સાત્ત્વિક્તા-2

  January 5, 2018

આપણા રોજબરોજના જીવનમાં આપણે કઈ કઈ બાબતમાં સાત્ત્વિક્તા કેળવવાની છે તે આવો નિહાળીએ…

આપણા જીવનની સાત્ત્વિકતા કેટલાંક મુખ્ય પરિબળો ઉપર આધારિત છે. જેમ કે,

(૧) આહાર-વિહાર :

આહાર એટલે ઉદરપોષણ માટે જે કાંઈ જમાડીએ તે. દેહને ટકાવી રાખવા માટે આહાર અનિવાર્ય છે. પરંતુ આહારનો વિવેક સમજવો એ ફરજિયાત છે. આપણે જે કાંઈ ખોરાક લઈએ છીએ તેમાં રાજસી, તામસી અને સાત્ત્વિક ત્રણેયનું મિશ્રણ રહેલું છે. છતાંય તે ત્રણેય પ્રકારના ખોરાકની જુદી જુદી અસર આપણાં શરીર અને મન ઉપર થતી હોય છે. શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૧૮મા વચનામૃતમાં કહ્યું છે કે, “જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે.”

કાળાંતરે બદલાતાં સ્વભાવ-પ્રકૃતિ અને વધતા રાગો અને દોષોનું મહત્ત્વનું કારણ આહાર છે. વૈશ્વિક ક્રાંતિની સાથે સાથે માનવીના રોજબરોજના આહારમાં પણ સમૂળગું પરિવર્તન થઈ રહ્યું છે. વસ્તુ બનાવવાની પદ્ધતિ, જમવાની પદ્ધતિ બદલાતાં આજનાં જીવન પણ બદલાઈ રહ્યાં છે. આજે મોટાભાગના લોકોને રાજસી અને તામસી ખોરાકમાં જ વધુ પ્રીતિ અને રુચિ રહેતી હોય છે.

તીખું, તળેલું, વઘારેલું, તુંગારેલું, વધુ પડતા તેલવાળું અને ચટાકેદાર, વધુ પડતા તેજાના અને ગરમ મસાલાવાળો ખોરાક તેમજ બિનશાકાહારી ખોરાક એ રાજસી ખોરાક છે. આ રાજસી ખોરાક આપણાં ઇન્દ્રિય-અંતઃકરણને ભ્રષ્ટ કરે છે. કામ, ક્રોધાદિક અનેક દોષોનો ઉપદ્રવ વધારે છે. ઈર્ષ્યા-વેરઝેર અને પૂર્વાગ્રહની ગાંઠોને વધુ સબળ બનાવે છે. મન અને વિચારોને વિષયની કોરે બહેકાવે છે.

રજોગુણી આહારથી માત્ર જીભના સ્વાદની પુષ્ટિ થાય છે. પરંતુ આંતરિક રીતે તે વ્યક્તિને સત્ત્વહીન અને સદ્‌ગુણ રહિત કરી દે છે. ભજન-ભક્તિનાં જે કંઈ સાધન કર્યાં હોય તેને નષ્ટ કરી નાખે છે. એટલે જ રજોગુણી વાતાવરણ અને આહારની ભયંકરતા સમજાવતાં સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોને કહેતા કે, “એક વાર લગ્નમાં જાય તો તેનો છ મહિનાનો કરેલો સત્સંગ સાફ થઈ જાય.”

આજના આધુનિક યુગના ફાસ્ટફૂડ, ઠંડાં પીણાં, આઇસ્ક્રીમ, ચૉકલેટ તેમજ આલ્કોહૉલિક પદાર્થો, લસણ, ડુંગળી, તમાકુ તેમજ અન્ય કેફી પદાર્થો બધા તામસી આહાર છે. જે શરીરમાં જતાં તામસી પ્રકૃતિ કહેતાં વધુ પડતા ગુસ્સાનો ઉદ્‌ભવ કરે છે. વધુ પડતા તામસી આહારમાંથી અનેક વ્યસનોનો ઉદ્‌ભવ થાય છે. જીવનનો કીમતી સમય ઊંઘ અને વ્યસનોની પાછળ ખર્ચાઈ જાય છે. તામસી આહારની શરીર અને મન ઉપર વિકૃત અસરો થાય છે. જીવન સ્વાર્થી અને વ્યસની બને છે. ચીડિયાપણું, ક્રોધ અને અતિશયોક્તિને કારણે પારસ્પરિક સંબંધો વણસે છે, કુસંપ સર્જાય છે અને ઝઘડાખોર વૃત્તિઓ થતી જાય છે. ડિપ્રેશન, કૅન્સર, ડાયાબિટીસ તથા સાંધાના દુઃખાવા જેવા અનેક રોગોનો જન્મ થાય છે. આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ તરફ પ્રગતિ કરવાના કોઈ વિચારો આવતા નથી. જીવનમાં દરેક ક્ષેત્રે અધોગતિ અને પડતી થાય છે. વિચારો દિશાહીનને કારણે જીવનમાં ક્યાંય સફળતા મળતી નથી. નેગેટિવિટીમાં વધારો થાય છે અને નક્કી કરેલ લક્ષ્ય સુધી પહોંચી શકાતું નથી.

રાજસી અને તામસી આહારથી ઇન્દ્રિયો અને અંતઃકરણની ધારા વધુ સતેજ બને છે. એટલે જ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં ૧૮૯મા શ્લોકમાં પોતાના આશ્રિતમાત્રને આજ્ઞા કરી છે કે, “सर्वेन्द्रियाणि जेयानि रसना तु विशेषतः ।” અર્થાત્‌ “સર્વે ઇન્દ્રિયોને જીતવી જેમાં વિશેષ કરીને રસના ઇન્દ્રિયને જીતવી.” કારણ કે એક રસના ઇન્દ્રિય જિતાય તો સર્વે ઇન્દ્રિયો જિતાય અને જો ન જીતે તો જીવન અસંયમી બને છે. શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૩૮મા વચનામૃતમાં પણ કહ્યું છે કે, “એ છો વાનાં જેને હોય તેને કોઈ દિવસ જીવતે કે મરીને પણ સુખ તો ક્યારે થાય જ નહીં.” તેમાં એક રસાસ્વાદને કહ્યો છે. તથા ગઢડા મધ્યના ૩૩મા વચનામૃતમાં પણ શ્રીજીમહારાજે નિષ્કામી વર્તમાન દૃઢ કરવાના ઉપાયમાં કહ્યું છે કે, “આહાર-વિહારે યુક્ત રાખવો પણ અતિશે ખાધાની લોલુપતા ન રાખવી. એવી રીતે વર્તે ત્યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની મનમાં બહુ તૃષ્ણા રહે પછી અનંત પ્રકારના જે રસ તેને વિષે રસના ઇન્દ્રિય છે તે દોડતી ફરે છે. ત્યારે બીજી ઇન્દ્રિયો વશ કરી હોય તે પણ મોકળી થઈ જાય છે માટે આહારને નિયમમાં રાખી પ્રાણને નિયમમાં કરવો.”

સર્વે ઇન્દ્રિયોનો સંયમ કરવા માટે મૂળ આધાર સાત્ત્વિક આહાર પર છે. રજોગુણી અને તમોગુણી આહારનો ત્યાગ કરી જેટલી સાત્ત્વિકતા રહે એટલો જ ઇન્દ્રિયોનો સંયમ રહે. આમ, આહારની સાત્ત્વિકતા જ આધ્યાત્મિક અને વ્યવહારિક માર્ગે પ્રગતિ કરાવે છે.

તાજાં ફ્રૂટ, શાકભાજી, દૂધ, બાફેલો ખોરાક, ઓછા મસાલાવાળી બનાવટો વગેરે સાત્ત્વિક આહારમાં આવે. સાત્ત્વિક આહારથી મન અને ચિત્ત પ્રફુલ્લિત અને આનંદમાં રહે છે. સ્વભાવમાં દયા, પ્રેમ, સહાનુભૂતિ, વિવેક, લાગણી જન્મે છે. ગમે તેવા સંજોગ-પરિસ્થિતિમાં માનસિક સમતુલા જાળવી શકાય છે. ઇન્દ્રિયો-અંતઃકરણના ભાવ શમી જાય છે. મનની ચંચળતા ટળે અને અંતરમાં શાંતિ વર્તે છે. બુદ્ધિ નિર્મળ બને તેથી સાત્ત્વિક અને હકારાત્મક વિચારો આવે છે. ધ્યાન-ભજનમાં પાટો ગોઠે અને મૂર્તિમાં પ્રીતિ થાય છે,  મૂર્તિમાં સ્થિર થવાય છે. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં કૃપાવાક્યમાં કહ્યું છે કે, “જેનું ભોજન સમૃદ્ધ તેનું ભજન  સાદું અને જેનું ભોજન સાદું તેનું ભજન સમૃદ્ધ. સારું સારું જમવાનું, પહેરવાનું ગમવું ન જોઈએ. ભગવાનના ભક્તનું જીવન સાત્ત્વિક હોય.”

સાત્ત્વિક આહારથી અનાદિકાળથી દૃઢ થતો આવેલો અહંકાર ઘટે છે અને નિર્માનીપણું આવે છે. સંયમી જીવનથી બ્રહ્મચર્યની દૃઢતા થાય છે. સાત્ત્વિક આહારથી જીવનના હરએક ક્ષેત્રમાં સફળતા મળે છે. ચાહે પછી તે શારીરિક, માનસિક, આધ્યાત્મિક કે વ્યવહારિક કોઈ પણ હોય. એટલે કે જીવનમાં સર્વાંગ સુખી રહેવા માટે આપણા જીવનમાં સાત્ત્વિકતા ફરજિયાત જોઈએ જ.

શ્રીજીમહારાજ અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ રાજાધિરાજ હોવા છતાં અવરભાવમાં સાત્ત્વિક આહાર જ ગ્રહણ કરતા. ગામોગામ વિચરણ કરતા ત્યારે જે મળે તે જમાડવામાં ગ્રહણ કરતા. ક્યારેક તો શ્રીજીમહારાજ રોટલો ને મીઠું જમાડતા. સંતો મીઠાઈ કે ફરસાણ જમાડવાનો અતિ આગ્રહ કરતા તો લગારેક જમાડી તેને રાજી કરતા. પણ વિશેષ રજોગુણી વસ્તુ જમાડવાની રુચિ દર્શાવતા નહીં.

જીવનપ્રાણ બાપાશ્રી પણ સવારે બાજરીનો રોટલો, ગુવાર કે રાતડિયાનું શાક ચોળીને જમાડતા અને સાંજે મઠની ખીચડી અને તેમાં મેળ લેવા બાજરાનો લોટ નાખતા. સંતો-હરિભક્તો બાપાશ્રીને ગળ્યું-ચીકણું કે અન્ય જમાડવાનો આગ્રહ કરતા ત્યારે ‘મને ઠીક નથી કે અનુકૂળ નથી’ એમ કહી ટાળી દેતા, પણ ગ્રહણ કરતા નહિ અને સંતો-હરિભક્તોને પણ રસાસ્વાદ ટાળવાનો ઉપદેશ કરતા.

વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ. બાપજીનું જીવન એટલે સાદગીનો ભંડાર. ગુરુવર્ય પ.પૂ. બાપજી ક્યારેય ગળ્યું-ચીકણું જમાડતા નથી. પૂ. સંતો અતિ આગ્રહ કરે છતાંય ગ્રહણ ન કરે પછી ક્યારેક સંતો પણ ન જમાડે તો તેમને જમાડવા માટે થઈ લગારેક ગ્રહણ કરે. અનેક સિદ્ધિઓના ચારેબાજુથી ઢગલા થતા હોવા છતાં અલ્પ પણ ગ્રહણ ન કરે. એ જ એમની દિવ્યતા છે. વળી આ અંગે તેઓ કાયમ કહેતા હોય છે કે, “ઠાકોરજીને થાળ ધરાવવાના બહાને પણ આપણી લૂલીને સ્વાદ ન કરાવવો. આપણને તો મહારાજે મુક્ત કરી મૂર્તિમાં રાખ્યા છે તો એક મૂર્તિ સિવાય બીજો કોઈ સ્વાદ ન ગમવો જોઈએ.”

પ.પૂ. સ્વામીશ્રીનું દિવ્યજીવન સાધુતાના શણગારથી શોભે છે. પ.પૂ. સ્વામીશ્રી કહે, “અમે કોઈ દિવસ દાંતથી ચાવીને રસપૂર્વક જમાડ્યું નથી. પત્તરમાં જે કાંઈ આવે તેમાં ભેગું કરી પાણી નાંખી મહારાજને જમાડવાનું. તેમાં વળી કયો સ્વાદ ?”

મહારાજ અને મોટાપુરુષોના જીવન પરથી આપણને સાત્ત્વિક આહારની પ્રેરણા મળે છે ત્યારે આપણા જીવનમાં સાત્ત્વિક આહાર કરવા આટલું દૃઢ કરીએ :

•   બજારુ તેમજ હોટલની ખાણી-પીણીનો સદંતર ત્યાગ કરીએ.

•   ઘરમાં પણ મસાલેદાર, ચટાકેદાર, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વગેરે તેમજ વાનગીઓનો પણ નછૂટકે જ ઉપભોગ કરીએ.

•   ક્રિયાશુદ્ધિએ યુક્ત રસોઈ બનાવી મહારાજને થાળ ધરાવીને જ જમાડવું.

•   ઉદર ઠસોઠસ ભરીને (ભરપેટ) ન જમાડવું. દેહની ભૂખ કરતાં થોડું ઓછું જમાડવું. બે ભાગ અનાજ, એક ભાગ પાણી અને એક ભાગ ખાલી રાખવો. જીવવા માટે જમવું પણ જમવા માટે ન જીવવું.

•   રાજસી તથા તામસી આહારનો ત્યાગ કરી સાત્ત્વિક આહારની ટેવ પાડીએ. વળી, મન પર સંયમ કેળવવો અને સાત્ત્વિક આહારના નિયમ લેવા.

•   મહારાજ અને મોટાપુરુષના રાજીપા સામું નજર રાખીને ચાલવું.

આહારમાં સાત્ત્વિકતાની સાથે આપણા વિહારમાં એટલે કે હરવા-ફરવામાં, નવું નવું જોવા-જાણવામાં જિજ્ઞાસાવૃત્તિ ઓછી રાખવી. આપણા મોજશોખ અને બહાર હરવા-ફરવાના પણ અભરખાને ઓછા કરવા.

મહારાજ અને મોટાપુરુષોના આગ્રહોને સ્વજીવનમાં ચરિતાર્થ કરી સાત્ત્વિક્તા તરફ ડગ માંડીએ તેવી અભ્યર્થના.