સુખ-દુઃખનું મૂળ - દૃષ્ટિકોણ-૧

  September 5, 2016

એક વખત ચાર સુરદાસ જંગલમાંથી પસાર થતા હતા. તેમને જંગલમાં અજાણતાં એક વિશાળકાય હાથીનો ભેટો થયો. એક સુરદાસે તેના કાન ઝાલ્યા ને સ્પર્શ કરતાં કોઈને પૂછ્યું કે, “ભાઈ, આ શું છે ?” ત્યારે મહાવતે કહ્યું, “આ હાથી છે.” બીજા સુરદાસે હાથીની સૂંઢ પકડી, ત્રીજા સુરદાસે હાથીનો પગ પકડ્યો અને ચોથા સુરદાસે હાથીનો કાન પકડ્યો હતો તેમણે હાથીને સૂપડા જેવો વર્ણવ્યો, પગ પકડ્યો હતો તેમણે થાંભલા જેવો વર્ણવ્યો, સૂંઢ પકડી હતી તેમણે જાડા રાંઢવા જેવો અને પૂછડી પકડી હતી તેમમે પાતળી દોરડી જેવો વર્ણવ્યો. હાથી તો જેવો હતો તેવો તેવો જ હતો પરંતુ ચારેયે વર્ણન જુદું જુદું કર્યું. તેનું કારણ ચારેયના દૃષ્ટિકોણ જુદા હતા. વ્યક્તિ બદલાતાં જે-તે વસ્તુ, વ્યક્તિ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાતો હોય છે.

દૃષ્ટિકોણ એટલે વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિ કે વાતાવરણ પ્રત્યેનો અભિગમ કે વલણ. દૃષ્ટિકોણ એ આપણા માનસમાં ઉદ્ભવતા વિચારોની ઊપજ છે જે દેખી શકાતો નથી પરંતુ રોજિંદા જીવનમાં વાણી, વર્તને કરીને છતો હોય થતો હોય છે, તેના આઘાત-પ્રત્યાઘાત અનુભવાતા હોય છે.

જીવનમાં સફળતા-નિષ્ફળતા મળવાનું એક કારણ આપણો દૃષ્ટિકોણ પણ હોય છે. જેમ ઇમારત જેટલી મોટી હોય તેમ તેનો પાયો તેટલો જ મજબૂત હોવો જોઈએ. તેમ આપણે કોઈ પણ ક્ષેત્રે સફળ થવા માટે સફળ અને મજબૂત પાયાની અત્યંત આવશ્યકતા છે. આ પાયો એટલે જ આપણો દૃષ્ટિકોણ.

આપણે જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં કાર્યની શરૂઆત કરીએ કે સફળતા મેળવીએ ત્યારે તેમાં 85% હિસ્સો આપણા દૃષ્ટિકોણનો અને 15% હિસ્સો આપણી હોશિયારી કે સામાન્ય જ્ઞાનનો હોય છે. એટલે કે કોઈ પણ કાર્યને સફળ કરવા માટે દૃષ્ટિકોણ અગત્યનો ભાગ ભજવે છે. પસંદ કરેલું ક્ષેત્ર ગમે તે હોય પણ સફળતાનો પાયો બહુધા આપણા દૃષ્ટિકોણ ઉપર છે.

સંસાર એટલે સમૂહજીવન. સમૂહજીવનમાં રહેલ દરેક સભ્ય પોતાના સંપર્કમાં આવતાં વ્યક્તિ-વાતાવરણ-વસ્તુ પ્રત્યે માનસિક ગ્રંથિ બાંધવા ટેવાયેલો હોય છે. વ્યક્તિના માનસમાં બંધાતી આ ગ્રંથિને દૃષ્ટિકોણ કહેવાય. વ્યક્તિ પોતાના યોગમાં આવનાર વ્યક્તિ-વસ્તુ-વાતાવરણને પોતાના દૃષ્ટિકોણ અનુસાર મુલવતી હોય છે. કોઈ પણ વ્યક્તિને પહેલી નજરે જુએ તો તરત જ તેમની માટે સારા-નરસાપણાના વિચાર-વિમર્શ ચાલુ થઈ જાય. ભલે તેમની સાથે કોઈ જ વ્યવહાર ન થાય પણ આપણા માનસરૂપી કમ્પ્યૂટરમાં તેમની મુલવણીની માપદંડ રેખા ઝબકવા માંડે છે. જો પોતાના સ્વભાવ, અંગ, ગમતા ને માનીનતા પ્રમાણે થતું જુએ તો હકારાત્મક મુલવણી કરે ને પોતાના બીબાથી વિરુધ્ધ થતું જુએ નકારાત્મક મુલવણી કરે છે. આ મુલવણી જ સુખ-દુઃખની પરિસ્થિતિ જન્માવે છે.

સામાન્ય રીતે દૃષ્ટિકોણ બે પ્રકાર હોય છે : હકારાત્મક દૃષ્ટિકોણ અને નકારાત્મક દૃષ્ટિકોણ. દૃષ્ટિકોણના આધારે જ વ્યક્તિના જીવનની વિકાસયાત્રામાં ચઢાવ-ઉતાર આવતો હોય છે. હકારાત્મક દૃષ્ટિકોણ એ ઉન્નતિની નિશાની છે જ્યારે નકારાત્મક દૃષ્ટિકોણ એ અધોગતિની નિશાની છે. હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાથી આસપાસનું વાતાવરણ હકારાત્મક બનતું જાય છે, જ્યારે નકારાત્મક દૃષ્ટિકોણથી વાતાવરણમાં વિશેષ પ્રમાણમાં નકારાત્મકતાનો પ્રભાવ પ્રસરતો જાય છે. હકારાત્મક દૃષ્ટિકોણ ઉદ્વેગ, અશાંતિ , શંકા-કુશંકા ને નકારાત્મકતા (નેગેટિવિટી) ઉત્પન્ન કરે છે.

હકારાત્મક કે નકારાત્મક દૃષ્ટિકોણ બહુધા ત્રણ માધ્યમો દ્વારા બંધાતો હોય છે : (1) શબ્દો (વાણી), (2) વર્તન, (3) અનુભવ.

1. શબ્દો (વાણી) : આપણા રોજબરોજના જીવનમાં 80% વ્યવહાર શબ્દ બોલવા અને સાંભળવાથી થતો હોય છે. શબ્દ કેવા બોલાય છે અને શબ્દ કેવા સંભળાય છે તેના આધારે આપણો દૃષ્ટિકોણ બંધાતો હોય છે. પછી તે અન્ય માટેનો હોય કે પછી પોતાના સ્વજીવન માટેનો હોય. જેવું બોલાય છે અને જેવું સંભળાય છે એ જ પ્રમાણે કાર્ય કરવા આપણું માનસ ટેવાયેલું હોય છે. માત્ર એવું કાર્ય કરવા જ નહિ, આપણી દૃષ્ટિ પણ એ આકારે થઈ જતી હોય છે. પછી તે સકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ હોઈ શકે છે. જેવો દૃષ્ટિકોણ બંધાય તેવું જ પછી તેમના માટે વર્તન થાય. અરસપરસના વ્યવહારની ઘનિષ્ઠતા અને તુચ્છતા પણ શબ્દથી બંધાતા દૃષ્ટિકોણ પર આધારિત બનતી હોય છે. શબ્દથી બંધાતો દૃષ્ટિકોણ અરસપરસના સંબંધો, વર્તન અને વાતાવરણને પણ બદલી નાંખતો હોય છે.

એક ભાઈ બે નાનાં બાળકોને લઈ ટ્રેનમાં ચડ્યા. ટ્રેનમાં ખૂબ ગરદી હોવાને કારણે સાકડમુકડ કરી થોડી જગ્યા મળી ત્યાં બેસી ગયા. બંને બાળકોને ખોળામાં બેસાડ્યાં. એક બાળક આઠ-દસ વર્ષનું ને બીજું પાંચ-સાત વર્ષનું હતું. નાનું બાળક થોડું વધારે તોફાની અને મસ્તીખોર હતું. ખૂબ જ થાકના કારણે આ ભાઈને ઊંઘ આવી ગઈ અને આ બાજુ બાળકે મસ્તી ચાલુ કરી. કોઈનાં છાપાં ફાડી નાંખે, કોઈને અડપલાં કરે, કોઈનો નાસ્તાનો ડબ્બો લઈ આવે વગેરે... થોડી વારમાં તો ડબામાં બધા તેના વર્તનથી ત્રાસી ગયા. મુસાફરોએ તેના પિતાને જગાડ્યા ને ફરિયાદ કરવા માંડી કે, “ભાઈ, આ બાળક તમારું છે ? તો જરા તેને સાચવો... આખી ટ્રેન માથે લીધી છે. સાચવવાની તેવડ ન હોય તો શું કરવા લઈને નીકળો છો !” તેઓ પળભર મૌન રહ્યા. ઊંડા નિસાસા સાથે બોલ્યા, “હા, હવે તો મારે જ એને સાચવવો પડશે ને ! હવે તો મારી જ એને સાચવવાની જવાબદારી આવે ને !” કોઈએ પૂછ્યું, “કેમ ? એની મા ક્યાં ગઈ ?” ત્યારે ભાઈએ સખેદ કહ્યું કે, “અત્યારે હું એની માનો અગ્નિસંસ્કાર વિધિ પૂર્ણ કરીને વતનમાં જઈ રહ્યો છું. માટે હવે તો મારે જ બાળકોનું ધ્યાન રાખવું પડશે ને !” આટલું કહેતા કહેતા તેમની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી.

એ જ મિનિટે ડબાના મુસાફરોનો નકારાત્મક દૃષ્ટિકોણ બદલાઈ ગયો. કોઈએ બાળકોને બોલાવી વ્હાલ કરવા માંડ્યું, બિસ્કિટ આપવા માંડ્યું, રમકડાં આપવા માંડ્યાં, પિતા અને બાળક તો બંને પરિસ્થિતિમાં એક જ હતા પરંતુ બાળકોનાં વર્તનથી તેમના પ્રત્યે બંધાયેલો નકારાત્મક દૃષ્ટિકોણ, શબ્દ સાંભળતાં હકારાત્મક થઈ ગયો. આમ, શબ્દ દ્વારા પણ દૃષ્ટિકોણ બંધાતો હોય છે અને બદલાતો પણ હોય છે.

2. વર્તન : વર્તન એ Silent (મૂક) હોય છે પરંતુ તેનાં સ્પંદનો બહુ ગહેરાં હોય છે. મનુષ્ય એક સંવેદનશીલ પ્રાણી છે જે દિવસ દરમ્યાન અનેક વ્યક્તિના સંસર્ગમાં આવે છે અને અરસપરસના વ્યવહારુ કે અવ્યવહારુ વર્તન પરથી સતત નિર્ણય લેતો હોય છે. ન વિચારવા છતાં, ન બોલવા છતાં અંદર પ્રત્યાઘાત રૂપે કંઈક પ્રક્રિયા સતત થતી હોય છે, કંઈક નક્કી થતું હોય છે. તેના પરિણામે જે તે વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણ પ્રત્યે ચોક્કસ પ્રકારનો દૃષ્ટિકોણ બંધાતો હોય છે. પછી તે સકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ હોઈ શકે છે.

ગઢપુરમાં એક દિવસ વસ્તાખાચરનો નાનો દીકરો જોઈતાખાચર રમતાં રમતાં જૈન અપાસરાના ઓટલે થૂંક્યો. જોઈતાને જૈન જતિઓ પ્રત્યે કોઈ દ્વેષ કે પૂર્વાગ્રહ નહોતો પરંતુ બાળસહજ ચેષ્ટામાં રમતમાં તેનાથી આ ભૂલ થઈ ગઈ. પરંતુ તેના જતિઓના મનમાં કંઈક વિપરીત અસરો ઊભી થઈ. તેઓને એમાં તેમનું અપમાન લાગ્યું. સ્વામિનારાણ ભગવાનના સત્સંગીનાં નાનાં છોકરાં આજે ઓટલે થૂંક્યાં, કાલે આપણી ઉપર થૂંકશે – એમ વિરોધાત્મક અને ઉશ્કેરાટભર્યું વાતાવરણ થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાન અને સંપ્રદાય પ્રત્યે વેરબુદ્ધિ વાળવાનો નકારાત્મક દૃષ્ટિકોણ કેળવાયો.

પરિસ્થિતિના પારખુ એવા શ્રીજીમહારાજ કોઈની સાથે વાત કર્યા વિના પોતે એકલા જ જૈન અપાસરાનાં પગથિયાંઓ ચડી જતિઓ વચ્ચે પહોંચી ગયા. તેઓ હવે વેર વાળવા શું કરવું તેની મસલત કરી રહ્યા હતા. પરંતુ તેઓ કંઈ બોલે તે પહેલાં શ્રીજીમહારાજે બે હાથ જોડી માફી માંગતાં કહ્યું કે, “હે ઉદારદિલના તપસ્વી પુરુષો, આજે અમારા સત્સંગીના દીકરાથી અજાણતાં થયેલી ભૂલથી આપનું અપમાન થયું હોય તેવું લાગ્યું હોય તો માફ કરશો. મહાજનનાં મન તો મોટાં હોય... માટે માફ કરી દો, રાજી રહેજો.” શ્રીજીમહારાજને પોતાની ભૂલ ન હોવા છતાં એકમાત્ર સત્સંગીના દીકરાની ભૂલ માટે થઈ નિર્માનીપણે માફી માંગતા જોઈ બધા જ જતિઓનાં મસ્તક ઝૂકી ગયાં. વાતાવરણ બદલાઈ ગયું. બદલો લેવા તૈયાર થયેલા શ્રીહરિને વંદી રહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાય વિષે જે કાંઈ નકારાત્મક કે હકારાત્મક દૃષ્ટિકોણ બંધાયો તેનું કારણ વર્તન જ ફલિત થાય છે. વર્તનને કારણે જ દૃષ્ટિકોણ બંધાયો.

આપણે જેવું વર્તન કરીશું તેવો જ દૃષ્ટિકોણ આપણા માટે તથા આપણને સામેના માટે બંધાશે.

3. અનુભવ : મનુષ્ય જન્મથી અંત અવસ્થા સુધીની જીવનયાત્રામાં અનેક ખાટા-મીઠા, કડવા અનુભવોમાંથી પસાર થતો જ હોય છે. જીવનમાં થયેલી ભૂલો, વાગેલી ઠોકરો, મળેલો આનંદ, આસ્વાદ, સફળતા, સુખ-દુઃખ જેવા અનેક અનુભવોમાંથી તે ઘડાય છે. તે ભૂતકાળ અને વર્તમાનના અનુભવોને આધારે વર્તમાન અને ભવિષ્યના નિર્ણયો લે છે. વ્યક્તિ જીવનમાં થતા અનુભવોના આધારે બહુધા દૃષ્ટિકોણ બાંધે છે.

માનવસ્વભાવમાં અનેક વિચિત્રતાઓ રહેલી છે. તેથી દરેક વ્યક્તિની કાર્યશૈલી, વિચારસરણી, માનીનતા બધું જુદું જુદું રહે છે. વ્યક્તિ જેટલો વધુ વ્યક્તિના સંસર્ગમાં આવે તેટલા તેને વધુ અનુભવો થતા હોય છે. વિદ્યાર્થી કે.જી.થી માંડી ડિગ્રી મેળવે ત્યાં સુધી અનેક મિત્રોના સંગમાં આવે છે. દરેક મિત્રોનાં સ્વભાવ, કાર્યશૈલી, વિચાર, વાણી, વર્તનથી કડવા-મીઠા ઘણા અનુભવો કરે છે. પરિણામે દરેક માટે જુદા જુદા દૃષ્ટિકોણ બંધાય છે જેને આધારે કેવા મિત્ર કરવા જોઈએ ? કોનો સંગ કરવો, કોને મદદ કરવી, ન કરવી ? તેની ખબર પડે છે. પોતાનું જીવન પણ અન્ય વ્યક્તિ સાથે કેવું રાખવું, કેવી રીતે વર્તવું તે બધું અનુભવના આધારે બાંધેલા દૃષ્ટિકોણ પરથી નક્કી કરે છે.

શબ્દ, વર્તન અને અનુભવ દ્વારા બંધાતા દૃષ્ટિકોણ હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના હોઈ શકે. જેમાં નકારાત્મક દૃષ્ટિકોણને કારણે જીવનમાં અનેક પરિણામો સહન કરવાં પડતાં હોય છે. જેવાં કે,

(1)  નિરુત્સાહીપણું : વાણી, વિચાર કે વર્તનમાં નકારાત્મકતા એ જીવનનું નૂર હણી લે છે. નકારાત્મક દૃષ્ટિકોણથી કોઈ પણ ક્ષેત્રમાં યા હોમ કરીને ઝંપલાવવાને બદલે તેનાથી શું નુકસાન થશે ? શું તકલીફ પડશે ? કેટલું સહન કરવું પડશે ? તેવા વિચારો કોરી ખાય છે. આ નકારાત્મકતાને કારણે કાર્ય ઉત્સાહભેર શરૂ કરવાને બદલે કંઈ નથી કરવું, ચાલશે જેવા વિચારો આવે છે. કોઈ કાર્યમાં કે જીવનમાં આગળ વધવાનો ઉત્સાહ જ ન રહે ને નિરુત્સાહી થઈ જવાય.

(2) ઝઘડા-કંકાસ : નકારાત્મક દૃષ્ટિકોણની મોટી ઊપજ શંકાશીલતા, અવિશ્વાસ, અભાવ-અવગુણ, નિંદા છે. ઘર-પરિવાર, નોકરી-ધંધા કે સત્સંગમાં આ બધા કારણોને લીધે પરસ્પર કુસંપનું સર્જન થતું હોય છે. કોઈ વ્યક્તિ કે પ્રસંગ માટેની પૂરતી તપાસ ન થાય અને તેને નકારાત્મક દૃષ્ટિકોણથી મુલવાય ત્યારે ઊભા થતા પ્રશ્નો-સુલેહની જગ્યાએ પ્રશ્નોની પરંપરા સર્જાય છે. એકબીજા પ્રત્યે આંટી-પૂર્વાગ્રહ વધુ ને વધુ દૃઢ થતાં જાય છે. અવિશ્વાસ અને શંકાનાં વમળોને કારણે સમગ્ર વાતાવરણ ડહોળાઈ જાય છે. બંધાયેલા પૂર્વાગ્રહ શબ્દો દ્વારા પછી વર્તનમાં આવતાં ઝઘડાં-કંકાસ થાય છે. એકબીજા વચ્ચે વૈમનસ્ય બંધાય છે. સુખ-શાંતિ હણાઈ જાય છે.

અરસપરસના વ્યવહારો-અનુભવોથી દૃષ્ટિકોણ બંધાતો હોય છે. હવે દૃષ્ટિકોણ બંધાવાના અન્ય કારણો કયા છે ? તે જોઈશું આવતા અંકે...