સુખ-દુઃખનું મૂળ - ગુણ-અવગુણ-૧

  July 28, 2016

સુખ અને દુઃખ આ બંનેના અનુભવ વ્યક્તિને કાં તો એકાકી જીવનમાં અને કાં તો સમૂહજીવનમાં જ થાય છે. આપણનો સમૂહજીવનમાં જ આ બંનેનો અનુભવ આપમેળે થતો હોય છે. એવું જોતાં એવું કહી શકાય કે સુખ અને દુઃખ હંમેશાં પોતાથી અલગ બીજા વ્યક્તિત્વ ઉપર જ આધારિત છે. અર્થાત્ કહેવાનો ભાવાર્થ એવો નથી કે સુખ દુઃખનું મૂળ કોઈ વ્યક્તિ છે. સુખ અને દુઃખનું મૂળ તો પોતાના વિચારો જ છે. પરંતુ વિચારોમાં પોતાથી અન્ય વ્યક્તિત્વને જોવાથી; એનાં અંગ, સ્વભાવ, ક્રિયા તેને ધ્યાનમાં લેવાથી આપણી સાથે કરેલા વર્તાવને ધ્યાનમાં લેવાથી જે કંઈ વૈમનસ્ય કે તરંગો ઊભાં થાય છે એ જ સુખ-દુઃખ ઊભાં કરે છે. એ દ્રષ્ટીએ સુખ-દુઃખનું મૂળ ઘણી વખત આપણાથી અન્ય વ્યક્તિત્વ ઉપર આધારિત બની જતું હોય છે.

આવું કેમ બને છે ? તેનું ચિંતન કરીએ તોય તેના મૂળમાં એક સચોટ અને સનાતન સિદ્ધાંત જણાય છે કે આપણા કરતાં અન્ય વ્યક્તિનો આપણને જેટલો ગુણ દેખાય, જણાય, મનાય, ગ્રહણ થાય, ગવાય કે સ્વીકારાય એટલું જ સુખ અનુભવાય.

સામાન્ય રીતે જોઈએ તોય ગુણ એટલે પોતાને અને અન્યને સુખ ઉપજાવે તેવાં સ્વભાવ, ક્રિયા, લાગણી કે જીવનનો કોઈ હિસ્સો અને અવગુણ એટલે પોતાને અને અન્યને દુઃખરૂપ સાબિત થતાં સ્વભાવ, દોષ, ક્રિયા કે જીવન.

વ્યક્તિમાત્રમાં ગુણ-અવગુણ બંને રહેલા જ હોય છે. કોઈ વ્યક્તિમાં નર્યા ગુણ હોય અને બીજી વ્યક્તિમાં નર્યા અવગુણ જ હોય આવું કહેવું ઉચિત નથી. લોકિક રીતે જોવા જઈએ તો, સતા, સંપત્તિ, ભણતર કે રૂપના આધારે વ્યક્તિનું ઉચ્ચ મૂલ્યાંકન નથી થતું. પરંતુ તેના પોતામાં કે અન્યમાં ગુણ અવગુણ લેવાના દૃષ્ટિકોણના આધારે તેની બુદ્ધિમત્તાનું મૂલ્યાંકન થતું હોય છે. શ્રીજીમહારાજે પંચાળા પ્રકરણના ૩જા વચનામૃતમાં તેને જ બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે વર્ણવતાં કહ્યું છે કે, જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જે કેટલા અવગુણ હોય તેને જાણે તથા ગુણ હોય તેને પણ જાણે. અને બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે, પણ અવગુણ હોય તેને તો જાણે નહિ ને પોતાને સનકાદિક જેવો મોટો જાણે અને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઊતરતા જાણે.”

ગુણ-અવગુણ એ આપણી દ્રષ્ટિનો ભેદ છે. કોઈ પણ કાર્ય કે વ્યક્તિ પરત્વે આપણે જેવી દ્રષ્ટિ કેળવીએ એવું એનું ચિત્ર આપણા માનસમાં અંકિત થાય છે. એક વખત બે ઘોડેસવાર મિત્રો એકસાથે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ચાર રસ્તા ઉપર એક મોટું સર્કલ આવતાં એક ઘોડેસવાર મિત્ર સર્કલની જમણી બાજુથી અને બીજો ડાબી બાજુથી પસાર થઈ આગળ ભેગા થઈ ગયા. બંને મિત્રોની મુખાકૃતિ પર આશ્ચર્યના ભાવ દેખાતા હતા. સર્કલમાં ઊભેલ એક સ્ટેચ્યૂના બંને હાથમાં ઢાલ હતી. એક મિત્રે કહ્યું, “મિત્ર, ખરેખર અદભુત ! કેટલી વિશાળ ચાંદીની ઢાલ !” ત્યારે બીજો મિત્ર કહે, “અરે, તેં શું જોયું ? ચાંદીની નહિ, સોનાની ઢાલ હતી.” બંને મિત્રો પરસ્પર ચર્ચામાં ઊતરી ગયા. સમાધાન માટે તેમણે એક વડીલને પૂછપરછ કરી. ત્યારે અનુભવી વડીલે એક મિત્રને કહ્યું, “તું ડાબી બાજુથી આવ્યો હતો તોય હવે જમણી બાજુથી પાછો જા.” જ્યારે બીજા મિત્રને કહ્યું, “તું જમણી બાજુથી આવ્યો હતો તોય હવે ડાબી બાજુથી જા. પછી બંને ફરી મારી પાસે આવજો. તમારા પ્રશ્નનું સમાધાન આપમેળે થઈ જશે.”

ખરેખર આવું જ બન્યું. સર્કલમાં મૂકેલી વિશાળ ઢાલને એક બાજુ સોનાનો ઢોળ ચડાવેલો હતો જ્યારે બીજા બાજુ ચાંદીનો ઢોળ ચડાવેલો હતો. બંને ઘોડસવાર મિત્રો તેમના દ્રષ્ટિભેદના કારણે થયેલી અણસમજણ પર છોભીલા પડી ગયા. આવું જ કંઈક આપણા રોજિંદા જીવનમાં બનતું હોય છે. કોઈ વ્યક્તિનાં ક્રિયા-સ્વભાવ કે ગમતું-ન ગમતું આપણને જો રુચે તો તેનો ગુણ આવે અને જો ન રુચે તોય તેનો અવગુણ આવતો હોય છે. પરંતુ ત્યાં આપણી દૃષ્ટિ(Vision)ને આપણે ઓળખી નથી શકતા. દરેક વ્યક્તિ પોતાની રીતે સાચી જ હોય છે. જે કંઈ કસર દેખાય છે તે આપણી દ્રષ્ટિનો ભેદ છે.

વાસ્તવિકતાએ માનવસહજ સ્વભાવની એક વિચિત્રતા એ છે કે આપણે બહુધા અન્યના જ અવગુણ-દોષ જોવાની કુટેવ પડી ગઈ હોય છે. એક વખત એક હરિભક્ત વાસણા મંદિરે દર્શન કરી મંદિરની પાછળ કેમ્પસમાં પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા હતા ત્યાં દર્શને ગયા. પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરી તેમણે કહ્યું, “સ્વામી, જુઓને આ લીમડો કેવો વાંકો છે ! મંદિરમાં ઊગ્યો તોપણ સીધો ન થયો.” પ.પૂ. સ્વામીશ્રી આ ભાઈને નિમિત્ત કરી સૌને સમજાવે છે કે અવગુણ જોવા-લેવાની ટેવ પડી ગઈ હોય તે ગમે ત્યાંથી દોષ-ક્ષતિ-ત્રુટિ શોધી નાખે, પણ એવો ગુણ ના આવે કે લીમડો કેવો સરસ છાંયો અને પવન આપે છે !

આ ઉપરાંત, કેટલાકને બીજાનો અવગુણ ગાઈ પોતાનો ગુણ ગાવાનો સતત આગ્રહ રહેતો હોય છે. સંસારમાં કે સત્સંગમાં તેના પરિણામ સ્વરૂપે દુઃખ આવતું હોય છે. અન્ય વ્યક્તિનો અલ્પ દોષ હોય તો અવગુણરૂપી બિલોરી કાચનાં ચશ્માંથી તે આપણને મોટાથી મોટો લાગતો હોય છે. પછી તેનું જ મનન થાય, તેને જ ગવાય. તેનો જ પ્રચાર-પ્રસાર કરવાથી આપણા સ્વજીવનમાં બહુ મોટું નુકસાન થતું હોય છે.

અન્યના દોષનું દર્શન હંમેશાં દુઃખરૂપ જ હોય છે કારણકે તેનાથી,

1. નકારાત્મકતાનો ઉદભવ થાય :

જે વસ્તુનું મનન કરીએ તે વસ્તુ આપણને પ્રાપ્ત થાય એ ન્યાયે અન્યના અવગુણનું મનન કરવાથી આપણી અંદર પણ આવી જ નકારાત્મકતા ઉદભવે છે. જે અવગુણનું મનન કરી બીજ રોપ્યું હોય તે જ આપણા જીવનમાં ખીલે છે. એટલે કે, એ અવગુણ આપણા જીવનમાં ન હોય તોપણ મનન કરવાથી સ્ફૂરે છે. એટલું જ નહિ, અવગુણના મનનથી ‘અન્ન એવો ઓડકાર’ની જેમ આપણી વિચારસરણી, લાગણી, વાણી બધામાં નકારાત્મકતા આવી જાય છે. જેમ મૂળો ખાધો હોય તો તેનો ઓડકાર આવે જ એમ અવગુણ જોયો, ગાયો કે લીધો તો આપણામાં નકારાત્મકતા, અવગુણો આવે જ એ નિર્વિવાદ વાત છે.

 2. અમહિમાનું વાતાવરણ ખડું થાય :

નકારાત્મકતાનાં વમળો માત્ર આપણા પૂરતાં સીમિત નથી રહેતા. તે ઘર-પરિવાર કે આપણી આસપાસ રહેલા તમામ વાતાવરણને અમહિમાથી ભરી દે છે. અવગુણ જોવાય છે એકલા પણ ગવાય તો છે બે જણની વચ્ચે જ અવગુણ ગાવાથી બધાનાં માનસ અવગુણાકારે થઈ જાય છે. ચાહે પછી તે સત્સંગ હોય કે સંસાર. પછી એ અમહિમાનું વાતાવરણ આપણી કે અન્યની ઊર્ધ્વગતિ ન થવા દે. મતભેદ, મનભેદની સાથે કુસંપથી સત્સંગ ને  સંસ્કારનો સર્વનાશ સર્જાય છે. અમહિમાના વાતાવરણને કારણે સર્જાતી સ્તિથીનું વર્ણન કરતાં પ.પૂ. સ્વામીશ્રીએ ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં કૃપાવાક્ય નં.૮૩માં કહ્યું છે કે, “પહેલાં કોઈનાય વિષે અવગુણના સંકલ્પ ઊઠે... એથી આગળ વધતાં તેનો અભાવ આવે... તેનું મનન થાય એટલે આંટી બંધાય. આંટી બંધાય એટલે એને વિષે ઈર્ષ્યા, વેરઝેર, માન, બધું જ આવે. અંતરમાં ઉદ્વેગ, મૂંઝવણ, અશાંતિ વગેરેને બોલાવવાં ન પડે... ભગવાનની જોડે પણ સુખ ન આવે... જીવવું બેકાર થઈ લાગે... મારું કે મરી જઉં એટલે પહોંચાય...”

 3. પૂર્વાગ્રહની ગાંઠ બંધાય જાય :

વારંવાર કોઈના અવગુણ ગાવાથી, તેનું મનન કરવાથી તે વ્યક્તિને વિષે પૂર્વાગ્રહની ગાંઠ બંધાય જાય છે. પછી શ્રીજીમહારાજે કારિયાણીના ૯માં વચનામૃતમાં કહ્યા પ્રમાણે રીસની આંટી પડી જાય છે. કોઈનાય અભાવ-અવગુણ જોવાથી, તેનું મનન કરવાથી બંધાયેલી પૂર્વાગ્રહની ગાંઠ અંદર બાવળના શૂળની પેઠે ડંખ્યા કરે છે. પછી સામેની વ્યક્તિ ગમે તેવું સારું કાર્ય કરે તોપણ તે દોષરૂપ જ લાગે. અંદરથી કોઈક ને કોઈક ખામી શોધે તો જ સંતોષ થાય અથવા તો તે વ્યક્તિનું કેમ કરીને ખરાબ થાય તેવા પ્રયત્ન થાય. એ વ્યક્તિને જ્યારે જોઈએ, મળીએ ત્યારે અવગુણનું મનન થઈ ગાંઠ પાકી થતી જાય.

4. આસુરી મતિ થઈ જાય :

કોઈના અવગુણ જોવા-લેવાથી આપણી વૃત્તિ એ આકારે થઈ જાય છે. એમાંય ખાસ કરીને જો સત્સંગી સંત-હરિભક્તનો અવગુણ આવે કે જેને અવગુણ હોય તેની સાથે હેત રાખીએ તોય આસુરી મતિ થઈ જાય. પછી પંચમહાપાપથી છુટાય; પરંતુ ભગવાનના ભક્તના અપરાધથી કોટિકલ્પે ન છુટાય ને અંતે જીવનો નાશ થઈ જાય. અવગુણ લેવાની આ ભયંકરતા દર્શાવતાં શ્રીજીમહારાજ ગઢડા છેલ્લાના ૧૨મા વચનામૃતમાં કહ્યું છે કે, “જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે, અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય, અને વળી જેમ ક્ષય રોગ થયો હોઈ તે કોઈ ઔષધે કરીને મટે જ નહિ, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે જ નહીં.... શાસ્ત્રમાં તે (પંચ પ્રકારના) પાપ છૂટ્યાનો ઉપાય કહ્યો છે, પણ ભગવાન અને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાનો કોઈ શાસ્ત્રમાં એ પાપથી છૂટ્યાનો ઉપાય કહ્યો નથી... ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે.”    

 આવી રીતે અન્યના અવગુણમાં નર્યું દુઃખ જ સમાયેલું છે. કદાચ જો અવગુણ જોવાની ઇચ્છા થાય તો પોતાના જોવા તો સુખી થવાય. કારણ પોતાના અવગુણ જુએ તો તેને ટાળવાની ત્વરા-ઇચ્છા જાગે અને પોતે દોષરહિત થઈ શકે. શ્રીજીમહારાજે પંચાળાના ૩જા વચનામૃતમાં કહ્યું છે કે, “જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય જે મુમાં આટલો અવગુણ છે. પછી તેની ઉપર ચાડ્ય રાખીને તે અવગુણને ટાળી નાખે.”

 પોતાના અવગુણ જોવા માટે પહેલાં બીજાના અવગુણ જોવાનું ટાળી આંતરયાત્રા (Inner journey) કરવી પડે. રોજિંદા જીવનમાં રાગ-દ્વેષ, ઈર્ષ્યા, વેર-ઝેર, અહમ્-મમત્વ, દંભ, કપટ, સ્વાર્થવૃત્તિ, શંકાશીલ, ક્રોધી જેવા અનેક અવગુણ-દોષને કારણે થતા હોઈએ છીએ. એના કારણે જ ઝઘડા-ટંટા, શારીરિક કે માનસિક રોગોના ભોગ બનાતું હોય છે. સમૂહજીવનમાં રહેવું ત્રાસરૂપ અને કંટાળાજનક લાગતું હોય છે. ઉદ્વેગ, અશાંતિ અને અજંપા સિવાય જીવનમાં કશું રહેતું હોતું નથી. પરંતુ આંતરયાત્રા કરી જ્યારે આ અવગુણો ટાળવાના સઘન પ્રયત્ને તેનાથી દૂર થવાય ત્યારે જીવનમાં સુખ સિવાય કશું રહેતું નથી. માટે પોતાના અવગુણ જોઈ તેનો સ્વીકાર કરી એક પછી એક અવગુણો ટાળવાની ટેવ જ પાડી દેવી. ખટકો ને જાણપણું રાખવું... તો ધીરે ધીરે કરતાં અવગુણ રહિતનું દિવ્યજીવન કરી શકાય. આ ઉપરાંત સાથે સાથે જેનામાં એવા અવગુણો ન હોય તેવો ઉત્કૃષ્ટ સંગ જ સદાય કરવો. અને જ્યાં એવી અવગુણની (નકારાત્મક) વાતો થતી હોય ત્યાંથી દૂર રહેવું. ક્યારેય અવગુણની વાતો થતી હોય તો ચાલતી ગાડીએ ચડી ન જવું.                                                                                    

સમૂહજીવન છે એટલે એકબીજાના અવગુણ દેખાય પરંતુ તેનું મનન ન કરવું કે તેની ચર્ચામાં ઊંડા ન ઊતરી જવું. આપણે રસ્તામાં જતા હોઈએ અને વચ્ચે મોટો પોદળો પડ્યો હોય તો શું કરીએ ? ત્યાં ને ત્યાં જ ઊભા રહી, કેવડો પોદળો છે ? તેમાં શું છે ? કોનો છે ? વગેરેનું મનન કે ચર્ચા કરીએ ? ના. ઢોરની વિષ્ટા જાણી તેને કૂદીને આગળ નીકળી જઈએ છીએ. પછી ઘરે જઈને કે કોઈ મળે તો તેમની પાસે પણ તેનું વર્ણન કે ચર્ચા નથી કરતા. એવી રીતે જ કોઈનો દેખાતો અવગુણ પોદળા સમાન છે. તેમાં ઊડા ન ઊતરવું કે તેનું મનન ન કરવું.

ગુણોનું ગાન અને ગુણોનું વર્ણન એ અવગુણસભર વાતાવરણને પણ તોડી નાંખે છે.

અવગુણ લેવાની સાહજિક અવસ્થા આપણને કેટલા દુ:ખી કરી નાખે છે. સામે માત્ર હકારાત્મક વિચારે કરીને ગુણ લેવામાં આવે તો પરિસ્થિતિ કેટલી સુખકર બને છે. પણ આવી ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવવા શું કરવું. તે જોઈએ આવતા અંકે...