સુખ દુઃખનું મૂળ : વાણી - 2

  January 28, 2016

વાણીનો મોટામાં મોટો દોષ છે બિનજરૂરી વધુ પડતું બોલ બોલ કરવાની કુટેવ. પરિણામે ઘરના વડીલ સભ્યોને વધુ પડતું બોલ બોલ કરવાની, ટોકવાની આદત હોય તો ઘરના સભ્યો કંટાળીને તેમનું સાંભળવા તૈયાર થતા નથી હોતા. આવા સંજોગોમાં વડીલોને એમ લાગે કે, ‘અમારું ઘરમાં સ્વમાન જળવાતું નથી. અમારા શબ્દોની કાંઈ કિંમત નથી. અમે એમના કરતાં ઘણી દિવાળી જોઈ છે. અમને અનુભવ નહિ હોય ! અમારું સાંભળવું તો જોઈએ ને !’ વડીલોના આ પ્રશ્નોના ઉકેલ રૂપે પ.પૂ. સ્વામીશ્રી કહે છે કે, “તમને ઘરના સભ્યો 10 વાર પૂછે ત્યારે એક વાર જવાબ આપશો તો જ તમારું ઘરમાં સ્વમાન જળવાઈ રહેશે.”

એક ભાઈ સવારમાં નોકરીએ જવા નીકળ્યા. કેરીની સીઝન હતી. રસ્તામાં કેરીની લારી જોઈને તેમને કેરીનો રસ જમવાની ઇચ્છા થઈ. એ ભાઈ રસ્તામાંથી કેરી ખરીદી ઘરે આપવા ગયા. “આજે સાંજે કેરીનો રસ બનાવજો.” આટલું કહીને નોકરીએ જતા રહ્યા. બહનેને કેરીનો રસ કાઢવા તૈયારી કરી પરંતુ મિક્ષ્ચરનો વાયર બળી ગયો. સાંજે ભાઈને નોકરીએથી ઘરે આવતાં રસ્તામાં એક જ વિચાર ઘૂમ્યા કરતો હતો કે, ‘ક્યારે ઘરે પહોંચું ને કેરીનો રસ જમાડું.’ ફટાફટ ઘરે પહોંચીને જમવા બેઠા. જોયું તો જમવામાં કેરીનો રસ નહોતો. ભાઈ તો અકળાઈને ન બોલવાના શબ્દો બોલવા માંડ્યા. રસ ન કાઢવાનું કારણ પૂછતાં બહેને કહ્યું, “મિક્ષ્ચરનો વાયર બળી ગયો હતો.” આટલું સાંભળતાં તો એ વધુ ઉશ્કેરાયા, “વાયર બળી ગયો એના કરતાં તું જ બળી ગઈ હોત તો સારું થાત.” આટલું કહીને ભાઈ ઘરમાંથી બહાર જતા રહ્યા. અમર્યાદિત વૈખરી વાણીની ફલશ્રુતિ રૂપે ભાઈના બોલેલા શબ્દો સાકાર થયા. બાઈએ અગ્નિસ્નાન કરી લીધું. પરિણામ સ્વરૂપે ભાઈને પણ જેલના સળિયા ગણવા પડ્યા.

અહમમાં ચકચૂર બનેલ વ્યક્તિ આંધળી અને બહેરી બની જાય છે. પોતે કોની આગળ શું બોલી રહી છે તેનું પણ ભાન નથી રહેતું. પછી ભલે તેમની આગળ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કે ઘરના વડીલ હોય કે સંત અરે ! કદાચ મોટાપુરુષ સમજાવે તોપણ તે સમયે કોઈ સમજણ કામ ન કરે. માટે જ શ્રીજીમહારાજે વિવેક બતાવતાં ‘શિક્ષાપત્રી સાર’માં કહ્યું છે કે, “ગુરુનું, અતિશય શ્રેષ્ઠ મનુષ્યનું, વ્યવહારમાં પ્રતિષ્ઠિત મનુષ્યનું, કોઈ વિદ્વાનનું તથા શસ્ત્રધારી મનુષ્યનું ક્યારેય અપમાન ન કરવું.”

બે સત્સંગી ભાઈઓ હતા. બંને ભાઈઓ વચ્ચે કોઈ આકસ્મિક કારણોસર તકરાર થઈ. મોટાભાઈને પોતાના બાહુબળનું ખૂબ મદ હતું. મોટાભાઈએ નાનાભાઈને ચેતવણી આપતાં કહ્યું, “અઠવાડિયાની અંદર અમદાવાદ છોડી દેજે, નહિતર તારી ખેર નથી.” નાનાભાઈ મોટાભાઈનો આકરો સ્વભાવ જાણતા હતા એટલે ખૂબ ડરી ગયા. શું કરવું એ સૂઝતું નહોતું એટલે પ.પૂ. સ્વામીશ્રીએ તેમને સાંત્વના આપી અને કહ્યું કે, “અમે તમારા મોટાભાઈને સમજાવીશું.”

પ.પૂ. સ્વામીશ્રીએ મોટાભાઈને બોલાવ્યા. મોટાભાઈ કમને આવ્યા તો ખરા. પ.પૂ. સ્વામીશ્રીએ તેમને સમજાવવા પ્રયત્નો ચાલુ પણ કર્યા, “ભાઈ ! તમે મોટા છો, સમજુ છો. તમારો ભાઈ નાનો છે. કંઈક ભૂલ થઈ હોય તો જતી કરવાની હોય. સમાધાન લાવી દેવાનું હોય...” પ.પૂ. સ્વામીશ્રી બોલવાનું પૂરું કરે એ પહેલાં તો અહંકારમાં ચકચૂર થયેલા મોટાભાઈ વચ્ચે જ બોલી પડ્યા, “જુઓ સ્વામી ! બીજી વાત કરવી હોય તો કરો. મારો નિર્ણય અફર છે. સ્વામી ! તમને ખબર નથી, મારા બાવડામાં (બાવડા પર હાથ પછાડીને)એટલું બધું જોર છે કે એને હું ચપટીમાં ચોળી નાખું...” પ.પૂ. સ્વામીશ્રીએ વચ્ચે રોક્યા, “ભાઈ ! આપણા બળે કશું જ ન થાય. મહારાજના બળે બધું થાય...” પ.પૂ. સ્વામીશ્રી સમજાવતાં રહ્યા ને પેલા ભાઈ તો સાંભળ્યા વિના ચાલ્યા ગયા.

પ.પૂ. સ્વામીશ્રીએ નાનાભાઈનું સારું થાય તે માટે અંતરથી મહારાજને પ્રાર્થના કરી. આ વાતને હજુ ચોવીસ કલાક નહોતા વીત્યા અને જે ભાઈ વટમાં ફાંકા મારતા હતા તેમના દીકરાનો ફોન આવ્યો. પ.પૂ. સ્વામીશ્રીને કહે, “સ્વામી ! મારા પિતાજીને રાત્રે અચાનક આંચકી આવી, તેમાં છેલ્લા સ્ટેજનો પેરાલિસીસ થઈ ગયો છે. હોસ્પિટલમાં દાખલ કર્યા છે તો દયા કરીને દર્શન દેવા પધારો તો સારું. આપને યાદ કરે છે.” પ. પૂ. સ્વામીશ્રી દર્શન દેવા પધાર્યા. મોટાભાઈનું ડાબું અંગ આખું ખલાસ થઈ ગયું હતું. જે બાવડું પછાડીને બોલતા હતા કે, ‘મારા બાવડામાં બહુ બળ છે’ તે જ ડાબું અંગ ખોટું પડી ગયું હતું. તેમણે પ.પૂ. સ્વામીશ્રીને કાગળમાં ધીરે ધીરે લખીને પૂછ્યું, “સ્વામી ! મારો શું વાંક ?” આવી પરિસ્થિતિમાં પ.પૂ. સ્વામીશ્રી શું કહે ? પરંતુ વાંક હતો – પોતાની અહંકારી વાણીનો. પોતે મોટાપુરુષ આગળ પણ માન ન મૂકી શક્યા. તેમનાં વચનનો સ્વીકાર ન થયો.

અહમનું ઘોડાપૂર જ્યારે સવાર થાય એવા સમયે સામે સમજાવનાર ગમે તે હોય, ગમે તેવાં સલાહ-સૂચન આપે તોપણ તેની કાંઈ ગણતરી ન હોય. ‘મારો કક્કો સાચો’ એમ કરાવવામાં અહંકારમય વાણી અહંકારનાં એવા વાદળાં પ્રસરાવી દે છે કે જેના ઝેરીલા વરસાદમાં પોતાને અને અન્ય સૌને પણ સ્નાન કરવું પડે છે.

સ્વહિત માટે કે પોતાના સ્વાર્થ માટે કોઈના પર ખોટા આક્ષેપ મુકાતા હોય છે અથવા તો પોતાનું કાર્ય સિદ્ધ કરાવવા માટે ખોટી ખોટી ખુશામત થતી હોય છે. આપણો સ્વાર્થ સધાય એટલે આપણને આનંદ થાય છે, પરંતુ જ્યારે સામેવાળાને વાસ્તાવિક્તાનો ખ્યાલ આવે અને તેનાથી જે વળતાં પરિણામો મળે ત્યારે મેળવેલો આનંદ દુઃખમાં પરિણમી જાય છે. માટે સ્વાર્થમૂલક વાણીને સદંતર ત્યજીએ. અન્યના હિતને વિચારીએ.

કોઈની પ્રગતિ જોઈને કદી બળી ન મરીએ. જો મહારાજના કર્તાપણાનો સ્વીકાર નહિ હોય તો કોઈને આપણાથી આગળ વધતા જોઈને ઈર્ષ્યા ઉત્પન્ન થશે. આ ઈર્ષ્યાની અગનજાળ આપણી વાણીમાં ક્યાંક ને ક્યાંક તો નીકળી જ જાય. આવી ઈર્ષ્યામૂલક વાણી બોલી આપણે તો ઈર્ષ્યાની વરાળમાં દાઝીશું પરંતુ અન્યને પણ દઝાડીશું. માટે આવી અનિષ્ટ વાણીને ત્યાગીએ.

નવરાશની પળો પ્રભુભજન-ભક્તિમાં વિતાવવી જોઈએ. પરંતુ મોટાભાગનો સમય અનાદિકાળના ઢાળ મુજહ નિંદા, ટીકા, ચાડી-ચુગલી, અભાવ-અવગુણની વાતોમાં જતો હોય છે. જેનાથી આપણું આધ્યાત્મિક પાસું ઘટતું જાય છે. મહારાજની નારાજગી આપણે જ સામે ચાલીને વહોરીએ છીએ.

એક વાર સુરાખાચરે મહારાજ પાસે આવીને માત્ર બે જ વાક્યો કહ્યાં, “મહારાજ, હું તો નાહીને આવી ગયો પણ સોમલો તો હજુય ઘેલામાં પાડાની જેમ પડ્યો છે.” મહારાજને આ બિલકુલ ન ગમ્યું. તરત જ પ્રાયશ્ચિત્ત રૂપે પાંચ દંડવત કરાવ્યા.

અભાવ-અવગુણ, નિંદા-ટીકાની વાત એ કીચડ છે. તેમાં પથરોં ફેંકીશું તો એ કીચડના છાંટા આપણને જ ઊડશે. માટે સદા સાવધાન રહીએ. હંમેશાં મહિમાસભર વાણી બોલીએ. મહિમાસભર રહેવું અને સૌને મહિમાસભર કરવા એ જ મોટામાં મોટી સેવા છે.

વ્યવહારિક જીવનમાં બોલવામાં આપણે ક્યાં ભૂલ કરતા હોઈએ છીએ અને તેના બદલે કેવી રીતે બોલવું જોઈએ તે જોઈએ :

1). સવારે બાળકોને ઉઠાડતાવેંત, “એય અઘોરી ! ઊઠ હવે, માથે સૂરજ આવ્યો.” તેના બદલે “બેટા ! જય સ્વામિનારાયણ. જાગ, સવાર થયું. મહારાજ પણ જાગી ગયા.”

2). ઘરમાં કામ કરીને થાકી જઈએ ત્યારે, “સવારે ઊઠીએ ત્યારથી સૂઈએ ત્યાં સુધી આખા ઘરના કૂટણા મારે જ કરવાના ? કોઈને મદદ તો કરાવવી નથી.” તેના બદલે, “દયાળુ ! આજ સવારથી બહુ કામ પહોંચ્યું છે. થાકી ગઈ છું. સહેજ મદદ કરાવો તો સાથે સાથે પતી જાય.”

3). રસોઈ બાબતે, “મમ્મી ! જો તને આ પહેલી ને છેલ્લી વાર કહી દઉં. મને નાસ્તામાં બટાકાપૌંઆ નહિ બનાવી દેવાના.” તેના બદલે, “મમ્મી ! આપ રાજી હો તો એક વાત કહું ? મને નાસ્તામાં બટાકાપૌંઆ અનુકૂળ નથી તો એના બદલે આપને બીજું કંઈ બનાવવાનું ફાવશે ?”

4). કોઈ વચ્ચે બોલે ત્યારે, “ચૂપ મર ને ! વચ્ચ ડબકાં મારવાની ખોટી ટેવ પડી ગઈ છે.” તેના બદલે, “જો બેટા ! બે જણ વાત કરતા હોય ત્યારે વચ્ચે બોલીએ તે ટેવ સારી નહિ હોં...!”

5). નોકર જોડે, “એય રમલા ! કંઈ ભાનબાન પડે છે કે નહીં ? શું મારું મોઢું જોઈ રહ્યો છે ?” તેના બદલે “ભાઈ રમેશ ! ક્યારનોય મારી સામું જોઈ રહ્યો છે. તો હું શું બોલ્યો તેનો તને ખ્યાલ નથી આવ્યો કે શું ?”

6). વડીલ જોડે, “હવે તો ઉંમર થઈ. છાનામાના ભગવાન ભજો ભગવાન.” તેના બદલે “દાદા ! હવે તો તમારે પ્રભુ ભજ્યાની સુંદર તક આવી. ખરું ને ?!”

 આવા તો અનેક પ્રસંગોમાં આપણે વાણીનો અવિવેક કરતા હોઈએ છીએ. જેને કારણે દુઃખ, ઝઘડા, કંકાસ ઊભાં થતાં હોય છે. પરંતુ તેને બદલે આપણે મીઠી, વિવેકી અને સૌને ગમે એવી વાણી બોલીશું તો સુખ શોધવું નહિ પડે પણ સામે ચાલીને આવશે.

આપણે સૌ ભેગા મળીને દૃઢ સંકલ્પ કરીએ કે મારે મારી વાણીમાં રહેલી ત્રુટિઓ, ક્ષતિઓને નિવારવી જ છે.

અને મહારાજ, બાપા, ગુરુવર્ય પ.પૂ. બાપજી, પ.પૂ. સ્વામીશ્રી રાજી થાય અને દિવ્યજીવનને શોભાડે તેવી જ વાણી બોલવી છે.

શબ્દમાં કહેતાં વાણીમાં રહેલી તાકાતને જોઈ. કે જે આપણને અને સામેનાના જીવનમાં અધોગતિ કે પ્રગતિ માટેની બહુ મોટી સીડી છે... એવું જ કંઈક બીજું પરિબળ છે જેની Positive side આપણને સુખી કરે છે ને એની Negative side આપણને દુઃખી કરી નાખે છે તે શું હશે ?? તે જોઈશું આવતા લેખમાળામાં...