સિદ્ધાંતોમાં ખુમારી

  March 3, 2017

શ્રીજીમહારાજના પ્રાગટ્યના છ હેતુમાંનો મુખ્ય હેતુ હતો – અનંતાનંત અવતારો અને અવતારોના ભક્તોને પોતાના સર્વોપરી સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ કરાવી અનાદિમુક્તની સ્થિતિ કરાવવી. જે કારણ સત્સંગનો અર્થાત્ એસ.એમ.વી.એસ.નો મુખ્ય સિદ્ધાંત બની રહ્યો છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એસ.અમ.વી.એસ.નું સ્થાપન પણ આ સિદ્ધાંતને વિશ્વવ્યાપી કરવા માટે જ કર્યું છે અને એ માટેની જ નેમ લઈ રાત્રિ-દિવસ વણથંભ્યા મંડ્યા રહ્યા છે.

એક દિવસ કોઈ હરિભક્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો કે, “બાપજી ! અમે આપની પાસે જ્યારે જ્યારે સમાગમનો લાભ લઈએ છીએ ત્યારે કથાવાર્તામાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના અને નિષ્ઠાની જ વાત આવે છે. નિયમની-વર્તમાનની મનુષ્યજન્મની કંઈ પણ વાત કરતા હોય પરંતુ નિષ્ઠા-ઉપાસનાની વાત તો આવે, આવે અને આવે જ. જ્યારે અમે અન્ય બીજે વક્તાઓની કથા સાંભળીએ તો તેમાં પરોક્ષનાં શાસ્ત્રોમાંથી જ વાતો થતી હોય છે. તો તેનું કારણ શું ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી જે શ્રીજીમહારાજની નિષ્ઠા-ખુમારીથી ખમીરવંતું સ્વરૂપ છે તે ખીલ્યા વગર રહી શકે ખરા ? તરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજી ખુમારીપૂર્વક બોલ્યા કે, “પણ મને તો શ્રીજીમહારાજે સર્વોપરી ઉપાસનાની વાતો કરવાનો પરવાનો લઈને મોકલ્યો છે. સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિ પ્રવર્તાવવાની સેવા મહારાજે અમને સોંપી છે. અમારા જીવનમાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની જ નિષ્ઠા છે. ‘નિષ્ઠા એક નાથની બીજું નવ જોઈએ.’- તો પછી બીજી વાત અમે કેમ કરીએ ? એક મૂળો ખાધો હોય તોપણ ઓડકાર મૂળાના જ આવે તો અમારા રૂંવાડે રૂંવાડે મહારાજની સર્વોપરી નિષ્ઠા-સિદ્ધાંતો વણાઈ ગયાં છે તો અમારી વાતમાં મહારાજ સિવાય અન્ય અવતારની વાત આવે જ ક્યાંથી ?”

સર્વોપરી ઉપાસના-નિષ્ઠાની વાત કરવાની આવે તો તરત ગુરુવર્ય પ.પૂ. બાપજીનો રજમો જ બદલાઈ જાય. ખુમારી ખીલી ઊઠે અને પાવર વધી જાય. ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં આવાં ખુમારીભર્યાં દર્શન અને વાણી સાંભળતાં હરિભક્ત તો ગુરુવર્ય પ.પૂ. બાપજીના પરભાવના વ્યક્તિત્વમાં ખોવાઈ ગયા અને બોલી ઊઠ્યા કે, “ખરેખર ગુરુવર્ય પ.પૂ. બાપજીની સિદ્ધાંત માટેની ખુમારી અડગ છે !!!” માત્ર હેતવાળા સંતો-હરિભક્તો જ નહિ; અન્ય જે કોઈ જુએ તેને પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સિદ્ધાંતની ખુમારીનું નૂર સ્પર્શી જતું.

ઈ.સ. 1985ની સાલમાં વાસણા મંદિરનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સંકલ્પ હતો કે શિખરબદ્ધ મંદિરમાં મધ્યખંડને વિષે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવી. સંસ્થા ઘણી આર્થિક ભીસમાંથી પસાર થઈ રહી હતી. આ દરમ્યાન એક હરિભક્ત આવ્યા અને ગુરુવર્ય પ.પૂ. બાપજીને કહ્યું કે, “જો સ્વામી ! આપ મધ્યખંડને વિષે હું કહું તે પરોક્ષની મૂર્તિ પધરાવો તો 51,000 રૂપિયાની સેવા કરું. નાણાંની કટોકટી વચ્ચે 51,000 રૂપિયાની ઑફર ઘણી લલચામણી હતી છતાંય ‘સિદ્ધાંતમાં સમાધાન નહિ અને નિયમ-ધર્મમાં છૂટછાટ નહીં.’ આ જીવનસૂત્રને અનુસરનારા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તત્કાળ જવાબ આપી દીધો કે, “તમે 51 હજાર નહિ 51 કરોડની સેવા કરો તોપણ મધ્યખંડમાં કે મંદિરમાં અન્ય કોઈ જગ્યાએ પણ પરોક્ષ અવતારોની મૂર્તિઓ પધરાવવામાં આવશે નહીં...! આ મંદિરમાં તો સ્વામિનારાયણ ભગવાન અને તેમના મુક્તો જ બિરાજમાન થશે અને રૂપિયા તો મહારાજ પૂરા પાડશે પણ રૂપિયા માટે અમે સિદ્ધાંતમાં સમાધાન નથી કરતા.” ગુરુવર્ય પ.પૂ. બાપજીની આવી નિષ્ઠાની ખુમારી ભર્યો જવાબ સાંભળી ક્ષણભર અવાચક્ થઈ ગયા. પોતે ગળગળા થઈ ઝૂકી પડ્યા અને કહ્યું, મેં હજુ સંપ્રદાયમાં આપના જેવા અડગ નિષ્ઠાવાન અને સિદ્ધાંતવાદી પુરુષ ક્યાંય જોયા નથી. આપના જેવા સિદ્ધાંતવાદી દિવ્યપુરુષના રજમાથી આ સ્વામિનારાયણ સંપ્રદાય ઝળહળી રહ્યો છે.” એટલું કહી તે હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીની નિષ્ઠાની ખુમારીને વંદી રહ્યા...