જરૂર ન હોય તો મોબાઇલ ફોન લાવી ન આપવો.

ધોરણ ૧૦માં એક યુવતીને ૯૦% ઉપર પરિણામ આવ્યું. તેણે ૧૧ સાયન્સમાં ઍડમિશન લીધું. તેના જન્મદિવસ નિમિત્તે તેના પપ્પા પાસે મોબાઇલ ફોનની માંગણી કરી. દીકરીના પિતાશ્રીએ તેને મોબાઇલ ફોન લાવી આપ્યો. જે દીકરી ભણવાના સમયે જમવાનું પણ ભૂલી જતી હતી તે દીકરી હવે ફોન પર વાતો કરવામાં જમવાનું અને ભણવાનું બેય ભૂલી જતી. તે દીકરી ૧૧મા ધોરણમાં માંડ માંડ પાસ થઈ અને ૧૨મા ધોરણમાં નાપાસ થઈ. એટલું જ નહિ, એ મોબાઇલ ફોનની સંગતે વિજાતિ મિત્રોના સંગમાં આવતાં પોતાનાં માતાપિતાને છોડીને મિત્રની સાથે જતી રહી. એક દીકરીની જીદને પૂરી કરવા જતાં માતાપિતાએ પોતાની દીકરીને કાયમ માટે ખોઈ નાખી. માટે બાળકોને મોબાઇલ ફોન નહિ, માબાપનો પ્રેમ-હૂંફ અને સંસ્કાર આપી રાજી રાખવાં.

આ ઉપરાંત આપણા જીવનમાં પણ જરૂરિયાત હોય તેવા સાદા અને જરૂરી ફૅસિલિટીવાળા જ ફોન વાપરવા. ૪G અને ૫G ટેક્‌નૉલોજીના ફોનની જરૂર ન હોય તો તેવા તથા ઇન્ટરનેટ કનેક્શનવાળા ફોન ન વાપરવા તેમજ વૉટ્‌સ ઍપ પર આપણો સમય વ્યતીત ન કરવો. વૉટ્‌સ ઍપનો પણ જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો.

 ઇન્ટરનેટનું જાળું :

આજે ધંધા-વ્યવહારમાં, શાળા-કૉલેજોમાં, ઑફિસોમાં, સંસ્થાઓમાં, ઘર ઘરમાં વિદ્યાર્થી, વ્યવસાયી કે નોકરિયાત હોય... દરેક માટે કમ્પ્યૂટર એ એક પ્રાથમિક જરૂરિયાત બની રહી છે. વર્તમાનકાળે આપણે સૌ ઇન્ટરનેટ શબ્દથી પરિચિત છીએ કે જેનું વિશ્વવ્યાપી જાળું છે. વધતી જતી ટેક્‌નૉલોજીની સાથે ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ બહોળા પ્રમાણમાં વધી રહ્યો છે. પરંતુ તેનો આ ઉપયોગ રચનાત્મક અને ખંડનાત્મક બંને રીતે થાય છે. ઇન્ટરનેટનો સંયમપૂર્વકનો વિવેકપૂર્ણ ઉપયોગ આપણા જીવનના દરેક કાર્યમાં ઘણું ખરું મદદરૂપ થાય છે જ્યારે તેનો ખંડનાત્મક ઉપયોગ આપણું અને આપણા દ્વારા બીજાનું પણ જીવન બરબાદ કરી નાખે છે.

ઇન્ટરનેટ પર આવતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્‌સ જેવી કે, ફેસબુક, ઑરકુટ, ટ્‌વિટરનો ઉપયોગ ખૂબ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. રોજ સવારે ઊઠી પ્રાતઃ પ્રાર્થના કરવાને બદલે પોતાનું ઍકાઉન્ટ જુએ છે. જે તેમના ઊગતા માનસની તમામ શક્તિઓ, વિચારો, કાર્યક્ષમતાને નષ્ટ કરી નાખે છે.

ખરેખર ફેસબુક જેવી સોશિયલ સાઇટ્‌સનો ઉદ્‌ભવ પોતાની સાથે કૉલેજમાં રહેનારાના ગ્રૂપ સંગઠન માટે કે ધંધા-વ્યવહારમાં સંકળાયેલ વ્યક્તિના સંગઠન માટે હતો જેનાથી તેમની સાથે વાતચીત થાય અને કૉન્ટૅક્ટમાં રહી શકાય. પરંતુ આજે તેનો અસંયમી ઉપયોગ અધોગતિના દ્વાર તરફ લઈ જઈ રહ્યો છે. આજે ભણતા વિદ્યાર્થી પોતાના અભ્યાસના સમયમાં કાપ મૂકી કે સહેજ નવરાશની પળ મળી તો તરત જ ફેસબુકમાં લૉગઇન થઈ જાય. ધંધાદારીઓ કે ઑફિસરો પણ નવરાશની પળની રાહ જોઈને બેઠા હોય. ફાજલ સમય મળે કે તરત જ લૉગઇન થઈ જાય. ફેસબુક ઉપર પોતાના કીમતી મૂલ્યવાન સમયે દેશ-પરદેશમાં ચેટિંગ કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે. ફેસબુકમાંથી જરૂર ન હોય છતાં પણ અન્ય જાતિ કે વિજાતિ મિત્રોની બિનજરૂરી માહિતી જોવા-જાણવામાં પોતાનો સમય વ્યતીત કરી દે છે. ફેસબુકનો અસંયમી ઉપયોગ વર્તમાન લોપ સુધી લઈ જાય છે. ચારિત્ર્યહીન સંબંધો બંધાય છે. સમાજમાં, સત્સંગમાં અને કુટુંબમાં તેની આબરૂ અને પ્રતિષ્ઠાને ધક્કો લાગે છે. તેનો મોભો ઘટી જાય છે. તેથી જ કહ્યું છે કે,

“When wealth is lost nothing is lost, when health is lost something is lost but when character is lost everything is lost.” અર્થાત્‌ “જ્યારે સંપત્તિ ગુમાવી તો તમે કશું નથી ગુમાવ્યું. જ્યારે સ્વાસ્થ્ય (તંદુરસ્તી) ગુમાવ્યું ત્યારે કંઈક ગુમાવ્યું છે. પરંતુ જ્યારે ચારિત્ર્ય ગુમાવ્યું ત્યારે સર્વસ્વ ગુમાવ્યું છે.” આ રીતે આપણા જીવનમાં ચારિત્ર્યની સંપૂર્ણ ખુવારી આવી સોશિયલ સાઇટ્‌સ દ્વારા થાય છે.

સોશિયલ સાઇટ્‌સનો વધુ પડતો અસંયમી ઉપયોગ વ્યક્તિને તેનો ગુલામ અને વ્યસની બનાવી દે છે. કદાચ જમ્યા વગર ચાલે પરંતુ આવી સાઇટ્‌સનો ઉપયોગ કર્યા વગર દિવસ પસાર ન કરી શકે. મનોવૈજ્ઞાનિકોએ આ માટે ‘સોશિયલ મીડિયા એન્ઝાઇટી ડિસઓર્ડર’, ‘નાર્સિસ્ટિક ઑબ્ઝેશન’ તથા ‘ફિયર ઑફ મિસિંગ આઉટ’ નામનો રોગ જાહેર કર્યો છે. જેના કારણે વ્યક્તિમાં ડિપ્રેશન, બેચેની, ઘૃણા, ચીડિયાપણું, ગુસ્સો વગેરે જેવા માનસિક રોગો ઊભા થાય છે. ઘર ઘરમાં, સમાજમાં મારઝૂડ, વ્યભિચાર, છૂટાછેડા, ઑનલાઇન ગૅમ્બલિંગ વગેરે અનેક પ્રશ્નોની પરંપરા સર્જાય રહી છે. માનવી લાગણીશૂન્ય બની રહ્યો છે. માનવતાનાં મૂલ્યો, સાંસ્કૃતિક મૂલ્યો તેમજ આધ્યાત્મિક મૂલ્યોનું અધઃપતન થઈ રહ્યું છે.

વર્તમાનકાળે આપણે પોતાની જાતને અને બાળકોને બચાવવા આવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્‌સના ઉપયોગમાં સંપૂર્ણ સંયમ કેળવીએ. ઇન્ટરનેટના અભ્યાસમાં, ધંધા-વ્યવસાયમાં, ટ્રેન-પ્લેનના બુકિંગમાં કે હવામાન જાણવા જેવી જરૂરી બાબતોમાં જ ઉપયોગ કરીએ.

સફળતાના શિખરો સર કરવા માટે વપરાતી ટેક્નોલોજી આપણા જીવનમાં અસફળતાનું કારણ બની ન જાય તેનો ખ્યાલ રાખી જાણપણા સાથે ઉપયોગ કરીએ તેવી વિનંતી.