સુખ દુઃખનું મૂળ - વર્તન - 2

  February 12, 2016

જીવનમાં લોકો આપણને તરછોડે છે, નફરત કરે છે તેનું કારણ પણ આપણું વર્તન જ હોય છે. માટે વિચાર અને વર્તનની એકતા સહિતનું વ્યવહારુ અને નિર્દંભ વર્તન એ જ આપણું સાચું વર્તન છે અને એવું વર્તન જ આપણને શ્રેષ્ઠ કક્ષા સુધી લઈ જાય છે.

વ્યવહારમાર્ગમાં કે અધ્યાત્મમાર્ગમાં સ્વકેન્દ્રિત વલણ અને વર્તન દુઃખનું કારણ બની જતાં હોય છે. પોતાની સ્વાર્થવૃત્તિ પરહિતનો કે પરસુખનો વિચાર ઉદ્ભવવા જ નથી દેતી તો બીજા માટે પરોપકારી વર્તન તો થાય જ કઈ રીતે ?

આપણું સ્વાર્થી વર્તન ગમે તેટલું છુપાવવા જઈએ કે ઉપરથી નિઃસ્વાર્થી બનવા પ્રયત્ન કરીએ છતાંય તે છતું થયા વિના રહેતું જ નથી. આપણું સ્વાર્થી વર્તન ક્યાંક નેણથી, ક્યાંક વેણથી, ક્યાંક ક્રિયાથી તો ક્યાંક મૂક પ્રતિભાવથી પ્રદર્શિત થતું હોય છે. ત્યારે આપણે એમ સમજતા હોઈએ છીએ કે, મારા વર્તનનો કોઈને ખ્યાલ ન આવે, પરંતુ વર્તન વાત કર્યા વગર રહે જ નહીં. આપણાં નેણ ચાડી ખાઈ જાય, વેણ સાક્ષી પૂરી દે અને ક્રિયા તથા મૂક પ્રતિભાવ એનો પડઘો પાડ્યા વિના રહેતાં જ નથી. પોતાનો જ સ્વાર્થ સધાતો હોય તેવું વર્તન આપણા જીવનમાં સવિશેષ થતું હોય છે કે જે આપણાં દુઃખનું મૂળ બની જાય છે.

પરિવારના સભ્યો વચ્ચે સ્વસ્વાર્થને સાધતું વર્તન આપણાથી અત્રે રજૂ કરેલ બાબતોમાં થઈ જતું હોય છે. ક્યાંક આપણું ધાર્યું કરાવવા માટે દૈહિક સગવડ સાચવવા માટે કોઈની ઉપર ગુસ્સો થઈ જતો હોય, કટુ વેણ કે અપશબ્દો કહેવાઈ જતાં હોય, ક્યાંક કોઈની ઉપર હાથ પણ ઊપડી જતો હોય, કોઈને મદદરૂપ થવાને બદલે અડચણરૂપ થતા હોઈએ. – આવું વર્તન પરિવારમાં ક્લેશ અને કંકાસનું કારણ બને છે. જેમાંથી પરિવારના ધ્વંસ સુધીનાં મોટાં મોટાં દુઃખ ઊભાં થઈ જતાં હોય છે.

કુટુંબીજનો કે સગાં-સંબંધીઓ સાથે પોતાનો મોભો જાળવવા માટે, સ્વમાન સાચવવા માટે પોતાના પરિવારના સભ્યો માટે થઈને કુટુંબીજનો સાથે ક્યારેક અણછાજતું વર્તન થઈ જતું હોય છે. ‘ગાયનું ભેંસ તળે ને ભેંસનું ગાય તળે’ કરતા હોઈએ, કોઈ વડીલની કે નાનાની મર્યાદા બોલવામાં કે બેસવામાં ક્યાંક ન સચવાતી હોય, કોઈની નિંદા, ટીકા કે કૂથલી થતી હોય. આવાં વર્તન કરીને કેટલાક પોતે જ પોતાના પગ પર કુહાડો મારતા હોય છે. સમયે એકબીજાનાં સુખ-દુઃખના ભાગીદાર થવાને બદલે દુઃખનાં મૂળ ખોતરતા હોય છે.

ધંધાના ભાગીદારો કે મિત્રો સાથે ક્યારેક આપણા ભવિષ્યના સ્વાર્થ માટે થઈને કે આગળ નીકળી શ્રેષ્ઠ બનવાના અભરખાઓને પૂરા કરવા માટે, વળી આશાના મિનારા બાંધવા આપણું બાહ્ય અને આંતરિક વર્તન જ આપણાં સુખ-દુઃખનું મૂળ બને છે. ને પૂરા કરવા ક્યારેક બાગીદારો કે મિત્રોને નીચા પાડવાની પ્રવૃત્તિ, તેમનાથી આગળ વધી જવા તેમનાથી કંઈક છુપાવીને કાર્ય કરવું, ક્યાંક કોઈની ઉપર મિથ્યારોપણ થતું હોય છે. આવું વર્તન અંદરોઅંદર એકબીજાથી મન નોખાં કરી દે છે. ભાગીદારી અને મિત્રતાના સ્નેહાળ સંબંધો દુશ્મનાવટમાં ફેરવાઈ જાય છે. વગર નિમંત્રણે સર્વત્ર ઉદ્વેગ, અશાંતિ અને દુઃખ આવી જાય છે. કોર્ટ-કચેરીના ધક્કા ચાલુ થઈ જાય છે.

સુખ અને શાંતિ મેળવવા માટે સત્સંગમાં આવતા હોઈએ છીએ છતાં સત્સંગમાં પણ આપણી કોઈ ગણતરી થાય, મોભો જળવાય, પોતાના ધંધાના કે અન્ય સ્વાર્થ માટે સત્સંગી હરિભક્તો ઉપર ક્યાંક પોતાનું વર્ચસ્વ જમાવવાના પ્રયત્ન થતા હોય, સેવાની બાબતમાં વાદવિવાદ થતો હોય, કોઈની નિંદા કે ફરિયાદ થતી હોય, યુક્તિ-પ્રયુક્તિપૂર્વક સેવા ઓછી કરવાનો કે બીજા પર ઢોળી દેવાનો પ્રયત્ન થતો હોય; આવા વર્તનથી સત્સંગમાં પણ વિક્ષેપ ઊભા થતા હોય છે. મન નોખાં પડી જતાં હોય છે. એકબીજા પ્રત્યે દ્વેષ કે આંટી બંધાતી હોય છે જે સત્સંગમાં દુઃખરૂપ નીવડે છે.

આપણા રોજબરોજનાં જીવનમાં માત્ર પિરચિત વ્યક્તિ સાથે જ વ્યવહાર કરવાનો થતો હોય તેવું નથી. ધંધામાં, રસ્તા ઉપર, જાહેર સ્થળોમાં, મંદિરમાં કે અન્યત્ર અપરિચિત વ્યક્તિના સંસર્ગમાં પણ આવવાનું થતું હોય ત્યારે માત્ર આપણા સ્વાર્થને પોષવા માટે જ જો બીજા સાથે વર્તન થાય તો તેવું વર્તન દુઃખનું કારણ બનતું હોય છે. એસ.ટી. બસમાં આપણને બેસવા સારી જગ્યા મળે તે માટે ધક્કામુક્કી કરી ઉપર ચડી જઈએ, જગ્યા રોકી લઈએ, કચરો ગમે ત્યાં નાંખી દઈએ, લાઇનનો ભંગ કરી અશિસ્તભર્યું વર્તન કરીએ, કોઈનું અપમાન કરી નાંખીએ, અપ્રમાણિકતા કરીએ તો ક્યાંક કુદૃષ્ટિ થાય – આવા વર્તને કરીને અપિરિચિત વ્યક્તિઓ સાથે પણ ઝઘડા-કંકાસ થતા હોય છે. ક્યાંક મારામારીમાં ક્રોધનાં વિકરાળ સ્વરૂપો પ્રગટ થતાં હોય છે.

સ્વ-સ્વાર્થ કદી બીજાનાં સુખ માટે પ્રયત્ન થવા જ ન દે. ક્યાંક આવા વર્તનથી માનવતાનાં અને સત્સંગના મૂલ્યો પણ સ્વાર્થવૃત્તિમાં વિલીન થઈ જતાં હોય છે. સ્વાર્થી વર્તન આજે સારું લાગે પરંતુ આવતીકાલે આપણને કોઈની જરૂર પડે ત્યારે દુઃખી થઈ જઈએ. કારણ કે આપણા જીવનમાં કોઈકના સહારાની કે મદદની જરૂર તો પડવાની જ છે. માટે સૌની સાથે માનવતાભર્યું, સહાનુભૂતિભર્યું પ્રેમાળ વર્તન રાખવું જે આપણને આજે અને આવતીકાલે પણ સુખરૂપ નીવડે છે.

એક કેલી નામનો બાળક સ્કૂલની ફી ભરવા માટે ઘર-ઉપયોગી નાની નાની વસ્તુઓ ઘેર ઘેર જઈ વેચતો હતો. એક દિવસ સવારથી આ બાળક નીકળ્યો. બપોર થવા છતાં કોઈ આવક થઈ નહોતી. તે ખૂબ થાકી ગયો હતો. કકડીને ભૂખ લાગી હતી. આગળ જતાં એક ઘરનો દરવાજો ખખડાવ્યો. એક યુવાન ગૃહિણીએ દરવાજો ખોલ્યો. બાળકને જોતાં જ તેમણે કહ્યું, “મારે કોઈ જ વસ્તુ ખરીદવી નથી.”

બાળક ક્ષણવાર માટે તેમની સામે જોઈ રહ્યો અને પછી કહ્યું, “મને ખૂબ તરસ લાગી છે. એક ગ્લાસ પાણી આપશો !” ભૂખ્યા બાળકનો ચહેરો પારખતાં આ યુવાન ગૃહિણીને વાર ન લાગી. તેઓ તરત જ અંદર જઈ આ અજાણ્યા બાળક માટે એક દૂધનો ગ્લાસ ભરી લાવ્યાં અને બાળકના હાથમાં ધરી દીધો.

ઘરની સામાન્ય સ્થિતિ દેખાતી હતી તેથી બાળકે દૂધ જોઈ પૂછ્યું, “મારે આ દૂધના બદલામાં કેટલા પૈસા આપવાના થશે ?”  ત્યારે યુવાન ગૃહિણીએ હસીને કહ્યું, “માત્ર અને માત્ર વ્હાલભર્યું સ્મિત. બસ, બીજું કશું નહીં.” બાળક ખુશ થઈ દૂધ પી ગયો અને તેમનો આભાર માની ત્યાંથી ચાલ્યો ગયો.

આ ઘટના ઘટી તેને વર્ષો વીતી ગયાં. આ ગૃહિણી ગંભીર બિમારીમાં પટકાઈ ગયાં હતાં. તેઓ પોતાના રોગના નિદાન માટે આમથી તેમ દવાખાને ભટકતાં હતાં. પરંતુ પોતાની ગરીબ પરિસ્થિતિને કારણે તેઓ યોગ્ય સારવાર લઈ શકતાં નહોતાં. એક દિવસ તેઓ સરકારી દવાખાનામાં પોતાના રોગનું નિદાન થયા બાદ ડોક્ટરને ઓપરેશન કરવા માટે વિનંતી કરી રહ્યાં હતાં. પરંતુ સૌથી મોટો પ્રશ્ન હતો : ઑપરેશનના પૈસા લાવવા ક્યાંથી ? છતાંય રોગની પીડાથી પીડાતી આ ગૃહિણી વિનંતી કરતી હતી. એ વખતે ત્યાંથી એક યુવાન ડૉક્ટર પસાર થયા. તેઓ આ દૃશ્ય જોતાં ઘડીભર થંભી ગયા અને પરિસ્થિતિને પામી ગયા. તેમણે આ ગૃહિણીની યોગ્ય સારવાર ને ઑપરેશન કરવાની જવાબદારી લઈ લીધી. ડૉક્ટરે ઑપરેશન કરવાની તૈયારી બતાવી. તેથી પહેલાં તો ખુશ થઈ ગયાં પરંતુ બીજી જ ક્ષણે પેલી ગૃહિણી દુઃખી થઈ ગઈ. ડૉક્ટર આગળ દુઃખી વદને વાત કરી કે, “ડૉક્ટર સાહેબ, મારે ઑપરેશનના બદલામાં કેટલા પૈસા ચૂકવવાના થશે ? હું તો નિર્ધન ગરબી સ્ત્રી છું.” ત્યારે આ યુવાન ડૉક્ટરે હસતા હસતા કહ્યું,  “માત્ર અને માત્ર આપનું વ્હાલભર્યું સ્મિત. બસ, બીજું કશું જ નહીં. આપના એક ગ્લાસ દૂધના બદલામાં આ તો કશું જ નથી.”

ડૉક્ટરે આ બિમાર ગૃહિણીને ભૂતકાળની યાદ તાજી કરાવી. વિના મૂલ્યે તેમના ઑપરેશનની અને સારવારની સેવા કરનાર આ મહાન ડૉક્ટર હતા ડૉ. હાવર્ડ કેલી. માનવતાનાં મૂલ્યો જીવનમાં દૃઢ કરાવતો આ પ્રસંગ તેમણે પોતાની આત્મકથામાં લખ્યો છે.

એક અજાણ્યા વ્યક્તિ સાથે સહાનુભૂતિભર્યું અને માનવતાસભર વર્તન જો થઈ શકતું હોય તો પરિવારના સભ્યો, કુટુંબના સભ્યો અને સત્સંગી હરિભક્તો તો આપણા શરીરના અંગ સમાન છે જે આપણાં સુખ-દુઃખના સાથી છે. વસમી વેળાએ પડખે ઊભા રહેનાર છે તો તેમની સાથેનું આપણું વર્તન કેટલું ઉત્કૃષ્ટ કરવું જોઈએ ! અલબર્ટ હર્બડ એક વાક્યમાં વર્તનનું મહત્ત્વ દર્શાવતાં કહે છે કે, “નાની નાની બાબતોમાં સારું વર્તન પ્રદર્શિત કરવું એ એક મૂડી છે.” એટલે કે આપણું બીજા સાથે કરેલું વર્તન આપણા ભવિષ્યનો આધાર બની રહેતું હોય છે.

વર્તનને આપણા જીવનની મૂડી કહી છે. આટલું બધું વર્તનનું મહત્ત્વ સમજાવ્યું તો છે પરંતુ આપણે ખરેખર તેનું મહત્ત્વ સમજ્યા ક્યારે કહેવાય ? જેને પૈસાનું મહત્ત્વ સમજાયું છે તે પૂરા ખંતથી તેનો ઇશ્કી બની પૈસા મેળવવા માટે રાતદિવસ મંડ્યો રહે છે. તેમ આપણા જીવનમાં વર્તનનું મહત્ત્વ સમજ્યા પછી આપણું વર્તન બદલવા દૃઢનિશ્ચયી થઈએ. એ પ્રમાણે આપણું જીવન બદલવા તરફ આગળ વધીએ ત્યારે મહત્ત્વ સમજ્યા કહેવાય.

સાંસારિક જીવનમાં એકલે હાથે ક્યારેય તાળી નથી પડતી. ત્યારે આપણે જેમના સંપર્કમાં વિશેષ કરીને રહેવાનું થતું હોય તેમની સાથેનું આપણું કેવું વર્તન સુખકર નીવડે તેનો વિચાર કરી, આપણા બોલવામાં, બેસવામાં, નાણાકીય કે અન્ય વસ્તુની લેવડ-દેવડ કરવામાં જે કાંઈ ત્રુટિ રહેતી હોય તેને નિવારવી. કેટલીક વખત આપણા વર્તનમાં શું ભૂલ થઈ ગઈ છે તેનો ખ્યાલ આવવા છતાં આંખ આડા કાન કરતા હોઈએ છીએ.

પરંતુ હવે આપણી રીત-રસમ કે વાણી-વર્તનથી સૌની સાથે આત્મીયતાભર્યું વાતાવરણ સર્જાય; ક્યાંય કોઈનું દિલ આપણાથી દુભાઈ ન જાય; આપણા વર્તને કરીને મહારાજ, મોટપુરુષ કે સંસ્થાને ક્યારેય લાંછન ન લાગે; મોટાપુરુષને આપણા વર્તને કરીને મનનો ભીડો ન આવે તે માટે આપણે દૃઢ સંકલ્પ કરી આપણાં સ્વભાવ-પ્રકૃતિમાં, રીત-રસમમાં કે વાણી-વર્તનમાં જ્યાં બદલાવ લાવવો જરૂરી હોય ત્યાં જીવન બદલીએ. મહારાજ અને મોટાપુરુષ સદાય આપણી ઉપર રાજી રહે એવું વર્તનશીલ જીવન કરીએ એ જ અભ્યર્થના.

વિચાર-વાણી અને વર્તનરૂપી ત્રિવેણીસંગમ જ્યારે Positive થઈ જાય ત્યારે જીવનમાંથી દુઃખ, ઉપાધિ, ટેન્શન... આદિ Negativityને મૂળમાંથી ઉખાડીને તાણી જાય છે. પણ… તેમ છતાં આ Positive ત્રિવેણીસંગમમાં એક એવો બહુ મોટો ડૅમ વચ્ચે આવી જાય છે જે પ્રવાહને રોકી દે છે ને જીવનમાંથી Negativityને ખસવા નથી દેતું… કયો છે આ ડૅમ..?? તે જોઈશું આવતા લેખમાં...