સુખ-દુઃખનું મૂળ - માન-અપમાન-૨

  July 19, 2016

માનને લીધે સર્જાતા આવા આધાત-પ્રત્યાધાતોના પરિણામે ઘર-ઘર અને પરિવાર-પરિવાર વચ્ચે આત્મીયતાનું ખંડન થાય છે. માબાપ જ્યારે બે દીકરા વચ્ચે સંપત્તિના ભાગ પાડે ત્યારે નાના ભાઈ કરતાં મોટા ભાઈને ઓછી મિલકત આપવામાં આવે ત્યારે મોટા ભાઈના પેટમાં ઊનું સીસું રેડાય છે. પોતાની ઇચ્છા ન સંતોષાતાં અપમાનની લાગણી અનુભવે છે પરિણામે આત્મીયતાનું ખંડન થાય છે. માનને લીધે અન્યના તથા પોતાના જ પરિવારના સભ્યોના વખાણ ખુલ્લા મને ન કરી શકે અને પોતાના જ ગુણોની ગાથા ગાયા કરે. પરંતુ ‘આપ કા જાયા આપકું ખાયા’ કહેવત પ્રમાણે પોતાના ગુણોનું માન જ પોતાના ગુણોને ખાઈ જાય છે. વળી જેમ ચા સ્વાદમાં તો સરસ લાગે છે પરંતુ તેમાં રહેલા કેફીન દ્રવ્યને કારણે ધીમે ધીમે તે શરીરને નુકસાન કરે છે. તેમ જીવ-પ્રાણીમાત્રને માનમાંથી તો ખૂબ સ્વાદ આવે છે. પરંતુ જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ પોતાના ગુણોના માનથી સ્વજીવનની પ્રગતિ રૃંધાઈ જાય છે જેની જાણ સમયાંતરે થાય છે.

ધોરણ ૧૨માં ભણતા એક વિદ્યાર્થીને ધોરણ ૧૦માં બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર આવેલો. આ વિદ્યાર્થીને પોતાની આવડત-બુદ્ધિનું માન આવી ગયું. તેને થયું કે મારી યાદશક્તિ ખૂબ જ સારી છે માટે હવે મારે વાંચવાની જરૂર જ નથી. અંતે તેણે પુરુષાર્થ કરવાનું સદંતર છોડી દીધું. આ વિદ્યાર્થીને ધોરણ ૧૨માં બૉર્ડનું રિઝલ્ટ સાંભળવા મળ્યું કે તે બે વિષયમાં નાપાસ થયો છે. માતાપિતા તરફથી ઠપકો મળશે એની બીકથી આત્મહત્યાનું પગલું ભર્યું અને કીમતી જીવનને ગુમાવી દીધું. આમ, પોતાના જ ગુણોના માને પોતાની પ્રગતિ રૂંધી નાખી.

સૌને પ્રશંસા પસંદ છે, રોકણી-ટોકણી નહીં. અને જ્યારે રોકણી-ટોકણી થાય ત્યારે વ્યક્તિ ઉદાસ થઈ જાય છે. પરંતુ સદ્. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, “વખાણે ને રાજી થાય તે ગાંડો ને વઢે ને રાજી થાય તે ડાહ્યો.” પરંતુ આપણા માનને કારણે અન્ય વ્યક્તિ આપણને વઢી જ ન શકે તો માન વધતું જાય અને દેહાધ્યાસની દીવાલ વધુ ને વધુ જાડી થતી જાય.

એક હરિભક્ત સત્સંગમાં આવ્યા ત્યારે સંતો તેમને આગળ બેસાડે, માન-સન્માન આપે પરંતુ થોડા જૂના થયા પછી સંતોને થયું હવે એમને સાચવવાના ન હોય. આવા વિચારથી માન-સન્માન આપવાનું ઓછું કરી દીધું. આ હરિભક્ત સભામાં આવે ત્યારે સંતો તેમને આગળ બેસવાનું ન કહે, પૂજનમાં નામ ન બોલે; પરિણામે હરિભક્તને ખોટું લાગ્યું. તેઓ પ.પૂ. સ્વામીશ્રી પાસે ગયા ને ફરિયાદ કરી. ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ તેમને કહ્યું કે, “આપણે સત્સંગમાં માન વધારવા આવીએ છીએ કે માન ઘટાડવા?” ત્યારે તે હરિભક્ત લજ્જા, શરમ-સંકોચ અનુભવતાં બોલ્યા, “સ્વામી, માન ઘટાડવા.” ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “તો દયાળુ, આ સંતો તમારું માન ઘટાડવા તમને મદદરૂપ થાય છે તો તમારે તેમનો અભાર માનવો જોઈએ.” પ.પૂ. સ્વામીશ્રીની વાત સાંભળી હરિભક્તને પાછી વૃત્તિ થઈ ને પોતાની ભૂલ સમજાઈ.

સંસાર એ દ્વિપક્ષીય માળખું છે. જેમ અન્ય વ્યક્તિઓ આપણી સાથે વ્યવહાર કરે છે તેમ આપણે પણ અન્યની સાથે વ્યવહાર કરીએ છીએ. જો આપણને અહોનિશ માનની ભૂખ વર્તતી હોય તો સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિ પણ માન મેળવવાની ઇચ્છા આપણી પાસે સેવે જ. પરંતુ માનવસહજ સ્વભાવ છે કે તે સારી વસ્તુ આપવામાં નહિ પરંતુ લેવામાં જ સમજ્યો છે. જેમ આપણને અપમાન કડવી દવા જેવું લાગે છે તો સ્વાભાવિક છે કે સામેની વ્યક્તિને પણ તે કડવી દવા જ લાગે. છતાં, સમય આવ્યે આપણે સામેની વ્યક્તિને અપમાનિત કરી નાખતા હોઈએ છીએ. અન્યનું અપમાન કરવાની આપણને આદત પડી ગઈ હોય છે. જેમ કે, કોઈ વ્યક્તિને બધાની વચ્ચે જાહેરમાં ઉતારી પાડીએ, જાહેરમાં ઠપકો આપીએ, ધમકાવીએ, ઊંચા અવાજે બોલીએ, સો જણની વચ્ચે અલ્પ સરીખી ભૂલનું વિશાળ સ્વરૂપ ધારણ કરી ભૂલ બતાવીએ, વાતનું વતેસર કરી નાખીએ, આ અપમાન કર્યાની જ નિશાની છે.

પોતાની ઉપર સંતો-હરિભક્તો કે નાનામાં નાના હરિભક્ત સેવાસોંપણી કરે ત્યારે ધડ દઈને સેવા કરવાની ચોખ્ખી ના પાડી દઈએ. આમ, અન્યનો મોભો જાળવ્યા વિના તેમનું અપમાન કરી નાખતા હોઈએ છીએ. પરિણામે સામેની વ્યક્તિએ સેવેલી અપેક્ષાને ઉપેક્ષામાં પરિવર્તિત કરી નાખીએ છીએ.

કોઈ વ્યક્તિએ સારું કાર્ય કર્યું હોય ત્યારે તે વ્યક્તિના કાર્યને બિરદાવવાને બદલે કટાક્ષમાં બોલીને તેને ઉતારી પાડવી, આપણાથી નાના-મોટા સભ્યોને તુંકારે બોલાવવા તે પણ અન્ય માટે અપમાનજનક વર્તન છે. દરેકમાં ક્યાંક વિશિષ્ટ આવડત, ગુણ, વિચાર ગર્ભિત સ્થાને રહેલા હોય છે. આથી, કોઈ પણ કાર્યની શરૂઆતમાં પોતાની સમિતિના સભ્યોનું સજેશન લઈ કાર્ય કરવું તે આદર્શ વ્યક્તિત્વની ઓળખ છે. પરંતુ, માનના કારણે વ્યક્તિ પોતાના નિર્ણયો, વિચારોને સર્વશ્રેષ્ઠ માને છે જેથી અન્ય વ્યક્તિના સૂચનની અવગણના કરે છે.

કોઈ આપણને પ્રશ્ન પૂછે કે કંઈ વાત કરે ત્યારે આપણે સાંભળતા હોઈએ છતાં સામે પ્રત્યુત્તર ન આપીએ, ગંભીર વાતને પણ હસી કાઢીએ વગેરેથી સામેની વ્યક્તિને અપમાનની લાગણી અનુભવાય છે. ઓછી આવડતવાળી વ્યક્તિને નાની નાની ભૂલ બતાવીને તેને રોકટોક કરીએ, ટોર્ચરિંગ કરીએ, મશ્કરી કરીએ જેનાથી તે વ્યક્તિ લધુતાગ્રંથિની ભોગી બને છે. નર્યા માનથી ભરેલી વ્યક્તિ વાત વાતમાં પોતાના ગુણોની, આવડતની મહત્તા બહુ સરળતાથી અન્યને કહી દે, પોતે કરેલાં કાર્યોની જાણ કર્યા વગર રહી જ ન શકે તે પણ માનની જ પેદાશ છે. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ પોતે કરેલાં કર્યોની જાણ કરે ને છતાં તેની કદર, વાહવાહ કરવામાં ન આવે તો વ્યક્તિ દુઃખી થઈ જાય છે. આમ, અન્યની સામે પોતાની મહત્તા, ગાથા વારંવાર ગાઈને અન્યને ન્યૂન સાબિત કરવાનો પ્રયત્ન તે પણ અન્યનું અપમાન કર્યું કહેવાય.

અત્રે જણાવ્યા મુજબ અન્યનું અપમાન કરવાથી સાંસારિક જીવનમાં ઝઘડા-કંકાસનું વાતાવરણ ઊભું થાય છે. વ્યક્તિ આવેશમાં આવે ત્યારે શું બોલી રહી છે તેની પોતાને જાણ હોતી નથી. પરિણામે સામેની વ્યક્તિનું અપમાન કરી બેસે છે. સામેની વ્યક્તિને પણ પોતાનો ઇગો, સ્વમાન, સ્ટેટસ હોય છે ને તે ન જળવાય ત્યારે તે અઘટિત પગલાં ભરી બેસે છે. જેમ કે, સાસરી પક્ષ તરફથી વહુનું અપમાન થતાં છૂટાછેડાના, આત્મહત્યાના પ્રશ્નો સર્જાય છે. એક ભાઈ આવેશમાં આવીને પોતાની પત્નીને બોલી ગયા કે, “તું કૂવામાં પડી મરી જા તો સારું.” આ સાંભળીને તેમનાં પત્ની ખરેખર કૂવામાં જઈને પડી ગયાં. આમ, અન્યના માન-અપમાનથી કામચલાઉ આનંદ પ્રાપ્ત થાય પરંતુ સમય જતા પશ્ચાત્તાપ જ વહોરવો પડે છે. અન્યના અપમાનથી એકબીજાનો સ્વીકાર ન થાય, અબોલા લેવાય, રિસ્પેક્ટ ન જળવાય, એકબીજાને સામે મળીએ ત્યારે ઘૃણા, તિરસ્કારની નજરે જોવાય, કોર્ટ-કચેરીના ધક્કા થાય, મારામારી થતાં શારીરિક ઈજા થાય પરિણામે હૉસ્પિટલનાં પગથિયાં ગણવાં પડે.

સંસાર-વ્યવહારમાં મોટી પદવી હોય ને તે જો તેમના દ્વારા અપમાન થાય, યોગ્ય વર્તાવ ના થાય, પ્રતિષ્ઠાને લાંછન લાગે અને લોકો દ્વારા શબ્દો પણ સાંભળવા મળે કે, “વાતો તો મોટી મોટી કરે છે ને સ્ટેટસ પ્રમાણે વર્તન તો છે નહિ, કોની જોડે કેવો વર્તાવ કરવો તેનો તો વિવેક નથી.” આવી રીતે ધીમે ધીમે બધાના માનસમાંથી સજ્જન વ્યક્તિ તરીકેની છાપ ભૂંસાતી જાય છે.

આમ, માન–સન્માનને લીધે અનેક પ્રશ્નોની અને મૂંઝવણોની તથા દુઃખોની હારમાળા સર્જાય છે. પરંતુ જો એ જ માન-સન્માનનાં દ્વન્દ્વોથી નિર્લેપ રહેવાય તો સદાય સુખી રહી શકાય. માટે માન-સન્માનનાં દ્વન્દ્વોથી પર થવા નીચેના વિચારો કરી શકાય.

માનથી રહિત થયાના ઉપાયો નીચે મુજબ છે:

(૧) જ્યારે કોઈના તરફથી માન મળે ત્યારે મહારાજના કર્તાપણાનો વિચાર કરવો કે મહારાજ મારી કસોટી કરે છે. હું માનમાં લેવાઈ જતો તો નથી ને ! વળી, માન ટાળવા એવી સમજણ દ્રઢ કરવી કે, માન-સન્માન મળે છે તે મહારાજને મળે છે. તેના ધણી આપણે ન થઈ જવું. જેમ સોનાનો મુગટ રાજાના શિરે જ શોભે, ભિખારીને ન શોભે તેમ માન-સન્માન તે ભગવાન સ્વામિનારાયણને જ શોભે. સદ્. ગોપાળાનંદ સ્વામીએ ૪૨૦મી. વાર્તામાં માન ટાળવાનો ઉપાય જણાવ્યો છે કે, “પોતાને સત્તારૂપ (મૂર્તિરૂપ) સમજે ને પોતે ભગવાન કે સત્પુરુષ આગળ તો અતિશય હળવો વર્તે અને પોતાને વિષે જે કાંઈક ગુણ હોય, તે તો જેમ કોઈના વસ્ત્ર-આભૂષણ માગી લાવીને પહેર્યાં હોય, તેમ મોટાપુરુષના કે ભગવાનના છે એમ સમજે તો માન ટળે.”

(૨) જો પોતાની ન્યૂનતા અને અન્યની મોટપનો વિચાર વર્તે તો માનથી રહિત થઈ શકાય. ‘હું કંઈક છું’ આ ખ્યાલમાંથી માનની ઉત્પત્તિ થાય છે. સત્સંગમાં આવીને પણ હું કંઈક છું આવું વર્ત્યા કરે તે મોટામાં મોટો કુસંગી છે. સત્સંગમાં આવીને જે દાસનોય દાસ થાય તે ખાટી જાય, અતિશય રાજીપાનો પાત્ર થઈ જાય. અહમશૂન્ય અવસ્થા એ જ સત્સંગની ફલશ્રુતિ છે. હું સર્વેથી ન્યૂન છું, નાનો છું, અણસમજુ છું ને બીજા મારા કરતાં વધુ સમજુ છે, મોટા છે ને અનુભવી છે આવું મનાય ત્યારે સૌની આગળ માન મૂકીને વર્તી શકાય.

સદ્. ગોપાળાનંદ સ્વામી વાર્તા ૪૧૬માં માન ટળ્યાનો ઉપાય બતાવે છે કે, “શતાનંદમુનિ ને સ્વરૂપાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તથા હરિભક્ત પર્વતભાઈ... એમના જેવી સામર્થી મારામાં કેટલી છે, જે હું માન રાખું ? એમ વિચારે તો માન રહે નહીં.” આમ, પોતાની ન્યૂનતા ના વિચારે કરી માન ટળે.

(૩) ‘દેહ નહિ હું મુક્ત અનાદિ’ – પોતાના આ સાચા સ્વરૂપના ખ્યાલમાં રહેવાય તોપણ માનથી રહિત થઈ શકાય. જેમ કોડી કે રમકડું આપણને આપે તો તેનો આપણે સહેજે અસ્વીકાર કરીશું કારણ કે આપણને નક્કી છે કે તે મારા માટે નથી; બાળક માટે છે. તેમ નિરંતર વિચાર રાખવો કે હું જગતનો જીવ નથી. હું મહારાજનો અનાદિમુક્ત છું. વખાણ-પ્રશંસા, માન-સન્માન મારા માટે નથી. મહારાજની મૂર્તિનું સુખ તે મારા માટે છે. જેમ અન્યના ઘરે ગાડી આવવાથી આપણે આનંદમાં નથી આવી જતા તેમ દેહને સન્માન મળે તો આનંદિત ન થવું જોઈએ. મૂર્તિનું શાશ્વત સુખ મૂકીને માનરૂપી ક્ષણિક સુખને હું શા માટે સુખ માનું છું ? આ વિચાર રાખવો. અપમાન પચાવવું સહેલું છે પરંતુ માન પચાવવું અઘરું છે ને જો આ પચાવતાં આવડી ગયું તો તે આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા છે. પોતાના સાચા સ્વરૂપનો ખ્યાલ વર્તે તો માન-અપમાન બંનેમાં સમ સ્થિતિ વર્તે જેને સ્થિતપ્રજ્ઞતા કહેવાય.

આપણા થકી અન્યનું અપમાન ન થઈ જાય, અન્ય દુભાઈ ન જાય તેનું જાણપણું રાખવું પણ ખૂબ અગત્યનું છે. નીચેના ઉપાયો અપનાવીએ તો અન્યનું અપમાન ન થઈ જાય તેનો નિરંતર ખ્યાલ રાખી શકીએ.

(૧) સમુહજીવનમાં અન્યને સમજવાની, સ્વીકારવાની, અનુસરવાની ભાવના કેળવીએ તો અન્યનું અપમાન થવાના સંજોગો જ ઊભા થતા નથી. સંસાર એટલે વ્યક્તિઓનો સમૂહ જેમાં એકથી વધુ વ્યક્તિઓ સાથે વારંવાર કામ લેવાનું થાય ત્યારે એકબીજાની વિચારસરણી, રીતરસમ, માનનીતા બધું જ અલગ અલગ હોય બે સ્વાભાવિક છે. આપણી માનીનતાને કોઈ ન અનુસરે ત્યારે આપણે અન્યનું અપમાન કરી નાખતા હોઈએ છીએ. આવા સંજોગોમાં આપણી માનીનતાને છોડી અન્યની માનીનતાનો સ્વીકાર હસતે મુખે કરી લઈએ તો અન્યનું અપમાન ન થાય. માટે આપણા આગ્રહમાં વર્તાવવાનો દુરાગ્રહ અન્ય પાસે ન રાખીએ અને સૌની આગળ સરળ થઈ જઈએ તો અન્યનું અપમાન થાય એવી પરિસ્થિતિનું સર્જન જ ન થાય. વળી, કોઈ પણ પ્રસંગ બને તો અન્યની ઉપર સીધા તૂટી ન પડતાં ધીરજતાથી વાતને સમજી ખુલાસો લાવવો તો અન્યનું અપમાન કરવાથી આપણે બચી શકીશું.

(૨) જો સૌમાં મહારાજનાં દર્શન થાય તો અન્યનું અપમાન કરતાં ભય વર્તે. કારણ સત્સંગના દરેક સભ્યને મહારાજના વ્યતિરેક સ્વરૂપનો સંબંધ છે. સૌ સંતો-ભક્તો તથા ઘરના સભ્યોમાં મહારાજના વ્યતિરેક સ્વરૃપનો સંબંધ છે. સૌ સંતો-ભક્તો તથા ઘરના સભ્યોમાં મહારાજનું અપમાન કર્યા બરાબર પાપ લાગે. આ વિચાર વર્તે તો રખેને મારાથી કોઈનું અપમાન ન થઈ જાય તેની જાગૃતિમાં રહેવાય.

પ.પૂ. સ્વામીશ્રી પોતાના જીવન પર વાત લઈ આપણને શીખવતાં જણાવે છે કે, “મને જેવી વાઘ-સિંહની બીક ન લાગે તેવી મોટાપુરુષ અને સંતો-ભક્તોને દુભવ્યાની બીક લાગે. કારણ સત્સંગના નાનામાં નાના બાળકને દુભાવી નાખું તો હું રડી પડું. મારી સર્વસ્વ મિલકત લૂંટાઈ ગઈ હોય એટલો દુઃખી થઈ જાવ કે અરર ! મારા મહારાજ દુભાઈ ગયા.”  આમ, જો સર્વેમાં મહારાજનાં દર્શન થાય તો તેમનું અપમાન કરતાં નિરંતર ભય વર્તે.

સમૂહજીવનમાં જ્યાં જ્યાં માન-અપમાનની પરિસ્થિતિ સર્જાય ત્યાં ત્યાં દુઃખી ન થઈ જતા તેનાથી અલિપ્ત રહેવાના પ્રયત્નો કરીએ. માન ટાળવા નિરંતર મહારાજને, બાપને તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરવી કે, “દયાળુ, મારામાં રહેલા અજાતશત્રુરૂપી માનને કૃપા કરી ટાળજો.” સમૂહજીવનમાં સુખિયા રહેવા અન્યને માન આપીએ અને પોતાનું માન ટાળીએ તો સુખના સાગરમાં ગરકાવ થઈ જવાશે.

“દુઃખ પડે દિલગીર ન થવું, સુખ મળે હરખાઈ ન જાવું;

સદાય હિંમત હૈયેથી નવ હારીએ રે.”

આમ, માન મળતાં હરખાઈ ન જઈએ ને અપમાન મળતાં દુઃખી ન થઈ જઈએ તો સદાય સુખ સુખના ફૂવારા છૂટે.

માન શત્રુથી રહિત થઈએ પરંતુ હજુ જ્યાં સુધી બીજાની ક્રિયા પ્રક્રિયા જોવાની અને ગુણ અવગુણ લેવાનો સ્વભાવ રહેશે ત્યાં સુધી સુખ નહિ આવે અવગુણ લેવાની દૃષ્ટિ કઈ રીતે દુ:ખ રૃપ નિવડે છે. તે જોઈશું આવતા અંકે...