સત્સંગીના આર્થિક વ્યવહાર -1

  June 19, 2017

 “કુસંગીના ફેલમાં, સત્સંગીના રોટલા.” આ પંક્તિમાં ભગવાનના ભક્તનો ખર્ચ કરવાનો વિવેક તથા ત્રેવડ દર્શાવી છે. ત્યારે સત્સંગી તરીકે બિનજરૂરી ખર્ચા પર વિવેકની રીત આ લેખ દ્વારા શીખીએ.

“આપણે તપાસ કરવો જે હજાર રૂપિયા મળે તેનું શું ફળ છે ? ને લાખ રૂપિયા મળે તેનું શું ફળ
 છે ? કે કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે ? કેમ જે રોટલાથી વધારે ખવાતું નથી, માટે તેનો તપાસ કરવો ને પાછું વળતાં શીખવું.”

- સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીની વાતો : ૧/૩૪

 

અહીં સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ રૂપિયાની પ્રાપ્તિથી મળતા પરિણામ અને તેમાંથી થતા સુખના પરિમાણનો વિચાર કરાવી પાછા વળવાની સમજ આપી છે. આજે બહુધા વ્યક્તિઓ ‘ધન-ઉપાર્જન એ જ જીવનનું પરમ કર્તવ્ય છે’ તેવી ભૂલભરેલી માનીનતામાં ધનપ્રાપ્તિની લાલચમાં જ રાચ્યા કરે છે. ‘લાલચે લપટાય માનવી’ એ ન્યાયે વધુ ને વધુ રૂપિયા મેળવવામાં પોતાનું જીવન પૂરું થઈ જાય છે. પરંતુ થોડો વિચાર કરી પાછા વળવું કે ગમે તેટલા રૂપિયા ભેગા થશે તોપણ રોટલાથી વધારે જમાડી શકાતું નથી અને જે છે તેને પણ જોડે લઈ જવાતું નથી તો કરેલી મહેનત આપણા શા કામમાં આવે ? માટે જે ખરું કરવાનું છે એવું સત્સંગરૂપી મુખ્ય કાર્ય રહી ન જાય તે માટે પાછા વળવું. સ્વનિરીક્ષણ કરી જીવન બદલવાનો સંકલ્પ કરવો.

ગત શ્રેણીમાં સત્સંગી હરિભક્તોએ આર્થિક વ્યવહાર કેવી રીતે કરવા તેમાં મુખ્યત્વે ધન-ઉપાર્જન કેવી રીતે કરવું ? અર્થાત્‌ આવકની બાબતમાં ક્યાં ક્યાં ધ્યાન રાખવું તે વિષે સમજ મેળવી હતી. આ લેખમાં ખર્ચ, બચત અને કરજમાં કઈ બાબતો લક્ષમાં લેવી જોઈએ તે વિષે સમજ મેળવીશું.

ઇચ્છા અને અભરખા એ જરૂરિયાતની જનની છે. જેટલી ઇચ્છાઓ અને મોટા થવાના અભરખા વધતા જાય તેટલા ખર્ચા પણ વધતા જાય છે. વિવેક વિના કરેલા અણધાર્યા ખર્ચાથી જ કરજ વધે છે અને છેવટે જીવન પાયમાલ થઈ જાય છે.

અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રોંક્સ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયના અંતમાં મુલાકાતીઓ બહાર નીકળે તે જગ્યાએ એક ફુલસાઇઝનો અરીસો મૂકવામાં આવ્યો હતો અને તેની ઉપર લખ્યું હતું કે,

“You are looking at one of the most ferocious animal in the world. The only animal that kills its own self because of money.”

 અર્થાત્‌ “તમે દુનિયાના એવા ભયંકર પ્રાણી સામે જોઈ રહ્યા છો કે જે એક જ પ્રાણી પૈસાને ખાતર પોતાની જાતને મારે છે.”

વિચાર્યા વિના ખર્ચા કરી પછી પોતાની જાતને કહેતાં પોતાને અને પોતાની જાતના એટલે કે બીજા મનુષ્યને મારી નાખે તેટલી હદ સુધી મનની વૃત્તિ ફેલાય છે. વધુ પડતા થયેલા ખર્ચા જીવનને પાયમાલ અને દુઃખી દુઃખી કરી દે છે.

કેટલીક વાર ગજા બહારનો ખર્ચ થઈ જાય પછી જો તેના માટે યોગ્ય આવક ન હોય તો દેવામાં ડૂબી જવાય. માટે જેટલો આપણો વેંત હોય તેટલા જ ખર્ચા કરાય.

તેથી જ કહ્યું છે કે,

‘તેંતા પાંવ પસારીએ જીતની લંબી સોડ.’

 અર્થાત્‌ ‘એટલા જ પગ લાંબા કરીએ કે જેટલું ઓઢવાનું હોય...’ નહિ તો માથું ઢાંકતાં પગ ઉઘાડા રહે અને પગ ઢાંકતાં માથું ઉઘાડું રહે. એટલે કે આવકના પ્રમાણમાં જ ખર્ચ કરવો જોઈએ.

ભગવાનના ભક્તે ખર્ચમાં કેવો વિવેક રાખવો ?

જીવનશૈલી સાદી રાખવી :  ૨૧મી સદીમાં બહુધા વ્યક્તિઓ મોંઘવારીની ભીંસમાં સપડાયેલી છે. વૈશ્વિક મંદીના આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ માટે આવકના પ્રમાણમાં ખર્ચનું સમતુલન જાળવવું એ એક પડકારરૂપ બાબત છે. તેમ છતાં તે અશક્ય નથી. જો આપણી જીવનશૈલીમાં સાદગી લાવીએ તો આવક-ખર્ચના તફાવતે બચત કરી શકાય છે. સાદી જીવનશૈલી કેળવવાથી કાંઈ આપણી પ્રતિષ્ઠા કે આબરૂ ખિન્ન થઈ જતી નથી, બલ્કે વધે છે. કારણ સાદગી જ મહાનતાનો શણગાર છે.

દુનિયાભરમાં અગ્રગણ્ય શ્રીમંતોમાં જેમનું સ્થાન છે એવા જેટ વિમાનની કંપનીના માલિક વોરન બફેટ પણ સાદગીભર્યા જીવનનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમની જીવનશૈલી સાવ સાદી અને ભભકારહિત છે. તેઓ જાતે જ પોતાની ગાડી ચલાવે છે. લગ્ન પછી, પ૦ વર્ષ પહેલાં ખરીદેલા એ જ ૩ બેડરૂમના મકાનમાં હજુ તેઓ રહે છે. પોતે વિમાનની કંપનીના માલિક હોવા છતાં ક્યારેય ખાનગી વિમાનમાં એકલા મુસાફરી કરતા નથી. એટલું જ નહિ, આજના અત્યંત આધુનિક યુગમાં તેઓ પોતાનો મોબાઇલ ફોન પણ રાખતા નથી કે પોતાના ટેબલ પર પોતાનું કમ્પ્યૂટર પણ રાખતા નથી. છતાં તેઓ ૫૦ કંપનીના માલિક છે. તેમના સાદગીભર્યા જીવનથી તેમની પ્રતિષ્ઠા ઘટવાને બદલે વધી છે.

જ્યારે સામાન્ય વ્યક્તિના જીવનમાં જુદી પરિસ્થિતિ હોય છે. કોઈ આવકના એવા માધ્યમ ન હોવા છતાં જીવનશૈલી ખૂબ ઊંચી રાખતા હોય છે. ઘણી વાર પહેરવાનાં કપડાં પણ બીજાનાં માગીને પહેર્યાં હોય છતાં મોટા મિનિસ્ટરની જેમ વટ પાડવામાં બેફામ ખર્ચા કરતા હોય છે. બીજા કરતાં હું કંઈક ઊંચો છું તેવું દેખાડવામાં જીવન વપરાશની વસ્તુઓના પણ બેફામ ખર્ચા કરતા હોય છે. બે-પાંચ જોડી કપડાં કે બે જોડ ચંપલથી ચાલતું હોવા છતાં મોંઘાદાટ કપડાંના કે ચંપલના ખર્ચા કરતા હોઈએ છીએ.

મહારાજની દયાથી આર્થિક રીતે સધ્ધરતા હોય તોપણ આપણી જીવનશૈલી સાદી રાખવી. સમાજમાં મોટા દેખાવા માટે જેટલા રૂપિયા હોય તેટલા ખર્ચી ન નાખવા. પ.પૂ. સ્વામીશ્રી ફેબ્રુઆરી ૨૦૧૬માં મુંબઈ વાસી (નવી મુંબઈ) ખાતે વિચરણમાં પધાર્યા હતા. એ વખતે આપણા એક હરિભક્ત મુંબઈના શહેરી વિકાસ મંડળ ‘સિડકો’ના ચેરમેનશ્રીને દર્શન કરવા લાવ્યા હતા. તેઓ સિડકોના ચેરમેન જેવી ઉચ્ચ પોસ્ટ પર હોવા છતાં તેમની જીવનશૈલી ખૂબ સાદી હતી. પ.પૂ. સ્વામીશ્રી સાથે તેમણે વાત કરતાં કહ્યું કે, “સ્વામીજી, જો સાદી અને સસ્તી વસ્તુથી કામ ચાલી જતું હોય તો શા માટે મોટા ખર્ચા કરવા ? હું પણ મારા દીકરાને આ સમજાવું છું કે જીવનશૈલી સાદી રાખવી.” આગળ વાત કરતાં કહ્યું કે, “સ્વામીજી, મારો દીકરો ૮૦,૦૦,૦૦૦ રૂપિયાની ગાડી વાપરે છે જ્યારે મારે ૩,૦૦,૦૦૦ રૂપિયાની ગાડીથી ચાલે છે. છતાંય અમારે બંનેને ઑફિસ પહોંચતા સરખો જ સમય લાગે છે. મારો દીકરો ૮,૦૦,૦૦૦ રૂપિયાનું ઘડિયાળ પહેરે છે; મારે ૮૦૦ રૂપિયાના ઘડિયાળથી ચાલે છે છતાં બંને ટાઇમ તો સરખો જ બતાવે છે. મારા જીવનની બધી જ જીવનશૈલી મેં સાદી રાખી છે.” ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “તમે આટલી મોટી પોસ્ટ ઉપરના મોટા વ્યક્તિ ગણાવ છતાં આવી જીવનશૈલીથી ચાલે છે ?” ત્યારે તેઓએ કહ્યું, “સ્વામીજી, બધા મને મોટો માને છે પરંતુ હું તો મારી જાતને નાનો જ માનું છું એટલે મને કોઈ તકલીફ પણ નથી પડતી અને શરમ પણ નથી આવતી.” માટે આપણી પાસે ગમે તેટલા પૈસા હોય કે ન હોય તોપણ આપણી જીવનશૈલી સાદી જ રાખવી જોઈએ. ખોટો ભભકો કે દેખાડો ન કરવો જોઈએ.

સ્વામિનારાયણ ભગવાન અવરભાવમાં મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપતા હતા ત્યારે પોતે અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ હોવા છતાં સાદી જીવનશૈલીમાં જ રહ્યા છે. હંમેશાં સાદાં વસ્ત્રો, સાદું ભોજન, સાદા ઉતારા જ પસંદ કર્યાં છે. કોઈ રજોગુણી વસ્ત્રો આપે તોપણ મહારાજ બીજાને આપી દેતા... તો આપણા બાપમાંથી સાદી જીવનશૈલીની પ્રેરણા લઈએ.

એટલે જ કહ્યું છે કે, Live your life as simple as you can.’

અર્થાત્‌ ‘તમારાથી શક્ય હોય તેટલું સાદું જીવન જીવો.’

આ મુદ્દાઓને સ્વજીવન સાથે સરખાવી આપણામાં રહેલી કસરોને દૂર કરીએ ને કરકસરે યુક્ત આદર્શ જીવન જીવવા કટ્ટીબદ્ધ થઈએ.