સુખ દુઃખનું મૂળ - સમજણ - ૧

  June 5, 2016

સંસાર એ ચીકણા કાદવ જેવો છે જેમાં ખૂંપવું અઘરું નથી, પરંતુ સહીસલામત રીતે બહાર નીકળવું ઘણું અઘરું છે. કારણ કે જીવાત્મા હું, મારું, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષ્યારૂપી કાદવમાં એવો તો ફસાઈ ગયો છે કે તે જેમ જેમ એમાંથી નીકળવા માટે પ્રયત્ન કરે છે તેમ તેમ વધુ ને વધુ ઊંડો ને ઊંડો ખૂંપતો જાય છે. પરિણામે સુખ માટે વલખાં મારવા છતાં ફળ સ્વરૂપે દુઃખ, દુઃખ ને દુઃખ જ મળે છે.

કમળ કાદવની વચ્ચે જ રહેવા છતાં તેનાથી નિર્લેપ રહે છે તો ખીલી શકે છે. તેમ અવરભાવમાં સંસારમાં રહેવા છતાં જીવનમાં સમજણ કેળવીએ તો સંસારના કાદવથી નિર્લેપ રહી સુખી થઈ શકાય. સાંસારિક જીવનમાં આવતાં સુખ-દુઃખમાં બહુધા આપણી સમજણ જ પાયારૂપ બનતી હોય છે.

સમજણ એટલે કોઈ પણ બાબત, પરિસ્થિતિ, સંજોગ અને વ્યક્તિ પરત્વેની આપણી સૂઝ, જ્ઞાન કે નક્કી કરેલી કોઈ વિચારધારા. જે સકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ હોઈ શકે છે.

સકારાત્મક સમજણ એટલે કે કોઈ પણ સંજોગ, પરિસ્થિતિ સર્જાય તેમાં સવળી વિચારધારા કેળવવી. સ્થિતિ-પરિસ્થિતિ તો જે હોય તે જ રહેવાની છે; આપણે તેને બદલી શકતા નથી. પરંતુ બદલી શકીએ છીએ માત્ર આપણી વિચારધારાને. આવનાર મુશ્કેલીમાં દુઃખના વિચાર કરવાને બદલે તેમાંથી યોગ્ય રસ્તો શોધી સવળો વિચાર કરવો કે આ મારા ઘડતર માટે હશે. ભવિષ્યમાં આનાથી વધુ દુઃખ આવવાનું હશે તેના કરતાં મહારાજે કૃપા કરી ઓછું આપ્યું હશે. આમાં પણ મારું હિત જ હશે એવો સવળો વિચાર કરવો તો સુખી થવાય. પરંતુ એવા સમયમાં તેના માટે નકારાત્મક વિચારો કરીએ તથા કારણ શોધવા પ્રયત્ન કરીએ અથવા હજુ તેનાથી વધારે દુઃખ કે વિપરીત સંજોગો આવશે તો શું થશે ? ભવિષ્યની નાહકની ચિંતા કર્યા કરીએ તેને અવળી સમજણ કહેવાય જે આપણું અજ્ઞાન છે અને એ અજ્ઞાન હંમેશાં દુઃખી જ કરે છે.

સવળી સમજણ જ હંમેશાં સુખકર હોવાથી આધ્યાત્મિક માર્ગમાં તેને જ સમજણ કહેવાય છે. જ્યારે નકારાત્મક સમજણને સમજણ ન કહેતાં અજ્ઞાન કહેવાય છે ! એટલે કે સમજણ એ જ સુખ છે અને અજ્ઞાન એ જ દુઃખ છે.

સમજણે યુક્ત વિચારધારા એ જ સુખની ચાવી છે ત્યારે આપણા જીવનમાં દરેક ક્ષેત્રે જુદી જુદી સમજણ રાખવાની હોય છે. તો શું એમાં માત્ર જે તે ક્ષેત્રની જાણકારી તથા તેની માહિતીથી માહિતગાર હોવું તે જ સમજણ ? ના... ના... ના... જાણેલા જ્ઞાનનો સમયે ઉપયોગ કરવો એનું નામ સમજણ. જેમ કે, આપણે જાણીએ છીએ કે સત્સંગીમાત્રથી અપશબ્દ ન બોલાય, ખોટું ન બોલાય; પરંતુ સમય આવ્યે અપશબ્દ ન બોલાય કે ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ ખોટું ન બોલાય તો તે સમજ્યા કહેવાય. નહિ તો માત્ર જાણકારી જ કહેવાય.

સમજણ એ માત્ર જ્ઞાનલક્ષી નહિ, પરંતુ વર્તનલક્ષી બાબત છે. એટલે કે આપણે જ્ઞાનબુદ્ધિના યોગે જીવનમાં જાણીએ તો છીએ ઘણુંબધું પરંતુ તેનું ફળ શું ? કશું જ નહીં. તેનું ફળ એ જ છે કે જેટલું જાણ્યું એટલું આપણા આચરણમાં આવે – લક્ષ્યાર્થ થાય અને ખરેખર તો એ જ સાચું છે અને આવી રીતે લક્ષ્યાર્થ થયેલું જ્ઞાન એ જ સમજણ બની જાય છે.

જેવી સમજણ એવી જ આપણી જીવનશૈલી, એવું જ આપણું વર્તન બને છે. એકબીજા સાથેના સવળા સંબંધો કેળવવામાં પણ આપણી સમજણ જ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલું જ નહિ, આપણા સ્વજીવનમાં પણ વિપરીત સમય-સંજોગોને સાનુકૂળ કરી સદાય આનંદમાં રહેવા માટે પણ સમજણ એ જ એકમાત્ર પરિબળ છે.

બાપુનગર વિસ્તારના એક કિશોરમુક્ત હીરા ઘસવાની નોકરી કરે. ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ દુર્બળ હતી. ‘તેર સાંધતાં સત્તર તૂટે’ એવી આર્થિક ભીંસમાં, સીમિત પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું એ એક પડકારરૂપ લાગતું હતું. તેથી તેઓ વધુ કમાણીની અપેક્ષાથી સુરત સ્થળાંતર થયા અને ત્યાં હીરા ઘસવાનું ચાલુ કર્યું. ગમે તેટલી રાત-દિવસ મહેનત કરે છતાં આર્થિક પરિસ્થિતિમાં કોઈ બરકત આવતી નહોતી. કિશોરના અભરખા અને અરમાનો આસમાને આંબતા હતા. એની સાથે ભણતા કે એના જેવડા કિશોરોને બાઇક કે ગાડી લઈ ફરતા જુએ ત્યારે પોતે ખૂબ દુઃખી થઈ જતા કે અરેરે... આ બધા બાઇક ને ગાડી લઈને દોડે. બધાને ઘરનાં ઘર ને મારી પાસે એક સાઇકલ લાવવાનો વેંત નહીં ! ક્યારે હું સુખી થઈશ ? શું મારી આખી જિંદગી આવી જ રીતે પસાર થઈ જશે ? આવા વિચારે આ કિશોર દુઃખી દુઃખી રહ્યા કરે.

એક વખત આ કિશોરમુક્ત વ્યવહારિક કામ માટે અમદાવાદ આવેલા. એ અરસામાં જ સ્વામિનારાયણ ધામનો સમૈયો હોવાથી તેઓ ધામ પર સમૈયાનો લાભ લેવા આવ્યા. પ.પૂ. સ્વામીશ્રીએ સમૈયામાં લાભ આપ્યો હતો કે, સદ્. ગોપાળાનંદ સ્વામીને એમના શિષ્યોએ પ્રશ્ન પૂછ્યો કે, “સત્સંગમાં આવ્યા પછી એવું એક કયું અંગ છે કે જે ફરજિયાત છે ?” ત્યારે ઉત્તર વાળતાં સદ્. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, “એક સમજણનું અંગ સંતો-હરિભક્તો બધામાં હોવું ફરજિયાત છે.” ચાલુ સભા દરમ્યાન કિશોરના માનસમાં ભારે મનોમંથન થયું અને પોતાના જીવનમાં સમજણ દૃઢ કરવામાં ક્યાં ઊણા ઊતરે છે તેનો ખ્યાલ આવ્યો. આજથી તેમણે તેમના જીવનમાં સવળી સમજણ દૃઢ કરવાનો પ્રયાસ ચાલુ કર્યો. તેથી સુખી થવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો હોય તેવું તેમને લાગ્યું.

થોડા સમય પછી પ.પૂ. સ્વામીશ્રી સુરત પધાર્યા. આ કિશોરમુક્ત દર્શને આવ્યા. પ.પૂ. સ્વામીશ્રીને તેમની આર્થિક દુર્બળતા વિષે ખ્યાલ હતો તેથી પૂછ્યું, “કેવું ચાલે છે ? સુખી તો છો ને ?” ત્યારે તેઓએ કહ્યું, “સ્વામી, પહેલાં તો હું એટલો દુઃખી રહેતો હતો પરંતુ સ્વામિનારાયણ ધામના સમૈયામાં લાભ લીધા પછી જ્યારથી એવી સવળી સમજણ હાથમાં આવી ગઈ છે ત્યારથી એની એ જ પરિસ્થિતિ, એટલો જ પગાર હોવા છતાં સુખી થઈ ગયો છું.”

પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “શું સવળી સમજણ ?” ત્યારે તેમણે કહ્યું, “સ્વામી, હું પહેલાં હીરા ઘસવા માટે સવારે નોકરીએ જતો ત્યારે કોઈના બાઇક કે સ્કૂટર જોઉં કે કોઈની ગાડી જોઉં તો દુઃખી દુઃખી થઈ જતો કે, મારે ક્યારે આવા દિવસો આવશે ? પણ સ્વામિનારાયણ ધામ પર આપનો દિવ્ય લાભ મળતાં મારી વિચારધારાને નવો ઓપ મળ્યો. મારા ઘરથી હીરાનું કારખાનું 2-3 કિલોમિટર દૂર છે તેથી હું રોજ સવારે ચાલતો જતો હોઉં ત્યારે હવે વિચાર કરું છું કે મારા ઘરે પણ 2-3 ગાડી પડી છે. સ્કૂટર-બાઇક પડ્યાં છે. પરંતુ જેમ આ શેઠિયાઓ તંદુરસ્ત રહેવા માટે સવારે 2-3 કિલોમિટર વૉકિંગ (ચાલવા) માટે જાય છે તેમ હું પણ વોકિંગમાં નીકળ્યો છું જેથી મારું શરીર પણ તંદુરસ્ત રહેશે. શેઠિયાઓ કસરત કરી શરીરને તંદુરસ્ત રાખે છે એવી રીતે હું પણ મારું બધું જ કામ તંદુરસ્ત રહેવા માટે જાતે કરું છું. હવે મને ગમે તેવા લખપતિ કે કરોડપતિને જોઈને કોઈ હરખ-શોક નથી થતો. બસ, હું તો મહારાજ મળ્યા છે ત્યારથી સદાય સુખી જ છું. આવી સમજણે આનંદમાં રહું છું.”

સમજણ એ સુખી જીવન માટેનું એક આવશ્યક અંગ છે. આપણા રોજબરોજના પ્રેક્ટિકલ જીવનમાં કેટલીક ગેરસમજણ (અજ્ઞાન) આપણને દુઃખી કરતી હોય છે જ્યારે કેટલીક સમજણો સુખી કરતી હોય છે. આપણાં ભણતર, સત્તા, ઉંમરને અનુરૂપ છીછરી, તુચ્છ, ઉચ્છૃંખલ કે બાલિશ સમજણ આપણને દુઃખી કરતી હોય છે જ્યારે તેને અનુરૂપ ઠરેલ અને ઠાવકી સમજણ સુખી કરતી હોય છે.

આજે બુદ્ધિવાદ દિન-પ્રતિદિન વધતો જાય છે તેમાં ભણતરમાં MBA, IT, Doctor, C.A. જેવી મોટી મોટી ડિગ્રીઓ ધારણ કરનાર વર્ગ મોટી સંખ્યામાં વધતો જાય છે પરંતુ તેની બીજી બાજુએ જોઈએ તો ડિગ્રી મોટી મોટી હોવા છતાં ઘણી વાર ઘર-પરિવારમાં, ધંધા-વ્યવસાય કે કંપનીમાં મોટી મોટી પોસ્ટ ઉપર હોવા છતાં કોઈની સાથે કામ લેવાનું થાય, કોઈની નાની-મોટી ભૂલ થાય, નાનું-મોટું નુકસાન થાય, સમયસર કાર્ય ન થાય, ગણતરીમાં કે રિપોર્ટિંગ કાર્યમાં નાની-મોટી ભૂલ થાય તેવા સમયે પોતાના ભણતરનો, સ્થાનનો માન-મોભો ગુમાવી દે તેવું ઉગ્ર વર્તન થાય, કોઈનું દિલ દુભવી નાખે તેવી કટાક્ષ વાણીનો અને અપશબ્દોનો વરસાદ થાય. પોતાની વાણીમાં વિવેક ગુમાવી દેવાય કે અણસમજુ વ્યક્તિની જેમ ઝઘડા-કંકાસભર્યું વાતાવરણ સર્જાય, મારઝૂડ થાય તો તે યોગ્ય સમજણ ન કહેવાય. ત્યાં ભણતરની ડિગ્રી અને તેમનું સ્થાન પણ લજવાય. તેને એક પ્રકારની જડતા કહેવાય; જે સમજુ હોય અને ડાહી તેમજ શાણી વ્યક્તિમાં ન શોભે.

ઘર-પરિવારમાં કે ધંધા-વ્યવહારમાં જ્યારે આવા કોઈ સંજોગ-પરિસ્થિતિ સર્જાય ત્યારે એક સમજુ વ્યક્તિ તરીકે તેની ઊંડી તપાસ કરવી જોઈએ કે આવું પહેલી વાર બન્યું કે પછી વધારે વાર થયું છે ? તેનું કારણ શું છે ? તેને નિવારવા માટે શું કરવું જોઈએ ? ખરેખર આમાં કોણ જવાબદાર છે ? તેવો વિચાર કરી તેનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. એવા સમયમાં ઉગ્ર બનવાને બદલે ધીર-ગંભીર અને શાંત રહી ઠાવકી અને ઠરેલ સમજણ રાખવી જોઈએ... તો કોઈ દુઃખ જ ઊભું ન થાય.

આંબા ઉપર જેમ જેમ કેરી આવતી જાય તેમ તેમ આંબો નમતો જાય. એવી રીતે વ્યવહાર માર્ગમાં અને સત્સંગમાં પણ વ્યવહારિક કે સત્સંગની મોટપ આવતી જાય તેમ તેમ સમજણે યુક્ત બનવું પડે. સત્સંગમાં પણ SPS, સંયોજક, નિરીક્ષક, સંચાલક, કાર્યકર જેવી સેવાના મહારાજ નિમિત્ત કરે ત્યારે આપણા અવરભાવના સ્થાનને અનુરૂપ આપણું સમજણે યુક્ત વર્તન જોઈએ. ઠાવકી અને ઠરેલ સમજણે યુક્ત વર્તનવાળાનો જ વ્યવહારમાં અને સત્સંગમાં સૌને સ્વીકાર થાય છે. ક્યાંક કોઈનું જતું કરવું પડે તો જતું કરવું, હશે-હશેની ભાવના રાખવી તો આપણે પણ સુખી રહી શકીએ અને સાથેવાળા પણ સુખી રહી શકે.

ઉંમરે કરીને કેટલાક વડીલ હોય પરંતુ તેઓ માત્ર ઉંમરથી જ મોટા હોય તેવું કેટલીક વાર સમાજમાં જોવા મળતું હોય છે પણ તેમની સમજણ બાલિશ કે તુચ્છ હોય. ઉંમરે કરીને વડીલ હોવા છતાં નાની નાની બાબતોમાં ધાર્યું કરવા-કરાવવાનો જિદ્દી સ્વભાવ હોય, સમય-સંજોગો પ્રતિકૂળ હોય ત્યારે કોઈના તરફથી કદાચ પૂરતો સંતોષ, સમય, હૂંફ કે પ્રેમ ન મળે ત્યારે વાત વાતમાં ખોટું લગાડવું, રિસાઈ જવું જેવા બાલિશ સ્વભાવો પણ ઘણી વાર ઉંમરે કરીને વડીલ હોવા છતાં જોવા મળતા હોય છે. કેટલાક વડીલો એક દીકરાની વાત બીજાને, બીજાની ત્રીજાના કાને નાંખી અંદરોઅંદર આત્મીયતામાં ભંગાણ કરાવતા હોય છે. ક્યાંક વડીલ હોવા છતાં બોલવા-બેસવાનો વિવેક પણ ચૂકાઈ જતો હોય છે. જૂની રીત-રસમને વળગી રહેવામાં જ માનતા હોય છે. આવી અણસમજણને કારણે જ આજની પેઢી અને યુવા પેઢી વચ્ચે ‘જનરેશન ગેપ’ ઉદભવતો હોય છે. અનેક પારિવારિક પ્રશ્નોનું સર્જન થતું હોય છે. એટલે કે ઉંમરલાયક થવા છતાં તેમનામાં વડીલ તરીકેની સમજણનો અભાવ જોવા મળતો હોય છે.

 ઉંમર વધવાની સાથે સાથે વડીલ તરીકે યોગ્ય-લાયક બનવા માટે વર્તનમાં ગંભીરતા, તટસ્થતા, નાના-મોટાને સમજવાની દૃષ્ટિ રહે, પારદર્શક જીવન જિવાય તો ઉંમર પ્રમાણે વડીલપણાની સમજણ આવી કહેવાય જે પરિવારમાં, સત્સંગમાં અને સમાજમાં બધાયને સુખરૂપ નીવડે છે.

ઘર-પરિવારમાં વડીલ તરીકે કેવી સમજણ કેળવવી તે જોયું. અન્ય ત્રણ સમજણ વિષે વિગતવાર માહિતી પ્રાપ્ત કરીશું આવતા અંકે.