સુખ-દુઃખનું મૂળ - ગુણ-અવગુણ-૨

  August 5, 2016

 ગુણગ્રાહક દ્રષ્ટિ, વિધેયાત્મક વલણમાં એવી અજબની તાકાત છે કે ગમે તેવા વિપરીત સંજોગ, વાતાવરણને પણ બદલી નાંખે છે. પરસ્પરના મોટાભાગના પ્રશ્નો શમી જાય છે. એકબીજા વચ્ચે સર્જાયેલાં મનભેદ, આંટી ભૂંસાઈ જાય છે. પરસ્પર પ્રેમસભર, સુહ્યદયતાભર્યું, આનંદોલ્લાસભર્યું વાતાવરણ સર્જાય. ગુણગ્રાહક દ્રષ્ટિમાં, વાતાવરણમાં પરિવર્તનના પ્રાણ પૂરવાની કેવી અજબ તાકાત રહેલી છે તેનો એક જીવંત પ્રસંગ છે. જાપાનની એક એરલાઇન્સ કંપની વિશ્વભરમાં તેનાં અદભુત સમયપાલન અને શિષ્ટાચાર માટે પ્રખ્યાત હતી. સમયપાલનના આગવા ગુણને કારણે એ એરલાઇન્સમાંથી અનેક પેસેન્જરવાહક વિમાનો અને માલવાહક વિમાનો (Cargo) ઉડ્ડયન ભરતાં. આ ઉપરાંત એરલાઇન્સમાં કાર્ય કરતા કર્મચારીઓની કાર્યક્ષમતા, સેવાભાવના અને શિષ્ટાચાર કંપનીની લોકપ્રિયતા અને આબરૂના મૂળમાં સમાયેલાં હતાં.

  એક દિવસ સંજોગોવશાત્ કોઈ એક કર્મચારીની નાની સરતચૂકના કારણે દિવસભરનાં તમામ ઉડ્ડયનોનું સમયપત્રક ખોરવાઈ ગયું. પરિણામ સ્વરૂપે કેટલાક ઉડ્ડયનો રદ કરવા પડ્યાં. કેટલાક Cargo (કાર્ગો) ઊડ્યાં નહિ, તો કેટલાંક મોડાં પડ્યાં. એરલાઇન્સમાં સમગ્ર વાતાવરણ તંગ થઈ ગયું હતું.

વર્ષોથી ચોકસાઈભર્યા સમય સાથે ચાલતી આ એરલાઇન્સના ઇતિહાસમાં ક્યારેય આવી પરિસ્થિતિ સર્જાઈ નહોતી તેથી તાબડતોડ આવી પરિસ્થિતિ સર્જાવાનું કારણ શોધવાનું આરંભાયું. આમ કેમ થયું ? કોના લીધે આ બન્યું ? વગેરેની તપાસ કરતાં સ્પષ્ટ જણાઈ આવ્યું કે એક જૂના અને અનુભવી અધિકારીની નાની સરતચૂકને કારણે આવી વિપરીત પરિસ્થિતિ સર્જાઈ હતી. તપાસ કરનાર અધિકારીઓ હજુ તેમની ભૂલ બતાવે તે પહેલાં આ અધિકારીએ જાતે જ પોતાની ભૂલ સ્વીકારી. આ અધિકારીને પોતાની ભૂલને કારણે તેની કાર્યક્ષમતા, પ્રતિષ્ઠા અને કારકિર્દીને ગુમાવવાના અફસોસ કરતાં વધુ અફસોસ તેના હાથે એરલાઇન્સની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો તેના માટે હતો. પરંતુ, એરલાઇન્સની સંચાલક કમિટીને આ ભૂલ માન્ય નહોતી. તરત જ એરલાઇન્સની સમગ્ર સંચાલક કમિટીની મિટિંગ યોજાઈ. મિટિંગના અંતે આ ભૂલની સજા માટે સર્વસંમતિ એકમાત્ર આ અધિકારીની રુખસદ (બરતરફ) કરવાની જ હતી. હવે માત્ર આ અધિકારી માટે બરતરફ ઓર્ડરની માત્ર બે લીટી જ લખવાની તૈયારી હતી. સમગ્ર મિટિંગનું વાતાવરણ ગરમ અને તંગ થઈ ગયું હતું. દરેક સંચાલકના મુખે આ અધિકારી માટે રંજના શબ્દો જ સરતા હતા. આ સમયે એક પીઢ અને શાણા સંચાલકે બધાની વચ્ચે એક પ્રસ્તાવ રજૂ કર્યો કે, “આ અધિકારીને બરતરફ કરવાના આપણા અફર નિર્ણયમાં કોઈ પ્રકારની પુનઃવિચારણા કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. પરંતુ જો આપ સૌ સંમત હોય તો આપણી કંપનીમાં (છેલ્લાં 20 વર્ષથી) કાર્ય કરતા આ અધિકારીની કામગીરી ઉપર માત્ર બે મિનિટ નજર નાખી લઈએ તો કેમ ?” સૌએ મૂક સંમતિ આપી. થોડીક જ ક્ષણોમાં તેઓ એરલાઇન્સમાં જોડાયા ત્યારથી આજ સુધીનાં તેમનાં કાર્યની સફળતાની હકીકતો અને આંકડા કમ્પ્યૂટરના સ્ક્રીન પર ઝબકવા માંડ્યા. જેમાં પ્રત્યેક ક્ષણે તેમની સફળતાનો આંક ઉપર તરફ સરકતો હતો. જેમાં કંપની માટે કેટલાંક મહત્વનાં કાર્યોમાં આ અધિકારી મુખ્ય હતા. કંપની માટેના ત્રણ મોટા ઑર્ડરો માટે તેઓ જ કારણભૂત હતા. કેટલાંક નવાં ઉડ્ડયનોના નિર્ણય અંગેની સમિતિના તેઓ જ કન્વીનર હતા. ત્રણ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોની શરૃઆત કરતા પહેલાં અન્ય દેશમાં ગયેલા ડેલિગેશનોનું નેતૃત્વ પણ તેમનું જ હતું. આ ઉપરાંત પણ કેટલાંક મહત્વનાં કાર્યો તેમના થકી જ થયાં હતાં. સ્ક્રીન પર ઝબકતી તેમની સફળતાની તવારીખોથી, તેમણે કંપની માટે આપેલા બલિદાનથી, તેમની કાર્યક્ષમતા અને ગુણથી પ્રભાવિત થતાં મિટિંગમાં બેઠેલા સૌ સંચાલકોના મુખ ઉપર આક્રોશના બદલે અભિવાદનની રેખાઓ ઊપસી રહી હતી. ધૃણા, નફરત અને સજા કરવાના નિર્ણયને બદલે સૌને તેમની પ્રત્યે કૃતજ્ઞતા અને સહાનુભૂતિની લાગણી થઈ. સૌ એકબીજા સામું જોઈ રહ્યા અને એકી અવાજે બોલી ઊઠ્યા કે, “અરે, આવા અનેક સદગુણ ધરાવનાર કાબેલ અધિકારીને કેમ છોડાય ? તેમની તો કંપનીને અને આપણે સૌને ખૂબ જરૂર છે.” માત્ર એક હળવી ઠપકાની નોંધ લખી સમિતિ ઊભી થઈ ગઈ.

આ હતી અદભુત તાકાત ગુણગ્રાહક દૃષ્ટિની કે જેણે અભાવ-અવગુણ, નફરત તથા આક્રોશના વાતાવરણને દબાવી દીધું.

અન્ય વ્યક્તિમાં અવગુણ જોવા કે તેનું મનન કરવા કરતાં તેના ગુણનું દર્શન થાય તો તેના સર્વે અવગુણમાત્ર દબાઈ જાય છે. કારણ, જેમ ઠંડીનું મારણ ગરમી તેમ ગુણનું મનન જ અવગુણ ટાળી નાંખે. ક્યાંક આપણી દૃષ્ટિએ મૂલવતાં સામેની વ્યક્તિમાં ગુણ કરતાં દોષ વધુ દેખાતા હોય તો શું કરવું ? તો બાપાશ્રીએ પહેલા ભાગની પાંચમી વાતમાં કહ્યું છે કે, “અવગુણવાળો જીવ હોય પણ તેમાં કંઈક ગુણ હોય ખરો. તે ગુણ આપણે લેવો, પણ અવગુણ લેવો નહીં. અને સર્વેને વિષે સમભાવ રાખવો.” પ.પૂ. સ્વામીશ્રી તો કહે છે કે, “બગડેલી ઘડિયાળમાંથી પણ આપણે ગુણ જ લેવો કે 24 કલાકમાં બે વાર તો સાચો સમય બતાવે છે.”

ગુણ એટલે Positivity – હકારાત્મકતા અને અવગુણ એટલે Nagativity – નકારાત્મકતા. જેમ જેમ અન્યના ગુણોનું મનન થાય, ગુણ લેવાય તેટલી આપણા જીવનમાં Positivity કેળવાતી જાય.

અન્યના ગુણો લેવાથી સ્વજીવનમાં થતા લાભ :

1. એ ગુણ આપણામાં આવે :

સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે કે, “ભગવાનના ભક્તના ગુણ સંભારીને ગાઈએ, ત્યારે એ ગુણ આપણામાં આવે.” કારણ કે જે ગુણ ગવાય તેનું મનન થાય. એ ગુણથી જીવનમાં કેવા ફાયદા થાય, ન હોય તો કેવું નુકસાન થાય તેનો ખ્યાલ આવે. તેથી તે ગુણ આપણામાં કેળવવાનો આગ્રહ જાગે. આ ઉપરાંત, કોઈના ગુણ આપણા માનસરૂપી કેમેરામાં ક્લિપ થઈ જાય તો એ પ્રમાણે જ કરવા આપણે આપમેળે ખેંચાઈએ. જેમ નાનું બાળક હોય તે માતાપિતાના સારા ગુણ જુએ તો તેવું કરવા ટેવાય અને સ્કૂલમાં કે શેરીમાં તેની સમકક્ષ બાળકોમાં કોઈ કુટેવ કે અવગુણ જુએ તો તેવું કરવા પ્રેરાય છે. માટે અન્યના ગુણ જોવા... તો મહારાજ કૃપા કરી એ ગુણની પ્રસાદી આપણને આપે.

2. જેનો ગુણ જોઈએ તેનો મહિમા સમજાય :

પોતા થકી અન્ય સામેની વ્યક્તિ કંઈક અધિક છે, મારા કરતાં કંઈક વિશેષ સારી છે એવો સ્વીકાર થાય ત્યારે સામેની વ્યક્તિનો ગુણ આપણને દેખાય છે. એ વ્યક્તિના ગુણને જોઈ તેમને વિષે અહોભાવ, આદર જન્મે છે. આપણા માનસસ્તરમાં તે વ્યક્તિ માટેનું મૂલ્યાંકન સાધારણ કરતાં કંઈક ઊંચું થઈ જાય છે. પછી જ્યારે જ્યારે તેમને જોઈએ કે મળીએ ત્યારે કંઈક વિશેષ આનંદ અનુભવાય, તેમનો મહિમા સમજાય છે.

3. અંતરે સુખ, શાંતિ, આનંદ વર્તે :

અન્યના ગુણોનાં દર્શનથી મહિમાનું પ્રગટીકરણ થાય છે. જ્યાં મહિમા પ્રગટે ત્યાં ઈર્ષ્યા, આંટી, પૂર્વાગ્રહ, પારકા-પરાયાપણું, સંકુચિતતા વગેરે દૂર થઈ જાય છે. પછી ઉદ્વેગ, અશાંતિ, વ્યથા, દુઃખનું અસ્તિત્વ જ નથી રહેતું. સર્વત્ર આનંદની સુવાસ પ્રસરી જાય છે. અંતરમાં કોઈને વિષે ડાઘ કે ડંશ ન રહેતાં હળવાફૂલ જેવા થઈ જવાય. અંતરે નિરંતર સુખ, શાંતિ અને આનંદ વર્તે. ગુણદર્શન એ સદાય આનંદમાં રહેવા માટેનો જાદુઈ ઇલાજ છે.

4. ઉત્સાહ, ઉમંગ, એકતા વધે :

ગુણોનાં દર્શનથી આપણા જીવનમાં એવા ઉત્કૃષ્ટ ગુણ કેળવવાની પ્રેરણા મળે છે. દિશાહીન થયેલ વ્યક્તિને નવી દિશા મળે છે. માત્ર ગુણોની તારીફ કરવાથી કોઈ અનુભવ ન થાય. ગુણ જોઈ, પ્રેરણા લીધા પછી તેને સ્વજીવનમાં લક્ષ્યાર્થ કરવાથી આપણી કાર્ય કરવાની શક્તિ, ઉત્સાહ બેવડાય છે. જેનો ગુણ જોયો તેની સાથે આપણી બોલવાની, રહેવાની, વર્તવાની બધી જ વર્તણૂક બદલાઈ જાય છે. એકબીજા પ્રત્યે આદર-મર્યાદા રહે છે. વિવેકી વર્તણૂક બનતાં એકબીજા વચ્ચે સુહૃદતાનો સેતુ બંધાય છે. એકબીજા પ્રત્યેના વ્યવહારો કોઈ પ્રકારની આંટીઘૂટી વગર સુવ્યવસ્થિપણે થાય છે. એકબીજા સાથે મળી કાર્ય કરવાથી સંઘભાવના કેળવાય છે. એકતાભર્યું સુંદર વાતાવરણ સર્જાય છે.

વ્યક્તિનો બાહ્ય દેખાવ તેનાં બાહ્ય રૂપ, પોશાક, આભૂષણથી શોભે છે પરંતુ તેનો આંતરિક દેખાવ તેની અંદર રહેલા ગુણોથી જ શોભે છે. સુહૃદપણું, સરળતા, દયા, માનવતા, પારદર્શકતા, સત્યવાદીપણું, નીડરતા, સાહસિકતા, ગુણગ્રાહક દૃષ્ટિ જેવા અનેક સદગુણોથી આંતરિક સૌંદર્ય શોભી ઊઠે છે. ગુણસભર વ્યક્તિત્વ ધરાવનાર સમાજમાં કે સત્સંગમાં બધાથી અલગ તરી આવે છે. કોઈને તેમના પ્રત્યે આકર્ષવા નથી પડતા. આપમેળે તેમના ગુણોથી આકર્ષાય છે. સૌ માટે સન્માનનીય અને આદરણીય બની રહે છે. એવી વ્યક્તિ અવરભાવમાં હોય ત્યારે સૌ યાદ કરતા જ હોય પરંતુ તેના ગયા પછી પણ સૌ તેના ગુણને લઈને સંભારે છે. ગુણનો મહિમા જાણવા છતાં પણ ક્યાંક આપણે આપણા સ્વજીવનમાં તે ગુણ લઈ નથી શકતા એવું પણ ક્યાંક બનતું હોય છે. તો એ ગુણો જોવા, લેવા અને સ્વજીવનમાં ચરિતાર્થ કરવા શું કરવું ?

આપણા સ્વજીવનમાં ગુણ આવવાના ઉપાય :

1. અન્યના ગુણસભર પ્રસંગોનું મનન કરવું :

બહુધા આપણે એકલા બેઠા હોઈએ ત્યારે શું વિચારતા હોઈએ છીએ તેનો જ ખ્યાલ નથી હોતો. છતાંય જો સૂક્ષ્મ અવલોકન કરીએ તો આપણને બહુધા અન્ય વ્યક્તિના અવગુણોનું જ વિશેષ મનન થતું હોય છે. કોઈ પ્રસંગ કે વાત બની ગઈ હોય તેમાં સામેની વ્યક્તિનો ક્યાં વાંક કે દોષ છે ? તેની શું ભૂલ છે ? હવે ફરી વાર કંઈ થાય તો આવી રીતે સામે જવાબ આપવો – આવા તો ઘણાબધા તે વ્યક્તિના અવગુણનું-દોષનું જ સતત મનન થતું હોય છે. પરિણામે તે પાકું થઈ જાય છે. એવી જ રીતે જો કોઈ વ્યક્તિના સારા ગુણનું સતત મનન કરીએ તો આપણો અવગુણ ટળી જાય અને ગુણો આવે છે. કોઈ પ્રસંગે અન્ય વ્યક્તિએ સરળતા, સહનશીલતા રાખી હોય અને જો તે ગુણનું, પ્રસંગનું વારંવાર મનન કરીએ અને ખટકો રાખીએ તો સમયે તે ગુણ આપમેળે આપણામાં દૃઢ થઈ જાય.

2. ગુણ ગ્રહણ કરવાની ટેવ પાડીએ :

બાપાશ્રીએ પહેલા ભાગની 38મી વાતમાં કહ્યું છે કે, “સો જણની પાસે ગુજરાતી પાશેર પાશેર ભાર હોય તે કોઈને જણાય નહિ પણ એ સર્વે ભાર એકની પાસે આવે તો ભારે થઈ પડે. તેમ સો જણનો અકેકો અવગુણ લે તો સો અવગુણ આવે અને અકેકો ગુણ લે તો સો ગુણ આવે માટે સર્વે સંત-હરિજનોના ગુણ લેવા. દેહસ્વભાવ જોઈને અવગુણ લેવા નહીં.”

દિવસ દરમ્યાન સજીવ કે નિર્જીવ જે કંઈ પણ દૃષ્ટિમાં આવે તો તેમાંથી એક એક ગુણ લેવો જ  એવી ટેવ પાડી દેવી તો આપણામાં ગુણોનો ઢગલો થઈ જાય. જેમ કે કોઈ વ્યક્તિનો ગુણ ન દેખાય તો પંખાનો પણ ગુણ લેવો કે, પોતે સતત ફરતો રહી બધાને કેવી ઠંડક આપે છે ! નાના-મોટા સૌ કોઈની આજ્ઞા અધ્ધર ઝીલે છે. શિયાળામાં કોઈ બોલાવતું નથી છતાં તેને અપમાન નથી લાગતું. ઉનાળામાં સૌની સેવામાં તૈયાર જ હોય છે. આવી રીતે સૌનો ગુણ ગ્રહણ કરવાની ટેવ પાડી દેવી. એટલે જ કહ્યું છે કે,

“ગુણો સૌના જોયા કરવા તો ગુણો આપણામાં આવે,

ઈર્ષ્યા, આંટી, પૂર્વાગ્રહ ને ઉદ્વેગ સર્વે ભાગી જાવે.”

3. ભેગા મળી ગુણાનુવાદ કરવા :

સદાય સુખિયા રહેવાનો એક જ ઉપાય – મહિમાગાન અને ગુણાનુવાદ. કદાચ કોઈના ગુણ જોઈ તો શકાય પરંતુ તેને ગાવા એ બહુ ઊંચી ભૂમિકા છે. કારણ, ગુણ ગાતાં પહેલાં તેનું સતત મનન થતું હોય છે. ઘરે ઘરસભામાં કે ઠાકોરજી જમાડવા બેસીએ ત્યારે પરિવારના સૌ સભ્યો ભેગા થયા હોઈએ ત્યારે ગુણાનુવાદ કરવા. પ.પૂ. સ્વામીશ્રીએ અરસપરસ આત્મીયતા સર્જાય અને અન્યના ગુણને આપણામાં ગ્રહણ કરી શકીએ તે માટે જમાડતી વખતે ગુણાનુવાદ કરવાની સમગ્ર સત્સંગ સમાજને આજ્ઞા કરી છે. ગુણાનુવાદ સાથે જમાડવાથી આપણા વિચારોમાં Positivity – હકારાત્મકતા આવે છે.

4. ગુણગ્રાહક દૃષ્ટિવાળાનો જ સંગ :

‘સંગ તેવો રંગ.’ અવગુણ લેવાની જ જેને ટેવ પડી ગઈ હોય તેવાનો જ જો સંગ કરીએ તો આપણામાં અવગુણ ઘાલે અને જેની સદાય ગુણ જ જોવાની દૃષ્ટિ હોય તેનો સંગ કરીએ તો આપણને ગુણ આપે. તેના બોલવામાંથી, જોવામાંથી, સેવામાંથી દરેક ક્રિયામાંથી આપણે ગુણ કેવી રીતે ગ્રહણ કરવો તેની નવી દિશા મળે, નવા વિચારો મળે. જેનામાં સાત્વિક ગુણો વિશેષ હોય અને પોતાના જ ગુણ છતા કરવા પ્રયત્ન કરતા હોય તેનો પણ સંગ ન કરવો કારણ કે સત્વગુણીને પોતાના જ ગુણો વિશેષ દેખાય એટલે બીજાના અવગુણ દેખાય જ. કારણ કે સત્ત્વગુણી ના વિચારો ઘર્ષણમાંથી ઉત્પન્ન થતી વીજળી એટલે જ અવગુણ. માટે માત્ર ગુણગ્રાહક દૃષ્ટિ હોય અને નિરહંકારીપણે વર્તતા હોય તેવાનો સંગ સદાય સુખી કરે.

ગુણ અને અવગુણ આપણા જીવનમાં આવતાં સુખ-દુઃખ માટેનું મહત્ત્વનું જવાબદાર કારણ છે. પરંતુ ગુણ લેવો કે અવગુણ તે આપણા હાથની જ વાત છે ત્યારે આપણા હાથે જ આપણા પગ ઉપર અવગુણરૂપી કુહાડો ન મારતાં સદાય  ગુણગ્રાહક બની મહારાજ અને મોટાપુરુષના અંતરના રાજીપાના પાત્ર એવા દિવ્યજીવનના રાહી બનીએ એ જ અભ્યર્થના...

ગુણ લેવાથી ગુણોસભર બનાય તો ચાલો... ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવવાના ઉપાયો સ્વજીવનમાં દૃઢ કરીએ. ગુણગ્રાહક બનીએ. પરંતુ જ્યાં સુધી દેહભાવ છે અને સ્વભાવને આધિન થઈને વર્તાય છે. ત્યાં સુધી સુખ શકય નથી. તો કેવા સ્વભાવ કઈ રીતે વિઘ્ન રૃપ છે. તે જોઈશું આવતા અંકે...