સુખ-દુઃખનું મૂળ - સ્વભાવ-3

  August 28, 2016

સ્વભાવોની ભયંકરતા જાણ્યા પછી સ્વભાવ ટાળવાની ઇચ્છા તો જરૂર થાય, પરંતુ પ્રશ્ન થાય કે શું સ્વભાવ ટળે ખરા ? હા, સ્વભાવ ટાળ્યા ટળે છે.

સ્વભાવ ટાળવા માટે પ્રબળ ઇચ્છાશક્તિ જોઈએ કે, “મારે મારો અયોગ્ય સ્વભાવ ટાળવો જ છે.” કારણ કે પ્રબળ ઇચ્છાશક્તિવાળાની ભેગા જ મહારાજ ભળે છે. માત્ર વારંવાર અન્યની સામે બોલ્યા કરવું કે, “મારામાં ક્રોધ બહુ છે, મારે ટાળવો જ છે” એમ બોલવાથી સ્વભાવ ન ટળે. એના માટે એના માટે અંદરથી દૃઢ સંકલ્પ કરવો ફરજિયાત છે.

બીજું, ઉત્કૃષ્ટ સંગ જોઈએ. જે સ્વભાવથી પર વર્તતા હોય અને સ્વભાવ ટાળ્યાના પ્રયત્નોમાં રહેતા હોય એવાનો સંગ ગમાડવો. હલકી વિચારસરણીવાળાનો સંગ આપણને ઢીલા જ પાડે. માટે ઉચ્ચ વિચારધારાવાળાનો સંગ કરવો.

ત્રીજું, મહારાજ અને મોટાપુરુષના રાજીપાનો વિચાર નિરંતર રાખવો જોઈએ. રાજીપાનો વિચાર એ સર્વે સ્વભાવમાત્ર ટાળ્યાનો એક સરળ ઉપાય છે. “મારા આ સ્વભાવથી મારા મહારાજ અને મોટાપુરુષ રાજી નહિ થાય. ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ તેમને મારા સ્વભાવને કારણે ભીડો આવશે. માટે મારે આ સ્વભાવ ટાળવો જ છે.” આ વિચાર રહેશે તો જરૂર સ્વભાવ ટળશે જ. ગઢડા મધ્યના 27મા વચનામૃતમાં સદ્. મુક્તાનંદ સ્વામીએ પણ ક્રોધ ટાળવાના ઉપાયમાં રાજીપા-કુરાજીપાનો વિચાર જ દર્શાવ્યો છે જે, “જે રીતે ભગવાનનો કુરાજીપો થાય તે સ્વભાવ રાખવો નથી.”

ચોથું, આપણાં સ્વભાવ-પ્રકૃતિ ઉપર મહારાજ, મોટાપુરુષ, સંતો-ભક્તો કે પરિવારના સભ્યો રોકણી-ટોકણી કરે તો ગમાડવી. દવા તો કડવી જ હોય. પરંતુ છતાં તેને હસતે મુખે આરોગીએ છીએ કારણ કે દેહનો રોગ મટાડવો છે. તો રોકણી-ટોકણી એ તો આત્માના રોગની દવા છે. વળી, દવા ડૉક્ટર આપે કે કમ્પાઉન્ડર આપે પણ તેનો અનાદર કરતા નથી. તેમ સંતો-ભક્તો એ કમ્પાઉન્ડરના ઠેકાણે છે તે રોકે-ટોકે તોપણ સહર્ષ સ્વીકાર કરવો.

પાંચમું, સ્વભાવ સાથે શત્રુપણું કરી દેવું. ગઢડા પ્રથમના 57મા વચનામમૃતમાં કહ્યા પ્રમાણે, “જેમ કોઈ આપણો મિત્ર હોય ને તેણે આપણા ભાઈને મારી નાખ્યો હોય તો તેને વિષે જેવું શત્રુપણું થઈ જાય છે તેવું સત્સંગમાં અંતરાયરૂપ સ્વભા સાથે શત્રુપણું કરી દેવું.”

છઠ્ઠો ઉપાય એ છે કે, રોજે રોજનું નામું લખવું જે સત્સંગમાં આવ્યા પહેલાં મારામાં કેવા અયોગ્ય સ્વભાવો હતા ને અત્યારે કેવા છે ? અને જો સ્વભાવ જણાય તો ટાળવા પ્રયત્ન કરવો ને સમયે જાણપણું ને ખટકો રાખવો ને મોટાપુરુષ તથા સંતોનો જોગ-સમાગમ નિરંતર રાખવો તો સ્વભાવ જરૂર ટળે જ.

જીવનમાં ઘણા સુખકર સ્વભાવો (સદગુણો) હોય છે જે આપણને અને અન્યને સુખી કરે, શાંતિ આપે. દા.ત. સરળ સ્વભાવ, સહનશીલતા, દયાળુ ને લાગણીશીલ સ્વભાવ, પરોપકારી જીવન, વિવેક, ધીરજ અને અન્યને મદદરૂપ થવાની ભાવના વગેરે.

આવા સ્વભાવો જન્મજાત નથી હોતા; તેને કેળવવા પડે છે. જે વ્યક્તિનું જીવન બાળપણથી જ વિચારે યુક્ત હોય, મનને યુક્ત હોય તેને બાલ્યાવસ્થાથી જ આ બદા ગુણોનો વારસો પ્રાપ્ત થાય છે. કોઈ પણ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ પ્રત્યેથી દોષદૃષ્ટિ ટાળી ગુણગ્રાહક દૃષ્ટિ કેળવવાથી આ સ્વભાવોનો આપણામાં આવિર્ભાવ થાય છે. નકારાત્મક પ્રસંગ બને કે વાત સાંભળવા મળે છતાં સકારાત્મક વિચાર અને સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવા. મોટાપુરુષના સંગમાં રહી લેતાં ને જોતાં શીખવું તો તેમના કલ્યાણકારી સ્વભાવોનો વારસો પ્રાપ્ત કરી શકીએ.

આપણો સ્વભાવ એવો હોવો જોઈએ કે આપણે બધે જ સેટ થઈ જઈએ. ખુશમિજાજી વ્યક્તિ જોડે જઈએ ત્યારે ખુશમિજાજી બનવું ને ધીરગંભીર વ્યક્તિ જોડે ધીરગંભીર બનવું. પરંતુ આપણા વાસ્તવિક નક્કર જીવનને ઠોકર મારીને તો નહિ જ. ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં કૃપાવાક્ય નં. 88માં પ.પૂ. સ્વામીશ્રીએ જણાવ્યું છે કે, “ છૂંદામાં કેટલું એડજસ્ટમેન્ટ છે ! કેરીનો સ્વભાવ ખટાશનો છે. મરચાનો સ્વભાવ તીખાશનો છે. મીઠાનો સ્વભાવ ખારાશનો છે. ખાંડનો સ્વભાવ ગળપણનો છે. પણ છૂંદાએ કેવું એડજસ્ટમેન્ટ કરી લીધું છે કે સૌને વહાલો લાગે... તેમ અન્યના સ્વભાવને બદલવા કરતાં આપણે આપણા સ્વભાવને એવો કરવો કે જેથી સૌની સાથે સેટ થઈ જવાય... તો સૌને વ્હાલા લાગીએ.”

આવા સુખકર સ્વભાવોથી પરિવારમાં અરસપરસ આત્મીયતાભર્યું વાતાવરણ સર્જાય. સમાજમાં, સત્સંગમાં ને કુટુંબમાં સૌના આદરણીય બની શકાય. પ્રભુના માર્ગમાં વણથંભી પ્રગતિ થાય. આવા સ્વભાવવાળી વ્યક્તિની હાજરી સૌ કોઈ પસંદ કરે, જ્યાં જાય ત્યાં સન્માનિત થાય, સૌ તેની સાથે સેવા-કાર્ય કરવાનું ઇચ્છે. આવા સ્વભાવથી મોટાપુરુષનો અંતરનો રાજીપો થાય. પરિણામે સદગુણોની વૃદ્ધિ થાય ને દોષો ટળતા જાય. મોટાપુરુષને આપણા કોરની નિરાંત, હાશ વર્તે. તેમને મનનો ભીડો ન આવે એટલે ઈનડાયરેક્ટ તેમના અવરભાવનું જતન થઈ જાય.

કીર્તનમાં કહ્યું છે કે,

“સ્વભાવ-પ્રકૃતિ ટાળ્યા વિનાનું, સાધુજીવન નવ શોભે;

સ્વભાવ-પ્રકૃતિ ટાળ્યા વિનાનું, ભક્તજીવન નવ શોભે.”

આથી જ આપણા ભક્તપણાના પદને શોભાવવા દેદીપ્યમાન બનાવવા આવા દુઃખકર સ્વભાવોને તિલાંજલી આપીએ ને સુખકર સ્વભાવોને ગ્રહણ કરવાના પ્રયત્નમાં રહીએ એવી અભ્યર્થના.

કોઈપણ પ્રસંગ સુખદાયી કે દુ:ખદાયી નથી હોતો પરંતુ એ પ્રસંગને કઈ દૃષ્ટિથી મૂલવીએ છીએ. તે મહત્ત્વનું છે. તો ચાલો જીવનમાં હર પળે બનતા પ્રસંગો ને કેવી દૃષ્ટિથી જોવા જેથી સદાય સુખિયા રહેવાય તે માણીશું. આવતા અંકે...