સુખ-દુઃખનું મૂળ - સંગ - 1

  February 19, 2016

“હા... હા... હું એ જ બાળક હતો જેનું તમે આદર્શ બાળક તરીકે સુંદર ચિત્ર દોર્યું હતું.” ઉપરોક્ત વાક્ય બાંકડા પર દારૂ પીધેલી હાલતમાં બેઠેલા એક ચીંથરેહાલ યુવાનનું બોલેલું છે.

વાત એમ હતી કે એક ચિત્રકાર અનેક સુંદર ચિત્રો દોરવામાં પારંગત હતા. એક દિવસ એમણે નક્કી કર્યું કે, મારે એક આદર્શ, ગુણિયલ બાળકનું ચિત્ર દોરવું છે. ઘણા સમય બાદ ચિત્રકારે એક ગામની શાળામાં સુંદર બાળક જોયો. તે સર્વે ગુણે સંપન્ન હતો. ચિત્રકારને પોતાને જોઈએ તેવો બાળક મળ્યાનો મનમાં સંતોષ થયો. ચિત્રકારે એ બાળકનું આબેહૂબ ચિત્ર બનાવ્યું.

સમયચક્ર વીતવા લાગ્યું. આ બાજુ ચિત્રકારની ખૂબ મોટી ઉંમર થઈ ગઈ. એમણે વિચાર્યું કે, “મારે મારા જીવનનું અંતિમ ચિત્ર દોરવું છે. પણ એ ચિત્રમાં એક ખરાબ યુવાનનું ચિત્ર દોરવું છે.” આ વિચારને પૂર્ણ કરવા ચિત્રકાર ખરાબ યુવાનની શોધખોળમાં નીકળે છે. તેમણે દારૂના એક અડ્ડે બાંકડા પર એક યુવાનને જોયો. તે દારૂ પી રહ્યો હતો. આ યુવાનનું બિહામણું રૂપ જોઈને ચિત્રકારે નક્કી કરી લીધું કે, મારે આ જ ખરાબ દેખાતા યુવાનનું ચિત્ર બનાવવું છે. ચિત્રકારે ત્યાં જ પીંછી ફેરવવાની ચાલુ કરી દીધી. ચિત્ર પૂર્ણ થયા બાદ ચિત્રકારને એવું લાગ્યું કે મેં આ યુવાનને ક્યાંક જોયો છે. માટે પોતાની શંકાનું સમાધાન કરતાં, યુવાનને તેઓ પૂછે છે કે, “ભાઈ ! આપણી મુલાકાત પહેલાં ક્યાંક થઈ હોય એવું મને લાગે છે. તમે કોણ છો ? શું કરો છો ? તે હું જાણી શકું ?” યુવાન, ચિત્રકારને ઓળખી ગયો હતો કે, આ એ જ ચિત્રકાર છે જેણે આદર્શ બાળક તરીકેનું મારું સુંદર ચિત્ર દોર્યું હતું. પરંતુ અત્યારે પોતાની આવી હાલતથી પોતે ગ્લાનિ અનુભવતાં કહે છે, “સાહેબ, વર્ષો પહેલાં તમે એક આદર્શ બાળકનું ચિત્ર દોર્યું હતું તે આપને યાદ છે ?” ચિત્રકારે કહ્યું, “હા યાદ છે ને ! ” ત્યારે પોતાની જાતને ધિક્કારતાં તે યુવાન કહે છે, “હા... હા... હું એ જ બાળક હતો, જેનું તમે એક આદર્શ બાળક તરીકે સુંદર ચિત્ર દોર્યું હતું.” ચિત્રકાર તો આટલું સાંભળતાં ડઘાઈ ગયા. તેઓએ યુવકને પૂછ્યું, “પણ... તારી આવી હાલત શી રીતે થઈ ?!” ત્યારે યુવાનનો માત્ર એક જ જવાબ હતો : “કુસંગી મિત્રોનો સંગ એ જ મારા જીવનની બરબાદીનું મુખ્ય કારણ છે.” શરમથી યુવકનું માથું ઝૂકી પડ્યું અને ધ્રુસકે ને ધ્રુસકે તે રડી પડ્યું.

વ્યક્તિ તો એની એ જ હતી પરંતુ ઉત્તમમાંથી કનિષ્ઠ થવાનું કારણ શું હતું ? સંગ.

સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે કે, “મોટા મોટા સર્વે સાધુનો સંગ કરવો તેનું કારણ એ છે જે કોઈકમાં એક ગુણ, કોઈકમાં બે ગુણ હોય ને કોઈકમાં ત્રણ ગુણ હોય તે સર્વેના સંગમાંથી તે તે ગુણ આવે છે.”

આપણાથી ગુણે કરીને ચડિયાતા હોય તેમનો સંગ કરવામાં આવે તો તેમાં જે ગુણ હોય તે આપણામાં આવે છે. આપણા કરતાં ચડિયાતી દેખાતી વ્યક્તિમાંથી એક ગુણ લઈએ તોપણ આપણામાં ઘણા ગુણોનો આવિર્ભાવ થઈ જાય. પરિણામે આપણે જીવનમાં ચડિયાતાથી પણ ચડિયાતા થઈ જઈએ. એક સામાન્ય દૃષ્ટાંત જોઈએ તો, ધારો કે આપણી પાસે બે રૂપિયા છે. આપણા ચાર મિત્રોમાંથી ત્રણ મિત્રો પાસે ચાર-ચાર રૂપિયા છે. એ ત્રણેય મિત્રો આપણને એક-એક રૂપિયો આપે તો આપણી પાસે કેટલા રૂપિયા થાય ? આપણી પાસે બે રૂપિયા હતા અને ત્રણેય મિત્રોનો એક-એક રૂપિયો એટલે ત્રણ રૂપિયા આપણને મળ્યા એટલે આપણી પાસે પાંચ રૂપિયા થયા. જેનાથી મિત્રો પાસે જેટલા રૂપિયા હતા તેનાં કરતાં વધુ રૂપિયા આપણી પાસે થઈ ગયા. પરંતુ જે મિત્ર પાસે એક પણ રૂપિયો નથી તેનો સંગ કરીએ તો ? કશું ન મળે; ઉપરથી આપણો એક રૂપિયો જરૂર ઓછો કરે.

‘જેવો સંગ તેવો રંગ’ લગાડે જ. ઊતરતાનો સંગ ઊતરતા કરે અને ચડિયાતાનો સંગ ચડિયાતા કરે. વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ એકની એક જ હોય છે પરંતુ તે જેવો સંગ કરે તેવા ગુણોને પામે છે.

આકાશમાં રહેલું પાણીનું બિંદુ વરસાદ બની શેરડીમાં જાય તો સાકર બને છે. આ જ બિંદુ જો વાસમાં જાય તો કપૂર બને છે. અને માછલીના મુખમાં જાય તો મોતી બને છે. પરંતુ એ જ બિંદુ સાપના મુખમાં જોય તો હળાહળ ઝેર બને છે. માટે સારા સંગને જ પસંદ કરવો. જેમ પાણીનું બિંદુ તો એક જ છે. પરંતુ તેનું ભવિષ્ય – તે કોનો સંગ કરે છે તેની ઉપર છે તેમ આપણા જીવનની ઉન્નતિ  અને અધોગતિનો આધાર આપમે કોનો સંગ કરીએ છીએ તેના પર જ છે.

સંગ કોને કહેવાય ? સંગ કેવો કરવો તેની ભલામણ કરતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના 78મા વચનામૃતમાં કહ્યું છે કે, “સારો-ભૂંડો જે સંગ થાય છે તેની વિક્તિ એમ છે જે , જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહિ ત્યારે તેનો સંગ થયો જાણવો અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ઘાલીને મળે છે પણ અંતરમાં તો તે સાથે લાખો ગાઉનું છેટું છે. એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય અને મન, કર્મ, વચને કરીને જે સંગ કરે તે જ સંગ કર્યો કહેવાય, માટે એવી રીતે મન, કર્મ, વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેનો જ કરવો જેથી જીવનું કલ્યાણ થાય પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરવો.”

જીવનયાત્રાની સફળતાનો આધાર ક્યારેક સંગ પણ બની જાય છે. સાંસારિક જીવનમાં સુખ તથા દુઃખ આવે અને જાય છે; એને પાર તો દરેક વ્યક્તિ કરે છે... અને જે નથી કરી શકતા એ આ મનુષ્યદેહને જ પાર કરી દે છે. પરંતું એ ઉપાય નથી. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના 14મા શ્લોકમાં આજ્ઞા કરી છે કે, “કોઈ મુશ્કેલી કે આફતમાં કે કંઈ અયોગ્ય આચરણ થઈ જાય તો મૂંઝાઈને કે પસ્તાઈને પણ કોઈ પ્રકારે આત્મઘાત તો ન જ કરવો.”

સંસારરૂપી ચક્રમાં સુખ-દુઃખ તો તડકા-છાંયાની જેમ આવવાનાં ને જવાનાં. તેમાં સાહસિક બની વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો એ એક શૂરવીરતા જ છે. પરંતુ એ પરિસ્થિતિ સામે ઝીંક ઝીલી પાર ઊતરી જવું એટલું પૂરતું નથી. આવી પરિસ્થિતિ શા માટે સર્જાઈ ? તેની પાછળનું કારણ તપાસવું જોઈએ. ઊભી થયેલી વિપરીત પરિસ્થિતિ કે સંજોગ પાછળનું કારણ તપાસવાથી તે પરિસ્થિતિનું નિવારણ લાવી શકાશે. વળી, એ મુશ્કેલી બીજી વાર ઊભી ન થાય તે માટે તાકીદ પગલાં પણ લઈ શકીએ. આવી રીતે જ વર્તે તે જ ડાહ્યો કહેવાય; વિચારશીલ અને સમજુ કહેવાય.

સાંસારિક જીવનમાં સુખ-દુઃખ આવવાનાં કારણો ઘણાં બધાં છે. પરંતુ તેમાં ઘણાં અંશે સંગ પણ એના મૂળ રૂપે ભાગ ભજવી જતો હોય છે.

જીવનમાં નાનપણથી ખૂબ કષ્ટો સહન કરી, ખૂબ મહેનત કરી પેટે પાટા બાંધીને માબાપ બાળકને શિક્ષણ આપે છે, સારા સંસ્કારો આપે છે. પંરતુ જો તેમાં કુસંગરૂપી ઝેરનું એક ટીપું પડી જાય તો જીવન ઝેર સમાન બની જાય છે.

“કુસંગીનો સજ્જન કોઈ સંગ, કરે ચડે અંગ કુસંગ રંગ;

જો ઊજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ સંગ તોય.”

ગમે તેવું ઊજળું વસ્ત્ર હોય, પરંતુ તેને જો કાજળ કહેતાં મેશનો સંગ થાય તો તે ઊજળું વસ્ત્ર કાળું થઈ જાય છે. વસ્ત્ર પોતાનો ઉજાશ ખોઈ બેસે છે. કુસંગના સંગે ઘણી વ્યક્તિનાં જીવન પણ બરબાદ થઈ જતાં હોય છે. ટોચથી લઈને છેક તળિયા સુધી જીવનની કક્ષા પહોંચી જતી હોય છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 27મા શ્લોકમાં આશ્રિતમાત્રને દિશ આપી છે કે, “ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જગનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો.” આમ, મહારાજે પણ આપણને સૌને સંગનો વિવેક શીખવ્યો છે.

બજારમાંથી બે રૂપિયાની પેન લઈએ તોપણ આપણે તેને ચેક કરીએ છીએ. માટીની તાવડી લેવી હોય તોપણ ટકોરા મારીને લઈએ છીએ. તો સંગમાં તો ઘણુંબધું સમાયેલું છે. માટે સંગ પણ વિચારીને જ કરવો. સંગના બે પ્રકાર છે : (1) ચડિયાતો (સારો) સંગ, (2) ઊતરતો (ખરાબ) સંગ.

ગુણે કરીને, સમજણે કરીને, નિયમ-ધર્મ પાળવા બાબતે, સિદ્ધાંતની બાબતે એમ કોઈ પણ પ્રકારે સત્સંગમાં આપણા કરતાં ચડિયાતા એટલે કે સારા હોય તેનો જ સંગ કરવો.

ટૂંકમાં, આપણા કરતાં જેનું વર્તન ઉત્કૃષ્ટ હોય તે ચડિયાતો સંગ કહેવાય.

સમાજમાં પણ આત્મીયતાથી જે રહેતા હોય, નીતિમય અને પ્રામાણિક જીવન જીવતા હોય, એકબીજાને સમજતા હોય, આપત્તિના સમયમાં ઢાલ બનીને મદદ કરતા હોય, સાચી સમજણ આપતા હોય, માનવતાભર્યું પ્રેરણાદાયી જીવન હોય તેવાનો સંગ હંમેશા કરવો.

વળી આપણને આપણા ધ્યેયથી ચલિત કરી નાખે, આત્મીયતામાં ખંડન કરાવે, રાગ-દ્વેષ, વેર-ઝેરમાં જીવતા હોય, પોતાનો જ સ્વાર્થ જોતા હોય, કોઈની પણ પ્રગતિ ખમી ન શકે, પ્રગતિમાં રુકાવટ કરે, સૌને વિષે અવગુણ જ જોયા કરે તેવી વ્યક્તિઓનો સંગ ઊતરતો સંગ કહેવાય. આવો સંગ કદી ન કરીએ.

ખરાબ સંગ ઘણા પ્રકારે થાય છે; જેમ કે, વ્યક્તિ દ્વારા, પુસ્તક દ્વારા, સ્થળ દ્વારા, આધુનુક ઉપકરણોના ઉપયોગ દ્વારા વગેરે.

ખરાબ સાહિત્યનું વાંચન એ ઊતરતો સંગ છે જે જોખમકારક છે. ખરાબ સાહિત્ય આપણા મનમાં ખોટી લાગણીઓ અને કુસંસ્કારોને ઉત્તેજિત કરે છે. હલકું સાહિત્ય સર્પની દાઢમાં રહેલા ઝેર કરતાંય ખતરનાક હોય છે. કારણ કે સાપ કરડે તો શરીરમાં જ ઝેર ચડે જ્યારે હલકું સાહિત્ય તો એના વાંચનમાત્રથી આપણા આત્મામાં ઝેર પ્રસરાવી દે છે અર્થાત્ કારણ શરીરની વાસના વધારે છે. આથી આપણને મનોવિકાર ઉત્પન્ન થાય, ને કરવાના વિચારો આવે અને જીવન બરબાદ કરી નાખે.

જર્મનીના રાજા હિટલરે મનસ્વીપણે એક સામાજિક વર્ગ વિષે નકારાત્મક વલણ દાખવતુંજલદ લખાણ પોતાના આત્મવૃત્તાંતમાં રજૂ કર્યું હતું. આ વૃત્તાંતનાં વાંચનથી જર્મનીના હજારો યુવાનો 60 લાખ યહૂદીઓની કતલ કરવા પ્રેરાયા હતા.

જ્યારે ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીએ એક પ્રેરણાદાયી પુસ્તક વાંચ્યું હતું જેના વાંચનથી તેમનું જીવન જ બદલાઈ ગયું અને ભારતને આઝાદી પણ અપાવી. એ પુસ્તક હતું રસ્કિનનું ‘અન ટુ ધ લાસ્ટ’.

તેવી જ રીતે ટી.વી., ઇન્ટરનેટ, મોબાઈલ જેવાં આધુનુક ઉપકરણોનો અવિવેકપૂર્ણ સંગ ઊંડી ખાઈમાં ધકેલી દે છે. આજના યુવાવર્તુળમાં ફૅશનને કારણે યુવાનો ઇન્ટરનેટ, મોબાઈલ પાછળ ઘેલા બને છે. પરંતુ આ ઘેલછા પાછળથી ખોટી પુરવાર થાય છે.

કેટલાંક બાળકો મનફાવે તેમ માબાપ સામું બોલતાં હોય છે તેનું કારણ ટી.વી. અને ટી.વી.માં આવતી ફિલ્મો, સિરિયલો જોઈને બાળકો પિતાને, વહુ સાસુને, સાસુ વહુને, દેરાણી જેઠાણીને વગેરે કૌટુંબિક સંબંધોમાં કયું પાત્ર કેવું બોલ્યા ?, સામે કેવો સણસણતો જવાબ આપ્યો ?, કેવી યુક્તિ-પ્રયુક્તિથી હેરાન કર્યાં ? એવું તેમાંથી વિશેષ શીખે છે. પછી તેનું અનુકરણ પોતાના જીવનમાં કરે છે.

 ખાબ સ્થાનનો સંગ પણ આપણી અધોગતિનું કારણ બનતું હોય છે. માટે જ પ.પૂ. સ્વામીશ્રી સ્પષ્ટ રુચિ જણાવતા હોય છે કે, “જો કુસંગથી બચવું હોય તો એકાંત, અંધારું ન અતિ પરિચયથી હંમેશાં છેટા રહેજો.”

સંગ જ જીવનમાં પ્રગતિના પંથે દોડતા રાખે છે ને ક્યાંક સંગ જ અધોગતિની ઊંડી ખાઈમાં લઈ જાય છે. તે જોયું પણ પ્રશ્ન એ થાય કે... તો કેવો સંગ કરવો...?? કોનો સંગ કરવો ?? તેના કેવા પરિણામો આવે છે ??? તે જોઈશું... આવતા લેખમાં...