સુખ દુઃખનું મૂળ - વર્તન - 1

  February 5, 2016

આપણું સમગ્ર સાંસારિક જીવન એકબીજા સાથેના વ્યવહારોથી સંકળાયેલું છે. આ વ્યવહારો દરમ્યાનનું આપણું વર્તન જ આપણા જીવનમાં આવતાં સુખ-દુઃખમાં મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. સુખ-દુઃખનું મૂળ વિચાર જ છે જે સનાતન સત્ય છે. પરંતુ તેનું પણ જો બારીકાઈથી સૂક્ષ્મ અવલોકન કરીએ તો આપણા વિચારોનો આધાર એકબીજા સાથેના વર્તન ઉપર છે. જો આપણું અને સામેના પક્ષનું વર્તન સુયોગ્ય હશે તો વિચારો પણ સકારાત્મક જ હશે અને જો વર્તન અયોગ્ય હશે તો વિચારો પણ નકારાત્મક જ આવશે અને એ જ વિચારો સુખ-દુઃખનાં વમળો ઊભાં કરે છે.

એક અલ્પ સમય માટે સ્વ-અધ્યયન કરીએ કે આપણે કોઈ વ્યક્તિ સાથે અવિવેકભર્યું વર્તન કર્યું હોય, ઉગ્ર બોલાચાલી થઈ હોય, યુક્તિ-પ્રયુક્તિપૂર્વક કોઈ છાનું કાર્ય કર્યું હોય, કોઈને છેતરવાનો પ્રયત્ન થયો હોય, જૂઠું બોલાયું હોય – ટૂંકમાં કોઈને દુઃખ પહોંચાડે તેવી ક્રિયા થઈ હોય તો પછી આપણને વિચારો કેવા આવે ? શું આપણને સવળા અને પ્રગતિશીલ ઉત્કૃષ્ટ વિચારો આવે ? ના... ના... ના... કારણ કે આચરણ જ વિચારોની જન્મોત્રી છે, અને પછી એ જ વિચારો પુનઃનકારાત્મક આચરણ માટે પ્રેરે છે. જેવું આપણું વર્તન થયું હોય તેવા જ વિચારો આપણા માનસમાં સતત દોહરાતા રહે છે. પછી ત્યાં ગમે તેટલી સમજણ વાપરવા પ્રયત્ન કરીએ કે કોઈ આવીને આપણને ઉપદેશ આપે તો તેની પણ અસર થતી નથી – કારણ આપણું વર્તન. વળી, આ વારંવાર દોહરાતા નકારાત્મક વિચારો આપણને નકારાત્મક વર્તન કરવા માટે નિઃશંકપણે દોરી જાય છે ને વણકલ્પી પરિસ્થિતિનું સર્જન કરી દે છે. જેથી પરસ્પરનો સુમેળ તૂટે છે, સંબંધો બગડે છે. ક્યાંક ન કરવાનાં નિમ્ન કાર્યો પણ થઈ જાય છે. અંતરમાં ઉદ્વેગ, અશાંતિ, મૂંઝવણ ઘેરો ઘાલે છે અને દુઃખની દુનિયાનો પ્રારંભ થઈ જાય છે કારણ કે આપણા વર્તનનો સીધો સંબંધ અન્યની લાગણીઓ સાથે જોડાયેલો છે. આપણું અણછાજતું વર્તન અન્યની લાગણીઓને ઠેસ પહોંચાડે છે જે આપણા માટે દુઃખ ઉત્પન્ન કરે છે.

આપણું યોગ્ય વર્તન અન્યની લાગણીઓને આવકારે છે અને સુખ ઉત્પન્ન કરે છે. જેમ કે, કોઈની સાથે આપણે વિવેકસભર સારું વર્તન થયું હોય એ પછીથી આપણને વિચારો પણ સવળા અને ઉત્કૃષ્ટ આવતા હોય છે. એટલે કે ‘જેવું વર્તન એવા વિચાર અને વિચાર એવું વર્તન’ – આ સનાતન સત્ય છે. કારણ કે વિચાર અને વર્તન આ બંને એકબીજા સાથે અવ્વલપણે સંકળાયેલી અભિન્ન પ્રક્રિયા છે જે સતત ચાલતી રહે છે. અને એમાંથી જ સુખ-દુઃખનાં તરંગો નિતાંત (નિરંતર) ઊઠતાં રહે છે.

આપણે બાહ્યિક રીતે જે વર્તન કરીએ છીએ એ જ માત્ર વર્તન નથી. આપણા વિચારો પણ આંતરિક વર્તનની એક ભૂમિકા ભજવી જાય છે. કોઈ પણ વ્યક્તિ સાથે બે પ્રકારે વર્તન થતું હોય છે : એક બાહ્યિક વર્તન અને બીજું આંતરિક વર્તન.

જેમ કે, આપણે કોઈ વ્યક્તિના ગુણાનુવાદ કર્યા કે એ વ્યક્તિ માટે પ્રશંસાના બે બોલ કોઈની આગળ બોલ્યા પરંતુ અંદર તો એના માટે નર્યો અભાવ જ હોય અને પડદા પાછળ રહીને એ વ્યક્તિને નીચી દેખાડવાની, પાયમાલ કરવાની, ત્રાસ આપવાની જ પ્રવૃત્તિ થતી હોય તો !!!  ત્યાં ઉપરથી સારું સારું બોલી બાહ્યિક વર્તન કરતાં આપણા વિચારોરૂપી આંતરિક વર્તન મહત્ત્વનો ભાગ ભજવે છે. વિચારરૂપી આંતરિક દ્વેષભાવે યુક્ત વર્તન એવી જ વરવી વાસ્તવિકતાને સર્જી નાખે છે.

એક ભાગીદારી પેઢીમાં બે ભાઈઓ ભેગા મળી ધંધો કરતા હતા. દિન-પ્રતિદિન ધંધામાં બઢતી થતી જતી હતી. દિવસે દિવસે ધંધાનું કાર્યક્ષેત્ર વિશાળ થતું જતું હતું. ઉપરથી બંને ભાઈઓ હળીમળીને રહે અને ધંધો કરે, પરંતુ મોટાભાઈને અંદર અંદર વિચાર રહ્યા કરે કે ‘ધંધો કરવામાં ઘસાયો હું, સૌથી વધારે ભોગ મેં આપ્યો. પેટે પાટા બાંધી નાનાભાઈને ભણાવ્યો, ધંધાની માલ-મિલકત મેં ઊભી કરી. નાનાભાઈને ધંધામાં સેટ પણ મેં જ કર્યો અને હવે તે તૈયાર ભાણે તાગડધિન્ના કરે છે. સરખો ભાગ લઈ જાય છે. આના કરતાં તો ધંધા જુદા કરીએ તો સારું.’ નાનાભાઈને પોતાના મોટાભાઈ ઉપર સંપૂર્ણ વિશ્વાસ કે મોટાભાઈ જે કરે છે તે બધું જ બરાબર કરતા હશે.

મોટાભાઈના મનમાં ઉદ્ભવેલા વિચારો વધુ ને વધુ પાકા બનતા ગયા. તેથી તેઓ ઉપરથી નાનાભાઈનાં વખાણ કરે; તેને રાજી રાખે. એક દિવસ તેમના વતનમાંથી માતાપિતા આવ્યાં તો તેમની આગળ પણ નાનાભાઈના સ્વભાવનાં, વ્યવહારકુશળતાનાં વખાણ કરે. સગાં-સંબંધીઓ આગળ પણ મોટાભાઈ વખાણ કરે, તેને માન આપે, સાચવે... પરંતુ અંદરથી જલન થયા કરે. વિચાર્યા કરે કે જો હું ધંધો જુદો કરીશ તો નાનોભાઈ મારા કરતાં વધુ ભણેલો છે તેથી તે આગળ નીકળી જશે અને ભેગો ધંધો પણ પોસાતો નહોતો.

એક દિવસ મોટાભાઈએ નાનાભાઈને કહ્યું, “ચાલ આપણે ધંધા માટે મોટી જગ્યા જોવા જઈએ.” બંને ભાઈઓ એક અવાવરી જગ્યાએ પહોંચ્યા. વેરાન રસ્તો, કોઈની અવરજવર પણ નહીં. મોટાભાઈની મેલી મુરાદ તેમના વર્તનમાં ઝબકવા માંડી. નાનાભાઈની નજર ચુકાવી મોટાભાઈએ પાછળથી તેના પેટમાં ખંજર મારી ત્યાં ને ત્યાં જ તેને ઢાળી દીધો અને પછી પેટે પથ્થર બાંધી અવાવરા કૂવામાં ધકેલી દીધો. ઘરે આવી સૌની સાથે નાનાભાઈને શોધવા લાગ્યા. રોકકળ કરી મૂકી. થોડા સમયમાં સંપૂર્ણ મિલકત ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. પરંતુ તેમનું આ અપકૃત્ય વધુ સમય છુપાયેલું ન રહ્યું અને સમયાંતરે તેમનું કપટ છતું થયું. સૌરાષ્ટ્રના એક ગામની બનેલી છે સત્ય ઘટના છે.

મોટાભાઈનું ઈર્ષ્યાવૃત્તિ ભરેલું કપટયુક્ત આંતરિક વર્તન વાસ્તવિક બન્યું ત્યારે પરિણામ સ્વરૂપે શું થયું ? પોતાના જ સ્વજનને ગુમાવવા પડ્યા, હત્યાનું મોટું પાપ લાગ્યું, ગામ-સમાજમાં ફજેતી થઈ, ધંધામાં બદનામી થઈ, લોકોનો વિશ્વાસ ઊઠી ગયો. કૉર્ટ-કચેરીના ધક્કા ચાલુ થઈ ગયા. અંતે નિર્દોષ વિધવા બાઈના નિઃસાસા જીવનપર્યંત લાગ્યા. જીવનમાં નર્યું દુઃખ જ રહ્યું. સુખ શોધ્યું પણ જડે નહિ તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ.

સત્સંગમાં આવ્યા પછી હરિભક્ત સમાજમાં ક્યારેક જો આવું ઈર્ષ્યાયુક્ત, કપટયુક્ત, દંભયુક્ત વર્તન જ્યારે મોટાપુરુષ જુએ ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈ જાય છે. નારાજ થઈ જાય છે. અને મોટાપુરુષની નારાજગી આપણને ક્યારેય સુખી ન થવા દે.

સત્સંગમાં આવ્યા પછી સત્સંગીમાત્રનું સુખ એટલે મહારાજ અને મોટાપુરુષનો રાજીપો અને દુઃખ એટલે મહારાજ અને મોટાપુરુષની નારાજગી. ઈર્ષ્યા, દંભ અને કપટયુક્ત વર્તનથી મોટાપુરુષ ભૂતકાળમાં પણ અત્યંત નારાજ થયા છે અને વર્તમાનકાળે પણ નારાજ થાય છે. એવા કેટલાય પ્રસંગો સત્સંગમાં મોજૂદ છે. માટે આપણું બાહ્ય અને આંતરિક વર્તન જ આપણાં સુખ-દુઃખનું મૂળ બને છે.

સંસાર વ્યવહારમાં કે સત્સંગમાં વર્તનની દૃષ્ટિએ વિહંગાવલોકન કરતાં એક બાબત સ્પષ્ટ જણાય છે કે, દરેક વ્યક્તિ પોતાનું સ્ટેટસ જાળવવા કે બીજા પર પોતાનો દાબ જમાવવા તથા પોતાનો તથા પોતાનો ભાર અને પ્રભાવ પાડવા પ્રયત્ન કરે છે. દરેક વ્યક્તિ એવું જ ઇચ્છતી હોય છે કે આપણી કંઈક ગણતરી હોવી જોઈએ. આપણી કોઈક આગવી છાપ સૌના માનસમાં ઊભી થવી જોઈએ. આપણો પોતાનો પ્રભાવ અન્યની વચ્ચે પાડતા પહેલાં એક ચિંતનીય વાક્યનું ચિંતન આપણા વર્તનને જરૂર ચિરંતન બનાવશે.

“વ્યકિતનો પ્રભાવ તેના સાંનિધ્ય પૂરતો કે અલ્પકાળનો જ હોય છે જ્યારે વ્યક્તિત્વનો પ્રભાવ વ્યક્તિની હાજરી ન હોવા છતાં ચિરંજીવી હોય છે.”

એટલે કે વ્યક્તિનો પ્રભાવ કદાચ સત્તાની રૂએ કે પ્રત્યક્ષ હાજરીમાં ભય અને આબરૂને કારણે અન્ય વ્યક્તિ ઉપર પડે છે. પરંતુ જ્યારે તે વ્યક્તિની સ્થૂળ હાજરી ન હોય ત્યારે તેની કોઈ જ અસર રહેતી નથી. જ્યારે વ્યક્તિના વ્યક્તિત્વનો એટલે કે વર્તનનો પ્રભાવ પોતાની ઉપસ્થિતિ ન હોય તોપણ કાયમી રહે છે.

ભારત દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી વર્તમાનકાળે હયાત ન હોવા છતાં તેમનાં નૈતિક મૂલ્યો, સત્યપાલન, દેશભક્તિ આદિક ગુણોસભર  વ્યક્તિત્વનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહિ;  સમગ્ર દુનિયામાં આજે પણ જીવંત છે.

કારણ સત્સંગના આચાર્ય સમા નીડર સિદ્ધાંતવાદી સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી એટલે પરભાવનું વ્યક્તિત્વ, તેમનું સાધુતાસભર જીવન, સિદ્ધાંતવાદીપણું, નિષ્ઠાનું અડગપણું, માતૃવાત્સલ્યતા, રુચિમાં વર્તવાની ખટક, નિયમ-ધર્મની દૃઢતા આદિક દિવ્ય ગુણોસભર અજોડ વ્યક્તિત્વને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય વંદી રહ્યો છે. અવરભાવમાં સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી હયાત ન હોવા છતાં તેમનું પરભાવી વ્યક્તિત્વ સદાકાળ સંપ્રદાયમાં જીવંત છે. તેમના વર્તનશીલ જીવનની અનેરી સુવાસ વિશ્વના ફલક ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસરી રહી છે. એટલે કે મહાન વ્યક્તિઓ માત્ર વાતથી નહિ, પોતાના ઉન્નત વર્તનથી જ મહાન બન્યા હોય છે.

માટે, વ્યવહારિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો જેટલું આચરણ શ્રેષ્ઠ એટલું જ જીવન શ્રેષ્ઠ ગણાય છે.

એટલે જ કહ્યું છે કે, ‘આચારઃ પ્રથમો ધર્મઃ’ એટલે કે આચરણ (વર્તન) એ જ મનુષ્યનો સૌથી મોટો ધર્મ છે.

એક કાવ્યપંક્તિ આપણને વર્તનલક્ષી બહુ ઊંચો આદર્શ આપે છે કે,

“જબ તુમ આયે  જગ મેં, જગ હસે તુમ રોય;

એસી કરની કર ચલો, તુમ હસો જગ રોય.”

નવજાત શિશુનો ધરા ઉપર જન્મ થાય છે ત્યારે અંતરમાં આનંદના ઓઘ ઊતરે છે. મુખ પર હાસ્યની હેલી વરસી જાય છે. આ સર્વે સુખ અને આનંદનો અનુભવ શિશુનાં માતાપિતા, સગાં-સંબંધી અને પરિવારજનો તેમજ આડોશી-પાડોશીમાં થાય છે. જીવનની આ એક એવી ક્ષણ છે કે જ્યારે જગત આખામાં સૌ કોઈ હસતા હોય છે ત્યારે અવતરતું નવજાત શિશુ જ માત્ર રડતું હોય છે.

જન્મથી મૃત્યુ સુધીના જીવનકાળ દરમ્યાન વ્યક્તિ અનેકાનેકના સંબંધમાં આવે છે અને દરેક વ્યક્તિ સાથે જુદું જુદું વર્તન કરે છે. વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમ્યાન કરેલાં કાર્યો અને વર્તન તેના જન્મ સમયે ખુશ થઈ હસનારા અને જગતના અન્ય સૌ કોઈ જુએ છે. તેથી જીવનકાળ દરમ્યાન એવાં કાર્યો કરવાં અને એવું સૌની સાથે વર્તન કરવું કે જેથી અંતાવસ્થાએ આપણાં જીવનકાર્ય અને વર્તનને જોઈ આપણને પોતાને અને સૌને સંતોષ થાય. જેથી એ અવસ્થાએ આપણે હસી શકીએ. દુનિયા છોડીને જતાં સૌ કોઈ રડે, કારણ કે દરેકને એવું મહેસૂસ થાય કે આપણને એવી શ્રેષ્ઠ વ્યક્તિની ખોટ પડી છે જે કદી નહિ પુરાય.

કેટલું જીવ્યા એ નહિ પરંતુ કેવું જીવ્યા એનું જ મૂલ્યાંકન થાય છે. કોઈ વ્યક્તિની શ્રદ્ધાંજલિ અપાતી હોય ત્યારે તેનાં વર્તન અને કાર્યની જ પ્રશંસા, ચર્ચા કે કદર થતી હોય છે. કારણ કે વ્યક્તિ કરતાં વ્યક્તિના કાર્યનું અને વર્તનનું જ વધુ મહત્ત્વ છે.

લગભગ સો વર્ષ પૂર્વેની વાત છે. એક દિવસ સવારના સમયે આલ્ફ્રેડ નોબલ સમાચારપત્ર વાંચવા માટે બેઠા. પાનાં ફેરવતાં ફેરવતાં અચાનક જ તેમનો હાથ સ્થિર થઈ ગયો. આંખો પહોળી થઈ ગઈ. હૃદય બંધ થઈ ગયું કે શું ? કંઈ સમજાતું નહોતું.

સમાચારપત્રમાં ‘બેસણા’ના વિભાગમાં પોતાનું નામ વાંચ્યું. પોતાનું નામ નજર સમક્ષ દેખાવા છતાં તેઓ આ સમાચારને સ્વીકારવા તૈયાર નહોતા. તેઓ વિચારતા રહ્યા કે, ખરેખર હું જીવતો છું કે મૃત્યુ પામ્યો છું ? સમાચારપત્રનાં પાનાં બંધ કરી દીધાં. બે ઘડી ઊંડો શ્વાસ લઈ પોતાની જાતને સંભાળી વિચાર કર્યો કે, મારું નામ બેસણાના વિભાગમાં કેમ ? મારા માટે શું લખ્યું છે તે તો જોવા દે. પાનાં ખોલી પોતાના નામની નીચે વાંચ્યું કે, ‘ડાઇનમાઇટ’નો રાજા મૃત્યુ પામ્યો. અને એ ‘મૃત્યુનો સોદાગર’ હતો. આ વ્યક્તિ પોતે ડાઇનમાઇટના શોધક હતા. ‘ડાઇનમાઇટ’ એ નાઇટ્રોગ્લિસરીનમાંથી બનતો ભારે ખતરનાક પદાર્થ છે જે જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. એટલે કે જેના વિસ્ફોટથી કેટલાય જીવનો નાશ થઈ જાય. તેથી તેમને ‘મૃત્યુનો સોદાગર’ ઉપનામ અપાયું હતું.

‘મૃત્યુનો સોદાગર’ આ શબ્દએ તેમના આંતરતંત્રને હચમચાવી દીધું. વિચારની ગર્તામાં ચાલ્યા ગયા કે, “શું ખરેખર મને લોકો ‘મૃત્યુનો સોદાગર’ તરીકે યાદ કરશે ? ના... ના... ના... મારે મારા જીવનમાં એવાં કાર્યો કરવાં છે અને એવી રીતે સૌની સાથે વર્તાવ કરવો છે કે મારી આ ખોટી છાપ ભૂંસાઈ જાય અને ઉત્કૃષ્ટ જીવન જીવી શકું.” એ જ દિવસથી તેમણે સમગ્ર દુનિયામાં શાંતિ ફેલાવવાનાં કાર્યો શરૂ કર્યાં. સૌની સાથે તેમનું વર્તન બદલી નાંખ્યું. તેઓને આજે સમગ્ર દુનિયા નોબલ પારિતોષકના જનક તરીકે જ યાદ કરે છે જેનું એકમાત્ર કારણ છે – તેમના જીવનનાં કાર્ય અને વર્તન. દૃષ્ટાંતનો સાર એટલો જ છે કે, જેવું જીવનમાં કાર્ય અને વર્તન એવી જ પણી છાપ ઊભી થતી હોય છે. એની જ સ્મૃતિ સૌના માનસમાં સચવાતી હોય છે.

સારું વર્તન કરનારને સૌ કોઈ ચાહે છે ને ખરાબ વર્તન કરનાર પ્રત્યે સૌને નફરત અને ઘ્રુણા ઉત્પન્ન થાય છે... આપણે સૌના અને મહારાજ અને મોટાના ચાહક, આંખોના તારા બનવું છે... કે કરોડો જનસમાજ અને મહારાજ અને મોટાપુરુષને દુઃખી કરનાર એક વજ્રઘાતી બનવું છે..?? Decision is your… નિર્ણય આપના હાથમાં છે... આશા છે... જરૂર જવાબ સૌના ચાહક ને આંખોના તારા બનવું છે એ જ હશે... તો શું કરવું પડશે હવે... તે જોઈશું આવતા લેખમાળામાં...