સત્સંગીના આર્થિક વ્યવહાર -3

  July 5, 2017

મોજશોખના ખર્ચમાં કાપ મૂકવો : દિવાળી કે ઉનાળુ વૅકેશન હોય અથવા એકસાથે ૪-૫ રજા આવી હોય તેવા દિવસોમાં પ્રવાસ કે અન્ય હરવા-ફરવા કે હવા ખાવાનાં સ્થળોએ જવું જ પડે આવી માનીનતામાંથી બહાર આવીએ કારણ કે તેમાં ભાડાના, જમવાના, ટિકિટના ખૂબ મોટા ખર્ચા થતા હોય છે તથા કેટલાક કુસંસ્કારો જીવનમાં પેસી જતા હોય છે. સરકસ, નાટક અને મેળા જેવા મનોરંજનનાં કે મોજશોખનાં સ્થળોએ જવાનું સદંતર ટાળવું. તેનાથી ઇન્દ્રિયોની ધારાઓ સજાય છે અને મન, બુદ્ધિ, ચિત્ત, પૈસા બધું બગડે છે. ઇન્ટરનેટ પણ અભ્યાસ, ધંધા, વ્યવસાયમાં જરૂર હોય તે પૂરતું જ અને તેટલા જ સમય માટે વાપરીએ. સોસિયલ વેબસાઇટ્‌સ (Social Websites) વાપરવામાં પણ સંયમ રાખવો જોઈએ.

 મહેમાનગતિમાં સાદગી રાખવી : ભારતીય સંસ્કૃતિમાં મહેમાનોનું મહત્ત્વ ઘણું છે. મહેમાનોની આગતા-સ્વાગતા જરૂર કરવી. પરંતુ દેશકાળને અનુસરી આપણી પરિસ્થિતિ પ્રમાણે મહેમાનગતિ કરાવવી. મહેમાન જોઈને ગાંડા અને ઘેલા ન થઈ જવું. મોંઘા મોંઘા બદામ, કાજુના શાક કે જમવામાં ૧૦-૧૫ આઇટમો ન બનાવવી. ઓછો ખર્ચ થાય તેવું જોવું. વેવાઈ હોય કે જમાઈ પરંતુ અત્યારે બધા મંદીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તે બધું જાણે જ છે. તો ૩-૪ આઇટમો જ જરૂર પૂરતી બનાવવી. મીઠાઈથી મીઠા કરવા કરતાં વાણીથી મીઠાશ ભરીએ, સૌની સાથે વ્યવહારુ વર્તન રાખી અને રાજી રાખીએ પણ મહેમાનગતિમાં બે છેડા ભેગા ન થાય તેવા ખોટા ખર્ચા ન કરીએ.

 બાળકોના ખોટા ખર્ચમાં પણ કાપ મૂકવો : બાળકોને સ્કૂલે જવા માટે સ્કૂલ બસ અને રિક્ષા ઘરની નજીકમાં આવતી હોય તો ગાડી કે સ્કૂટીનું પેટ્રોલ બાળી, મૂકવા અને લેવા જવાનો દુરાગ્રહ ન રાખવો. અત્યારથી જ બાળકોને ‘આ વસ્તુ વગર મારે નહિ જ ચાલે’ આ માનસિક વલણથી દૂર રાખવા અને પ્રેમથી સમજાવવા. મોજશોખ અને રમકડાં તથા રમતગમતનાં સંસાધનો જરૂર પૂરતાં લાવવાં. રૂમ ભરાય એટલાં રમકડાં ન લાવવાં કારણ કે તે બે વર્ષ પછી તો કાંઈ કામમાં આવવાનાં નથી... તો એવા ખોટા ખર્ચા ન કરવા. મોંઘાં મોંઘાં કપડાં, નાસ્તા, સ્ટેશનરી તે બાળકોની જીદે પણ ન લાવતાં તેમને સમજાવવું અને સાદી જીવનશૈલીથી રહેતા શીખવવું.

આપણે જગતના જીવો જેવા ફેલફતૂર ન કરવા કે તેવા પ્રસંગો ન કરવા. કુસંગીની જેમ ઠંડાં પીણાં કે અન્ય વસ્તુના ખોટા ખર્ચ ન કરવા. કારણ, ‘કુસંગીના ફેલમાં, સત્સંગીના રોટલા.’ કુસંગીઓ જે વ્યસનોમાં કે અન્ય બિનજરૂરી ખર્ચા કરે છે તેટલી રકમમાં તો સત્સંગીના રોટલા નીકળી જાય. માટે જોઈ-વિચારી સમજણપૂર્વક આવક-જાવક સામે દૃષ્ટિ રાખી ખર્ચા કરવા અને આપણી બાળ-યુવા પેઢીને પણ તે શીખવવું.

 

 

યોગ્ય રીતે બચત કરીએ :

કોઈ પણ બાબતમાં પ્લાનિંગથી આગળ વધાય તો જરૂર બચત થાય. ચાહે તે સમયની બાબત હોય કે પૈસાની. આપણી સંસ્થાના એક હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીને મીઠાખળી ચંદુભાઈ મારવાડીને ત્યાં પધરામણી માટે લઈ ગયા. ચંદુભાઈ લાખોના આસામી હોવા છતાં ભાડાના ઘરમાં રહે. પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું તો તે કહે, “મારું મકાન મોટું છે. મને કોઈ તકલીફ નથી. દર મહિને ૬૦,૦૦૦ રૂપિયા ભાડું ભરું છું અને જો આ જ ઘરનું ઘર કરું તો આ મકાનના પૈસાનું ૫,૦૦,૦૦૦નું વ્યાજ થાય. તેના કરતાં ભાડે રહેવું શું ખોટું ? એટલા પૈસા વ્યાજે ધીરીશ તોપણ કેટલાય આવશે.” પ.પૂ. સ્વામીશ્રીએ જોડે રહેલા હરિભક્તોને શીખવ્યું કે, “આમના જીવનમાંથી શીખો. તેમની પાસે ઘણુંબધું છે છતાં દેખાડતા નથી.” પછી ગાડીમાં બેઠા ત્યારે વાત કરી કે, “આવે એટલા રૂપિયા ઉડાડી ન મારવા; થોડું થોડું ભેગું કરી તેની ભવિષ્ય માટે બચત કરવી. બચત કરેલા પૈસાનું પ્લાનિંગ કરી વીમા, ફિક્સ ડિપૉઝિટ, રિકેરિંગ યોજના વગેરેમાં બચત કરવી જે આપણા જીવનમાં ભવિષ્યમાં આવતાં સુખ-દુઃખના સમયમાં ટેકારૂપ બની શકે.”

ભવિષ્યમાં આવનાર નિર્ધારિત ખર્ચા અંગે વિચાર કરી સમયાંતરે બચત કરતા રહેવું. જેથી ‘ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાતી જાય.’ રોજબરોજનો વ્યવહાર ખૂબ ઠાવકાઈથી કરવો. રોજિંદી અથવા જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે મૉલ, પ્રદર્શન કે સેલમાં ખરીદી કરવા જઈએ ત્યારે આકર્ષક પૅકિંગની જાળમાં ફસાઈ જરૂર કરતાં વધારે વસ્તુની ખરીદી ન કરવી. ઘરેથી યાદી (લિસ્ટ) બનાવી નક્કી કરીને જ જવું.

એક પરિવારના સભ્યો મૉલમાં ગયા હતા. કોઈ ખરીદી કરવાની જરૂર ન હતી છતાંય તેઓ મૉલમાંથી બહાર નીકળ્યા ત્યારે ૧૦,૦૦૦ રૂપિયાની વસ્તુ ખરીદી હતી. તેમણે ઘરે આવીને વિચાર્યું કે આમાંથી કેટલી વસ્તુ જરૂરી હતી ? તો એક પણ નહીં. જો મૉલમાં ન ગયા હોત તો ૧૦,૦૦૦ રૂપિયા બચી જાત. માટે નજીવા રૂપિયાનો જ ફેર પડતો હોય તો નજીકની દુકાનમાંથી ખરીદી કરવી વધુ હિતાવહ છે.

આવી રીતે થતા ખોટા ખર્ચા પર અંકુશ મૂકીને પણ બચત કરવાની ટેવ પાડીએ. કોઈ જગ્યાએ ફ્લૅટ-જમીનમાં રોકાણ કરવું જોઈએ જેથી જરૂરી સમયે વેચી શકાય. જ્યારે આવક હોય ત્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી બચત કરવી; નહિતર ‘હોય ત્યારે તાનામાના અને ના હોય તો છાનામાના.’ એટલે કે હોય ત્યારે ઉડાડો અને ના હોય ત્યારે છાનામાના બોલ્યા વગર બેસી રહો એવી પરિસ્થિતિ થાય.

આવી રીતે થતા ખોટા ખર્ચ પર અંકુશ મૂકી યોગ્ય બચત દ્વારા આપણું તથા આગામી પેઢીનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવીએ.