સુખ દુઃખનું મૂળ : વાણી - 1

  January 19, 2016

વાણી એ પ્રભુએ માનવજાતને આપેલી કીમતી ભેટ છે. માનવી વિચારશીલ પ્રાણી છે. વ્યક્તિ કોઈક ને કોઈક માધ્યમ દ્વારા પોતાની અંદર ઉદ્ભવતા અગણિત વિચારોને શબ્દો દ્વારા અભિવ્યક્ત કરવા પ્રયત્નો કરતી હોય છે. આ શબ્દો ત્રણ પ્રકારે અભિવ્યક્ત થતા હોય છે. જેમ કે વાંચન દ્વારા, લેખન દ્વારા અને કથન કહેતાં વાણી દ્વારા. વ્યવહારનું સરળમાં સરળ માધ્યમ વાણી છે. વળી, આપણા જીવનમાં 80 %વ્યવહારો બોલવાથી જ થતા હોય છે. આથી જ કહી શકાય કે, વ્યવહારનું કારણ વાણી જ છે. વાણી એ જ વિચારોનું મૂર્ત સ્વરૂપ છે.

વાણી બોલવા માટે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. પરંતુ તેના પરિણામ માટે સ્વતંત્ર નથી. એટલે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે પાણી ગાળીને વાપરવું તેમ વાણી જોખીને ઉચ્ચારવી. પાણીની જેમ વાણી વપરાય નહીં. વાણી તો ઘીની જેમ સાચવીને વાપરવી જોઈએ. વાણી ઉચ્ચારવી તો સહેલી છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરતાં શીખવું જોઈએ, કારણ કે,

“શબ્દ જ ઘાવ બને છે, અને શબ્દ જ મલમ બને છે.

શબ્દ જ આપણને ડુબાડે છે, શબ્દ જ આપણને તારે છે.

શબ્દ જ જીવન સળગાવે છે, શબ્દ જ જીવન શણગારે છે.

શબ્દ જ કાતરનું કામ કરે છે, શબ્દ જ સોયનું કામ કરે છે.”

એક માલિકે તેના નોકરને હુકમ કર્યો કે, “દુનિયાની સારામાં સારી ચીજ કઈ છે તે શોધી લાવો.” આખી બજારમાં ફર્યા પછી નોકરે માલિક પાસે આવીને કહ્યું, “શેઠ, હું તો ઘણુંય ફર્યો પણ જીભ જેવી કોઈ સારી વસ્તુ ન મળી.” બીજે દિવસે માલિકે ફરી એ જ નોકરને હુકમ કર્યો કે, “ખરાબમાં ખરાબ વસ્તુ હોય તે લઈ આવો.” નોકર ફરીવાર બજારમાં ખરાબમાં ખરાબ વસ્તુ લેવા નીકળ્યો. આખા દિવસને અંતે માલિક પાસે આવીને નોકરે કહ્યું, “નામદાર ! ખરાબમાં ખરાબ વસ્તુ હોય તો તે છે જીભ.” જવાબ સાંભળી માલિક થોડા ખચકાયા અને આશ્ચર્ય સાથે કહ્યું, “સારામાં સારી વસ્તુ પણ જીભ અને ખરાબમાં ખરાબ વસ્તુ પણ જીભ ! એવું તો કેવી રીતે શક્ય બને ?” નોકરે વિનમ્રતાપૂર્વક કહ્યું, “હા, એમ જ છે. જે કંઈ સારું કે ખરાબ થાય છે તેનું મૂળ કારણ વાણી જ છે. વાણી ધારે તો માણસને રાજા બનાવી દે અને ધારે તો માણસને રંક બનાવી દે છે.”

શ્રીજીમહારાજે સ્વમુખે જીવનમાં વાણીની મહત્તા દર્શાવતાં કહ્યું છે કે, “કટુ વચન કહે તોપણ તેને દુઃખનો પાર આવતો નથી. વાંરવાર કટુ વચન કહે તેની સહાય શ્રીહરિ કરતા નથી. વળી, કટુ બોલનારને મર્યા પછી પણ જશ મળતો નથી. માણસ માત્ર તેને વગોવે છે. નર કે નારી કડવું વચન સુણીને મરે છે. ગરીબ મૂંઝાઈને મરે પણ જે ગરીબ નથી તેને વાણી મારે છે. કટુ ભાષણ એ મર્યા વિનાનું મૃત્યુ છે. અપશબ્દ બોલવામાં જેને લાભ મનાતો હોય તો તે ઠગારો લાભ છે.”

·           શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-5, તરંગ-66

તલવાર અને ભાલા કરતાં પણ વાણીમાં વધારે તાકાત છે. કારણ કે જીભથી બોલાતો ખરાબ શબ્દ સામેવાળાના જીવનમાં ખળભળાટ મચાવી દે છે. તલવાર અને ભાલાના ઘા તો રુઝાઈ જાય પણ શબ્દોના ઘા રુઝાતા નથી. પરિણામે મન છેટાં થાય છે. પછી તો ધીમે ધીમે દેહથી છેટા રહેવાની ઇચ્છા થવા માંડે અને છેવટે વર્ષોના ગાઢ પારિવારિક સંબંધો ક્ષણમાં ધૂળ ભેગા ધૂળ થઈ જાય છે; જાણે કે સમગ્ર દુનિયા પળમાત્રમાં બદલાઈ ગઈ હોય તેવું લાગે. પરંતુ એ જ જીભે બોલાતી મીઠી મધુર વાણીથી વર્ષોના વેરવિખેર થયેલા પરિવારજનો એક ડાળના પંખી બનીને હર્ષોલ્લાસ કરતા થઈ જાય છે. પરિવારમાં સંપનું વાતાવરણ ઊભું કરવા માટે વાણી મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકો સાથે પ્રેમભરી વાણી, સરખી વયના સભ્યો સાથે સ્નેહસભર વાણી અને વડીલો સાથે મર્યાદિત વાણી બોલવામાં આવે તો ઘરના સભ્યો વચ્ચે અરસપરસ એક એવો આત્મીયતાનો સેતુ રચાય છે જે અતૂટ બની રહે છે. પરંતુ વાણીમાં વિવેક ન હોય તો પરિવારમાં એક જ શબ્દ મહાયુદ્ધો રચી નાખતા હોય છે તેવું આપણે ઘણી વાર જોયું હશે. આપણે આપણા ઘરમાં શાંતિભર્યું, સુખમય, દિવ્યભાવસભર વાતાવરણ ઇચ્છતા હોઈએ તો સૌપ્રથમ વાણીમાં વિવેક લાવવાની શરૂઆત આપણાથી જ કરીએ. અંગ્રેજીમાં કહેવત છે કે, ‘The Tongue is fire.’ ‘જીભ એ અગ્નિ છે.’ તેથી વિરુદ્ધમાં પણ કહેવત છે કે, ‘A kind tongue is better than a pie.’ એટલે કે ‘મીઠી વાણી મિષ્ટાન્ન કરતાં પણ મધુર છે.’

ગઢપુરમાં એક વખત 200 ખાખી વૈરાગી બાવાઓની જમાત આવી. દંડ-દાટી બતાવતા આ વૈરાગી બાવાઓ ચીપિયા ખખડાવતા બોલવા માંડ્યા કે, “ધોલી દાલ ઔર કાલી રોટી દે દો. નહિ તો હમ તમાસા મચાયેંગે.” શ્રીજીમહારાજે પરિસ્થિતિ પારખી સદ્. મુક્તાનંદ સ્વામીને તેમની પાસે મોકલ્યા. શ્રીજીમહારાજની આજ્ઞાથી સદ્. મુક્તાનંદ સ્વામી ગયા અને બે હાથ જોડી કહે, “આવો... આવો... ભગવાનના પાર્ષદો, પધારો... પધારો...” સદ્. મુક્તાનંદ સ્વામીની મધુર વાણીના આવકારે વૈરાગી બાવાઓનાં ચિત્તને ઠારી દીધાં. તેમનો ગુસ્સો શાંત કરી દીધો. સદ્. મુક્તાનંદ સ્વામીની મધુર અને વિવેકી વાણી જોઈ બાવાઓ છોભીલા પડી ગયા. અને કહે,

“ખરા પાર્ષદો તમે છો. અમે તો ખાખી બાવા છીએ.” પોતાનો ઠરાવી મૂકી દાળ-રોટલાની રસોઈ જમાડી, સંતોનો ગુણ લઈને રવાના થઈ ગયા.

બોલતી વખતે આપણે યાદ રાખવું કે નહિ બોલાયેલા શબ્દો આપણા ગુલામ છે. જ્યારે બોલાયેલા શબ્દોના આપણે ગુલામ છીએ. બોલાયેલા શબ્દો, ફેંકાયેલું તીર, ઉપેક્ષિત તક અને વીતેલી ક્ષણ આ ચાર વસ્તુ ક્યારેય પાછી આવતી નથી. માટે જ અંગ્રેજીમાં કહેવત છે કે, ‘Think twice before speak’ – ‘બે વાર વિચારીને પછી બોલવું.’

એક ખેડૂતે પોતાના પાડોશીની નિંદા કરી; પોતાની ભૂલ સમજાઈ તેથી તેઓ પોતાના ધર્મગુરુ પાસે પશ્ચાત્તાપ માટે ગયા. ધર્મગુરુએ તેમને કહ્યું કે, “પીંછાંઓથી ભરેલો આ થેલો શહેરના ચાર રસ્તા પર ફેલાવી દો.” ખેડૂતે એ મુજબ કર્યું. થોડી વાર પછી ધર્મગુરુએ કહ્યું કે, “જાવ, જઈને બધાં પીંછા થેલામાં ભરીને પાછા લઈ આવો.” ખેડૂતે તરત જ શહેરના ચાર રસ્તા પર જઈને પીંછાં ભેગાં કરવાનો ઘણો જ પ્રયત્ન કર્યો, પરંતુ બધાં પીંછાં હવામાં ઊડતાં હતાં અને ઘણાં બધાં તો ઊડી ગયાં હતાં. ખેડૂત કંટાળીને થોડાં ઘણાં પીંછાં થેલામાં લઈ પાછા ફરે છે. ધર્મગુરુએ ખેડૂતને શીખ આપતાં કહ્યું, “આપણા જીવનમાં પણ આવું જ છે. જેમ તેં પીંછાં રસ્તા પર ફેલાવી દીધાં, પણ તું પાછાં ભેગાં કરી શકે તેમ નહોતો. તેમ બોલેલા બોલ તું પાછાં ખેંચી શકે તેમ નથી. માટે હવેથી બોલતી વખતે અને શબ્દો ઉચ્ચારતી વખતે ખૂબ ધ્યાન રાખજે.”

ઘણી વાર આપણને ધડ દઈને ધડાકો કરી દેવાની ટેવ હોય છે. “સાચું હોય તો કહેવું જ જોઈએ ને ! ટકોર કરી હોય તો ફરી ધ્યાનમાં રહે, અમારે તો કહેવાનો અધિકાર છે.” આવું વિચારીને ચોખ્ખે ચોખ્ખું બોલી જવાતું હોય છે. આવા સંજોગોમાં કોની આગળ બોલીએ છીએ, શું બોલીએ છીએ તેનો ખ્યાલ નથી રહેતો. આવી અવિવેકી, અમર્યાદી વાણી જ આપણો વિવેક ચુકાવી દે છે અને તે દુઃખરૂપ નીવડે છે. જો એ જ વાતને યોગ્ય શબ્દોમાં રજૂ કરીએ તો એ જ વાણી સુખરૂપ નીવડે છે.

બે મિત્રો હતા. જેમાંથી એક મિત્ર રાજા રણજિતસિંહ પાસે ગયો. રાજાને કહે, “રાજન્ ! તમે એક આંખે કાણા છો છતાં કેટલી રાજ્યસમૃધ્ધિ, મિલકત, જમીન-જાગીર વાપરો છો ?! વળી, નગરનો વહીવટ કરો છો.” રાજાને આ સાંભળીને અપમાન લાગ્યું. તેઓ ગુસ્સે થઈ ગયા. રાજાએ તેને તોપના ગોળાથી ઉડાડી દીધો. બીજો મિત્ર કહે, “ હું આ જ વાત રાજા આગળ કરીશ તો રાજા રાજી રાજી થઈ જશે.” તેણે રાજા આગળ જઈને વખાણ કરતા કહ્યું, “રાજન્ !આપ એક દૃષ્ટિએ સમગ્ર નગરને કેવો સરસ ન્યાય આપો છો ! નગરનો વહીવટ કરો છો. સર્વે સમૃધ્ધિ અને રાજ્યને ભોગવો છો. આપને ધન્ય હો... ધન્ય હો...” આટલા શબ્દો સાંભળતાં રાજા ખુશ ખુશ થઈ ગયા. શાબાશી આપી અને ઇનામમાં એક ગામ ભેટ આપી દીધું.

વાણીથી વ્યક્તિની અંદર રહેલા સંસ્કારો પ્રદર્શિત થાય છે. વાણીથી વ્યક્તિનું પાણી મપાઈ જાય છે. ધંધાકીય, વ્યવસાયિક કે અન્ય કોઈ પણ ક્ષેત્રે જેમ જેમ મોભો મોટો થતો જાય તેમ તેમ વાણીમાં નમ્રતા, મર્યાદા, મધુરતા જેવા ગુણોનો વિશેષતઃ આવિર્ભાવ થવો જોઈએ. જો વાણી તોછડાઈભરી હોય, કટાક્ષભરી હોય તો મોભો (સ્ટેટસ) શોભે નહીં. વગર પાત્રતાએ અધિકાર મળી ગયો હોય તેવું લાગે. જેની અસર પોતાને તેમજ પોતાની આસપાસના વાતાવરણના દરેક સભ્યને થાય. કંપનીના મેનેજરની વાણીમાં જો તોછડાઈ હોય, હાંસી ઉડાડવાનો સ્વભાવ હોય તો તેમના હાથ નીચે કામ કરવા કોઈ તૈયાર થતું નથી. ક્યાંક તેમના તરફથી નફરત, તિરસ્કારના ભોગ બનવું પડે. યોગ્ય પરિણામ પણ ન આવે. છેવટે, જે-તે ધંધા-વ્યવસાયને મોટું નુકસાન થાય અને પોતે પોતાનો હોદ્દો ગુમાવવો પડે તેવા સંજોગો પણ ઊભા થાય છે. માટે જ મોટી મોટી કંપનીઓમાં મોટા હોદ્દા પર કોઈ વ્યક્તિની પસંદગી કરવાની હોય ત્યારે સૌથી પહેલાં તેમનામાં વાણીનો વિવેક જ જોવામાં આવે છે. સ્વયં શ્રીજીમહારાજને પણ પોતાના હરિભક્તોમાં આવી વાણીની તોછડાઈ અને કટાક્ષ હોય તે પસંદ નહોતું.

એક વાર શ્રીજીમહારાજ સંતો-હરિભક્તો સાથે ભૂજ જતા હતા. રસ્તામાં હરિભક્તો એકબીજાને તુંકારે બોલાવે, કટાક્ષવાણી બોલે. આ સાંભળીને શ્રીજીમહારાજ અતિશે નારાજ થયા. રસ્તા વચ્ચે ઊભા રહીને શ્રીજીમહારાજ કહે, “જેને એકબીજાને મર્યાદાથી વિવેકસભર બોલાવવા હોય તે જ અમારી સાથે . બીજા અહીંથી જ પાછા વળો.” સૌ હરિભક્તોને મહારાજનાં વચન સુણીને પોતાની ભૂલ ઓળખાઈ. મહારાજની માફી માગી અને ફરીવાર આવું ન કરવાનું વચન આપ્યું ત્યારે શ્રીજીમહારાજ રાજી થયા.

વૈખરી વાણી એટલે ધડ ધડ ધાણી ફૂટે તેવી વાણી. કોઈનાથી ભૂલ થાય ત્યારે પરિસ્થિતિને સમજ્યા વિના ક્રોધિત થઈ જઈએ ત્યારે વાણી બેકાબૂ બની જાય છે. કંટ્રોલ વગરની વાણીમાંથી મણ મણ વજનના એક એક શબ્દ નીકળવા માંડે છે. સામેવાળા સંયમ કેળવી રાખે તો વાંધો ન આવે, નહિતર વૈખરી-અસંયમી વાણી મર્યાદા છોડી દે તો સર્વનાશ કરી નાખે. ઘડીક વારમાં વાતાવરણ તંગ બનાવી દે. જ્યારે ક્રોધ શાંત પડે ત્યારે પોતાને જ પસ્તાવાનો પાર નથી રહેતો. આવેગમાં ને આવેગમાં ન બોલવાના ઘણાય શબ્દો બોલી કાઢ્યા હોય, કેટલાયને દુઃખવ્યા હોય, બહુ ખોટું થઈ ગયું હોય પરંતુ તેના નિરાકરણનો કોઈ માર્ગ પછી દીસતો ન હોય એવું પણ બને છે. માટે કહેવાયું છે કે પશુ ન બોલવાથી દુઃખી થાય છે જ્યારે મનુષ્ય ન બોલવાનું બોલીને દુઃખી થાય છે. આવી રીતે બોલાતી વાણી એ જ દુઃખનું મૂળ છે.

વાણી કઈ રીતે દુઃખી કરે છે ને એ જ વાણી કઈ રીતે બોલાય તો સુખ આપનારી બને છે તે જોયું પણ હવે, પ્રૅક્ટિકલ જીવનમાં કયાં કયાં આપણાથી જાણે-અજાણે કોઈ દુભાઈ જાય તેવી વાણી બોલી જવાય છે તે જોઈશું આવતા લેખાંકમાં...