સુખ દુઃખનું મૂળ - સમજણ - ૨

  June 12, 2016

સમજણમાં જ સુખ રહેલું છે. દુઃખો કેવળ સમજણના અભાવના કારણે ઉદ્ભવે છે. એ જ દુઃખને સકારાત્મક સમજણથી વધાવીએ તો કેવા સુખની અનુભૂતિ થાય છે તે જોઈએ.

બીજી સાંખ્ય સમજણ – પંચભૂતથી બનેલા આ જગતમાં જીવ-પ્રાણીમાત્રથી માંડી ભૌતિક પદાર્થમાત્ર બધું જ નાશવંત છે. એક ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ અવિનાશી નથી. પંચભૂતાત્મક આ બ્રહ્માંડમાં જે નાશવંત છે તેમાં જેટલી આસક્તિ અને પ્રીતિ વિશેષ હોય તેટલા દુઃખી થવાય અને તેને વિષે જેટલી સાંખ્ય સમજણ દૃઢ થાય એટલા સુખી રહેવાય.

સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ સુખી થવાના ઉપાય રૂપે સાંખ્ય વિચાર દૃઢ કરાવતાં પહેલા પ્રકરણની બીજી વાતમાં કહ્યું છે કે, “સાંખ્ય વિચાર કરવા શીખવો ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ દોષ તથા અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ એ ત્રણ તાપ એ સર્વેનું દુઃખ મટે નહિ ને સાંખ્ય વિના અરધો સત્સંગ કહેવાય માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર શીખવો.”

ગમે તેટલું મોટું આભ ફાટી પડે તેવું દુઃખ આવ્યું હોય તોપણ સાંખ્ય એ એવી સમજણ છે કે જેનાથી આંખના પલકારામાં દુઃખ દૂર કરી શકાય છે. સાંખ્ય સમજણ ચિંતા રહિત કરી દે છે. ગમે તેવી સ્થિતિ-પરિસ્થિતિમાં પણ હિંમત સાથે ટકી રહેવાનું બળ રહે છે. સાંસારિક જીવનમાં પોતાને વિષે અને અન્યને વિષે એમ બેયને વિષે સાંખ્ય સમજણ દૃઢ કરવી જ પડે.

પોતાના જીવનમાં લાંબા સમય માટે દૈહિક માટે દૈહિક શારીરિક માંદગી આવે, ગમે તેટલી દવા કરાવવા છતાં રોગનું નિદાન ન થાય અથવા તો કોઈ દવા લાગુ જ ન પડે કે દિવસે દિવસે રોગની પીડા વધતી જાય તેવા સમયમાં બહુધા બિમારીના દુઃખ કરતાં માનસિક રીતે વધુ દુઃખી થઈ જતા હોય છે. ક્યારેક સત્સંગ કરવા છતાં, ભજન-ભક્તિ કરવા છતાં દેહના દોષ પીડે, તેની સામે લડવા છતાં હારી જવાય એવા સમયમાં સાંખ્ય સમજણે કરીને દૈહિક તથા માનસિક બિમારીનું અને દેહના દોષોનું એમ બંને દુઃખ દૂર થાય છે. જે કંઈ રોગ છે, દોષો છે તે દેહના છે, પીડા દેહને થાય છે. દેહ તો નાશવંત અને ખોટો છે. આત્મા તેનાથી નોખો છે અને આત્માને શ્રીજીમહારાજે કૃપા કરી અનાદિમુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે. તેને વિષે કોઈ રોગ પણ નથી અને કોઈ દોષ પણ નથી. આવી સાંખ્ય સમજણથી દેહનાં દુઃખ અને દોષ બેયથી પર થઈ શકાય છે. દેહના દોષે કરીને દુઃખી ન થવાની સમજણ કરાવતા શ્રીજીમહારાજે ગઢડા મધ્યના 6ઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે કે, “હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું એમ જાણીને ચિત્તના સારા-ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહીં. પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદાય આનંદમાં રહેવું.”

ઘર-પરિવારમાં કોઈ સ્વજન ધામમાં જાય ત્યારે ગમે તેવા હિમાલય જેવા અડગ હોય, શૂરવીર હોય તેમની સ્થિતિ પણ ડગી જતી હોય છે. કારણ કે પોતાના દેહનાં સગાં-સંબંધીને જ પોતાનાં સાચાં સગાં મનાયાં છે અને એને વિષે જ મમત્વ દૃઢ થયેલું છે તેથી તેનો વિયોગ અસહ્ય થઈ પડે છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે, “મૃત્યુ નિશ્ચિત છે.” મનુષ્ય પોતે અનુભવે છે કે જે વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આજે નહિ તો કાલે, કોઈ પણ નિમિત્તે દરેકનો નશ્વર દેહ તો પડવાનો જ છે. છતાં પણ દરેક વ્યક્તિ ‘હું અને મારો પરિવાર સદાય અમર રહેવો જોઈએ’ એવા જ ભ્રમમાં ફરે છે. પરિણામે જો પરિવારમાં કોઈ નાનું બાળક પણ ધામમાં જાય તો દુઃખી દુઃખી થઈ જાય. સત્સંગી થયા પછી સાંખ્ય સમજણ તો કેળવવી જ પડે તો સદાય સુખી રહેવાય અને શ્રીજીમહારાજનો રાજીપો પણ એવા સાંખ્ય સમજણવાળા હરિભક્તો ઉપર જ થાય છે.

સંવત 1876ની સાલમાં ગઢપુરમાં શ્રીજીમહારાજ વિચરણ કરી પધાર્યા. સમગ્ર ગઢપુરમાં આનંદ-ઉત્સવ થઈ ગયો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ શ્રીજીમહારાજ સંતો-હરિભક્તોને કથાવાર્તાથી બળિયા કરતા હતા. આ અરસામાં દાદાખાચરના દરબાર ગઢમાં પાંચુબાનાં નાનાં દીકરીને ગંભીર મંદવાડ થયો અને થોડા જ સમયમાં તેઓ દેહ મૂકી ધામમાં ગયાં. સમગ્ર દરબારમાં બધા શોકાતુર થઈ ગયા. બાઈઓ રિવાજોને આધીન થઈ રુદન કરવા લાગ્યાં. શ્રીજીમહારાજે સૌને ધીરજ આપતાં કહ્યું, “અમે વનવિચરણમાં હતા ત્યારે એક ડોશીએ અમારી ખૂબ સેવા કરી હતી. તેથી તેમનું પૂરું કરવા અહીં અમે સત્સંગમાં જન્મ ધરાવ્યો હતો. માટે તેમને અમે અમારી મૂર્તિના સુખમાં મૂકી દીધાં છે માટે કોઈ શોક કરશો નહીં. હીરાબાને અમે મૂર્તિના સુખમાં મૂકી દીધાં છે. આવા મંગળ પ્રસંગે કોઈ શોક કરવો નહિ, આનંદ કરવો.” પરંતુ સામાજિક રિવાજો મુજબ બાઈઓ રુદન કરતાં હતાં; જે શ્રીજીમહારાજને ન ગમ્યું. આ વાતની દાદાખાચરને ખબર મળતાં તેઓ તરત જ શ્રીજીમહારાજ પાસે આવ્યા અને સામાજિક રિવાજો વિષે વાત કરી. બાઈઓ વતી ક્ષમા માંગી. એ વખતે શ્રીજીમહારાજે દાદાખાચરને સાંખ્ય સમજણ વિષે વાત કરતાં કહ્યું કે, “દાદા, જ્ઞાનનો અંત સમજણની સ્થિતિ છે. એવી સાંખ્ય સમજણ થાય ત્યારે જગતમાં જે કાંઈ દેખાય છે તે નાશવંત જ છે એવું ભાસે. કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિમાં હેત, પ્રીતિ કે વાસના ન રહે કે તેને વાસ્તે હાયવોય ન થાય.”

બીજે દિવસે બ્રહ્મચારી દરબાર ગઢમાં થાળ લેવા ગયા. બ્રહ્મચારીએ બાજોઠ પર મહારાજને બિરાજમાન કરી ઢાંકેલો થાળ ખોલ્યો તો અંદર માત્ર ભૈડકું જ હતું. થાળમાં ભૈડકું જોઈ મહારાજે બ્રહ્મચારીને પૂછ્યું, “બ્રહ્મચારી, આ શું છે ?” ત્યારે બ્રહ્મચારી કહે, “મહારાજ, અત્યારે દરબાર ગઢમાં હીરાબાનો શોક છે. માટે સામાજિક રિવાજ મુજબ બાર દિવસ સુધી આવો જ થાળ આવશે.” મીંઢીઆવળ અને મરચાંના ગોળા જમાડનારા મહારાજ હસતા-હસતા ભૈડકું જમાડવા લાગ્યા.

શ્રીજીમહારાજ જમાડી રહ્યા હતા એ વખતે એક બાઈ માથે ઘીનો ગાડવો લઈ આવ્યાં. પંચાંગ પ્રણામ કરી બેઠાં. મહારાજે તરત જ કહ્યું, “અહો ! આ તો નેનપુરથી આવ્યાં લાગે છે. દેવજી ભગતનાં ઘરનાં છો ?” બાઈએ બે હાથ જોડી કહ્યું, “હા મહારાજ, ભગતે આ ઘીનો ગાડવો લઈ આપનાં દર્શને મોકલી છે.” મહારાજે પૂછ્યું, “ભગત, મજામાં તો છે ને ?” ત્યારે બાઈએ કહ્યું, “મહારાજ, આપ મળ્યા ત્યારથી આપની કૃપાએ ભગત સુખી જ હતા પણ હવે વધુ સુખિયા થયા.”

શ્રીજીમહારાજે જાણતા હોવા છતાં આશ્ચર્ય સાથે પૂછ્યું, “બાઈ, તમે શું બોલ્યા ? કાંઈ આ બધા સમજે તેમ બોલો.” ત્યારે બાઈએ ચોખવટ કરતાં કહ્યું, “મહારાજ, આપે 20 વર્ષથી એક મહેમાન રૂપે દીકરાને સાચવવા આપ્યો હતો તેને દયા કરી અમારા કરતાં વહેલા મૂર્તિના સુખમાં મૂકી દીધો. દીકરો હતો ત્યાં સુધી તેના માટે ભગતને થોડીઘણી ચિંતા રહેતી પણ હવે કોઈ ચિંતા નથી. દીકરાની ક્રિયા પતાવી ભગત ખેતરે જતા રહ્યા અને મને ઘીનો ગાડવો લઈ અહીં મોકલી દીધી જેથી કોઈ કાણ-મોકાણ કરવા આવે જ નહીં.”

દેવજી ભગત અને તેમનાં ઘરનાંની આવી સમજણની સ્થિતિ જોઈ શ્રીજીમહારાજ ખૂબ જ રાજી થયા અને ઘીના ગાડવા તરફ હાથ કરી પાંચુબાને કહ્યું, “આ ગાડવો હમણાં રાખી મૂકો. હીરાબાનો શોક ઊતરે પછી થાળમાં ઉપયોગ કરજો.” બાઈઓ શ્રીજીમહારાજનો સાંખ્ય દૃઢ કરાવવાનો મર્મ સમજી ગયાં અને સર્વે શોક ટાળી સાંખ્ય સમજણ દૃઢ કરી મહારાજને રાજી કર્યા.

સમજણના અભાવે પાંચુબાની એક નાની દીકરી ધામમાં ગઈ તોપણ દુઃખી દુઃખી થઈ ગયાં; જ્યારે દેવજી ભગતનો એકનો એક જુવાનજોધ 20 વર્ષનો દીકરો ધામમાં ગયો છતાંય ભગત અને તેમના ઘરનાં આનંદમાં રહી શક્યાં. કારણ કે તેમણે સાંખ્ય સમજણે કરીને દીકરા અને સંસાર પ્રત્યેનો મોહ-આસક્તિ ટાળી દીધાં હતાં. દેહનાં સગાં સંબંધીનો વિયોગ થાય ત્યારે કેવી સમજણ રાખવી તે સમજાવતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના 70મા વચનામૃતમાં કહ્યું છે કે, “કાં જે ઘરમાં દશ માણસ હોય ને તે દશેનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઊગરે તો શું થોડો છે ? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે ઘણું છે એમ માનવું.” એવી રીતે આપણા જીવનમાં પણ જેટલી સાંખ્ય સમજણ દૃઢ થાય એટલા જ ગમે તેવા સંજોગોમાં પણ સુખી રહી શકાય. તેની વિશેષ માહિતી સાથે મળીશું આવતા અંકે...